સીધું એન્કાઉન્ટર બીરેન કોઠારી સાથે

1. તમે પોતાની ઓળખાણ લેખક તરીકે પહેલી વાર નિ:સંકોચપણે ક્યારે આપી હતી ?

​ પ્રશ્ન પૂછનાર વાચક: સાક્ષર ઠક્કર

ચોક્કસપણે યાદ નથી આવતું. પણ ‘પુરુષાર્થની પેલે પાર’ નામની જીવનકથા પર પહેલી વાર મારું નામ રજનીકુમાર પંડ્યા સાથે સહલેખક તરીકે મૂકાયું ત્યાર પછી એ રીતે ઓળખ આપવી વધુ સરળ બની.

2. લેખન ક્રિયામાં તમને સૌથી અણગમતી વસ્તુ કઈ ?

પ્રશ્ન પૂછનાર વાચક: સાક્ષર ઠક્કર

વચ્ચે ફોનકોલ્સ આવે અને મારે ઉપાડવા પડે એ ન ગમે, પણ એ વ્યવસાયનો ભાગ હોવાથી એમ કર્યા વિના છૂટકો નથી. એ જ રીતે અગાઉથી જણાવ્યા વિના કોઈ ટપકી પડે અને મારે એની સાથે પરાણે વાતોમાં રોકાવું પડે એ. (વ્યક્તિ કોણ છે એની પર આધાર ખરો.)

૩. શું તમને લાગે છે કે દર વર્ષે તમારી લખવાની ગુણવત્તામાં સુધારો આવતો જાય છે ? લખવાની ગુણવત્તાને કઈ રીતે માપી શકાય?

પ્રશ્ન પૂછનાર વાચક: સાક્ષર ઠક્કર

લખવાની ગુણવત્તામાં સુધારો વર્ષ કે મહિનાના સમયગાળા મુજબ નહીં, પણ પ્રત્યેક લખાતા જતા લખાણ સાથે આવતો રહે છે- રહેવો જોઈએ, એમ મને લાગે છે. કેમ કે, સમયની સાથે સમજણ વધવાની પ્રક્રિયા સતત ચાલતી રહે એનું ધ્યાન રાખું છું. ગુણવત્તા માટેના પહેલા પરીક્ષકની ભૂમિકા હું પોતે જ કરું છું. મને ક્યારેક આ કામમાં મુશ્કેલી પડે તો એવા અમુક મિત્રોની મદદ લઉં છું, જે શેહશરમ વિના સાચું મૂલ્યાંકન કરી જાણે છે.

લખવાની ગુણવત્તા માપવા માટે કોઈ નિશ્ચિત અને સર્વસામાન્ય માપદંડ નથી. પણ પોતાની ગુણવત્તા માપવા માટેની સૌથી પહેલી જરૂરિયાત છે પોતાના લખાણના પ્રેમમાંથી બહાર નીકળીને એક ત્રીજી વ્યક્તિ તરીકે પોતાના લખાણને ચકાસવાની. વાચકોને નજર સામે રાખવાને બદલે પોતાની જાતને વાચક તરીકે મૂકીને પોતાનું લખાણ જોવું જરૂરી છે.

૪. લખવા માટે વાંચન કેટલું મહત્વનું છે ? તમે કેટલું અને કયા પ્રકારનું વાંચન કરો છો ?

પ્રશ્ન પૂછનાર વાચક: સાક્ષર ઠક્કર

લેખન માટે વાંચન, અલબત્ત, મહત્ત્વનું છે, પણ અનિવાર્ય નથી. શું લખવાનું છે એની પર વાંચનના મહત્ત્વનો આધાર રહે છે. લેખક બનતાં પહેલાં વાચક તરીકે મારી પાસે સમયનો વૈભવ પુષ્કળ હતો અને એ વખતે વિવિધ પ્રકારનું પુષ્કળ વાંચન થતું. વ્યવસાય તરીકે લેખનને અપનાવ્યા પછી સમયનો એ વૈભવ છીનવાઈ ગયો છે. હવે કેવળ સમય પસાર કરવા માટે વાંચવાનું બંધ થયું છે. તેને બદલે કામસંબંધી વાંચન પુષ્કળ કરવું પડે છે. કોઈની જીવનકથા લખવાની હોય તો તેનાં વિવિધ પાસાં, આનુષંગિક સંશોધન, કોલમ માટે જે તે મુદ્દાને લગતાં વિવિધ પાસાંઓનું વાંચન, ઉપરાંત અખબારો, ‘નિરીક્ષક’ કે ‘દલિત અધિકાર’ જેવાં વિચારપત્રો વગેરે પણ ખરાં. ટૂંકમાં કહું તો, હવે વ્યવસાયના ભાગરૂપે વાંચન કરવાનું વધુ થાય છે.

અલબત્ત, ત્રણ પુસ્તકો એવાં છે, જે સદાય ટેબલવગાં હોય છે અને કાયમી સ્ટ્રેસબસ્ટરનું કામ કરે છે.

૧.‘રાગ દરબારી’ (લેખક: શ્રીલાલ શુક્લ),

૨.‘વિનોદની નજરે’ (લેખક: વિનોદ ભટ્ટ) અને

૩.‘શબ્દઠઠ્ઠા’ (લેખક: રજનીકુમાર પંડ્યા).

આ પુસ્તકોમાંથી કોઈ પણનું ગમે તે પાનું ખોલીને, કોઈ પણ લખાણ વાંચું, ગમે તેટલું વાંચું એટલે તાજગી આવી જાય.

5. તમે ઈશ્વરમાં માનો છો ?

પ્રશ્ન પૂછનાર વાચક : નીજા શાહ

ના. ઈશ્વરમાં નથી માનતો. ભૂતપ્રેતમાં પણ નહીં. માણસમાં માનું છું. ઈશ્વર કે ભૂતપ્રેત સાથે મુલાકાત થાય ત્યારની વાત ત્યારે. જો કે, ‘રેશનાલિસ્ટ’ તરીકે ઓળખાવું ગમતું નથી.

6. દોસ્તી વિષે તમારું શું માનવું છે ? એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેની મૈત્રીને તમે કઈ રીતે જુઓ છો ?

પ્રશ્ન પૂછનાર વાચક : નીજા શાહ

આ સવાલ બહુ જનરલ છે. છતાં સંતોષવાનો પ્રયત્ન કરું. સંપર્કો કે પરિચય ઘણા બધા હોય, પણ એ બધાને દોસ્તીનું નામ ન આપી શકાય. ફેસબુક પર દરેક પરિચીતને ‘ફ્રેન્‍ડ’ તરીકે ઓળખવો ફરજિયાત છે, પણ એ બહુ સ્થૂળ અર્થમાં. વાસ્તવ જીવનમાં એમ થતું નથી. દોસ્તીમાં પ્રથમ દૃષ્ટિના પ્રેમ જેવું નથી હોતું. એ એકદમ થઈ જાય એ જરૂરી નથી. ઘણા કિસ્સામાં તે સમય વીતતાં ઘટ્ટ બનતી જતી હોય છે કે સુષુપ્ત પણ થઈ જતી હોય છે. ખરી દોસ્તી એ જેમાં ગમે એટલા અંતરાલ પછી પણ મળવાનું બને એ સાથે કશી ઔપચારિકતા વિના અનુસંધાન સંધાઈ જાય. એ જરૂરી નથી કે આવું કોઈ એક જ મિત્ર સાથે બને. આવા અનેક મિત્રો હોઈ શકે.

એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેની મૈત્રીને હું બહુ સામાન્ય અને સહજ રીતે જોઉં છું. મૂળ વાત પુરુષ કે સ્ત્રી હોવા કરતાંય સમાન રુચિ અને સરખા રસની છે. બાકી આજના જમાનામાં બે પુરુષો કે બે સ્ત્રીઓ વચ્ચેની મૈત્રીને પણ શંકાની રીતે જોવાય એમ બને છે.

7. તમારા મનપસંદ ૧૦ હિન્દી ફિલ્મી ગીતો.

પ્રશ્ન પૂછનાર વાચક : અમિત જોષી

અનેક હિન્‍દી ફિલ્મી ગીતો ગમે છે, ખાસ કરીને ૧૯૬૫ સુધીનાં. તેમાંથી કોઈ દસને પસંદ કરવા મુશ્કેલ છે. તેથી અહીં જે યાદી છે એ તરત યાદ આવ્યાં એવાં ગીતોની છે, પસંદગીનાં ક્રમ મુજબની નહીં, એમ સમજવું. કેમ કે, અલગ અલગ સમયે જુદાં જુદાં ગીતો સાંભળવા ગમતાં હોય છે. આગળ ઉપરની અન્ય યાદીઓને પણ આ જ બાબત લાગુ પડે છે.

૧. તૂફાન મેલ, દુનિયા યે દુનિયા તૂફાન મેલ (ફિલ્મ: જવાબ, ગાયિકા: કાનન દેવી, સંગીતકાર: કમલ દાસગુપ્તા)

૨. પી આયે આકર ચલ ભી દિયે (ફિલ્મ: બાઝાર, ગાયિકા: શમશાદ બેગમ, સંગીતકાર: શ્યામસુંદર)

૩. યે રાત ફિર ના આયેગી (ફિલ્મ: મહલ, ગાયિકાઓ: ઝોહરાબાઈ-રાજકુમારી, સંગીત: ખેમચંદ પ્રકાશ)

૪. ૫વન ચલે જોર, (ફિલ્મ: હોસ્પિટલ, ગાયક: પંકજ મલ્લિક, સંગીતકાર: પંકજ મલ્લિક)

૫. દો બોલ તેરે મીઠે મીઠે (ફિલ્મ: દારા, ગાયકો: લતા મંગેશકર-હેમંતકુમાર, સંગીતકાર: મહંમદ શફી)

૬. જિંદગી ખ્વાબ હૈ, થા હમેં ભી પતા (ફિલ્મ: છોટી છોટી બાતેં, ગાયક: મુકેશ, સંગીતકાર: અનિલ બિશ્વાસ)

૭. નૈન દ્વાર સે મન મેં વો આકે (ફિલ્મ: સાવન, ગાયકો- લતા મંગેશકર- મુકેશ, સંગીતકાર: હંસરાજ બહલ)

૮. ઓ વર્ષા કે પહલે બાદલ (ફિલ્મ: મેઘદૂત, ગાયક: જગમોહન, સંગીતકાર: કમલ દાસગુપ્તા)

૯. આજા આજા મૈં હૂં પ્યાર તેરા (ફિલ્મ: તીસરી મંઝીલ, ગાયકો: આશા ભોંસલે- મહંમદ રફી, સંગીતકાર: રાહુલ દેવ બર્મન)

૧૦. મેરો ગામ કાંઠા પારે (ફિલ્મ: મંથન, ગાયિકા: પ્રિતી સાગર, સંગીતકાર: વનરાજ ભાટીયા)

8. મનપસંદ ૧૦- ૧૦ ગુજરાતી ફિલ્મી અને બીનફીલ્મી ગીતો

પ્રશ્ન પૂછનાર વાચક : અમિત જોષી

ખરું કહું તો ગુજરાતી ગીતો સાંભળવાનું સાવ ઓછું બને છે. એ ફિલ્મી હોય કે બિનફિલ્મી. છતાં મનપસંદ ગીતો ગણાવવાનાં હોય તો આ હોઈ શકે.

મનપસંદ ગુજરાતી ફિલ્મી ગીતો:

૧. તારી આંખનો અફીણી (ફિલ્મ: દીવાદાંડી, ગાયક: દિલીપ ધોળકીયા, સંગીતકાર: અજિત મર્ચન્‍ટ)

૨. નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે (ફિલ્મ: અખંડ સૌભાગ્યવતી, ગાયક: મુકેશ, સંગીતકાર: કલ્યાણજી આણંદજી)

૩. તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે (ફિલ્મ: મંગળફેરા, ગાયિકા: ગીતારોય, સંગીતકાર: અવિનાશ વ્યાસ)

૪. અમે મુંબઈના રહેવાસી (ફિલ્મ: મંગળફેરા, ગાયકો: ગીતા રોય, એ.આર.ઓઝા, સંગીતકાર: અવિનાશ વ્યાસ)

૫. લોકો તો કહે છે કે મુંબઈમાં છે બહુ કમાણી (ફિલ્મ: સંતુ રંગીલી, ગાયક: કિશોરકુમાર, સંગીતકાર:અવિનાશ વ્યાસ)

૬. બોલો પફબભમ હોઠ બીડી (ફિલ્મ: સંતુ રંગીલી, ગાયકો-મુકેશ- આશા ભોંસલે, સંગીતકાર: અવિનાશ વ્યાસ)

૭. હું અમદાવાદનો રીક્ષાવાળો (ફિલ્મ: માબાપ, ગાયક: કિશોરકુમાર, સંગીતકાર: અવિનાશ વ્યાસ)

૮. એક સરખા દિવસ સુખના (ફિલ્મ: માલવપતિ મુંજ, ગાયક: મન્નાડે, સંગીતકાર: અવિનાશ વ્યાસ)

૯. મારો હેલો સાંભળોજી (ફિલ્મ: રણુજાના રાજા રામદેવ, ગાયક: મન્નાડે, સંગીતકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય)

૧૦. વણઝારા રે અમે વણઝારા (ફિલ્મ: કરિયાવર, ગાયકો- મીના કપૂર- અજિત મર્ચન્‍ટ, સંગીતકાર: અજિત મર્ચન્‍ટ)

મનપસંદ ગુજરાતી બિનફિલ્મી ગીતો:

સુગમ સંગીત કાનમાં બિલકુલ પ્રવેશી શકતું નથી. અને અહીં લખેલાં ગીતો માત્ર આ ગાયકોના અવાજમાં જ સાંભળવા ગમે છે.

૧. દિવસો જુદાઈના જાય છે. (ગાયક: મહંમદ રફી)

૨. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા (ગાયક: ભૂપીન્‍દર સીંઘ)

૩. કહું છું જવાનીને પાછી વળી જા (ગાયક: મહંમદ રફી)

૪. સનમ જો તું બને ગુલ તો બુલબુલ હું બની જાઉં (ગાયક: મુકેશ)

૫. હો રાજ રે, મને કેર કાંટો વાગ્યો (ગાયિકા: ગીતાદત્ત)

૬. તમારા અહીં આજ પગલાં થવાના (ગાયક: હેમંતકુમાર)

૭. જવાબ દે ને ક્યાં છે તું (ગાયક: તલત મહેમૂદ)

૮.માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો (ગાયક: આશા ભોસલે)

૯. કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહીશું રે (ગાયક: અભરામ ભગત)

૧૦. આભમાં ઉગેલ ચાંદલીયો ને જીજાબાઈને આવ્યાં બાળ (ગાયક: હેમુ ગઢવી)

9. ૧૦ હિન્દી અને પાંચ ગુજરાતી મુવી

પ્રશ્ન પૂછનાર વાચક : અમિત જોષી

ઘણી બધી ફિલ્મો વિવિધ કારણોસર ગમે છે.

હિન્‍દી ફિલ્મો

૧. પ્યાસા (દિગ્દર્શન: ગુરુદત્ત)

૨. બઢતી કા નામ દાઢી (દિગ્દર્શક: કિશોરકુમાર)

૩. ગર્મ હવા (દિગ્દર્શક: એમ. એસ. સથ્યુ)

૪. જોની મેરા નામ (દિગ્દર્શક: વિજય આનંદ)

૫. જ્વેલ થીફ (દિગ્દર્શક: વિજય આનંદ)

૬. કાગઝ કે ફૂલ (દિગ્દર્શક: ગુરુદત્ત)

૭. અલબેલા (દિગ્દર્શક: ભગવાન)

૮. આવારા (દિગ્દર્શક: રાજ કપૂર)

૯. એક રુકા હુઆ ફેંસલા (દિગ્દર્શક: બાસુ ચેટરજી)

૧૦. સૂરજ કા સાતવાં ઘોડા (દિગ્દર્શક: શ્યામ બેનેગલ)

ગુજરાતી ફિલ્મો

પ્રમાણમાં ઓછી જોઈ છે, છતાં તેમાંની પાંચ મનપસંદ આટલી યાદ આવે છે.

૧. સંતુ રંગીલી (દિગ્દર્શક: મનહર રસકપૂર)

૨. ભવની ભવાઈ (દિગ્દર્શક: કેતન મહેતા)

૩. વિસામો (દિગ્દર્શક: કૃષ્ણકાન્‍ત)

૪. બેટર હાફ (દિગ્દર્શક: આશિષ કક્કડ)

૫. બે યાર (દિગ્દર્શક: અભિષેક જૈન)

10. પાંચ ગુજરાતી લેખકો અને પત્રકારો

પ્રશ્ન પૂછનાર વાચક : અમિત જોષી

ઘણા લેખકોનું લખાણ ગમે છે.

તેમાંનાં પાંચ :

ઝવેરચંદ મેઘાણી, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, અશ્વિની ભટ્ટ, દીપક સોલીયા

પત્રકારોમાં ઘણા ગમે છે, અને ઘણા નથી પણ ગમતા. ગમે છે.

એમાંનાં પાંચ:

વાસુદેવ મહેતા, કાંતિ ભટ્ટ (પત્રકાર તરીકે, કોલમીસ્ટ તરીકે નહીં), શીલા ભટ્ટ, પ્રશાંત દયાળ, ઉર્વીશ કોઠારી,

Published works of Biren Kothari:

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.