આત્મહત્યા

નિકીતા અને આકાશ નવા-નવા લવ મેરેજ કરી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેવા આવ્યા.પહેલા તો બધુ ઠીક હતુ.નિકીતા પાસે નોકરી ન હતી અને આકાશ એક કેન્ટીનમાં કામ કરતો હતો. સવારે જાય તો રાત્રે દસ વાગ્યે આવે.
નિકીતાને ઘરમાં ઘણી વાર એવુ લાગતુ કે એના સિવાય બીજુ પણ કોઈ છે જે આસ-પાસ ચાલી રહ્યુ છે.એને નિકીતા મહેસૂસ કરી શકતી પણ એ વ્યક્તિનું અસ્તિત્વ ન હતુ.પછી તો આ અનુભવ રોજ નો થયો.સવારે આકાશ હોય ત્યાં સુધી કોઈના પગલાનો અવાજ ન આવતો,અને આકાશના ગયા પછી નિકીતાની આસ-પાસ કોઈની હાજરી નો અનુભવ થતો.
નિકીતા હિંમતવાળી હતી.એક દિવસે બપોરે તે સૂતી હતી.તેણે પાયલ પહેર્યા હતા, અચાનક એના પાયલમાં કોઈએ આંગળી ભેરવી પાયલને ખેંચવાનો પ્રયત્ન કર્યો,એની આંખ ખૂલી, નજીકથી કોઈના પસાર થવાનો અનુભવ થયો.તે ડરી ગઈ.છતાં હિંમતથી બોલી, કોણ છે ,મને ખબર છે મારા સિવાય પણ કોઈ અહીં છે ,સામે આવો ,કોણ છો તમે અને શુ ઇચ્છો છો? એકદમ શાંતિ છવાઈ ગઈ.
નિકીતા આકાશને કશુ ન કહેતી.તેને પોતાને પણ આવી બાબતમાં વિશ્વાસ ન હતો પણ અનુભવ તો કોઈ ના હોવાની વાતની હામી ભરતા હતા.એકલી નિકીતા સતત પોતાની આજુ-બાજુ કોઈના પગલાનો અવાજ સાંભળતી.હવે એને આદત પડતી હતી.
લાકડાનો એક જ નાનો પલંગ હોવાથી બંને જણા પથારી કરી નીચે જ સૂતા'તા. આ ઘરમાં રહેવા આવવાને બે મહિના પૂરા થયા હતા.આકાશના ખભા પર જ માથું મૂકીને સૂવાની નિકીતાને આદત હતી.એક રાત્રે અચાનક રસોડામાં કશુ પડ્યાનો અવાજ આવ્યો.બંને જાગ્યા.પછી આકાશે રસોડાની લાઈટ ચાલુ કરી જોયુ.એક તપેલી પડી હતી.નિકુ તે વાસણ બરાબર મૂક્યા નહિ હોય એટલે તપેલી પડી.નિકીતા સમજી ગઈ.પાણી ગરમ કરવાની તપેલી તો હંમેશા નીચે જ રહેતી ,એ ઉપરથી કંઈ રીતે પડે?તે થોડી ડરી ,તેણે આકાશ ને કહ્યું ,"એ તપેલી તો નીચે જ હોય છે એ કંઈ રીતે પડે?"થાકેલા આકાશે સાંભળ્યુ ન સાંભળ્યુ કરી સૂઈ ગયો.નિકીતા પણ થોડી વારમાં સૂઈ ગઈ.રાત્રે ફરી કોઈના પગલાનો અવાજ વધુ જોરથી આવવા લાગ્યો.નિકીતાની આંખ ખૂલી ગઈ....આકાશ તો સૂતેલો જ હતો.નિકીતાએ ધીમેથી બારણા તરફ નજર કરી.ભૂરા નાઈટલેમ્પમાં બધુ દેખાતુ જ હતુ.પણ દરવાજા પાસે કોઈ ન હતુ ,અચાનક તેની નજર લાકડાના પલંગ પર પડી.એક યુવાન જેણે માત્ર ચડ્ડી જ પહેરી હતી તે નિકીતા સામે જોઈ હસતો હતો.નિકીતા એ બીજી જ પળે આંખ બંધ કરી,તે આકાશને હલાવી જગાડવા માંગતી હતી પણ એનુ શરીર જરા પણ તે હલાવી શકતી ન હતી.ડરી ગયેલી નિકીતાનુ શરીર પરસેવાથી ભીનુ થઈ ગયુ,તે જાણે બે-ભાન જેવી થઈ ગઈ તેની ભીનાશથી આકાશ જાગી ગયો.તેણે નિકીતાને બૂમ પાડી પણ નિકીતા ઠંડી પડી ચૂકી હતી.આકાશે તેના હાથ-પગ ઘસ્યા થોડી વારે ભાનમાં આવેલી નિકીતા આકાશને વળગીને બોલી ,મારે અહીં નથી રહેવુ.
ત્રણ જ દિવસમાં ઘર બદલ્યુ,નિકીતા છેલ્લે કચરાની ડોલ ઉઠાવવા ગઈ ત્યારે બાજુમાં રહેતા વિમળાબેન બોલ્યા,ના ફાવ્યુ ,એ છોકરો તો પંદર દિવસ પણ કોઈને રહેવા નથી દેતો તમે સારા ટક્યા.નિકીતાએ પૂછ્યુ ,કોણ છે એે, વિમળાબેન બોલ્યા, ભાડે જ રહેતો હતો બહુ સારો માણસ પણ એના શેઠિયા એ ચોરીના કેસમાં ફસાવ્યો. જામીન પર છૂટીને આવ્યો ને રાત્રે જ પંખે લટકી પડ્યો.એની આત્મા અહીંયા જ રહે છે કોઈને નુકસાન નથી કરતો પણ અહીં રહેવા નથી દેતો....
નિકીતા ઘર તરફ છેલ્લી નજર નાખી ભગવાનને એની મુક્તિની પ્રાર્થના કરતી દાદર ઉતરી ગઈ......

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.