ગોપાલ પટેલ. એક કાઠીયાવાડી ગરીબ ખેડૂતનો દીકરો. એન્જિનિયરિંગમાં ભણી રહ્યો હતો! તેને એન્જીનિયર બનવું ન હતું. તેને શું બનવું એજ ખબર ન હતી. પણ શું કરે?


એ રાત્રે એક વાગ્યો હતો. ગોપાલ કોલેજની લાઈબ્રેરી (જે ચોવીસ કલાક ખુલ્લી રહેતી, અને કોઈ ભડવીર ત્યાં જતો નહીં!)માં બેઠોબેઠો એક નવલકથા વાંચી રહ્યો હતો. ખાક વાંચતો હતો? રડતો હતો. પોતાની જીંદગી અને જવાની વેડફી રહ્યો છે એના પર રડતો હતો. શું કરે? ખબર જ નથી કે પોતાનું ગણતું કામ શું છે. મનમાં હજારો વિચારો આવતા હતા. મરવાના વિચારો પણ આવેલા.

ગોપાલની આંખમાં પાણી ભરાયું. નવલકથાના અક્ષરો ઝાંખા દેખાવા લાગ્યા. એક ટીપું એ અક્ષરો પર પડ્યું.
“રડતો બંધ થા ગોપલા. જિંદગી બાકી છે હજુ. લડી લેજે.” મનમાંથી અવાજ આવ્યો.
બુકના અક્ષરો વધુ આંસુથી ભીના થવા લાગ્યા. ગોપાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
“રડી લે આજે. રડી લે કાયર. રડી લે. પણ હવે તારા ભોળા ગરીબ બાપુજીને ફોન કરીને કહી દે કે તું એન્જીનિયર નહીં બને બસ.” મનમાંથી ઊંડો અવાજ આવ્યો.

ગોપાલે આંસુ લૂછ્યાં. બુક બંધ કરી. ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને આંસુમાં ઝાંખા દેખાતા સ્ક્રીન પર ‘Bapuji’ લખેલા નામ પર ડાયલ કર્યું. રાતના એક વાગ્યે!

થોડી રિંગ પછી સામે છેડેથી એક ભારે દબાયેલો અવાજ આવ્યો:
“હા બેટા. જય શ્રીકૃષ્ણ.”
“જ...જય શ્રીકૃષ્ણ...” ગોપાલે ધ્રૂજતા અવાજમાં કહ્યું. તે રોજે ફોન પર પહેલાં આ શબ્દો જ બોલતો. સામે છેડે તેના બાપુજીએ ગોપાલનો દબાયેલો અવાજ સાંભળીને પૂછ્યું:
“કેમ સું થ્યું દીકુંને? કેમ રાતે એક વાગે ફોન કર્યો? બધુંય બરાબર તો સેને બટા?” બાપુજીએ પૂછ્યું. ગોપાલના બાપુજીની બોલી ધરતીની ભાષા હતી. કાઠિયાવાડી અભણ છતાં સમજદાર ખેડૂતની મીઠી ભાષા હતી.
બસ, આવો જ સવાલ સાંભળવો હતો આ દીકરાને. આ અવાજ જ સાંભળવો હતો. કોઈ પોતાનું માણસ પૂછે તો ખરા ‘શું થયું છે.’
“તમે ક્યાં છો બાપુજી?” ગોપાલે થોડા રડેલા અવાજે પૂછ્યું.
“ખેતરે જ સુ બેટા. પાણી વાળું સું. કેમ હું થ્યું?” બોલીને બાપુજીએ ગોપાલના મૂંગા રડવાના અવાજને સાંભળ્યો: “તું રોવે સે કે એવું લાગે સે મને?”

...અને ગોપાલ મોટેથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. જાણે ચાર વરસથી નહીં નીકળેલો ખદબદતો લાવા આજે ફૂટી ગયો. લાઇબ્રેરીમાં બહાર બેઠેલા વોચમેને પણ સાંભળ્યું તેવા અવાજે ગોપાલે રડવાનું ચાલુ કર્યું. સામે છેડે કશું ન સમજી શકતા બાપુજી માત્ર ધ્રુસ્કાંઓ સાંભળી રહ્યા હતા. છેવટે તેઓ બોલ્યા:
“અરેરે... સુ થ્યું ઈ તો કે. રમેશભાઈના દીકરા રોવે થોડા. પેલા મને વાત કે, પસી તારે રોવું હોય તો રોજે.”
આંસુ લૂછીને ગોપાલે પોતાની આખી કોલેજ લાઇફ, બધા જ વિચારો અને દરેક નિરાશાઓનો સાર કહી દીધો:
“બાપુજી... મારે ભણવાનું છોડી દેવું છે. મારે નથી ભણવું. એન્જિનિયરિંગ છોડી દેવું છે મારે.”
“લ્યો બોલો... આટલી અમથી વાત ઉપર તું રોવા બેઠો? ગાંડો જ સોને હાંવ.” બાપુજીએ થોડું ભારે હસીને કહ્યું. ગોપાલને થોડી રાહત થઈ. તે બોલ્યો:
“બાપુજી... હું કદાચ એન્જિનિયર બની જઈશ તો પણ સારો એન્જિનિયર નહીં બનું. આવતીકાલે ઊઠીને દસ હજારની કોઈ નોકરી લઈને જિંદગીભર તૂટતો રહીશ મને ન ગમતું કામ કરીને. કોલેજની ફીના રૂપિયા પણ ત્રણ વર્ષે ભેગા થશે.”
“તે તારી કોલેજમાં તો કંપનીયું આવતી’તીને લેવા માટે?”
“ના. નથી આવી. મંદી છે આ વરસે.” ગોપાલને આ વાક્ય કહીને ગમતું ન હતું. પોતાની ક્ષમતા ઓછી હતી એ પણ એક કારણ હતું.
“તે ઇ કંઈ વાંધો સે જ નહીં. તું મોજ કરની. તારી પાંહેથી એક કે’તા એક રૂપિયોય મારે કે તારી માને જોતો નથી. એમાં ભણવાનું સોડી દેવાય? અને આમેય તારે તો અઠવાડિયું જ બાકી રયું સેને કોલેજ પૂરી થાવામાં?”
“પણ શું કામનું બાપુજી? આ ડિગ્રી લઈને હું પણ હજારો ઘેટાં-બકરાં જેવા એન્જિનિયરોના ટોળામાં જોડાઈ જઈશ ઊંધું ઘાલીને. નથી કોઈ દિશા, નથી કોઈ સપનાં. બસ ઊંધું ઘાલીને જોબ કરતો રહીશ. મારે એવું નથી બનવું બાપુજી.”
બાપુજીએ જાણે ગોપાલના માથે બાજુમાં આવીને હાથ ફેરવી આપ્યો હોય એવો સવાલ પૂછી લીધો:
“હું બનવું સે તારે તો પસી બેટા?”
“નથી ખબર બાપુજી મને શું બનવું છે એ...” અને ફરી રડી પડાયું ગોપાલથી.
“તો પસી શી ઉપાધિ સે આ બધીય? તને જો ખબર જ નથ કે સુ બનવું સે તો પસી મોજ કરની.” બાપુજી હસ્યા. કદાચ ગોપાલને થોડો હળવો કરવા તેઓ આ વાત કરી રહ્યા હતા.
“ના બાપુજી...એવું ન હોય. જેવા છીએ એવા સ્વીકારીએ તો ક્યારેય આગળ નહીં આવીએ.” ગોપાલે બાપુજીને દોસ્તની જેમ કહ્યું.
“તે પસી જેવા નથી એની વાંહે બળતરા કરીને આગળ આવીએ ખરા?”
આ વાક્ય ગોપાલને ચાબુકની જેમ દિલ પર વાગ્યું.
“ના. બાપુજી. નથી કરવી મારે બળતરા. પણ હું નથી રોકી શકતો મારી જાતને. હું આવો જ છું. રડરડ કરું છું.”
“હું સે પણ ગોપાલ તને? મરદનો ફાડિયો થૈન રોવા બેહસ?” બાપુજીએ મોટા અવાજે કહ્યું.

ગોપાલ ચૂપ થઈ ગયો. થોડીવાર બન્ને વચ્ચે ચૂપકીદી રહી. ગોપાલ સામે છેડે ખેતરમાં ખળખળ વહેતા પાણીનો અને રાત્રિની હવાનો અવાજ સાંભળી રહ્યો હતો. આ તરફ આ અભણ ખેડૂત પોતાના એન્જિનિયર દીકરાના ન સમજાય એવા સવાલ સાંભળીને આંખો ભીની કરી બેઠો હતો અને પોતાના દીકરાનો રડવાનો અવાજ પણ સાંભળી રહ્યો હતો. લાંબી ચૂપકીદી પછી બાપુજી બોલ્યા:
“બેટા...તારી વાતનું મરમ ઇ જ સેને કે તને તારો રસનો વિસય ખબર્ય નથ?”
“હા...” ગોપાલને ગળે ડૂમો બાઝી ગયો હોવાથી માત્ર ‘હા’ બોલી શક્યો.
“તો પેલાં એક વાર્તા કવ. ઇ હાંભળ એટલે ઓટોમેટિક તને મારી વાત હમજાય જાહે.”


ગોપાલે ફોનને કાન પર સરખો દબાવ્યો અને સામે છેડે બાપુજીએ કહાની ચાલુ કરી:
“આજથી હમજી લે પાંત્રીહ-ચાલીહ વરહ પેલાંની વાત છે. એક નાના એવા ગામમાં એક ગરીબડા ખેડુના ઘરનાં એક સોકરાની વાત સે. એ સોકરો તયી બાર-તેર વરહનો હતો. ભણતો ઊઠી ગ્યો ’તો. ખેતી કરતો. બાપના ખેતરે રોજ સવારે આઠ વાગ્યામાં પોગી જાતો અને આખો દિ’ ખેતીના કામમાં ઢવડાં કર્યા કરતો. ખેતી એને નો ગમતી. બપોરે એની મા ભાત લઈને આવે ઇ ઝાડવા હેઠે બેહીને ખાઈ લેતો. પાસો સાંજ લગી કામમાં લાગી જાતો. રાતે ઘરે આવીને સાનોમાનો દૂધ-રોટલો ખાઈ લેતો ને પાસો ખેતર ભેગો થઈ જાતો. આખી રાત ઘઉંમાં પાણી વાળ્યા કરતો.
...પણ બશારો બાળક આખી રાત રોયા કરતો”
“કેમ?” ગોપાલે ધીમેથી પૂછ્યું.
"...કેમ કે ઇ સોકરાને ખેતી નો’તી કરવી. એને શહેરમાં જઈને મોટો ધંધાવાળો માણહ બનવું હતું. બિઝનેસ કરવો ’તો. મુદલ થ્યું તું એવું કે ઇ સોકરાને ખબર પડી ગઈ હતી કે એને ધંધો કરવામાં મોજ આવે સે. એનુંય એક કારણ હતું. ઇ સોકરાએ એના ખેતરમાં અમુક શાકભાજી ઉગાડ્યાં ’તાં. ઇ શાકભાજી એક મોટા ટોપલામાં લઈને ઇ સોકરો ગામમાં વેસવા જાતો. ઇ સોકરો ગામની ગલી ગલીમાં જાતો અને મોટેથી જુદાં જુદાં શાકનાં નામ લઈને અવાજ કરતો. ગામની બાયું ને આદમી શાક લેવા ઘર બા’રાં આવતાં. અને સોકરો પોતાની જબાનથી શાક વેસી નાખતો. ઇ શાક વેસવામાં એટલો પાવરવાળો હતો કે એના માથા ઉપરથી ટોપલો હેઠો ઉતારે એટલે ઇ ટોપલો ખાલી થઈ જાય. રેશમ જેવો ગુવાર, ને સોનાની લગડી જેવાં બટેટાં. કૂણો માખણ જેવો ભીંડો ને ગુલાબની કળી જેવાં મરસાં. ઇ સોકરો એવી છટામાં બોલતો કે સામેવાળો પીગળી જાતો ને ભાવ કરવાનું પણ ભૂલી જાતો.

એક દિ’ સવારે ઇ સોકરો પાણી વાળીને ખેતરેથી ઘરે આઇવો. એના બાપુ પાહે ગ્યો. એના બાપુને ધીમેથી પૂસ્યું: ‘બાપુ... મારે ખેતી નથી કરવી. મને નથી મજા આવતી. મારે ધંધો કરવો સે. તમે મને થોડાક રૂપિયા આપો તો મારે શે’રમાં જઈને શાકભાજી વેસવાનો ધંધો ખોલવો સે.’ બસ...એટલું કીધું ને એના અભણ બાપે એને ગાલ ઉપર બે લપાટ સોડી દીધી. સોકરો રોવા લાગ્યો. એના બાપે એનો કોલર પકડીને ધમકાવીને કીધું: ‘આપડી સાત પેઢીમાં કોયે બાપદાદાની ખેતી સોડવાનું વિશાર્યું નથ. તું કંઈ વાડીનો મૂળો સો? તારી લાયકાત સે શે’રમાં જાવાની? સાનોમૂનો આ ગામમાં પડ્યો રે’ અને ખેતી કર. આપડા જેવાઓને આ ખેતરની ધરતીમાં જનમવાનું સે અને ખેતરમાં કામ કરતાં કરતાં એક દિ’ આઇખું બંધ કરી દેવાની સે. હવે બીજીવાર મને આ વાત કરી સે તો ટાટિયા ભાંગી નાખહ.’

બસ... પસી તો ઇ સોકરો સપનાં જોવાનું બંધ કરીને રોજ દિ’-રાત ખેતરમાં કાઢવા માંડયો. એના નાની ઉંમરે લગન થઈ ગ્યાં. સંતાનો થઈ ગ્યાં. રોટલી કમાવાનો ભાર એના બધાં બાળપણનાં સપનાં ઉપર સડી બેઠો. પણ... તોયે રોજ રાત્રે ઇ સોકરો ખેતરે પાણી વાળવા જાતો. રોજ રાત્રે ખેતરની વશે એકલો પાણીમાં ઊભો રઇને પોક મૂકીને રોતો. પોતાને ખેડુ નહોતું બનવું એ એને ખબર્ય હતી.” બાપુજીએ કહ્યું. લાંબો શ્વાસ લીધો. ગોપાલ ચૂપ હતો. ખેતરમાં ઊભેલો એ બાળક એની આંખો સામે તરવરી રહ્યો હતો. બાપુજીએ થોડીવાર પછી એક નિ:સાસો નાખીને ફરી કહ્યું:

“ગોપાલ બટા... ઇ સોકરો કોઈ નહીં પણ તારો આ બાપ રમેશ પટેલ જ સે હો...” ગોપાલે એ શબ્દો સાંભળ્યા અને તેના હાથના રુંવાડાં ઊભાં થઈ ગયાં. “બટા... તારા દાદાએ મને નો જાવા દીધો શે’રમાં. મારે ધંધો કરવો ’તો. મારે બિઝનેસમેન બનવું ’તું. રોજ રાતે આ ખેતર વશે પાણીમાં ઊભો રહીને હું મારાં આંસુને પાણીમાં પાડી દઉં સું.”

ગોપાલની આંખોમાંથી પણ આંસુ નીકળી ગયાં અને હાથમાં રહેલી બુકના પેજ વચ્ચે પડ્યાં.

“બટા... તારો બાપ તો ક્યારેય પોતાનું સપનું પૂરું કરી નો શક્યો. પણ તું ઊભો રે’તો નઈ હો. તારો બાપ બેઠો સે. તને નહીં રોકું. તું તારે સપનાં જો અને સાકાર કર્ય. નો રોકું તને. ઇ પાપ કેવાહે.” બાપુજીએ કહ્યું અને ગોપાલ બસ એ અવાજમાં રહેલું ઝનૂન સાંભળતો રહ્યો.

“...પણ બટા... એક વસન આઇપ. તું જે દિ’ જાણી લેને કે તારે સું બનવું સે તે દિ’ એ કામની વાંહે લાગી પડજે. ખૂબ રૂપિયો કમાજે. અને જે દિ’ તને લાગે કે ઘણોય રૂપિયો કમાણો સો... તે દિ’ મને થોડાક રૂપિયા દેજે હો દીકરા. મારે બીજું કાય નથી કરવું પણ શે’રમાં જઈને એક શાકભાજીની લારી સાલું કરવી સે. બસ.” બાપુજીએ લાંબો શ્વાસ લીધો, “બસ મારે મારું સપનું આ ઉંમરેય પૂરું કરવાની ઇસા સે.”

ગોપાલ આંખો બંધ કરી ગયો. બસ...

એ ક્ષણ તેને માણસ તરીકે બદલાવી ગઈ...

(સમાપ્ત)

આ વાર્તા આમ તો સત્ય ઘટના કહી શકાય. મારા પોતાનાના જીવનમાં બનેલી ઘટના. હું જ્યારે ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં હતો ત્યારે આ રીતે જ લાઈબ્રેરીમાં બેસીને રડેલો, અને બાપુજીએ આ વાર્તા કહેલી. આજે વર્ષો પછી હું લેખક બન્યો. થોડા સમય પછી લગ્ન પણ છે, અને બાપુજીનું એ સપનું હજુ અધૂરું છે. લગ્ન કરીને હું બા-બાપુજીને શહેરમાં બોલાવી લઈશ. એમને મેં કહ્યું નથી, પરંતુ એમને જે ધંધો કરવો છે એ મને ખબર છે. આ વાર્તા ત્યારે સાર્થક થશે જ્યારે બાપુજીનું સપનું સાકાર થશે.


હા...એકવાત આપને કહેવી રહી ગઈ: આ વાર્તા મૂળ તો મેં મારી બીજી નવલકથા "નોર્થપોલ"માં મુકેલી. ગોપાલ એ નવલકથાનું પાત્ર છે. નવલકથાને ગુજરાતભરમાં વાચકોનો જે વિશાળ પ્રતિસાદ મળ્યો તેમાંથી ઘણા કોલ્સ અને મેઈલ્સ અંદર આ ઉપર કહી એ લાઈબ્રેરીની ઘટના વિષે પુછાતું હતું. એટલે આજે અહીં પબ્લીશ કરી દીધું.

એન્જીનીયરીંગ સમયનો અમારો બાપ- દીકરાનો ફોટો :)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.