ગાલિબ એટલે ગાલિબ

ગુજરાતમાં ગઝલની લોકપ્રિયતા ફાફડા-જલેબીથી કમ નથી. પણ ગઝલ-ગઝલમાં ફેર હોય છે. ગાલિબની એક ક્લાસિક ગઝલ લઈએ, જે પ્રમાણમાં જાણીતી પણ છે. શબ્દો છેઃ

હઝારોં ખ્વાહિશેં ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે,

બહુત નિકલે મેરે અરમાન લેકિન ફિર ભી કમ નિકલે.

ગાલિબ કહે છે કે હૃદયમાં ઇચ્છા તો એવી એવી જન્મે છે કે એકએક ઇચ્છા પૂરી કરવામાં જન્મારો ઓછો પડે. આ અનુભૂતિ ફક્ત ગાલિબની નથી. દુનિયાની પ્રત્યેક વ્યક્તિની આ જ હાલત છે. આપણી એકએક ઇચ્છા એવી હોય છે કે પૂરી કરવામાં હાંફી જવાય. જેમ કે, સારું ઘર. આ એક જ ઇચ્છા પૂરી કરવા માટે કેટલી મોટી લોન લેવી પડે, કેટલા વર્ષો સુધી હપતા ભરવા પડે. આવી અમુક દુન્યવી ઇચ્છાઓ પૂરી કરવા માટે જીવનભર દોડાદોડી કર્યા પછી માણસ મરણની નજીક પહોંચે ત્યારે મોટે ભાગે એને એવું લાગે કે બહુ ઓછું કામ થયું... ઘણું બધું બાકી રહી ગયું. આવી મનોદશામાં જ્યારે અરમાનોની યાદી બનાવવામાં આવે સપાટી પર સળવળતાં અરમાનો ઉપરાંત એકદમ ઊંડે ધરબાયેલા, ક્યારેય બહાર ન આવેલા બીજા અરમાનો પણ બહાર કાઢવાની ઇચ્છા થાય. એવું લાગે કે જે અરમાનો પૂરા કરવા પાછળ આટલી ભાગદોડ કરી એ ઉપરાંત બીજા પણ અરમાનો ઉમેરી શકાયા હોત (જેમ કે, ફિલ્મોમાં સુપરસ્ટાર બનવું, હિલસ્ટેશન પર બંગલો હોવો...). ટૂંકમાં, અરમાનોનો કોઈ અંત નથી. છેવટે તો અરમાન છે તો ઉત્સાહ છે તો જીવન છે તો ગતિ છે. માટે જ ગાલિબ મજાકમાં કહે છેઃ બહુત નિકલે મેરે અરમાન, લેકિન ફિર ભી કમ નિકલે.

ગઝલ જે શબ્દની આસપાસ રચાઈ છે એ શબ્દ છે ‘નિકલે’. આ જ શબ્દના આધારે સામાન્ય કવિ ચીલાચાલુ ગઝલ રચે તો ‘તેરી બાંહો મેં દમ નિકલે’ કે ‘દોસ્ત ખોખલે નિકલે’ કે પછી ‘સનમ બેવફા નિકલે’ પર વાત અટકી જાય. સનમ બેવફા નીકળે એ સિચ્યુએશન બહુ કોમન છે. પણ એ વાત કઈ રીતે કહેવાય છે એના ‘પૈસા’ છે. સામાન્ય ગઝલકાર ‘સનમ બેવફા નિકલે’ સુધી જ પહોંચશે, જ્યારે ગાલિબ તો છેક મક્કા પહોંચે છે. એ લખે છેઃ

ખુદા કે વાસ્તે પર્દા ના કાબે સે ઉઠા જાલિમ,

કહીં ઐસા ન હો યહાં ભી વહી કાફિર સનમ નિકલે.

એટલે કે, મક્કામાં કાબા ખાતે જે સ્થાનક છે તેના પરથી પડદો પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ ન ઉઠાવશો. ક્યાંક એ પડદાની પાછળ પણ એ જ કાફિર સનમ દેખાશે તો! કાફિર સનમ વિશે વધુમાં ગાલિબ જત જણાવે છે કે

મુહબ્બત મેં નહીં હૈ ફર્ક જીને ઔર મરને કા,

ઉસી કો દેખ કર જીતે હૈ જિસ કાફિર પે દમ નિકલે.

મતલબ, જેના પર હું મરું છું એને જોઈને જ જીવવાનું બળ મળે છે.

નિકલે શબ્દ જેવી રીતે સાદો છે એવી રીતે આખેઆખી તુચ્છ-સામાન્ય લાગી શકે એવી એક લીટી છે ગાલિબનીઃ

યે ન થી હમારી કિસ્મત કે વિસાલ-એ-યાર હોતા...

વિસાલ એટલે મિલન. હાય રે કિસ્મત! પ્રમી સાથે મિલન થાય એવાં અમારાં નસીબ ક્યાં? વો દિન કહાં કિ મિયાં કે પાંવ મેં જૂતી? દસમા ધોરણના કોઈ છોકરાએ લખેલી લાગી શકે એવી આ લીટી છે. જોકે અત્યંત આશ્ચર્યજનક હકીકત એ છે કે ગાલિબને ઉર્દુમાં જેટલી પણ ગઝલો લખી એમાંની અડધાથી પણ વધુ ગઝલ 13થી 19 વર્ષની ઉંમરમાં લખી નાખેલી. સમજો કે દસમા-બારમા ધોરણમાં ભણતા છોકરાની ઉંમરે. મતલબ કે પ્રતિભા નાની ઉંમરે પણ ઝળકી શકે. એમ તો શંકરાચાર્ય અને વિવેકાનંદ અને જિસસ ક્રાઈસ્ટ પણ ત્રણેક દાયકાની ટૂંકી જિંદગીમાં, કાચી ઉંમરે ઘણું પાકું કામ કરી ગયેલા. મુદ્દે, કિશોર અને યુવાવસ્થામાં પણ અમુક છોકરા-છોકરી ઘણાં પુખ્ત થઈ ચૂક્યાં હોય છે અને એમની સમજદારી, વાળ ધોળા થઈ ચૂક્યા હોય એવા વૃદ્ધો કરતાં વધુ હોઈ શકે એ સ્વીકારવું રહ્યું.

પણ જે છોકરો આવો પ્રતિભાશાળી નથી, જે દસમા ધોરણમાં છે અને ગઝલ લખવાનો જેને શોખ છે એ એની ચીલાચાલુ શૈલીમાં લખે તો કદાચ ગાલિબ જેવી જ લીટી લખી શકેઃ યે ન થી હમારી કિસ્મત... વેરી એવરેજ. વેરી ઓર્ડિનરી. પણ આ તો અડધો શેર છે. એ પૂરો થાય ત્યાં સુધીમાં એ સવા શેર થઈ જાય છેઃ

યે ન થી હમારી કિસ્મત કિ વિસાલ-એ-યાર હોતા,

અગર ઔર જીતે રહતે, યહી ઇન્તેઝાર હોતા.

હજુ વધુ જીવ્યા હોત તો આ જ કામ કર્યું હોત, મિલનની પ્રતીક્ષાનું કામ. મતલબ, આ તો મરણપથારી પરથી કહેવાઈ રહેલી વાત છે. જરા કલ્પના કરોઃ મોંમાં ગંગાજળ રેડાઈ રહ્યું હોય, આંખો ચકળવકળ થઈ રહી હોય, શરીર ખેંચાઈ રહ્યું હોય, આખી જિંદગી એક ઝબકારારૂપે આંખ સામેથી પસાર થઈ રહ્યું હોય ત્યારે પૈસો, પ્રતિષ્ઠા, સંતાનો, વારસો વગેરેમાંથી કોઈ પણ બાબત પર ધ્યાન ન જાય અને એવો વિચાર આવે કે હાય... ઉફ્ફ... ઓહ... પેલું મિલન ન થયું. પણ આવા નિસાસા પછી તરત જાણે સ્વસ્થ થઈને કહેવાઈ રહી હોય એવી વાત એ છે કે ખેર, જો હજુ વધુ જીવવા મળ્યું હોય તો આ જે ધંધો ચાલુ રાખ્યો હોત, ઇશ્વરની શોધનો ધંધો કે પ્રેમિકાના આગમનની રાહ જોવાનો ધંધો. એ સિવાય જિંદગીમાં કરવા જવું બીજું છે શું? મિલનનું માહાત્મ્ય સૌથી મોટું. બાકી બધું જ તુચ્છ. ઇવન મૃત્યુ પણ તુચ્છ. આ શેરમાં ઝટ ધ્યાને ન ચડે એવી વાત એ છે કે આખી વાતમાં જે બાજુ પર રહી ગયું છે એ છે મોત. શેર કહેવાયો છે મરણોણ્મુખ વ્યક્તિના શબ્દોરૂપે. પણ અભિગમ એવો છે કે મોતનું તો જાણે સમજ્યા... એ આવ્યું તો ભલે આવ્યું... એ તો જાણે એક આડવાત છે... મૂળ વાત છે પેલું મિલન, જે થઈ ન શક્યું.

‘ભ્રામક સાદગી’ સાથે ઊંડામાં ઊંડી વાત કહેવામાં ગાલિબને ભારે હથોટી. એનો એક નમૂનો, ગાલિબનો મને સૌથી વધુ ગમતો શેર, આ રહ્યોઃ

ન થા કુછ તો ખુદા થા, કુછ ના હોતા તો ખુદા હોતા,

ડૂબોયા મુઝ કો હોને ને, ન હોતા મૈં તો ક્યા હોતા.

મતબલ, મારી પાસે આ નામ-રૂપ-શરીર-ઓળખ નહોતાં ત્યારે હું ઇશ્વર-ચેતના-આત્મા જ હતો, કંઈ ન હોત તો હું ભગવાન હોત. આ તો જન્મ થયો, અસ્તિત્વ મળ્યું એમાં હું ડૂબ્યો, બાકી જો ‘હું’ હોત જ નહીં તો શું હોત!

તરત સમજાય કે અરે, આવી જ વાત તો શંકરાચાર્ય કહી ગયા છે. ફરક એટલો જ કે ગાલિબે ઉર્દુમાં લખ્યું, શંકરાચાર્યે સંસ્કૃતમાં. બાકી, વાત તો એક જ છેઃ ચેતના પર શરીર, ઓળખ, અસ્તિત્વના આવરણો લપેટાવાને કારણે આપણે ઇશ્વરત્વ ‘ગુમાવી’ બેસીએ છીએ, બાકી તો આપણે ઇશ્વર જ છીએ. આવી ગહન વાત, કેટલા સરળ શબ્દોમાં! ફરી એક વારઃ

ન થા કુછ તો ખુદા થા, કુછ ના હોતા તો ખુદા હોતા,

ડૂબોયા મુઝ કો હોને ને, ન હોતા મૈં તો ક્યા હોતા.

ગાલિબને ખબર હતી કે પોતે ક્લાસિક છે, અમર છે. એટલે ‘ક્યા હોતા’વાળી ગઝલમાં એમણે આગાહી કરી નાખી છેઃ

હુઇ મદ્દત કે ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ,

વો હર એક બાત પે કહના, જો યૂં હોતા તો ક્યા હોતા.

મતલબ, મારા મર્યા પછી પણ લોકો યાદ કરશે કે કમાલનો હતો પેલો ગાલિબ, જે વાતે વાતે કહેતોઃ આવું હોત તો કેવું હોત!

હા, ગાલિબ ખરેખર કમાલનો હતો.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.