ધરતીકંપ

‘તારાં સ્વજન તને જાય મૂકી....’.

મધુર કંઠના મીઠા શબ્દો કાને પડતાં ગજાનન માસ્તર બહાર અગાસીમાં દોડી ગયા. વર્ષો સુધી સંગીત શિક્ષક હતા એટલે સંગીત એમને પ્રિય હતું. નિવૃત્ત થયા હતા પણ સંગીતનો રસ ઘટયો નહોતો.

બંગલાની સામેના ફલેટની અગાસીમાં જોયું તો સાઠેક વર્ષનાં એક બહેન મધુર કંઠે ગાતાં હતાં. એ મધુર કંઠ અને એ મીઠા શબ્દો ગજાનનના મનડાને સ્પર્શી ગયા.

‘વાહ, શું મધુર તમારો કંઠ છે, શું મીઠા શબ્દો તમારા મુખમાંથી સરે છે!’ કશું જ વિચાર્યા વિના સામેના ફલેટની અગાસીમાં હિંચકે ઝૂલતાં એ બહેનને સંબોધી પ્રેમાળ શબ્દોમાં બોલાઈ જવાયું.

પણ એકદમ છોભીલા પડી ગયા એટલે સવાલ કર્યો, ‘માફ કરજો! તમે આ ફલેટમાં નવાં રહેવા આવ્યાં છો? તમારા અવાજમાં કંઈ અંદેશ જણાતાં એકદમ દોડી આવ્યો અને પ્રશંસાના શબ્દો સરી પડયા! ખોટું ના લગાડતાં!’

‘કેવી વાત કરો છો? તમે ખોટું લાગે એવા શબ્દો કયાં બોલ્યા છો? તમે તો મારા શબ્દો અને મારા કંઠની પ્રશંસા કરી છે! તમને મારો કંઠ ગમ્યો ને?’

‘એટલે તો બહાર દોડી આવ્યો... શું નામ છે આપનું?’

‘કોકિલ કંઠી કોકિલા! કહી હાઈસ્કૂલના મારા એક સર મને બોલાવતા!’ સ્મિતસહ આવેલો જવાબ રોમાંચક હતો.

એ શબ્દો કાને પડતાં ગજાનનનું મન એમને ચાલીસ વર્ષ પાછળ ખેંચી ગયું.

‘કોકિલા, તારું નામ છે એવો જ કોકિલ કોકિલ કંઠી તારો કંઠ છે! તને સંગીતમાં રસ ખરો?’

‘યસ સર, નાની હતી ત્યારે મારી મમ્મી મને પાસે બેસાડી ભજનો ગવડાવતી. પછી રેડિયો આવતાં સિનેમાનાં ગીતોમાં મને રસ જાગ્યો. હરતાં ફરતાં સિનેમાનાં ગીતો ગાતી એટલે એક સર મને કોકિલ કંઠી કોકિલા કહેવા લાગ્યા હતા!’

‘કોકિલા, સાચે જ તારો કોકિલ કંઠી અવાજ છે. સંગીત શીખીશ તો મહાન ગાયિકા બની શકીશ! તારે સંગીત શીખવું હોય તો હું તને ફ્રી શીખવીશ. પણ તારે મારે ઘેર આવવું પડશે!’

‘નો પ્રોબ્લેમ સર!’

ચારેક મહિના એ સંગીત શીખવા જવા લાગી પણ ખરી. સંગીત શીખતાં સરમાં એનું મન ઢળવા લાગ્યું. ધીરે ધીરે સૂર કરતાં સરમાં એનો રસ વધવા લાગ્યો. નવજુવાન સરને એ છૂપે છૂપે પ્રેમ કરવા લાગી. આમ તો મનની વાત કોઈ પામી ન જાય એવી કુશળ અને ચબરાક હતી. પણ એક વાર હૈયા પર કાબૂ ન રાખી શકી.

ચોથે મહિને વેલેન્ટાઈન ડે હતો. નવો ભાતીગર ડ્રેસ પહેરી, શરીર પર રોમાંચક અત્તર છાંટી ગુલાબનું ફૂલ લઈ સરને ઘેર ગઈ. નસીબ જોગે સર ઘેર એકલા હતા. એમનાં પત્ની શોપિંગ માટે ગયાં હતાં. ચૂપકીથી ઉપલે માળે ગઈ. સર આરામ ખુરસીમાં ઝૂલતા હતા. પુસ્તક હાથમાંથી સરકી ગયું હતું. આંખો બંધ હતી. સરસ સાનુકૂળ પરિસ્થિતિ જોતાં દોડી જઈને સરના બે હોઠ ચૂમી ગુલાબ સામે ધરતાં શબ્દો સરી પડયા, ‘આઈ લવ યુ સર! વિલ યુ બી માય વેલેન્ટાઈન!’

અને એના આશ્ચર્ય વચ્ચે પ્રેમના પ્રતિકારના ઉષ્માભર્યા બે શબ્દો અને મીઠાં ચૂંબનને બદલે એના ગાલ પર બે તમાચા પડતાં એના ગાલ રાતા થઈ ગયા.

‘યુ નોનસેન્સ! મેં તને આવી નહોતી ધારી! એક તો હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને એક ગુરૂ તરીકે આદર્શ શિક્ષક બની તને મારી પ્રેમાળ વિધાર્થિની ગણું છું. તેં બે ઘોર પાપ કર્યાં છે, એક તો મારા સાચા પ્રેમને ભગ્ન કર્યો છે અને એક યુવાન શિક્ષકના મનમાં પ્રેમનો ઉભરો ઠાલવી શિશ્યા પ્રત્યે સેકસનો કુવિચાર જન્માવ્યો છે! ગેટઆઉટ ફ્રોમ માય સાઈટ બિફોર આઈ લૂઝ માય સેન્સ!’

કોકિલા તો આવા ઉલટા પ્રત્યાઘાતથી હેબતાઈ ગઈ. એની મનોકામનાના કડડભૂસ કરતા ભૂકકા બોલી ગયા. વાતાવરણ વધુ વિફરે અને ન બનવાનું બની બેસે એ પહેલાં પૂંઠ ફેરવી સડસડાટ દાદરાનાં પગથિયાં ઉતરી ઘર ભેગી થઈ ગઈ.

બીજે જ દિવસે સ્કૂલ બદલી કાઢી અને કદી એ શિક્ષક સામે નજર શુધ્ધાં ન પડે એ રીતે જીવનને નવો વળાંક આપ્યો.

પણ ભગ્ન પ્રેમનો એક ફટકો વાગ્યાના કડવા અનુભવને એ ભૂલી શકતી નહોતી. એ ગ્રેજયુએટ થઈ, સારા ઘેર પરણી.પ્રેમાળ પતિ મળ્યો પણ સરના શબ્દોનો ડંખ ભૂલી શકી નહિ. દશ વર્ષ પતિનો સાથ, સંગ અને પ્રેમ રહ્યો પણ પતિમાં મન ચોટતું નહિ એટલે મા બનવાની ઝંખના પણ ફળી નહિ. ભૂતકાળ ભૂલવા બહુ પ્રયાસ કર્યા. ઘણું બધું ભૂલાઈ ગયું પણ એક અપમાન અને એક દ્રોહ ભૂલાતાં નહોતાં. અપમાન માટે તો ગુરૂ પ્રત્યે માન વધ્યું હતું પણ બનેવીના એક અપકૃત્ય માટે જે તિરસ્કાર જન્મ્યો હતો એ તો મિથ્યાલેખ બન્યો હતો.

પતિના અવસાનના એક વર્ષ પહેલાં એક વાર મોટી બહેનને મળવા ગઈ હતી. બહેનના આગ્રહથી ચાર દિવસ એને ઘેર રહેવા ગઈ હતી.ચોથે દિવસે બપોરે બહેન શોપિંગ માટે ગઈ હતી. આગલા દિવસે બહેન સાથે મોડી રાત સુધી વાતો કરી હોઈ થાકી ગયેલી કોકિલા ઉપર બેડરૂમમાં સૂતી હતી. બનેવીને એની જાણ થતાં બપોરે ઘેર આવેલા. સીધા બેડરૂમમાં પહોંચી કોકિલાને કિસ કરી એ કંઈ બોલે કે એક ધકકો મારે તે પહેલાં એની સાથે શૈયાસુખ માણી બોલેલા, ‘કોકી, તારા પર વર્ષોથી પ્રેમ ઉભરાતો તે તૃપ્ત કરી આજ ધન્ય થયો છું. તારી બહેનને કદી કંઈ વાત ના કરતી!’ અને ઊભા થઈ ચાલ્યા ગયેલા. પણ કોકિલાને હૈયે એનો એક કપરો ઘા લાગેલો. એ ઘા કદી ભૂલી શકતી નહોતી. પતિ અને બહેનથી એ વાત છૂપાવી હતી એનો વસવસો હતો. લગ્નના દશમા વર્ષે એક કાર અકસ્માતમાં પતિનો સાથ ગુમાવ્યો. જીવન નિરસ બની ગયું. પતિ તો ગયા પણ બહેન આંખ સામે હતી. એ બહુ પ્રેમાળ અને લાગણીશીલ હતી. આવી બહેનને આઘાત પહોંચાડવા એ ઈચ્છતી નહોતી એટલે મન મકકમ રાખી અંતરના ઘા અંતરમાં છૂપાવી જીવતી હતી. જીવનના ચાલીસ વર્ષ એ માનસિક સ્થિતિમાં કાઢી નાખ્યાં. એવામાં ધરતીકંપના એક આંચકામાં એમનું ઘર નાશ થઈ જતાં નિરાધાર બની હતી. બનેવી વહારે દોડી આવ્યા પણ એણે એમના ભૂતકાળના કપરા અનુભવને કારણે સવિનય ના પાડી દીધી. બહેનને આશ્ચર્ય થયું પણ બહેનને સમજાવ્યું, બહેન તું જ મારો સહારો છે. પણ હું તમારી પરિસ્થિતિ જાણું છું એટલે તમને ભારરૂપ થવા નથી માગતી! મારા નસીબમાં જે હશે તે મારે ભોગવવાનું જ છે! અંતરની વ્યથા છૂપાવી બહેનનું દિલ જીતી લીધું.

સરકાર ધરતીકંપમાં ભોગ બનેલાને સહારે આવતાં કોકિલાને એક ફલેટ આપ્યો. નસીબ જોગે ગજાનન માસ્તરના સામેના ફલેટમાં રહેવા આવી હતી. સંગીત એક જ એની વ્યથાનો સહારો હતો. એકલતા ટાળવા એ સંગીતનો સહારો લેતી. નવા ફલેટમાં આવતાં ભૂતકાળ આંખ સામે રહેતાં એ ભૂતકાળને યાદ કરી ગાતી હતી, ‘તારાં સ્વજન તને જાય મૂકી...’

એ શબ્દો ગજાનન માસ્તરને કાને પડતાં એ એમની અગાસીમાં દોડી આવ્યા હતા.

ગજાનન માસ્તરને એ કોકિલ કંઠની વાત સાંભળતાં જ એ કોકિલા યાદ આવી જતાં પૂછયું, ‘તમે સાધના સ્કૂલમાં ભણેલાં?’

‘હા, કેમ? મેં એ સ્કૂલ અધવચ્ચેથી છોડી દીધેલી!’ એ શબ્દો સરી પડતાં ગજાનન માસ્તર યાદ આવી ગયા અને બોલી, ‘સર તમે અહીં કયાંથી? તમે ગજાનન સંગીત શિક્ષક છો ને?’

‘હા, તમે કોકિલા તો નહિ?’

‘નમસ્કાર સર, તમારી યાદ શકિત સારી છે! નોકરી છોડી અહીં કયારે આવી ગયા?’

એ એક કરૂણ કથની છે. સાત દિવસ પહેલાં સરકારે મને આ ફલેટ આપતાં અહીં આવી ગયો છું. ધરતીકંપના એ આંચકામાં અમારું ઘર, અમારો સુખી સંસાર ચાલ્યાં જતાં સરકારે આ ફલેટ આપ્યો એમાં રહેવા આવી ગયો છું!’

‘બહેન સાથે નથી?’

‘ધરતીકંપ એમને ભરખી ગયું. એકલતા મને કોરી રહી છે. તમારો કંઠ મને અગાસીમાં ખેંચી લાવ્યો. તમારા જીવનમાં પણ એવું જ કંઈ બન્યું છે?’

‘હા સર. હું સાચે જ કમનસીબ છું. લગ્નના દશમા વર્ષે એક કાર અકસ્માતમાં પતિ ગુમાવ્યા અને ધરતીકંપ અમારા ઘરને ભરખી ગયું... અને નસીબ અહીં ખેંચી લાવ્યું છે!’

‘એકલાં જ છો?’

‘શું તમે પણ એકલા જ છો?’

‘હા, એકલતા ખાઈ રહી છે! પ્રેમાળ પત્નીનો સાથ ભૂલાતો નથી! એક વર્ષ પહેલાં રિટાયર્ડ થયો ત્યારે પત્ની સાથમાં સહજીવન જીવવાનાં મધુરાં સમણાં સેવેલાં પણ નસીબે સાથ ન આપ્યો! કેવી છે કુદરતની કળા?’

‘મેં પણ એકવાર તમારા સ્નેહાળ સાથમાં મધુરાં સમણાં જોયાં હતાં પણ તમારા પત્નીપ્રેમમાં રંગાયેલા તમે મને સાથ ન આપ્યો. કેવી છે કુદરતની લીલા?’

‘એ કુદરતની લીલાએ જ આટલાં વર્ષ પછી આપણને ભેગાં કર્યાં છે! અધૂરાં સમણાં પૂરાં કરવાં હોય તો સામે કેમ ઊભાં છો?’

‘સાચે જ? ગાલ પર તમાચો મારી ધુત્કારશો નહિ ને?’

‘હજુય એ દિવસ ભૂલ્યાં નથી?

‘કાળજા સાથે કોરાઈ ગયેલા શબ્દો ભૂલાતા હશે? કોકિલ કંઠી કોકિલા કહી મને બોલાવશો અને તમારા હૈયામાં સ્થાન આપશો તો હું સામેથી આ ગાલ ધરીશ, તમારા તમાચા માટે નહિ, પ્રેમભર્યા ચૂંબનો માટે!’

‘જા તારા દરવાજા ખોલ અને ગાલ તૈયાર રાખ. તમાચાના રહી ગયેલા એ લીસોટા મારા હોઠથી ભીંજવી દેવા દોડી આવું છું! કહી ગજાનન અગાસીમાંથી ઘરમાં જઈ ઘરનો દરવાજો બંધ કરી,’ કોકિલ કંઠી કોકિલાના ફલેટના દરવાજા તરફ દોડી ગયા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.