ટેબલ પર કોફીનો કપ ઠંડો થતો હતો, અને વૈદેહી દૂર ક્ષિતિજમાં તાકતી ખોવાયેલી બેઠી હતી. આવું જ બદામડીનું ઝાડ હતુ. વરસાદી માહોલમાં પવન ફૂંકાય, ને હવા સાથે જાણે નૃત્ય કરતુ.એની પાછળ હતી નારીયેળી. એ બંનેની ટ્યુનિંગ ગજબની હતી .. બંને આગળ પાછળ હિલોળા લેતા. વૈદેહીને તે જોવું બહુ ગમતુ. કલ્લાકો સુધી બાલકનીમાં ઉભી, કોફીનીસિપ લેતા લેતા તે દ્રષ્ય માણ્યાં કરતી. અહીં તો હજુ ગર્મી પડે છે. આકાશમાં વાદળ ઘેરાય ન ઘેરાય કે જાણે એક બીજા સાથે કિટ્ટા કરી હોય તેમ છુટ્ટા પડી જાય. કોઇ વાર એકાદ જોરદાર ઝાપટુ પડે, પણ પાછી તો અકળાવી નાખે તેવી ગર્મી. આમેય મુમ્બઇ જેવો વરસાદ અહીં દિલ્લીમાં ક્યાં. ત્યાં તો જાણે વરસાદની મૌસમમાં બધુ ઝરમર થઇ જતુ. વરલીનો તોફાની દરિયો, ઊછલતા મોજા ને તેમાં ભિંજાતી, તરબતર થતી વૈદેહી.. તે પોતાની જાતને જોઇ રહી ક્યાંય સુધી..

“કેમ, આજે ઓફિસે જવાનો વિચાર નથી.?” ને વૈદેહી ઝબકી ને જાગી. બીજી ઘણી વસ્તુઓની જેમ ઠંડી કોફીએ ગટગટાવી ગઇ. ખરેખર મોડુ થઇ ગયુ.તે ઝડપથી કામ આટોપવામાં પડી.પણ આજે હાથ પાછા પડતા હતા.મનમાં કંઇક ખટકતુ હતુ.

“નાસ્તામાં શું છે.?” વૈદેહીએ ગરમ શેકેલી સેંડવીચ ટેબલ પર મૂકી.એક સમય હતો જ્યારે આ સેંડવીચનો દીવાનો હતો ફારૂખ.”"જાનૂ, તારા હાથની સેંડવીચ એટલે જાણે જન્નત.” પણ આજે.. “રોજ આ ઘાસફૂંસ જ ખાવાના.?. અચ્છા ભલા શેરને તે બકરો બનાવી દીધો છે.” મેં તને નહોતું કહ્યુ બકરો બનવાનું. તું તારી મરજી થી હોંશે હોંશે બન્યો છે. વૈદેહીને કહેવું હતુ, પણ શબ્દો ગળી ગઇ.

“પછી તે શો વિચાર કર્યો.?”ફારૂખ પૂછતો હતો. વૈદેહી ટિફિન ટેબલ પર મૂકી મૂંગી મૂંગી બાથરૂમમાં જતી રહી. ને ગુસ્સામાં ફારૂખ જોરથી દરવાજો પછાડીને ગયો. જેનો ધમાકાનો અવાજ આખા ઘરમાં ફરી વળ્યો. બાથરૂમમાં નહાતી વૈદેહી ધ્રુજી ઊઠી. આ શું થતુ જાય છે.?. વાત જેટલી એ સંભાળવાની કોશિશ કરે છે એટલી જ ફારૂખ બગાડે છે. જાણે હવે પોતાનુ કોઇ અસ્તિત્વ જ નથી. શાવરના પાણી સાથે એના આંસુ પણ વહેતા રહ્યા. આમે મનને બાથરૂમ સિવાય મોકળાશ ક્યાં મળે છે.!

એક તો મોડી પડી હતી..તેમાં દિલ્લીનો ટ્રાફિક ..ટેક્સીમાંથી દિલ્લીની ઊંચી ઇમારતો જોઇ રહી.દિલ્લી ભલે દેશની રાજધાની, પણ મુમ્બઇ વાલી બાત કહાં.આજે રહી રહી ને મન કેમ પાછળની ગલીઓમાં ભટક્યા કરે છે.એક અવિચારી, ઉતાવળીયુ પગલુ માણસની આખી જિંદગી બદલી નાખે છે. એફ એમ પર ગીત વાગતુ હતુ..

“ છોડ આયે હમ વો ગલીયા..જહાં તેરે કદમો પે કમલ ખીલા કરતે થે.. હ્સે તો દો ગાલો પે ભંવર પડા કરતે થે.”

તેને પોતાના ગાલ પંપાળ્યા. પપ્પા કાયમ તેના ગાલ ખેંચ્યા કરતા.પપ્પાની યાદ તીવ્રતાથી તેને ઘેરી વળી.બાજુમાં એક બાઇક આવીને ઉભી રહી. એક છોકરી પોતાના પપ્પાની પાછળ બેઠી હતી. “પપ્પા, પપ્પા જલ્દી ચલાઓ ને. સ્કુલમાં લેટ થશે.” “હા બેટા.. હમણા ફુર્ર કરતા પહોંચી જશુ. ડોંટ વરી.”.. અને તોય એ છોકરી પપ્પાને જલ્દી બાઇક ચલાવવાનું કહતી હતી. .વૈદેહી એ છોકરીમાં પોતાની તસ્વીર જોઇ રહી. તેના પપ્પા પણ આવા જ હતા.આમજ તે પપ્પાના સ્કૂટર પર બેસી જતી .. “પપ્પા, આજે લોંગ ડ્રાઇવ પર ચલો ને.”“અરે, મારી દીકુની વાત તો માનવી જ પડશે.” અને પપ્પા એને દૂર દૂર સુધી ફરવા લઇ જતા. આખા એરિયામાં પપ્પા ફેમસ હતા, એના પ્રેમાળ સ્વભાવ માટે.પપ્પાનું વ્યક્તિત્વ જ એવું હતુ. હમેશા બધાની મદદ માટે તૈયાર..અબોટિયું પહેરી જ્યારે પપ્પા માતાજીની આરતી કરતા હોય ત્યારે રાજા જનક જેવા તેજસ્વી લાગતા. “તું તો મારી વૈદેહી છે,મારૂ અભિમાન છે.” લાડમાં કહેતા અને પોતે ..પોતે એક વરસના પ્રેમ ખાતર પચ્ચીસ વરસનો વિશ્વાસ તોડી નાખ્યો હતો.!

સિગ્નલ ગ્રીન થયુ ને બાઇક રસ્તા પર પાણીના રેલાની જેમ સરી ગઇ ને પેલી છોકરી ખિલખિલાટ હસી પડી. પણ વૈદેહી .. એક બળબળતો નિસાસો એના મોઢામાંથી સરી પડયો.

ઓફિસે પહોંચી કે કામના ઢગલા. આજે ફોરેનથી ડેલીગેશન આવ્યુ હતુ.. એક પછી એક મિટિંગ.સમય ક્યાં નિકળી ગયો ખબર જ ન પડી. રિપોર્ટ સબમિટ કરતા કરતા આઠ વાગી જ ગયા. ઘરે પહોંચી ત્યારે નવ વાગવા આવ્યા હતા. ફારૂખ આવી ગયો હતો.

“કેમ, બહુ લેટ થઇ ગયુ.?”“હા,આજ જરા વધારે કામ હતુ.”. કપડા બદલવા તે અંદર ગઇ ફારૂખએ બદલેલા કપડા એમનેમ ફર્શ પર પડ્યા હતા. એક તીવ્ર વાસ એના નાકમાં પ્રવેશી ગઇ..ક્યારેક આમાંથી તેને ખૂશબૂ આવતી હતી..જે માદક ખૂશબૂ પાછળ એ પાગલ હતી.!કપડા એમજ રહેવા દઇ તે ઝટપટ કિચનમાં પહોંચી. એને એમ હતુ કદાચ ફારૂખએ કંઇ તૈયાર કરી રાખ્યુ હશે. પણ ના.. ફારૂખ તેના અસલ મિજાજમાં આવી ગયો હતો. કૂકરમાં શાક વઘારી તે કણક મસળવા લાગી.

“પછી તે શો વિચાર કર્યો વૈદેહી.?”. ફારૂખ બહારથી જ પૂછતો હતો. પૂછતો હતો કે આજ્ઞા કરતો હતો.? એનો આવો ટોન ક્યારે કેમ બદલાઇ ગયો . પહેલા તો પોતે ઓફિસેથી લેટ આવી હોય તો ફારૂખ અડધી રસોઇ કરી રાખતો. ‘અરે તે કેમ કર્યુ. હું બનાવતને આવીને’.. ‘વૈદેહી તું પણ મારી જેમ થાકીને આવી છે ને. હું તારી થોડી મદદ તો કરી જ શકુ’વૈદેહીના મોંઢા પર આવેલી વાળની લટ ફારૂખ ધીરેથી હટાવતો .. ને વૈદેહીનો બધો થાક ઉતરી જતો.આજ કિચન કેટલાક પ્રેમાળ દ્રષ્યોનો સાક્ષી છે.કેટલા તોફાન કેવી મસ્તી.. કેટલો અગાધ પ્રેમ.. અને આજે..

.એના એ પ્રેમના સહારે તો એવો કઠીન નિર્ણય પોતે લઇ શકી હતી. એ પ્રેમ, સમજણ, લેટ ગો કરવાની ભાવના જાણે ક્યાં કપૂરની જેમ ઉડી ગઇ. આ એજ ફારૂખ હતો. જે એના મોઢા પર એક ઉદાસીની રેખા જોઇ નહોતો શકતો. જેના એક બોલ પર તે પીઘળી જતો . તે એનીં રૂવેં રૂવેં વસતો હતો. એ એની આંખોમાં જોતો ને વૈદેહીને કંઇ નું કંઇ થઇ જતુ.. એશું હતુ.?.અને હવે ક્યાં જતુ રહ્યુ..! હવે કેમ તે આંખો સુક્કીભટ્ટ જેવી થઇ ગઇ છે. એ પ્રેમનું ઝરણું ક્યારે સુકાઇ ગયુ.!.

વૈદેહીને યાદ આવ્યુ..જ્યારે પહેલી વાર તેને ખબર પડી..પોતે કેટલી રડી હતી.. ચાર દિવસ સુધી કોલેજ પણ નહોતી ગઇ . અને અકળાએલો ફારૂખ ફોન પર ફોન કરતો હતો.વૈદેહી એ તેનો ફોન પણ ન ઉપાડ્યો .તો.તો..એને મીતા સાથે ખાસ ઘરે સંદેશો મોકલાવ્યો હતો. “કેમ મને અવોઇડ કરે છે..?વૈદેહી એક વાર મને મળ તો ખરી. શું ચાલી રહ્યુ છે તારા મનમાં.ખબર તો પડે મને.”“ના ના, મીતા તુ કહી દેજે એને .. મારે એને નથી મળવુ..અમે ધરતી અને આકાશની જેમ ક્યારે એક ન થઇ શકીએ. પછી મળીને શું ફાયદો. એની સામે જઇશ કે હું પિઘળી જઇશ..”

“તો એમાં વાધોં શો છે.?.જો તારા પ્રેમમાં કેટલી તાકાત છે એ ખબર તો પડશેને.”. મીતાએ પણ દલીલ કરી હતી.“એ તને ગમે છે ને.?”. “ હા, પણ મીતા તને તો ખબર છે મારા પપ્પા.મમ્મી દાદા.. ક્યારેય અમારા લગન માટે રાજી નહીં થાય.પછી વાત આગળ વધારી ને શું ફાયદો.”“.હા પણ એક વાર એને મળ તો ખરી.. પછી મળીને નક્કી કર..શું કરવું છે..આફ્ટર ઓલ તે એને પ્રેમ કર્યો છે.. આમ કંઇ કહ્યાવગર તું એને છોડી ન શકે.” મીતાના ઘણા સમજાવ્યા પછી તે ફારૂકને મળવા તૈયાર થઇ..છેલ્લી વાર.. .

બંને ગાર્ડનમાં મળ્યા. ફારૂખ તેને ભેટી પડ્યો.. .“વૈદેહી આ ચાર દિવસ મારી માટે ચાર યુગ જેવા વિત્યા છે..તું કેમ રહી શકી મારા વગર. ?” એ ધીરે થી અળગી થઇ.. “હવે આપણે એક બીજાથી અલગ રહેવાની આદત પાડી દેવી જોશે ફારૂખ..તને તો ખબર છે આપણે સાથે રહી શકીએ તેમ નથી.મને પહેલા ખબર હોત તો તારી સાથે પ્રેમમાં પડત જ નહીં.”. “એમ પૂછીને થાય પ્રેમ?’

એ દિવસે ઘણી વાત થઇ હતી બંને વચ્ચે.. ઓહ, એની વાતોમાં પહેલા કેવું ઉંડાણ, કેવી સમજણ હતી..’વૈદેહી.. હિંદુ અને મુસલમાન બંને અલ્લાહના બંદા છે. બંને ધર્મો પ્રભુ પાસે પંહોચવાના બે રસ્તા છે. આપણી મંઝિલ તો એક છે. રસ્તા જુદા હોય તેનાથી શું ફરક પડે છે. તારા અને મારા શરીરમાં વહેતુ લોહી એક જ રંગનું છે. આપણી વચ્ચે ભેદ કેવા.ધરમતો ઇંસાને એ બનાવેલા વાડા છે ’

‘પણ ફારૂખ,તું સમજ તો ખરો.મારા પપ્પા કટ્ટર હિંદુ બ્રાહ્મણ. અમારે ત્યાં પૂરખોંના સમયથી સ્થાપેલુ માતાજીનું ઘરમંદિર છે. અમે માની આરતી કર્યા વગર પાણી પણ લેતા નથી. અને તું મુસલમાન. પરધર્મી. આપણું રહનસહન અલગ, ખાનપાન અલગ. તમે માંસાહારી જ્યારે અમે ચુસ્ત શાકાહારી. અમારા ઘરમાં કાંદા, લસણ પણ અગ્રાહ્ય છે.આપણો મેળ કેમ જામશે.. મારા પપ્પા તને કદી નહીં સ્વીકારે.’

‘જો તુ જો મને પ્રેમ કરતી હોય, તો આ બધુ નગણ્ય છે. પ્રેમથી ઊંચી કોઇ વસ્તુ નથી આ દુનિયામાં. ખાન પાનનું શું છે. આજથી હું તારી માટે માંસાહાર છોડુ છું. તું જે બનાવીશ, જેવું બનાવીશ, હું ખાઇશ બસ.તુમ જેમ કહીશ તેમ રહીશ..’

‘પણ મારા માતા પિતાને છોડી, હું આમ તારી સાથે ન નીકળી શકુ. તેમને કેટલો શોક લાગશે.’.

‘ ડોંટ ફીલ ગીલ્ટી.તું તારી રીતે જિંદગી જીવવા સ્વતંત્ર છે. એક ખાલી ધર્મ માટે તું મને છોડી દઇશ.? આપણો પ્રેમ ધર્મ, નાતજાતથી પરે છે. તે એમ વિચાર્યુ કે હું તારા વગર કેવી રીતે જીવીશ.?’ફારૂખે તેનો હાથ પકડી લીધો. અને તે હાથની ભીનાશમાં તે ભિંજાઇ ગઇ. સઘળુ છોડીને.. ઘરબાર, માબાપ, શહેર..એ ફારૂખના શબ્દો પર વિશ્વાસ મૂકીને જ અહીં આવીને.. અને હવે આજે એ પૂછે છે કે તે શો વિચાર કર્યો.! વિચાર તો બંને એ સાથે મળીને કર્યો જ હતો ને. તો પછી આજે ..આજે કેમ આવો પ્રશ્ન..? ના,ના હવે બહુ થયુ. આને અહીં જ અટકાવવુ પડશે. ફારૂખ આવું ન કરી શકે. અન્યાય કરવાવાળા કરતા અન્યાય સહન કરવાવાલો વધારે દોષી છે ..બસ હવે બહુ થયુ..

તેને ટેબલ પર જમવાનું ગોઠવ્યુ. ડીશો મૂકી કે ફારૂખે એક પેકેટ તેના તરફ લંબાવ્યુ. “શું છે આ.?”. “કેમ, આપણે વાત થઇ હતી ને”.. “અચ્છા ..તો તું લઇ પણ આવ્યો.!”. “જો વૈદેહી.”.ફારૂખે જરા સમજાવટના સૂરમાં કહ્યુ.. “અબ્બૂ ફક્ત ચાર દિવસ માટે જ આવવાના છે. તેમના માન ખાતર તું આટલુ ન કરી શકે.?પછી તો તારે જેમ રહેવું હોય તેમ રહે જ છેને.. ફક્ત ચાર દિવસ જ બુરખો નાખવાનો છે.”

“ જો ફારૂખ ..આ બાબત આપણે ઘણી ચર્ચા કરી ચુક્યા છીયે.” શાંત સંયત સ્વરમાં વૈદેહી બોલી. “ને છતાય..છતાય તું કહેતો હોય તો પહેલા ચાલ.. મારા પપ્પાના ઘરમંદિરમાં ગંગાજળથી સ્નાન કરી કંઠી પહેરી તું આરતી કરવા માટે તૈયાર છે. ?”

“ગંગાજળ.!. માયફૂટ “..આક્રોશથી ફારૂખે પ્લેટ ફગાવી. વૈદેહી આજે મક્કમ હતી. ના.. આજે તો નીચે પડેલી પ્લેટની કરચ તે નહીં જ સમેટે..


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.