પોતાનું વતન છોડીને વિદેશને પોતાનું બનાવવું એક અઘરું કામ છે. એમાંય મારા જેવા માટે કે જેને કચ્છ, કચ્છના લોકો તરફથી ખુબ લાડ - પ્રેમ - આશીર્વાદ મળ્યા હોય, અમદાવાદે આકાશ આંબાવાના સપનાને પ્રોત્સાહન આપ્યું હોય અને ભારતે દેશ - વિદેશમાં ભારતીય યુવાશક્તિના પ્રતિનિધિ તરીકે શ્રેષ્ઠ તક આપી હોય, પણ કદાચ આ ડેસ્ટીની કહીએ કે મેં ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કર્યું.

આ અંગે જયારે પણ ભુજમાં કોઈ સાથે વાત થતી તો જાણવા મળતું કે ઓસ્ટ્રેલિયા એ સપના સાકાર કરવાનો દેશ છે, ત્યાં જે તે બીજ વાવીશું તે વટવૃક્ષ બનશે, વિકસિત અને બહુસાંસ્કૃતિક દેશ છે અને ઘણું બધું ... વળી હું કેટલાક દેશો ફરી હતી એટલે પાશ્ચાત્ય દેશોની રહેણીકહેણી થી થોડી વાકેફ તો હતી જ . .એટલે જ કદાચ આ દેશ પ્રત્યે ખુબ ઊંચી આશાને અપેક્ષા સબકોન્સીયસલી હતી. પણ, કહેવાય છે કે આશા અને વાસ્તવિકતા વચ્ચે ખુબ મોટો ફરક છે. એનો મતલબ એમ નથી કે હું બંને દેશોની તુલના કરું છું.

2013 ઓક્ટોબરમાં હું ઓસ્ટ્રલિયા આવી, સાંજે અમારી ફ્લાઇટને લેન્ડ કરવામાં ખુબ જ ઉતાવળ હતી - કેમકે સિડની એરપોર્ટ પર રાતે 10 કે 11 વાગ્યા થી કર્ફ્યુ હોય છે. આસપાસ રહેવા લોકોને ઊંઘવામાં પરેશાની ન થાય માટે આ નિયમ છે. (એરપોર્ટ પહેલા બનેલ અને વસાહતો પાછળથી છતાંય આ નિયમ છે ) મને તો આ જાણીને જ નવાઈ લાગી હતી.

ખેર ,અમને લેવા પ્રતીક (મારા પતિ)ના મેનેજર વોન અને ફ્લોઈ આવેલા. ત્યારે પ્રતીક પેઈન ગેસ્ટ તરીકે રહેતો હતો. મને ખુબ જ ઉષ્માભર્યો આવકાર મળ્યો. ઓસ્ટ્રેલિયન એક્સેન્ટ સમજવી અઘરી પડેલ અને તેમાં પણ તેઓ સ્લેન્ગ વધુ વાપરે એટલે જાણે ભણવા બેઠા હોઈએ એવી રીતે ધ્યાન આપવું પડેલું. પહેલો દિવસ તો શાંતિ થી ગયો પણ ત્યારબાદ રમુજી ઘટનાઓની શરૂઆત થઇ.

મારુ મુકામ સિડનીથી 100 કીમી દૂર વોલોન્ગોન્ગ પાસે ડેપ્ટોમાં હતું. અહીં ભારતીય સમુદાયની વસ્તી ઓછી, મોટાભાગે ઓસ્ટ્રેલિયન લોકોનો વિસ્તાર છે (આમતો ઓસ્ટ્રેલિયામાં દર 5 વ્યક્તિમાં 1 જ વ્યક્તિ ઓસ્ટ્રેલિયન છે બાકીના બીજા દેશો માંથી આવી વહી વસેલા છે).સામાન્ય રીતે પાશ્ચિમી દેશો માં ઓફિસના સહકર્મીઓ જ આપણા દોસ્ત હોય - એવું અમારા કેસમાં પણ બન્યું . અમે ભાડેથી એક ઘર જોયું અને ત્યાં શિફ્ટ થઈએ તે પહેલા જરૂરી ચીજોની શોપીંગ કરવી જરૂરી હતી.

સુપરમાર્કેટમાં શરૂઆતના અઠવાડિયા માંજ ઘરવખરી લેવા ગઈ, ફ્લોઈ સાથે - વસ્તુઓનું બિલ આપવા કાઉન્ટર પર પહોંચી, ડેબિટ કાર્ડ આપ્યું, તેને કેશ ટ્રાન્સફર મશીનમાં કાર્ડ નાખ્યું અને અને પૂછ્યું -

"કેશ આઉટ "? !! બાપરે, ચિંતા થઇ પડી કેશ આઉટ કેવી રીતે હોય, ઘરેથી ચેક કરીને નીકળી હતી કે પુરા પૈસા હોય. મેં વાત સમજવા તેને ફરી પૂછ્યું અને તેની એ જવાબમાં મને ફરી કહ્યું " કેશ આઉટ ". મારા ચહેરા પર મૂંઝવણ સાફ હતી, પણ તેણીએ મને કશી જ વધુ સ્પષ્ટતા ન કરી. હું ઝડપથી ફ્લોઈ પાસે ગઈ અને કહ્યું કે " હું ઘરે થી તો બરાબર ચેક કરીને નીકળી હતી - બિલ જેટલા પૈસા તો કાર્ડમાં હતા જ પણ તેણી કહે છે કેશ આઉટ તો હવે ?" ફ્લોઈ મારી સાથે કાઉન્ટર પર આવી અને પેલી કાઉન્ટરવાળી છોકરીની સામે સમજાવે કે "કેશ આઉટનો મતલબ છે કે બિલની રકમ ઉપરાંત શું આપને પૈસા જોઈએ છીએ? - જેમ આપણે એ ટી એમ માંથી લઈએ એવી રીતે . . ." અને આસપાસના બધા જ મારા પર નિખાલસ રીતે હસી પડ્યા . . . .

ઓસ્ટ્રેલિયામાં મને ગ્રાન્ડ વેલકમ કરવાના ઉદેશથી પ્રતીકના સ્ટાફ તરફ થી ઓસ્ટ્રેલિયન સ્ટાઇલમાં રીસેપ્સન કરવાનું નક્કી કર્યું હતું. પ્રતીકની ઓફિસ જાણે અમારી ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ હોય !! અમે ત્યાં ડાન્સની પ્રેક્ટિસ કરતા, ડેકોરેશન , મ્યુઝિક નક્કી કરતા, ઇન્વિટેશન કાર્ડ બનાવતા ... મને ઈંગ્લીશ ગીતો ખાસ ન આવડે , ભારતમાં હતી ત્યારે કદાચ જરૂર નહોતી જણાઈ અંગ્રેજી સંગીતમાં ખાસ રસ લેવાની કેમકે લોક સંગીત અને બૉલીવુડ જ કાફી હતું .. આપણે ભારતીયો સંગીત કે ડાન્સમાં બહુ જલ્દી પાછી પાની ન કરીએ ખરું ને?? અહીં બોલિવુડ સંગીત ખાસ નથી પહોંચ્યું એટલે મેં "જય હો . . ". થી શરુ કરીને આપણા ફ્યુઝન ગીતો પર ડાન્સ તૈયાર કરાવેલ. અને ખુબ જ સહજ અને સુંદર રીતે અમારું રિસેપ્સન થયું .ઘણા લોકોને કદાચ જાણ હશે, પણ તો બી આછેરી ઝલક ફોર્મલ ડિનર ટેબલ પર લોકો ગોઠવાય, બ્રાઈડ અને ગ્રૂમની એન્ટ્રી ખાસ સંગીત સાથે થાય, બંનેના માટે સ્વાગતની સ્પીચ અપાય, પછી બંનેના દોસ્તો તેમની સાથેના યાદગાર પ્રસન્ગોનું વર્ણ કરતા (સારી યાદો અને સિક્રેટ વાતો જાહેર કરી ગમ્મત કરે) તેમને શુભકામનાઓ આપે, નવદંપતી ડાન્સ ફ્લોર પર ડાન્સ કરે અને પછી ઉપસ્થિત મહેમાનો સાથે જોડાય, કેક કપાય અને ડિનર અને પછી મસ્તીની કેઝયુઅલ પાર્ટી ... અને હા, બીજા દિવસે સવારે રિસેપ્સન સ્થળને સાફ કરવા દોસ્તો સાથે નવદંપતી પણ જાય .


ઓસ્ટ્રેલિયા ડિસેમ્બરમાં ક્રિસમસ આવે - તેની ઉજવણી કેવી રીતે થતી હશે તે મારા માટે કુતુહલનો વિષય હતો. નાતાલની રોનક ઓસ્ટ્રેલિયાની બજારોમાં આપણી દિવાળી જેવીજ! પરિવારજનો - મિત્રો -સંબંધીઓ ને ભેટ આપવાની, ખાસ સેલ, નવી વસ્તુઓની ખરીદી અને ચારેબાજુ ખુશીનો માહોલ. અહીં ક્રિસમસએ પરિવારજનો સાથે માણવાનો પર્વ છે. ક્રિસમસના દિવસે સવારના નાસ્તાથી માંડીને રાત્રીના ભોજન માટે આમન્ત્રણ મહિનાઓ પહેલા જ અપાઈ જાય છે. ક્રિસમસના પર્વમાં સાથે મળી ને ખાવા -પીવાનું ખુબ જ મહત્વ છે.


સામાન્ય રીતે સવારના નાસ્તામાં ઈંડાની બનાવટો, ફ્રૂટ્સ , મફિન, બ્રૂસોટો મુખ્ય છે. બપોરના લન્ચમાં આખો પરિવાર સાથે જમવા બેસે છે - પ્રાર્થના કરે છે - માથે કાગળનો બનાવેલ મુગટ પહેરે છે - ટેબલ પર રાખેલ ક્રેકરને બાજુમાં બેઠેલ સભ્ય સાથે ફોડે છે - તેમાંથી કાઇંક ભેટ કોઈ એક ને મળે છે અને તેમાંથી રમુજી નીકળેલ પ્રશ્નો રમુજી જવાબ સાથે માહોલને આનંદ થી ભરી દે છે - જમવામાં ટર્કીનું ખાસ મહત્વ છે, આવું શા માટે? નથી ખબર. આ ઉપરાંત સલાડ, પોટેટો બેક, રાઈસ , બીફ - ફિશ કે અન્ય મીટની વાનગી , ખાસ સોસ સાથે સર્વ કરાય છે અને અંતમાં ક્રીમ -બટર - ફળોથી ભરપૂર કેકનું ડિઝર્ટ. બાકી વાતો કરતા કરતા મમળાવવા માટે ડ્રાય ફ્રૂટ, ચોકલેટ , બિસ્કિટ કે પ્રૉન્સ (જીંગા માછલી ) અને બિયર - વાઈન સામાન્ય છે. આટલું ખાઈને ફરી રાત્રે પણ જે તે પરિવાર પોતાની પરંપરા મુજબ ખાસ વાનગીઓ બનાવે છે.


એક ખુબ નવાઈ લાગે તેવી વાત - આપણે સારા પ્રસંગે ખાસ નવા કપડાં પહેરીએ, ઓસ્ટ્રેલિયાની પ્રથમ ક્રિસમસ પાર્ટી માં હું ખુબ ભારે -સરસ ડ્રેસ પહેરીને ગઈ. પણ ત્યાં મારા સિવાય બધાજ લોકો ખુબ સાદા કપડાંમાં હતા. આજ વાત હું 3 વર્ષ થી નોંધી રહી છું. નવા ચમકીલા -ડિઝાઈનર કપડાં એક અલગ મૂડ બનાવે છે, ખુશીનો મૂડ બનાવે છે આથી જ આપણા વડીલો તહેવારના દિવસે વાઇબ્રન્ટ રંગના કપડાં પહેરવાનો આગ્રહ રાખે છે. અહીંની ક્રિસમસમાં લોકો નવા કપડાં તો પહેરે છે ..કદાચ .. પણ રોજિંદા વપરાશના હોય તેનાથી મળતા આથી ખાસ પ્રસન્ગ જેવી લાગણી નથી આવતી.

ચર્ચમાં જવાનું મહત્વ તો છે, પણ હું ક્રિસ્મસ દરમિયાન ચર્ચ નથી ગઈ. બીજી એક વાત એ પણ જાણવા મળી કે ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓની નાતાલ જાન્યુઆરી મહિનામાં આવે છે !!


વોલોન્ગોન્ગ વિસ્તારમાં એક જ જાણીતો ઇન્ડિયન સ્ટોર હતો, જેના મલિક ઉમેશભાઈ આપણા ગુજરાતી. સ્વભાવે ખુબ મદદરૂપ અને મળતાવળા, વ્યાપારી તો ખરા પણ સંબંધને પ્રાધાન્ય આપનાર. વોલોન્ગોન્ગમાં કદાચ જ કોઈ એવું ભારતીય હશે કે જે ઉમેશભાઈને ન ઓળખતું હોય. ઉમેશભાઈથી કરિયાણું લેતા ઓળખાણ થયેલ. મારી ડિટેઇલ જાણી તેમણે પ્રશ્ન કર્યો કે ભારત કેમ છોડ્યું ? મેં કહ્યું મારો વર અહીં છે માટે. તેમણે મારા રેડિયોના અનુભવ અને લગાવ અંગે જાણી મને ઓળખાણ કરાવી વોલોન્ગોન્ગના કમ્યુનિટી રેડિયો વોક્સ એફ. એમના ભારતીય કાર્યક્રમ ગીતમાલાના મુખ્યકર્તા કમલા રીખાય સાથે. કમલાએ પ્રખ્યાત કોરિયોગ્રાફર શામક દાવરના કઝીન છે.


કમ્યુનિટી રેડિયો એ ઓસ્ટ્રેલિયાની ખુબ જ પ્રશંશનીય પ્રસારણ સેવા છે. આ રેડિયો સ્થાનિકમાં ઉપલબ્ધ છે. આ રેડિયોના કાર્યક્રમો વિવિધ સમુદાયોને, સામાજિક સંસ્થાઓને લગતા હોય છે. આ કોઈ કમર્શિયલ રેડિયો નથી. આ રેડિયોના શોના મલિક કોઈપણ વ્યક્તિ થઇ શકે - અમુક વાર્ષિક ફી ભરીને આપ કલાકનો ટાઈમ સ્લોટ લઇ શકો છો. આ રેડિયો કમ્યુનિટી બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન વડે મોનિટર કરવામાં આવે છે અને આ શો માટે આપ સ્પોન્સર શોધી શકો છો. આપના શોમાં સમુદાયને લગતા સમાચાર - જાહેરાત - ઉપયોગી માહિતી હોવી જરૂરી છે. આ સિવાય શોનું ફોર્મેટ આપ નક્કી કરી શકો છો. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો વડે ચલાવતા આવા ઘણા કમ્યુનિટી રેડિયો છે. ઇન્ટરનેટની મદદ થી કમ્યુનિટી રેડિયો વિશ્વભર માં લાઈવ સ્ટ્રીમિંગ થી ઉપલબ્ધ છે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.