અખંડિત જોડી

ઓમ , કેટલું સરળ વ્યક્તિત્વ આપણે એને મળીયે તો એમ થાય કે આટલા સરળ લોકો હોતા હશે? આ ધરતી પર , આ જમાનામાં ? પણ છે એ હકીકત છે, ઓમ બહુ જ સરસ છોકરો માં બાપનો એકનો એક , એના પિતા બેન્ક માં ઓફિસર હતા , બેન્ક ની જ કોલોનીમાં નાનકડું ટેનામેન્ટ હતું, અને માતા સરળ ગૃહિણી ના કોઈ સાથે કોઈ પંચાત કે ના કોઈ સાથે કોઈ જાજી લપ્પન છપ્પન , એ ભળી અને એનું કામ ભલું, હા એટલું ખરું કે ભળે બધા સાથે, જ્યારે જ્યારે સોસાઈટી મહિલા મંડળની મીટીંગ હોય ત્યારે જાય , વાતો બધી જ સાંભળે પણ પૂછો નહિ ત્યાં સુધી બોલે નહિ, એ બધી જ સ્ત્રીઓ કરતા સુંદરતામાં પણ ચડી જાય , એની હાજરી વર્તાઈ આવે, વ્યક્તિત્વ પ્રભાવશાળી , જ્યારે જ્યારે કોઈ સુઝાવ માટે કહેવામાં આવે ત્યારે એ પોતાનું મંતવ્ય આપે અને ત્યારે બધાને એમ થાય કે વાત તો સાચી જ છે , આપણે તો આ વિચાર્યું જ નહિ, લોકો કહે તમે આવતા રહો અમે બધા તો રોજ સાંજે અહીં મળીયે જ છીએ તમે કેમ નથી આવતા, તો એ કહે મને કામ સિવાય નથી ફાવતું, ઓમ ના પિતા નું પણ એવું જ એ સ્ટાફના મિત્રો સાથે ટોળ ટપ્પા કરવા ના બેસે , હા એના અંગત મિત્રોનું એક અલગ ગ્રુપ ખરું, એ લોકો બધા પતિ પત્ની ભેગા થાય ત્યારે આ બંને ચોક્કસ જાય , ત્યારે આ બંને ખુલે અને ખીલે , આ બંનેની સંયુક્ત પ્રતિકૃતિ એટલે ઓમ , દેખાવે હેન્ડસમ , ભણવામાં તેજ , એનું પણ એવું જ એ અમસ્તો મિત્રો સાથે ગપ્પા મારવા ના જાય , હા એના પણ બે ત્રણ અંગત મિત્રો ખરા પણ એમની સાથે પ્રસંગોપાત મળે ખરો, ઓમ યુવાન થયો કોલેજમાં આવ્યો પછી પોતાના પિતા સાથે હાર્ડ ડ્રીંક લેતો થયો, પણ નિયમિત નહિ, એના પિતા દર શનિવારે સાંજે હાર્ડ ડ્રીન્ક લે એ સમયે પૂછે કે તારી ઈચ્છા હોય તો આવ , લે પણ ઓમ ને મન હોય તો બેસે, આવું સરળ વ્યક્તિત્વ , એ કે એના પિતા બહાર કયાંય પણ કોઈ સાથે પીવા ના બેસે, આ લોકો તો ઘરમાં જ પીવે,

ઓમ જ્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે એના પિતાનું બેન્ક માં જ ચાલુ નોકરીએ સીડી પરથી લપસ્યા અને માથામાં ઈજા થઇ , બ્રેઈન હેમરેજ થયું અને ગુજરી ગયા , એના પિતાની જગ્યાએ ઓમ ને એ વખતના નિયમો અનુસાર રહેમ રાહે નોકરી મળી ગઈ, પણ ગ્રેજ્યુએશન પછી, એ નોકરીમાં ગોઠવાયો અને માં એ એના લગ્નની વાત ચલાવી, એ પરિવારની છાપ એટલી સરસ કે લોકો પોતાની દીકરી ત્યાં આપતા હરખાય , ઓમ ની માતાએ સાત ગરણે ગાળી એક કન્યા ઉપર પસંદગી ઉતારી, ઓમ ને પણ એ કન્યા ગમી એણે હા પાડી પછી કહ્યું કે આશાને પૂછો તો ખરા એને હું , મારી માં અને આ ઘર ગમે છે કે નહિ, એની ઈચ્છા તો છેને ? આશાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એણે માત્ર સ્મિત કર્યું અને બોલી ઓમ તો મને નાનપણથી ગમે છે, મને સતત એમ થતું હતું કે મને ઓમ જેવો છોકરો જીવન સાથી તરીકે મળે તો સારૂં અને એના જેવો નહિ પણ એ જ મળ્યો, આનાથી વધુ શું જોઈએ ? ઈશ્વરે મને બધું આપી દીધું, બંને પક્ષે મજબુત હા થઇ અને લગ્નનું ગોઠવાઈ ગયું,

આજે ઓમ અને આશાના લગ્નને દસ વર્ષ વીતી ગયા,એ દરમ્યાન એની માતા નું પણ અવસાન થઇ ગયેલું, આશા અને ઓમ ને બે સુંદર દીકરીઓ હતી, દુર્વા અને દ્રષ્ટિ ,ટ્વીન્સ હતી ગણેશ ચતુર્થીના દિવસે જ જન્મી હતી, ઓમ અને આશાએ આ બે દીકરીથી જ સંતોષ માન્યો હતો, બંને દીકરીઓ હોંશિયાર રૂપાળી તો હતી જ ,એ પણ એના માં બાપ અને દાદા દાદી જેવી જ , કોઈ આડી અવળી રખડ પટ્ટી નહિ, ઘરમાં જ વળી બંને બહેનો ખરી અને સખીઓ પણ એ જ , એમને જે જોઈતું હોય એ બધું જ માગ્યા વગર મળી જતું, સપ્તાહના અંતે માબાપ ફરવા લઇ જાય અને વેકેશનમાં ક્યાંક દુર ફરવા લઇ જાય,

વાત કરીએ હવે ઓમ અને આશાની તો બંને વચ્ચેનો પ્રેમ કોઈ પ્રેમલા પ્રેમલી ને પણ શરમાવે એવો,ઘણા યુગલ નથી હોતા? કોલેજ કાળમાં પ્રેમ થયો હોય, માતા પિતાને સમજાવી મંજુરી લઇ લગ્ન કર્યા હોય, કાળક્રમે પ્રેમ ઘટે અંતર વધે, અહીં તો માં બાપે જ પસંદગી કરી લગ્ન ગોઠવ્યા હતા , એટલે પ્રેમ લગ્ન પછી પાંગર્યો હતો અને કેવો , આ જગતની દંતકથાઓ સમા પ્રેમીઓને શરમાવે એવો, નોકરીના સમય સિવાય તમે આ બંનેને એકલા જોઈ જ ના શકો કે કલ્પી પણ ના શકો, એ જ્યાં હોય ત્યાં સાથે જ હોય, ઓમ બેન્ક થી આવે પછી તો સાથે બેસી ચ્હા પીએ, અને રાત્રે દીકરીઓ ફ્રી પડે એટલે બધા સાથે જ જમે , સવારે દીકરી અને માતા પિતા બધા સાથે જામે પછી ઓમ બેન્ક માં જાય અને દીકરીઓ શાળા માં જાય, આશા ઘેર એકલી, મજાની વાત તો એવી હતી કે કોઈ સમારંભમાં આમંત્રણ એક વ્યક્તિનું હોય તો ઓમ જાય નહિ, કોઈ ના ઘેર શુભ પ્રસંગ હોય તો એકલો જાય અને માત્ર વહેવાર કરી આવતો રહે, જમે ઘેર પત્ની સાથે જ પણ જે જાણતા એ તો આ બંનેને સાથે જ બોલાવે, જ્યારે દીકરીઓના લગ્ન થયા ત્યારે ઓમે દરેક ને કા તો પરિવાર સાથે નહિ તો પતિ પત્ની એમ જ બોલાવ્યા કારણ એ એમ માનતા હતા કે પતિ પત્ની જુદા હોઈ જ ના શકે,

હા, બંને દીકરીઓના લગ્ન થઇ ગયા , મજાની વાત એ હતી કે એક જ પરિવારમાં જ્યાં દીકરાઓ પણ ટ્વીન્સ હતા , સુખી ઘર હતું એવું સુખી કે એ ઘરમાં પણ પ્રેમ છલકતો હતો, દરેકની વ્યક્તિગત કાર હતી, એવું ઘર, હવે ઓમ અને આશા સાવ એકલા , ઘણા કહે છે કે લગ્નના અમુક વર્ષ થાય એટલે પતિ પત્નીના પ્રેમમાં ઓટ આવે પછી છેક વૃદ્ધત્વ સમયે નજીક આવે , પણ આ લોકોમાં તો જેમ જેમ લગ્ન જીવનના વર્ષો થતા ગયા એમ એમ પ્રેમમાં ભરતી આવતી ગઈ,,વધુ ખીલતો ગયો,કોઈ વિચારે કે વૃદ્ધત્વ સંયે તો ત્સુનામી આવશે, પણ ઈશ્વર મહાન છે ત્સુનામી ના આવવા દે, દરિયો શાંત કરી દે,

કોઈએ પણ આ પ્રેમીઓને જોયા હોય એમને એમ તો થાય કે ઈશ્વર જોડી બરોબર બનાવે છે, આ ક્યારેય નોખા ના પડવા જોઈએ, ઈશ્વર ને પ્રાર્થના કરે કે આ જોડી અખંડ રાખજે, એકાદું પણ આમાંથી ગયું તો બીજાની હાલતની કલ્પના કરવી મુશ્કેલ છે, એ કલ્પના પણ ધ્રુજાવી મુકે એવી હોય, આમાં તો નજર પૃથ્વી પરના કોઈ માણસની લાગી નહોતી, નજર લાગી હતી તો રહેમ નજર કે પ્રેમની નજર લાગી હતી,પણ ઈશ્વર કે જે બધું ત્રાજવે તોલે એણે ત્રાજવું નમાવ્યું, આશાને ગંભીર બીમારી લાગી ગઈ, આશા અને ઓમ તો સામ સામે જોઈ રડ્યા જ્યારે રીપોર્ટ હાથમાં આવ્યો, ઈલાજ ચાલુ કર્યા , બંને સાથે જ હોય, નસીબ જોગે એ સમયે વી આર એસ શક્ય હતું તે લઇ લીધું , હવે ઓમ સતત આશાના સાનિધ્યમાં , એમની દીકરીઓને ખબર પડી તો એ પણ દોડતી આવી, બંનેને સાંત્વના આપવા , એ બંનેને તો ઠીક પણ જે લોકો આ બંનેને જાણતા હતા એ બધાને એમ થતું હતું કે આ જોડી ખંડિત થઇ જશે, અને બધા ઈશ્વરને પ્રાર્થના કરતા કે આટલા સરસ સાચા પ્રેમીઓને અલગ ના કર , આ જોડી અખંડિત રાખ,

દીકરીઓએ કહ્યું કે પપ્પા મમ્મીને હોસ્પીટલમાં દાખલ કરીએ ત્યાં વધુ સારો અને યોગ્ય ઈલાજ થશે, મમ્મી ઝડપી સાજી થશે, ઓમ કહે બેટા એ હોસ્પીટલમાં જશે તો પાછી જ નહિ આવે, તોય દીકરીઓ અને જમાઇઓના આગ્રહને માન આપી આશાને દાખલ કરી, ઓમ પણ ત્યાં ગયો એણે કહ્યું હવે હું ત્યાં જ રહીશ , એ ગયા ત્યારે એક વયોવૃદ્ધ વડીલ બોલ્યા બેમાંથી એકેય પાછા નહિ આવે, હોસ્પિટલમાં ઓમ આશાના પલંગ પાસે જ બેઠો હોય, એ રાત્રે પણ પત્નીના પલંગ પર જ માથું ઢાળીને સુતો હોય, દુર પથારી પણ નહિ કે જુદા પલંગમાં પણ નહિ,હોસ્પીટલના લોકોએ કહ્યું કે સ્પે.રૂમ છે તો આ પલંગમાં સુઓ પણ એ ના જ પાડે, દીકરી જમાઈએ હોસ્પિટલ વાળાને સમજાવ્યા કે જોર ના કરો, એ સહેજ પણ દુર નહિ રહી શકે, પછી એ લોકો માન્યા , ઈલાજ ચાલુ જ હતો, રોજ સવારે છ વાગે દીકરીઓ ચ્હા લઈને આવે પપ્પાને ઉઠાડે મમ્મી ની આંખ બંધ હોય અને તોય બોલાવે, થોડી વારે જમાઈઓ આવે, એટલી વારમાં ઓમ નાહી ધોઈ લે, નર્સ આશાને સ્પંજ કરે,પછી પાછા બેસે,

આજે નિત્યક્રમ પ્રમાણે દીકરીઓ ચ્હા લઇ આવી રૂમમાં દાખલ થઇ ત્યારે ત્યાં મમ્મી પાસે ડોક્ટર અને નર્સ ઉભા હતા , મશીન સામે જોતા હતા લાઈન થંભી ગઈ હતી, આશા રહી જ નહોતી એનો એક હાથ એના પતિ ઓમના માથા પર હતો, ડોકટરે કહ્યું સોરી અમે ના બચાવી શક્યા , દીકરીઓએ પપ્પને હલાવ્યા ડોક્ટર ત્યાં દોડ્યા જોઈ કહ્યું કે એ પણ નથી રહ્યા , બધા દ્રશ્ય જોઈ રહ્યા , આશાનો હાથ ઓમ ના માથા પર ઓમ નો હાથ આશાના હાથ પર , બધા રડી પડ્યા હોસ્પીટલનો સ્ટાફ પણ , ઘેર ગયા તો માનવ મહેરામણ ઉમટ્યો, પેલા વડીલે કહ્યું કે મેં કહેલું કે બંને પાછા નહિ આવે આ પ્રેમ છે , અરે ઈશ્વર પણ આંસુ વહાવતો હશે સંતોષના કે આ જોડીને "અખંડિત રાખી શક્યો"

પ્રેમ કરો તો આવો કરજો, પતિ પત્ની ક્યારેય પ્રેમમાં ઓટ ના લાવશો, ભરતી જ રાખજો, વૃદ્ધાવસ્થામાં તો તમે બે જ હશો, એકબીજાને સાચવવા , જોડી અખંડિત રાખજો,

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.