તમને અમદાવાદમાં કોઈ સ્થળનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળે તો શેનું કરો ?

-જાહેર રસ્તા ઉપર શૌચાલયનું... ! અને મને ખબર છે, આખી જિંદગીમાં આવું આમંત્રણ નહિ મળે ! (દર્પણ પંડયા, રાજકોટ)


ચિત્રકલા, હસ્તકલા, માટીકલા, લલિતકલા અને હવે શશીકલા... !

-એટલે 'કરૃ-કલા'! (હર્ષ એસ. હાથી, ગોંડલ)


હું ફિલ્મ બનાવું તો મેઈન લીડ આપ કરશો ? શું ચાર્જ લેશો ?

-આપણા બેનો મેળ નહિ પડે. તમને ફિલ્મ બનાવવાનો અને મને ફિલમ ઉતારવાનો શોખ છે ! (નાઝનીન કોકાવાલા અઝીઝાબેન, સુરત)


રાહુલ-અખિલેશના ગઠબંધનને કોઈ એક ફિલ્મી નામ આપવું હોય તો શું અપાય ?

-ફિલ્મોને એટલી સસ્તી ના બનાવો ભાઈ, કે ગમે તે આલીયા-માલીયાનું નામ આપી દેવાય ! થર્ડ-કલાસ તો થર્ડ-કલાસ ફિલ્મો ય પ્રજાનું મનોરંજન તો કરે છે ! (નીરત ઊનડકટ, રાજકોટ)


તમે માનો છો કે, આપણા દેશમાં રાજાશાહી જ જોઈએ ?

-રાજકારણના તખ્તા ઉપર જે કોઈ રાણીઓ દેખાય છે, તે બધી વિધવાઓ હોય છે... 'રાણીશાહી' તો શક્ય લાગતી નથી. (શિવરાજસિંહ પી. ઝાલા, રાજકોટ)


વાંકાચૂકા દાંતનું દવાખાનું ! આમાં વાંકા તો સમજ્યા, પણ 'ચૂકા' એટલે કેવા ?

-ગોરધનને ખભે બચકું ભરવા જતાં જેના દાંત વળી ગયા હોય એ ! (ટી.વી. બારીયા, વડોદરા)


શું બોસ... પછી પેલું ગોટીની શેરીવાળું કબાટ ખસેડયું કે નહિ ?

-એના બધા નકૂચા ઢીલા પડી ગયા હતા... (વિજય ખાચરીયા, જેતપુર)


મને 'બુધવારની બપોરે' વાંચીને ક્યારેક ખડખડાટ હસવું આવે છે, એમાં તમારા લખાણની ગુણવત્તા હશે કે મારી તીવ્ર બુદ્ધિ ?

-અફ કૉર્સ, તમારી બુદ્ધિ જ... કે, શું વાંચવાથી એ વધે છે, એની તો ખબર પડે છે! (નિલેશ વૈષ્ણવ, ભરૃચ)


ડિમ્પલ કાપડિયા... અશોક દવે, શું બન્નેના કી.મી. પૂરા થઈ ગયા છે ?

-ખોટી આશાઓ રાખીને બેઠા છો ! (ઠાકોરભાઈ મિસ્ત્રી, આણંદ)


કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પાછા જઈ શકશે ખરા ?

-જે ગયા છે, એ ભારતીય સૈનિકો પાછા આવી શકશે કે કેમ, એ પૂછો. પથરા ખાધે રાખવાના. સામો વાર નહિ કરવાનો ! (ધવલ જે. સોની, ગોધરા)


સત્યનો વિજય આજના જમાનામાં કેમ શક્ય નથી ?

-પહેલાના જમાનામાં ય સત્યનો વિજય થતો જોયો તો નથી ! (દીપક એમ. પંડયા, બિલિમોરા)


ગુજરાતમાં જ્યાં માંગો ત્યાં દારૃ મળે છે. છતાં શરાબીઓ દારૃ પીવા ઠેઠ દીવ સુધી કેમ લાંબા થાય છે ?

-પહેલા તો ક્યાં 'માંગવાનો' એ પ્લીઝ જણાવશો અને બીજું, સત્યની રાહ બહુ લાંબી હોય છે, ભાઈ ! (ચિંતન લોહરાણા, ઊના-ગીર સોમનાથ)


કાળા અને ધોળામાં શું ફરક પડે ?

-એક વાર કાળાને કાળો કહી જોજો, એટલે ખબર પડશે. (ગૌતમ પડશાલા, સુરત)


તમને પાકિસ્તાનના અખબારમાં કોલમ લખવાનું આમંત્રણ મળે તો સ્વીકારો ખરા ?

-એ તો પાકિસ્તાન છે... એનો ટેસ્ટ આટલો ઊંચો ક્યાંથી હોય ? (માધવ જે. ધુ્રવ, જામનગર)


અખિલેશ યાદવની જીભ બહુ લાંબી થઈ ગઈ લાગે છે...

-બાળકોને લગતા સવાલો ''ઝગમગ'' પૂર્તિમાં પૂછો. (ડી.એચ. ચાવડા, અમદાવાદ)


ગર્લફ્રેન્ડનાં લગ્ન બીજા છોકરા સાથે થાય તો શું કરવું ?

-તમે અને કોઈ ત્રીજો બચી ગયા કહેવાઓ ! (આશિક હસમુખભાઈ શેઠ, અમદાવાદ)


આપ અમેરિકાના પ્રેસિડેન્ટ વિશે શું માનો છો ?

-એટ લીસ્ટ... એ બોલેલું કરી બતાવે છે ! (કિશોર મહેતા, રાજકોટ)


બા ખુશ ક્યારે થાય ?

-એમનો દાઢનો દુ :ખાવો બંધ થાય ત્યારે. (વૃત્તિ અધ્યારૃ, પાટડી-સુરેન્દ્રનગર)


એકે ય ધારાસભ્ય એસ.ટી. બસમાં મુસાફરી કરતો જોયો/સાંભળ્યો નથી, છતાં એમના નામની સીટો રીઝર્વ કેમ રખાય છે ?

-પ્રવાસીઓ સમજી શકે કે, આ સીટો પહેલેથી ગંદી છે. એની ઉપર ન બેસાય, માટે! (પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)


આપના મતે રાષ્ટ્રગીતનું ગૌરવ નહિ જાળવનારાઓને શી સજા થવી જોઈએ ?

-એ સહુને મહારાજોની કથા સાંભળવા બેસાડી દેવા જોઈએ... ત્યાં ય રાષ્ટ્રગીત ગવાતું નથી. (ધનેશ મિસ્ત્રી, નડિયાદ)


યુ.પી.ની પ્રજા વિશે શું માનો છો ?

-નસીબદાર પ્રજા છે. દેશમાં પહેલી વખત મોદી પછી પ્રજાને કોઈ કામ કરતો મુખ્યમંત્રી મળ્યો છે. (વિજયસિંહ મોરી, કોડિનાર)


નામ, સરનામું, મોબાઈલ નંબર ભલે ફરજિયાત છે, પણ એમાં સવાલ પૂછવો ફરજિયાત ખરો ?

-મારો જવાબ કેવો લાગ્યો ? (ડૉ. પ્રતિક પટેલ, મહિસાગર-સંતરામપુર)


મોદી અને ટ્રમ્પ, બન્ને એકસરખા મગજના છે ?

-તો જ પોતાના દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજે ને ? (ભારતી ગજ્જર, કેલિફોર્નિયા-અમેરિકા)


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.