ન્યુ જર્સી ના પોશ એરિયા માં એક મોટા સ્ટોર પર ચકચકાટ કરતું બોર્ડ માર્યું હતું:

‘વેલકમ સુપર સ્ટોર’. તેમાં એક કુરિયર બોય દાખલ થયો.

‘કુરિયર ફોર ચેગન પઠેલ.’

‘આયમ ચેગન પઠેલ.’

આગળ જ કાઉન્ટર પર બેઠેલ હેન્ડસમ વ્યક્તિ એ અમેરિકન છાંટ ની અંગ્રેજી માં જવાબ આપ્યો. કુરિયર કવર પકડાવી મનમાં ‘ધિસ ઈંડિયંસ પ્રોસ્પર હિયર લાઈક એનીથીંગ.’ બબડતો પાછો ફર્યો.

ઈન્ડિયા ચાણસ્મા થી આવેલ પત્ર જોતાં જ છગન ની આંખો ચમકી. તેની આંગળીઓ વીજળીની ઝડપે કવર ના ફ્લેપ પર ગઈ. પત્ર ખોલતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ. તેનાથી બૂમ પડાઈ ગઈ: ‘અલ્યા,મગના,જો તો ખરો..’

સ્ટોર ના બીજા છેડે થી અવાજ સંભળાયો: એલા,આટલો હરખપદૂડો કેમ થાય છે? છે શું?’

છગન દોડી ને મગન પાસે ગયો.તેનાં હાથ માં પત્ર સરકાવ્યો. બંને ની હાહા-હી હી થી સ્ટોર માં કામ કરતાં અન્ય હાથ થંભી ગયા.

‘ઓહોહોહોહોહો....... જગના નો પોયરો એટલો મોટો થઈ ગ્યો?. જગનો તો સસરો બની જાશે.’ બંને એકમેક ને ભેટી પડ્યા.

નાનકડા ગામ માં આ ત્રણે છોકરાઓ છગન,મગન અને જગન તળાવની પાળે રખડ્યા કરતાં. ત્યાંથી કંટાળે તો પહાડ પર ચડે. અને બાકી ફળિયા માં આખો દિવસ આંબલી-પીપળી રમ્યા કરે. આ ત્રિપુટી કાયમ ભેળી ને ભેળી. એ....ને રાતેક ના સૂવા માંડ છૂટી પડે.બાપા ના હાથ નો માર ખાઈ ને પણ ત્રણે ઉનાળાની ભરબપોરે તળાવ ની પાળે પહોંચી જાય. તળાવ માં નહાવા પડેલ ભેંસ પર સવારી યે કરે. એમાં પણ છગન ની મસ્તી એટલી કે દુનિયાની સૌથી આળસુ પ્રજા કે જાતિ અને તેમાં પણ ક્યારેય ન ઉઠવાના સમ લઈને બેઠેલી ભેંસ ની રાણી પણ અકળાઈ જઈ ને પૂંછડા મારતી. કેટલીય વાર અકળાઇ જઈ ઊભી થવા જતી.તે સાથે જ ઉપર બેઠેલ છગન મોટું ગોઠીમડું ખાઈ સીધો પડે તળાવમાં. અને ત્રણે હસી હસી ને બેવડ બની જતાં. મગન ઘણી વાર વારતો:

‘આટલી અવળચંડાઈ ન કરતો હોય તો? કોક દિ’ શિંગડે ભેરવશે.’

‘પડશે એવાં દેવાશે.’ છગન નફકરું હસતો.


એની નફકરાઈ જરૂર કરતાં લાંબી ચાલી અને બાપા ને આ જુવાન પોયરો કઈ ઉકાળશે નહીં તેમ લાગતાં, પરદેશ દૂરના સગાને ત્યાં મોકલવાની તૈયારી ચાલુ કરી.

‘તું તો, માળો, નશીબદાર છે. . એને બલૂન માં ઉડશે. હે છગના,મારે ય આવવું છે તારી ભેળા,પણ..’. મગના ની આંખ માં પણ સપના અંજાયા છતાંય પારકા પરદેશ માં જવાની ભીતિ ઘણી.

‘પણ ને બણ નહીં...આવવું હોય તો આવી જ જવાનું.’.

અને નાના ગામ ને રામરામ કરી,જગના ને ગળે વળગી બેય ઊડ્યાં અને સીધા જઈ પડ્યાં મામાના ઘેર. મામા ના સ્ટોર માં માંડ્યા કામ કરવા...છૂટકો જ નહીં... અહી કયું તળાવ ગોતવું?

મહિના માસ માં છગને ધડાકો કર્યો: મારેય સ્ટોર ખોલવો છે....

‘પણ....’મગના ને એણે બોલવા જ ન દીધો.

મામા પાસેથી થોડા ઘણા પૈસા ઉછીના લીધા અને ચાલુ કર્યો વેલકમ સ્ટોર. ઢચુપચુ મગનો કમને તૈયાર થયો. અને બસ તે દી થી તેણે રાત દિવસ એક કર્યા અને પાછું જોયું નથી. હા, હવે તો મામા સૌને પોતા થી સવાયા ભાણા ની વાત કહેતાં ધરાતા ન હતા.

‘આપણે કીધું;તું. ઝાઝા પૈસા નથી મારી પાસે,પણ મદદ તો કરીશ. તું તારે ઝંપલાવ. છોકરા ની ધગશ મે તો પેલાં થી જ પારખી લીધી’તી હો...’

છગન નો મોટો સ્ટોર અને તેમાં મગન સૌથી મોટો આસિસ્ટન્ટ.

‘તો આપણી ટિકિટ કાઢવી લઈએ?’

‘રેવા દે ને... ખરચ કેટલો થાય?’

‘તારે શી ચિંતા? હું લઈ જાઉં પછી?’

પણ.. તારે ખોટો ખરચ શા માટે...

ખોટો? એલા, ત્યાં જગનના ઘેર જવાનું છે... અહી પૈસો,ટકો,બધુ જ છે,પણ જગનો અહીં છે?’

મગન ને તો આ ઘેલછા ગમી નહીં. હું અહી સ્ટોર સંભાળીશ. તું જઈ આવ.

‘સ્ટોર ની કેમ ચિંતા...’ ...છગન ના વાક્ય ને મગને પૂરું થવા ન દીધું.

‘તું તારે જા. મને તાણ ન કરીશ.’ અને પાછો સ્ટોર ના બીજા ખૂણે જતો રહ્યો.

છગન ની તૈયારી શરૂ થઈ ગઈ. હવે મહિના માં તો ગામ.વતન.ઈન્ડિયા. આ વખતે તો વટ પાડી દેવો છે. આ ધીકતો ધંધો છે,પૈસો છે,અને હવે તો સ્ટાઈલ પણ છે. બસ અહી ની જેમ સુટેડ બુટેડ જ ફરવાનું. સારા માં સારા સૂટ વોર્ડ રોબ માંથી નીકળતાં ગયા અને બેગ માં ભરાતાં ગયા. કબાટ ના અરીસા માં દેખાતું તેનું મોં ચમકતું હતું. હવે તો વાન પણ ખીલ્યો હતો અને લક્ષ્મી નું તેજ છલકાઈ આવતું હતું.

હા.. ને રે’વાનું પણ અહીં ના લોકો જેમ જ. ભારે મોં એ જ બધા સાથે વાત કરવાની... ડિસ્ટન્સ રાખવું પડે ને? ગામલોકો પણ જાણે કે છગન કેટલો મોટો માણસ છે.... દેખાડી જ દેવું.’.

છગન ને તેડવા આખું ગામ રેલ્વે સ્ટેશન ટોળે મળેલું. ગામ નો દીકરો ‘ફૉરિન.’ થી આવતો હતો!

‘કે’છે બહુ મોટો માણસ બની ગ્યો છે...’ ટોળા માં થી કોઈ બોલ્યું.

‘હા ભાઈ, હવે તો બદલી ગ્યો હશે.... આપણને ઓળખશે કે નહીં? ’

‘એને મોટા માણસો ને હળવા-મળવાનું બહુ થાય છે તે કાયમ કોટ-પાટલૂન ને ટાઈ માં જ ફરે...’

‘હા, સુવે પણ ટાઇ પહેરીને.’

જગના એ મજાકીયા તરફ કરડી નજર કરી.તે મોઢું ફેરવી ગયો,ત્યાં સુધી માં એકાદ ભોળિયા નો પ્રતિભાવ આવી ગયો હતો: ‘ હે? વાહ! ખરું !’

ગાડી ના નજીક આવવાના અવાજ સાથે જગન,સરપંચ અને બીજા મોવડીઓ એ હાથ માં રહેલા હાર ને પહેરાવવા માટે ગોળ ગોઠવ્યો. કેટલી ય આંખો ગાડી ના ડબ્બા ના બારણાં પર મંડાઇ.

ઓહો.... આવ આવ... મને ખાતરી જ હતી,તું તો આવશે જ...’જગન દોડ્યો, તેને ભેટવામાં હાર તો પહેરાવવાનું ભૂલી જ ગયો.

હો હો હો... છગન ના મોટા અવાજ થી પ્લેટફોર્મ ભરાઈ ગયું. કહી નાનપણ ના જેવી જ તાલી આપી.

‘ઓહો લાલ કાકા તમે તો ઘરડા થઈ ગ્યા?’

‘તે તું ચડ્ડી-બંડી મા થી આ કોટ-પાટલૂન માં આવી ક્યાંથી આવી ગ્યો,ભાઇલા?’

અને સરઘસ ચાલ્યું જગન ના ઘેર. હો હો ને દેકીરો ચાલ્યો. ત્યાં તો થોડી વારે કોઈ નું ધ્યાન ગયું

‘એલા આ બેય ક્યાં ગ્યા? કોઈ ને કીધા કારવ્યા વગર? ’ શોધાશોધ થઈ પડી. છગન તો નથી,પણ લગન ના ઘર માં થી વર નો બાપ જ ગાયબ? બધા ઊંચા નીચા થઈ ગયા.

ત્યાં તો જગન ના બાપ બોલી ઉઠ્યા: તળાવ ની પાળે તપાસ કરો.... હું જાણું ને..’

બાપા નો તરજુબો સાચો નીકળ્યો. બેય ને તાબડતોબ ઘેર લઈ આવ્યા.

એલા ઘર માં લગન આદર્યા છે ને બેય તળાવ ફરવા ઉપડ્યા... અક્કલ ન આવી આવડા મોટા થ્યા તોય...’ વડીલો ની નારાજગી બંને ના હાસ્યહુલ્લડ માં ડૂબી ગઈ.

પૂરા સાત દિવસ છગન રહ્યો,બધાને ઘેર જઈ ચા ની રકાબી પીતો આવ્યો અને હાહા હીહી કરતો આવ્યો. ખેતર,સીમ,પાદર બધુ ખૂંદી માર્યું.. જતાં જતાં ગામને સ્કૂલ માટે દાન આપતો ગયો. સાતમે દિવસે મુંબઈ જવા રવાના થયો ત્યારના ટોળાં માં વળી,જેણે છગન ને પહેલી વાર જોયો હતો તેવાં નાનડિયાઓ એ ઘણા હતા. ગાડીએ સિટી મારી. બધાએ આવજો કહ્યું.છગને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બારી માં થી હાથ બહાર રાખી આવજો કર્યા કર્યું. પાછા વળતાં ગામ ના મોટેરાં છગન ની વાત કરતાં હતા:

‘ફોરેન માં આટલું રહ્યો.. રળીને લખલૂટ પૈસા કમાયો,પણ રહ્યો સાવ આપણાં જેવો જ દેશી.... છગન તો સાવ છગન જ રહ્યો....’


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.