ગ્રંથિગાથા

ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’નો એક ડાયલોગ મને બહુ ગમ્યો. ફિલ્મની વાર્તા એવી છે કે અજોડ યોદ્ધો પેશ્વા બાજીરાવ પોતાની પત્ની કાશીબાઈને ખૂબ પ્રેમ કરતો હતો. છતાં એ મસ્તાની નામની એક મર્દાની રૂપવતીના પ્રેમમાં પડ્યો. એટલું જ નહીં, મસ્તાની સાથે લગ્ન કરીને એક દીકરાનો બાપ પણ બન્યો. અલબત્ત, પહેલી પત્નીને એણે તરછોડી નહોતી. ઉલટાનું, પ્રથમ પત્ની કાશીબાઈનો માન-મરતબો અને પેશ્વીણ બાઈ (પેશ્વાની મુખ્ય પત્ની) તરીકેનો કાશીબાઈનો રુતબો-હોદ્દો બરકરાર રહે એ માટે બાજીરાવે પૂરતું ધ્યાન રાખ્યું. ટૂંકમાં, બેય પત્ની સાથે બાજીરાવનું ગાડું જેમતેમ ચાલતું રહ્યું, પણ એક દિવસ કાશીબાઈએ પોતાની નારાજગીનું હાર્દ સ્પષ્ટ કરતાં બાજીરાવને કહ્યું, ‘બીજું બધું તો ઠીક છે, પણ તમે મારું ગુમાન તોડી નાખ્યું.’

વર બીજી બાઈના પ્રેમમાં પડ્યો એ ઠીક છે. બીજી બાઈ સાથે વર પરણી ગયો અને બીજીના પેટે છોકરું જન્મ્યું એ પણ ઠીક છે. ‘વો સબ તો ઠીક હૈ, પર તુમને મેરા ગુરુર તોડ દિયા.’ આ એક વાતે કાશીબાઈ બાજીરાવને માફ કરવા તૈયાર નથી.

વાત સમજવા જેવી છે. કાશીબાઈના જીવનના કેન્દ્રમાં એક ગુમાન હતું કે ‘હું કોણ? હું પેશ્વીણ બાઈ, મહાન પેશ્વા બાજીરાવની પ્રાણપ્યારી પત્ની.’ પોતે બાજીરાવના જીવનનું કેન્દ્ર છે એ વાતનું ગૌરવ કાશીબાઈના જીવનનું કેન્દ્ર હતું. એ ગૌરવ એટલું જોરદાર હતું કે લોકો સાથેના જાહેર વર્તનમાં તો ઠીક, કાશીબાઈ ઘરમાં એકલી ચાલી રહી હોય તો પણ એની ચાલમાં એ ગૌરવ દેખાય. પછી પતિના જીવનમાં બીજી ઓરતનું આગમન થવાથી કાશીબાઈનો રોફ, અભિમાન, ખુમારી તૂટી ગયાં. જીવનનું કેન્દ્ર જ હચમચી ગયું. જોકે પછી પણ દુનિયાની નજરમાં ‘બાજીરાવની પ્રાણપ્યારી પેશ્વીણ બાઈ’ તરીકેની પોતાની ઇમેજ અને મગરૂરી જાળવવાની મથામણો કાશીબાઈએ ચાલુ રાખી, પણ એ તો તમાચો મારીને ગાલ લાલ રાખવાની કવાયત હતી. ગાલની અસલી લાલી તો વરના જીવનમાં બીજી સ્ત્રીના આગમન સાથે જ ગાયબ થઈ ચૂકી હતી.

ગુમાન-અભિમાન એ કોઈ મોટો સદ્ગુણ નથી, છતાં આપણામાંના લગભગ બધા જ લોકોને અભિમાન-ગૌરવ ગમતું હોય છે. જ્ઞાતિની છોકરી બોર્ડમાં 84 ટકા લાવે તો પણ આપણે જ્ઞાતિનું (અસલમાં ખુદનું) ગૌરવ પ્રગટ કરવા માટે સમારંભ યોજીએ છીએ. હિન્દુવાદીઓ તો સ્પષ્ટ હિન્દીમાં કહે કે ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’. ભારતીય લોકો અમેરિકામાં પેપ્સી-ગૂગલના સીઈઓ બને ત્યારે ભારતમાં બેઠેલા લોકોની છાતી ગજગજ ફૂલે.

આ ગર્વ શા માટે? ચઢિયાતાપણા (સુપિરિયોરિટી)ની લાગણી આપણને આટલી બધી પ્યારી શા માટે હોય છે? સુપિરિયોરિટીની આ લાગણી છેવટે છે શું? જવાબ સાદો છેઃ ઇન્ફિરિયોરિટી (લઘુતા)થી બચવા માટે માણસ સુપિરિયોરિટી અનુભવવા મથ્યા કરે છે. કોઈ મહાન મનોવિજ્ઞાનીએ કહ્યું છે કે અસલમાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ જેવું કશું નથી હોતું. કોમ્પ્લેક્સ તો ફક્ત ઇન્ફિરિયોરિટીનો જ હોય છે. પોતાની લઘુતા-ઓછપ છુપાવવા માણસ ગુરુતા દેખાડવા મથે, તોછડાઈ દેખાડે, બીજાને ઉતરતાં ગણે... પ્રોબ્લેમ લઘુતા છે. ગુરુતા તો લઘુતાની અભિવ્યક્તિની એક આડકતરી રીત માત્ર છે.

હું જો મારા ભારતના ભ્રષ્ટાચાર-ગરીબી-ગંદગીને લીધે લઘુતા અનુભવતો હોઉં તો એ લઘુતા છૂપાવવા મારે એવા દાવા કરવા પડે કે બોસ, મારી ભારતીય સંસ્કૃતિ મહાન હતી અને વિમાનો તેમ જ પ્લાસ્ટિક સર્જરી ભારતમાં જ શોધાયેલી. કમ ઓન, આજની તારીખે હિન્દુ સંસ્કૃતિ જગતની એક અત્યંત આદરણીય પ્રાચીન સંસ્કૃતિ છે, વેદ-ઉપનિષદ-ગીતા ખરેખર સમૃદ્ધ ગ્રંથો છે, શૂન્યની શોધ ભારતમાં થયેલી... આ બધી હકીકતોને શાંતિથી ટાંકી જ શકાય. આમાં મિથ્યા-અભિમાનની કોઈ જરૂર જ નથી. છતાં, પોતાના ધરમ વિશેનું ખોટું અભિમાન જગતના તમામેતમામ ધર્મના અનુયાયીઓ અનુભવે છે. ધાર્મિક ગૌરવનું સૌથી વરવું રૂપ જોવું હોય તો આઈએસ (સિરિયા-ઇરાકમાં પેધા પડેલા ઉગ્રવાદીઓ)ને જુઓ. એ જગતમાં ખલીફા-રાજ સ્થાપવા માગે છે. આ તો એક્સ્ટ્રીમ (અંતિમ) ઉદાહરણ થયું. બાકી, પોતાના ધરમ-કોમ-દેશ-જ્ઞાતિની વાત નીકળતાં આપણા સૌના નસકોરાં સહેજ ફુલાઈ જાય અને આપણે સહેજ તણાવપૂર્વક-આવેગપૂર્વક વાત કરવા લાગીએ... આવું શા માટે?

માણસ જ્યારે ‘હું કોણ?’ એ સવાલના જવાબમાં પોતાના મનમાં પોતાની જાત વિશેની જે છબિ દોરે એમાં બે મુદ્દે બહુ ઘાટ્ટી રેખાઓ દોરેઃ લઘુતા અને ગુરુતા યાને કિ શરમ અને ગૌરવ. અસલમાં આ બેય લાગણીઓ પીડાની જ અભિવ્યક્તિ છે. લઘુતા એ પીડાની સ્પષ્ટ અભિવ્યક્તિ છે, જ્યારે ગુરુતા એ લઘુતાની પીડાની આડકતરી અભિવ્યક્તિ છે. આ લઘુતા-ગુરુતાની લાગણીઓ આપણી સ્વ-છબિના, આપણી ઓળખના મુખ્ય રંગો બની રહે છે. આ છબિ રચનાર જે છબિકાર છે, એ છે ‘નકલી હું’. ‘નકલી હું’ પોતાની નકલી છબિ બાબતે બહુ જ પઝેઝિવ-પ્રોટેક્ટિવ હોય છે. કોઈ બીજી વ્યક્તિના વર્તનથી પણ આપણી આ છબિ ખરડાય ત્યારે આપણે કાશીબાઈ-મોડમાં આવી જઈએ છીએ. કાશીબાઈ એના વરની બેવફાઈ તો માફ કરી શકી, પણ એના મનમાં એની પોતાની જે છબિ હતી એ તૂટી એ વાતે કાશીબાઈ પોતાના વરને માફ ન કરી શકી.

મારી છબિની મસ્તી નહીં, મારી ઇમેજ સાથે ચેડાં ન જોઈએ, મારી ઓળખનું નામ નહીં લેવાનું... આ જે આગ્રહ છે એ આપણા સૌના ‘નકલી હું’ની મૂળભૂત જીદ હોય છે. પોતાની ઓળખનું ગુમાન અને પોતાની ઓળખનો ક્ષોભ આ બેય ‘પીડા’ને ‘નકલી હું’ જડથાની જેમ વળગી રહેવામાં માને છે. કારણ કે એ પીડાઓ ‘નકલી હું’નું હાર્દ છે. આવામાં, કોઈ આવીને મારી લઘુતા-ગુરુતાની આ પાયારૂપ ઓળખ પર (કાશીબાઈના બાજીરાવની જેમ) પ્રહાર કરશે તો! મારી આત્મછબિ ખરડાઈ જશે તો! આ ચિંતાને લીધે ‘નકલી હું’ એટલે કે તમે ને હું સતત એક આછી બેચેનીઅને અસ્વસ્થતા અનુભવતા હોઈએ છીએ. લઘુતા-ગુરુતાની ગ્રંથિઓ સમગ્ર માનવજાતને કનડતી એક અત્યંત ગંભીર સમસ્યા છે. અસલમાં આ બિનજરૂરી ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓ વિના જીવી જ શકાય, ઉલટાનું વધુ સારી રીતે જીવી શકાય. પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ અને ઠીક ઠીક હદે બાળકો પણ લઘુતા-ગુરુતાના ભાર વિના જીવે જ છે. આપણે પણ એવી રીતે જીવી શકીએ.

વ્હાય નોટ?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.