આ એ સમયની વાત છે જ્યારે હું લગભગ દશ –બાર વર્ષનો હતો, પાંચમાં કે છઠ્ઠાંમાં હતો પાકું યાદ નથી. એ ઘટના વિષે આજે પણ ક્યારેક વિચારું છું તો બે મિનિટ માટે શાંત થઈ જાઉં છું અને વિચારે ચડી જાઉં છું કે તે દિવસ મેં જે જોયું તે મારો ભ્રમ હતો સપનું હતું કે સાચી હકીકત હતી.

અમારું ઘર જામનગરમાં જ્યાં છે તેની બે બાજુ એ મંદિર આવેલા છે એક બાજુ બહુચરાજી માતાજી અને બીજું ઘરની સામે જ વિશ્વકર્મા ભગવાન એટલે નાનપણથી જ કોઈ દિવસ બીક – ડર ભૂત કે એવી બધી વસ્તુથી બહુ ઓછો જ લાગ્યો. તે સમય એ ઉનાળાનો સમય હતો. અમારા ઘરે વર્ષોથી ઉનાળામાં અગાસી – છત પર ખુલ્લા પવનમાં સુવાનો નિયમ, આખું પરિવાર મમ્મી, પપ્પા, ભાઈ, બહેન કે કોઈ મહેમાન આવે તો પણ અમે અગાસીમાં જ સૂઈ. સુતા પહેલા ક્યારેક ક્યારેક કોઈ મહેમાન કે હોય ત્યારે પત્તા કે કૅરમ કે અંતાક્ષરી રમતા. એ દિવસે અમે ઘરના સભ્યો જ હતા. રાત્રે દશક વાગ્યાની આસપાસ તો અમે બધા એ જમી લીધું હશે. થોડીક વાર ટી.વી. જોઈ 11:૦૦ – 11:૩૦ જેવું થવા આવ્યું હશે. હવે સુવા નો સમય થઈ ગયો હતો. અમે બધા ઘરના અગાસી એ પહોચી ગયા. ધીમે ધીમે ધીમે બધા ઊંઘવા લાગ્યા. મમ્મી – પપ્પા – ભાઈ – બહેન અને હું પણ સૂઈ ગયો એક દમ શાંતિથી રોજીંદી ક્રિયા, રૂટીનની જેમ. અત્યાર સુધી બધું એક દમ સામાન્ય જ હતું. ઘટનાની શરૂઆત હવે જ થાય છે. ડર – બીક લાગવાનો, પરસેવા છૂટવાનો સમય હવે જ શરુ થાય છે.

રાત્રિના લગભગ બે –ત્રણ જેટલા વાગ્યા હશે. મારી પાસે કે અગાસીમાં ઘડિયાળ ન હતી અને ત્યારે મને ઘડિયાળમાં જોતા આવડતું કે નહિ તે વિષે પણ મને શંકા છે. મારી નીંદર અચાનક જ ઊડી ગઈ. ઘરના બીજા બધા સભ્યો ઊંડી ઊંઘમાં હતા. મારી નજર બરાબર સામે જ પડી. મેં સુતા સુતા જ એક ભયાનક દ્ગશ્ય જોયું. ઘરની જે બાજુ એ બહુચરાજી મંદિર છે તેની બરાબર ઉપર માટી – જમીન, ધરતી જેવું પળ ધરાવતો ભાગ હતો અને તેની ઉપર એક કાળા વસ્ત્રોમાં ભૂત, ડાકણ, સ્ત્રી, બાઈ એ જે પણ હોય બહુ ભયાનક હતી અને તે જ પડ પર તેનાથી થોડેક દૂર એક નાનકડો છોકરો તેની ઉમર પણ માંડ ૧-૨ વર્ષ હશે તે એક દમ સામાન્ય જેવો લાગતો હતો તેની પાસે એક વાટકા જેવું ખાલી વાસણ હતું તેના કપડા અત્યંત મેલા હતો અને તે ખૂબ ગરીબ જેવો લાગતો હતો. પાછું મારું ધ્યાન તે સ્ત્રી તરફ ગયું મારા શ્વાસની પ્રકિયાની ગતિ એક દમ વધવા માંડી, હું સુતા સુતા જ ડરવા લાગ્યો એક મિનિટ માટે વિચાર આવ્યો કે હું મારા પપ્પા ને જે મારી બાજુમાં જ સુતા હતા તેને જગાડું અને મદદ કરવાનું કવ કે બીજા કોઈ ને જગાડું પણ ખબર નહિ મારા મોઢાની અંદરથી અવાજ જ ના નીકળ્યો તે દિવસે. થોડીક વાર પછી મેં પપ્પાને હાથ થી ઉઠાડ્યા તે ઉભા થયા અને જે મેં જોયું હતું તે જોવા લાગ્યા. હું હજી સૂતો જ હતો અને સુતા સુતા જ તે સ્ત્રી અને તે બાળક ને વારા ફરથી જોયા રાખતો, તે સ્ત્રી જોરજોરથી હસતી હોય એવું લાગ્યું પણ કોઈ અવાજ આવતો ન હતો. મારો ડર ધીમે ધીમે વધવા લાગ્યો હતો શું કરવું એ કઈ સમજાતું ન હતું. બે હાથથી પથારીનો ઓછાળ ફીટ પકડી લીધો હતો અને હું હવે ડરની અંતિમ હદ સુધી, ચરમસીમા એ હું પહોચી ગયો હતો. રડવાની તૈયારી જ હતી ત્યાં ફરી પાછું સામે ત્યાં જ જોયું તો એ છોકરો ધીમે ધીમે ચાર પગે, એ જે પળ જેવું હતું એમાંથી આગળની તરફ એટલે કે મારી તરફ આવતો હોય એવું લાગ્યું. તે છોકરાને પકડવા કે બચાવવા તે સ્ત્રી પણ છોકરાની પાછળ થોડુંક બેઠાં બેઠાં જ આગળ વધી.

એ પળ કે જમીન જેવું હતું ત્યાંથી છોકરો સીધો જ મારી ઉપર પડ્યો એવો લાગ્યું. મેં આંખો બંધ કરી દીધી. ત્યાં જ કોઈકનો અવાજ આવ્યો, “ ઊઠ દિપેશ સવારના નવ વાગ્યા છે...જો તડકો કેટલો આવી ગયો”. મેં આંખો ખોલીને જોયું તો સામે મમ્મી હતી સવાર થઈ ગઈ હતી તડકો હતો. મમ્મીની પાછળ કે જ્યાં હવામાં જે જગ્યા એ મેં થોડીક વાર પહેલા જ જે ભયાનક દ્ગશ્ય જોયું હતું ત્યાં અત્યારે કઈ ન હતું. મારી નીંદર ઊડી ગઈ હતી. મેં ધીમે ધીમે આંખો ચોળી ને આજુ બાજુ જોયું હું એકલો જ સૂતો હતો. બાકીના બધા ઊઠીને અગાસીમાં થી ચાલ્યા ગયા હતા. થોડીક વાર હું એમને એમ પથારીમાં જ પડ્યો રહ્યો મારું મગજ કામ કરતું ન હતું. મેં સપના તો આનાથી વધારે ભયાનક અને બિહામણા કેટલીક વાર જોયા હતા પણ આ ઘટના મને કંઈક અલગ જ લાગી. આ વાતને આજે પંદર-સતર વર્ષ થઈ ગયા હશે અને આ ઘટના પછી અને પહેલા પણ ઘણા સપના જોયા ભૂતના, પ્રેતના કે ચુડેલના, પણ ઈ બધા સપના જ લાગ્યા અને આ કંઈક સાચે બનેલી ઘટના જેવું લાગ્યું. આ ઘટની જાણ અત્યાર સુધી મેં કોઈ ને નથી કરી. મારા પપ્પાને પણ નહિ. એ ઘટના પછી ઘરની અગાસી એ સુવા જતા ક્યારેક ક્યારેક બીક લાગતી પણ ઘરના બધા સાથે હોય એટલે બધું ભૂલાય જતું અને હું નૉર્મલ થઈ જાતો. આજે પણ જ્યારે અગાસી એ જઉં છું રાત હોય છે અને હું એકલો હોવ છું ત્યારે ક્યારેક ક્યારેક વિચાર આવે છે તે શું હતું? સપનું? ના ના સપનું ન હતું. તો, તો શું હતું વાસ્તવિક ઘટના કે મારો ભ્રમ કે પછી બીજું કંઈક?


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.