પુસ્તકો અને અસમંજસ

પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાં કે ન વાંચવાં?

આપણને કેમ આટલી બધી પ્રેરણાની જરૂર પડવા લાગી છે? કદાચ રોજેરોજ ભ્રષ્ટાચાર, કૌભાંડો, બળાત્કાર,સાધુબાબાઓનાં કરતૂતો અને યુદ્ધોના સમાચારો સાંભળીને આપણે એટલા ત્રાસી ગયા છીએ કે આ નેગેટિવિટીને બેલેન્સ કરવા માટે આપણે ડગલે ને પગલે પ્રેરણા અને પોઝિટિવિટીનાં ઇન્જેક્શન લેવાં પડે છે.

તમે સવારે ઊઠો અને ફ્રેશ થાઓ ત્યાં સુધીમાં તમને ગુડમોર્નિંગ કહેતાં કમ સે કમ પાંચથી છ પ્રેરણાદાયી એસએમએસ કે વોટ્સઅપ મેસેજીસ મોબાઇલ પર ઝબકી જાય છે. ચા પીતાં-પીતાં છાપાંનો થપ્પો લઈને બેસો એટલે ફીચર્સ સેક્શનના બે-ચાર લેખો તમને સમજાવે કે ઉત્તમ જીવન કેવી રીતે જીવવું અને સુખી કેવી રીતે થવું? તૈયાર થઈ ઓફિસે પહોંચીને તમે કમ્પ્યુટર ઓન કરો એટલે સુંદર સુવાક્યો અને સરસ મજાના વિઝ્યુઅલ્સથી શોભતા એટલિસ્ટ પાંચ-સાત ઈમેલ્સ તમારી રાહ જોઈને બેઠા જ હોય. હજુ તો સવાર છે. આખા દિવસ દરમિયાન ફેસબુક પર અને એસએમએસ ફોરવર્ડ્સમાં પ્રેરણાદાયી વાતોની જે રમઝટ બોલવાની છે, એ જોવાનું તો હજુ બાકી છે. રાત્રે પરવારીને જે વાંચતાં વાંચતાં તમે નિદ્રાધીન થાઓ છો તે પુસ્તક પણ શક્ય છે કે પ્રેરણાદાયી પ્રકારનું જ હોવાનું.

બીજી સવાર. બીજો દિવસ. ફરી પાછો પ્રેરણાનો નવો ડોઝ. લોકો સોશિયલ મીડિયા અને મોબાઇલ પર પ્રેરણાની રીતસર તડી બોલાવે છે. પ્રેરણાનો આવો પ્રચંડ વરસાદ અગાઉ ક્યારેય નહોતો ભાળ્યો. આપણને કેમ આટલી બધી પ્રેરણાની જરૂર પડવા લાગી છે? કદાચ આપણે બહુ જ પાગલ કે જોખમી જમાનામાં જીવી રહ્યા છીએ, એ કારણ છે. કદાચ રોજેરોજ ભ્રષ્ટાચાર, કૌભાંડો, બળાત્કારો, સાધુબાબાઓનાં કરતૂતો, યુદ્ધોના સમાચારો સાંભળીને આપણે એટલા ત્રાસી ગયા છીએ કે આ નેગેટિવિટીને બેલેન્સ કરવા માટે આપણે ડગલે ને પગલે પ્રેરણા અને પોઝિટિવિટીનાં ઈન્જેક્શન લેવાં પડે છે.

આજે મોટિવેશનલ કે સેલ્ફ હેલ્પને લગતાં પુસ્તકો સૌથી વધારે વેચાય છે એ જાણીતી હકીકત છે. ગુજરાતીમાં અને બીજી ભાષાઓમાં આ પ્રકારનાં પુસ્તકોનો અનુવાદ કરી કરીને બજારમાં ઠાલવતા જવાનો ઉદ્યોગ દિવસ-રાત ધમધમી રહ્યો છે. બુકશોપ્સમાં મોટિવેશનલ અને સેલ્ફ હેલ્પની ચોપડીઓનું સેક્શન તરત નજરે ચડે એ રીતે ગોઠવાય છે. અલબત્ત, પ્રેરણાદાયી પુસ્તકો કંઈ હમણાં હમણાંથી છપાવાનાં શરૂ થયાં નથી. સેલ્ફ હેલ્પ પુસ્તકોનો ટ્રેન્ડ ડેલ કાર્નેગીએ ૧૯૩૬માં શરૂ કર્યો, 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લ્યુઅન્સ પીપલ' પુસ્તક લખીને. નાનપણમાં આપણે સૌએ આ ચોપડી વાંચી હોય છે. આજ સુધીમાં દુનિયાભરની વિવિધ ભાષાઓમાં એની દોઢ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. છેલ્લી ખૂબ ગાજેલી મોટિવેશનલ કિતાબ છે, 'ધ સિક્રેટ'જેની ૪૬ ભાષાઓમાં ૧ કરોડ ૯૦ લાખ નકલો ખપી ગઈ છે. માર્ચ ૨૦૧૨માં લગાવવામાં આવેલા અંદાજ પ્રમાણે એકલા અમેરિકાની 'સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઇન્ડસ્ટ્રી'નું આર્થિક કદ ૧૧ બિલિયન ડોલર્સ એટલે કે આશરે ૭૨૬ અબજ રૂપિયાનું છે. આમાં પુસ્તકો ઉપરાંત ઓડિયો અને વીડિયો સીડી ઉપરાંત મોંઘાદાટ સેમિનાર પણ આવી ગયા.

મહત્ત્વનો સવાલ આ છેઃ પ્રેરણાદાયી પુસ્તકો વાંચીને આપણા પર ખરેખર કશી અસર થાય છે ખરી? જીવન ધરમૂળથી બદલાઈ જવાની વાત તો દૂર રહી, આપણામાં થોડો ઘણો ફેરફાર પણ થતો હોય છે ખરો? મોટિવેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટને લગતાં પુસ્તકો વાંચવાનો તબક્કો ઘણું કરીને તરુણાવસ્થા યા તો પ્રારંભિક યુવાનીમાં આવી જતો હોય છે. એ ઉંમરે આવું બધું વાંચવાની બહુ જ મજા આવે. મુગ્ધાવસ્થામાં મન એવા ભ્રમમાં હોય કે બસ, આ ચોપડીઓમાં જે લખ્યું છે એનો અમલ શરૂ કરી દઈશું એટલે બંદા સુપરમેન બની જવાના, પણ આ પ્રકારનાં પાંચ-દસ પુસ્તકો વંચાઈ જાય એટલે ધરાઈ જવાય. ધીમે ધીમે સમજાવા માંડે કે ચોપડીઓમાં જે ફન્ડા સમજાવવામાં આવ્યા છે એનો અમલ-બમલ કંઈ થઈ શકતો નથી. સરવાળે આ ચોપડીઓ વાંચીને ટાઈમપાસ જ થયો. આપણે તો એવા ને એવા જ રહી ગયા ને કૂતરાની પૂંછડી સીધી ન થઈ તે ન જ થઈ. બસ, આવું બ્રહ્મજ્ઞાન લાધે એટલે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની ચોપડીઓને આઉટ-ગ્રો કરવાનું, એના વળગણમાંથી બહાર આવવાની ક્રિયા શરૂ થઈ જાય.

કોઈનું સરસ ક્વોટ છે કે જો તમે સેલ્ફ હેલ્પ કરવા માગતા હો તો બીજા કોઈએ લખેલું પુસ્તક શા માટે વાંચવું જોઈએ? આને ફક્ત હેલ્પ કહેવાય, સેલ્ફ હેલ્પ નહીં. મોટિવેશનલ ગુરુઓના સેમિનારોની ફી ક્યારેક તમ્મર ચડી જાય એટલી ઊંચી હોય છે. પશ્ચિમમાં આ પ્રકારના સેમિનાર અટેન્ડ કરવાનો ચાલ છે. તકલીફ એ છે કે ઘણાં લોકોને પ્રેરણાદાયી પુસ્તકો અને સેમિનારોનું સખત બંધાણ થઈ જાય છે. આવું બધું વાંચતાં, સાંભળતાં રહે તો જ એમની બેટરી ચાર્જ રહે. જેવું બંધ કરે કે જિંદગી અર્થહીન લાગવા માંડે, ડિપ્રેશનવાળા વિચારો આવવા માંડે. આ સ્થિતિથી બચવું જોઈએ.

પ્રેરણાદાયી પુસ્તકો અને સેમિનારોમાં જે શીખવવામાં આવે છે તે ખરેખર કેટલું ઉપયોગી બને છે તે વિશે મનોવૈજ્ઞાનિક પરીક્ષણો થતાં રહે છે. વચ્ચે વિદેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો,જેમાં લો સેલ્ફ એસ્ટીમ અને હાઈ સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાના વિશે નીચો અને ઊંચો અભિપ્રાય ધરાવતા લોકોને બે જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે હું મારી જાતને જેવી છું તેવી સ્વીકારું છું. હું બહુ જ મજાનો માણસ છું એ વાક્ય વારેવારે દોહરાવતા રહો. સેલ્ફ હેલ્પની ચોપડીના ફન્ડા પ્રમાણે આ પ્રકારના પુનરુચ્ચારણથી માણસમાં સરસ લાગણી જાગવી જોઈએ, પોઝિટિવ ફીલ કરવું જોઈએ. પણ આ પ્રયોગને અંતે કંઈક જુદું જ જાણવા મળ્યું. મનોવૈજ્ઞાનિકોએ જોયું કે આ રીતે તો લો સેલ્ફ એસ્ટીમ ધરાવતી વ્યક્તિ ઊલટાની વધારે મૂડલેસ થઈને નેગેટિવ ફીલ કરવા લાગી હતી.

તો શું સમજવાનું?પ્રેરણાદાયી સાહિત્ય ઉપયોગી છે કે નથી? આનો જવાબ સૌએ જાતે નક્કી કરી લેવાનો છે. હા, એટલું નક્કી કે આ સાહિત્ય જીવનના કોઈ તબક્કે મનને વિચારવા માટે નવી દિશા જરૂર ખોલી આપે છે ને સારાં ઉદાહરણો પૂરાં પાડે છે. જો કશુંક વાંચવાથી આપણા મનમાં ભલે બે-ચાર ક્ષણો માટે પણ પોઝિટિવ માહોલ ઊભો થતો હોય તો શું ખોટું છે? પ્રેરણાદાયી પુસ્તકો કે કોલમ્સ તમને આતંકવાદી બનવાની સલાહ તો આપતાં નથી. હા, માત્ર પ્રેરણાદાયી સાહિત્ય વાંચવાથી સંઘ કાશીએ નહીં પહોંચે, હાથ-પગ હલાવવા પડશે, નિષ્ઠાથી એકધારા પ્રયત્નો કરવા પડશે, તો જ સંબંધો સુધરશે અને જીવનની ગુણવત્તા ઊંચી આવશે.

એક મિનિટ, વેઇટ. આહા, એક મસ્ત પ્રેરણાદાયી ક્વોટ છે. હમણાં જ તમારા મોબાઇલ પર ફોરવર્ડ કર્યું, તમે વાંચ્યું?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.