આજે નવરાત્રીની આઠમ હતી. અંનતના ઘરે આઠમના ગરબા રાખ્યા હતા. હર્બાલાઈફનું આખું ગ્રુપ આવવાનું હતું. નીરુ ખુબ મહેનત કરીને સરસ તૈયાર થઇ. તેને માની ઈચ્છા ખબર હતી. પોતે સારે ઠેકાણે પરણી જાય. કદાચ નીરુનું મન પણ એવું જ ઇચ્છતું હતું. ગરબા વખતે સૌ નીરૂને અભિનંદન આપવા લાગ્યા. બે વાત માટે, એક તો તે પ્રેસટીમ બની હતી અને બીજું તે આજે ખુબ સુંદર દેખાતી હતી. અનંત તેને વારે વારે જોઈ લેતો હતો. વારંવાર આંખો ચાર થતી હતી, એનો અર્થ તો એજ ને કે, પોતે પણ તેને જોતી હતી. તેને થયું, કાશ અનંત આજે મને પ્રપોઝ કરે! શું મને પણ સુખ મળી શકે? તે સાથે જ, તે ધ્રુજી ઉઠી. બધાની નજરોથી બચીને તે બાથરૂમ તરફ દોડી.ભાગવાથી શું વળે? જેનાથી બચવા માંગતી હતી તે બધી જ વાતો તેને ઘેરી વળી. અનાયાસ તે તેમાં જાણે ડૂબી ગઈ. તે પહોંચી ગઈ મામાને ઘેર, મામીની સામે!

" ચાલ નીકળ,ઉભી છે શું?"

"મને ઘરમાં રહેવા દો, હું બધાં કામ કરીશ."

"ચાલ, ચાલ નીકળ ઘરની બહાર."

"મામી, મારી શું ભૂલ થઇ છે એ કહો, હું માફી માંગીશ ને ભૂલ સુધારી લઈશ."

અવાજો સાંભળીને સતીશ નીચે આવ્યો.

"શું થયું પાછું?" " તમારે ક્યાં કશું જોવું છે, શું થયું. બધી બલાઓને મારે માથે નાખીને તમે સારા થઈને ફરો છો."

"બેટા નીરુ શું થયું? મને કહે."

"પણ મામા મને ખબર નથી મારી કઈં ભૂલ થઇ છે."

" ભૂલ તો એક હોય તો કોઈ કહેને, આ તો ઢગલો ભૂલો કરીને ઉપર બેસીને મારુ કાળજું ખાંડે છે. જુઓ મારાં છોકરાંઓ માટે ત્રણ કેળાં રાખ્યાં હતાં તેમાંથી એક ખાઈ ગઈ, રાતનાં વાસણ હજી ઘસ્યા નથી, કપડાં વાળ્યાં નથી, રસોડામાં તેલ ઢોળ્યું છે, અને મારો સોનાનો અછોડો ચોરી લીધો છે, હજી ગણાવું?"

"ના મામી કપડાં -વાસણ તો કરી લીધા છે, પણ તેલ ?"

અછોડો તો તારા ગળામાં છે જો તો ખરી."

" અરે ભાઈ આ ખોટો છે સાચો ચોરી લીધો છે."

અત્યારે અડધી રાતે એ ક્યાંય નહીં જાય. સવારે વાત, અત્યારે સુઈ જાવ બધા."

નિરુનો હાથ પકડીને સતીશ ઉપર લઇ ગયો. બડબડ કરતી મામી-શકું પણ સુવા ગઈ.

સતીષ પોતાના દૂરના કાકાની દીકરી, સોમીની દીકરી, નીરુને લઇ આવ્યો હતો. બેન દુઃખી હતી બે ટંકનું ખાવાનું પણ નહોતું થતું. એટલે છોકરી અહીં રહેશે અને પત્નીને મદદ કરશે એવી ગણતરી હતી. શરુઆતમાં તો પત્ની પણ ખુશ હતી મફતની કામ વાળી મળવાથી, પણ એને મ્યુનિસિપાલિટીની શાળામાં ભણવા મૂકી અને તેનું પરિણામ પોતાના છોકરાંઓ કરતાં સારું આવવા લાગ્યું. ઘરનું બધું કામ કર્યા પછી, નીરુ રાતે માંડ થોડું વાંચતી. જ્યારે બધું હાથમાં મળતું હોવાં છતાં પોતાનાં છોકરાં પાછળ, આ વાતથી મામીની આંખમાં નીરુ કણાની જેમ ખૂંચવા લાગેલી.

દૂરના એક નાના ગામમાં નિરુનો જન્મ થયેલો. તેની માં સોમી એક મોટા ખોરડાંનું કામકાજ કરતી હતી. નીરુના જન્મ પછી તેનો પતિ શહેરમાં કમાવા જવાનું કહીને ગયેલો, તે કદી પાછો ના આવ્યો, કે ન આવ્યા કોઈ વાવડ. અભણ અને ગભરુ સોમીને શું કરવું તે સમજાતું નહોતું. ખાવાપીવા માટે ઉધારી કરેલી તેમાં સામેવાળાએ એ ઝૂંપડું પણ લઇ લીધું હતું. એટલે સોમી જેને ત્યાં કામ કરતી તેની કોઢમાં રહેતી હતી. સતીશ એકવાર તેના ગામ ગયો ત્યારે સોમીની દશા જોઈને દુઃખી થઇ ગયો હતો. ગરીબ દુખિયારી બેનને મદદ કરવાના ઈરાદાથી જ તે નીરુને પોતાની સાથે લઇ આવેલો. પત્નીનો સ્વભાવ ખબર હોવાથી,તેને કહેલું કે, "નીરુને તારી મદદ માટે લેતો આવ્યો છું ." અને નીરુને પણ સમજાવી દીધેલી કે, "બેટા તારે ભણવું હોય તો દોડી દોડી ને તારી મામી નું કામ કરજે."

નીરુ પણ મામીને બરાબર ઓળખી ગઈ હતી. તેને ખબર હતી કે, કેળું, અછોડો બધું પોતે સંતાડીને મારે માથે પાડે છે. એ વાત ઉપર જતી વખતે તેણે મામાને પણ કરેલી. બીજા દિવસે સવારે ઉઠતાની સાથે, સતીશ કહે," આ નીરુએ જે બધી વસ્તુઓની ચોરી કરી છે, તે આપણા ઘરમાં જ સંતાડી હશે, તેનું પોતાનું તો ઘર છે જ ક્યાં? ચાલ નીરુ, તું મારી સાથે રહે. આજે હું શોધું છું, કે કાયમ તું ચોરી કરીને બધું ક્યાં મૂકે છે. અને ખબરદાર જો અહીં થી ગઈ છે તો."

બંને જણે થઈને કેળું, અછોડો અને પહેલા કહેવાતી ચોરાયેલી બધી વસ્તુઓ પણ શોધી કાઢી. અને નીરુને ખોટે ખોટી ધમકાવી કે, હવે ચોરી ના કરતી નહિ તો મામી કાઢી મુકશે તો ક્યાં જઈશ?"


"ક્યાં જઈશ -ક્યાં જઈશ" આ શબ્દો નીરુના મગજ પર હથોડાની જેમ ટીપાવા લાગ્યા.ખરેખર

મને કાઢી મૂકે તો ક્યાં જઈશ? મા પાસે જવાય પણ તે ઘર તો બીજાનું. શું મારા બાપાને પોતાનું ઘર હશે? મારી મા ને પણ કોઈ કાઢી મૂકે તો જવા માટે પોતાનું ઘર નથી. આ-- આ-- આ- ના ચાલે ના જ ચાલે. અને તેને દ્રઢ નિર્ણય કર્યો. રાતે જાગીને વાંચતી અને દિવસભર કામ કરતી બે-ત્રણ વર્ષમાં તેણે ટ્યૂશન ચાલુ કર્યા. હર્બલાઇફમાં ડિસ્ટ્રીબ્યુટર બની. આમાં તો જેટલું દોડો તેટલું કમાવ, માર્કેટિંગ આવડવું જોઈએ. સદ્ભાગ્યે નીરુની અપલાઇન કુશળ અને કોઓપરેટીવ હતી. સતત કામને લીધે તે વર્લ્ડ ટીમ સુધી પહોંચી. કમાણી સારી હતી પણ મામીને પણ તેમાંથી રીઝવવાની હતી. પાછળથી માને પણ પોતાની સાથે બોલાવી લીધી હતી અને ભાડાનું ઘર રાખીને બંને રહેતાં હતાં. આ દરમ્યાન તે અનંતનાં પરિચયમાં આવી. હર્બલાઈફમાં તે પ્રેસ ટીમ બની ચુક્યો હતો અને નીરુને પણ સમજાવતો કે "ઇટ્સ ઇઝી." નીરુ તેની સલાહ અને મદદથી આગળ વધતી ગઈ. તેનું ધ્યાન માત્ર કામમાં રહેતું. ક્યારેક તેને લાગતું અનંત વધુ વાતો કરવા માંગે છે. પણ નીરૂને ધૂન હતી આગળ વધવાની. તેની અને અનંતની મહેનત રંગ લાવી અને નીરુ પણ આખરે પ્રેસ ટીમ બની જ ગઈ. હવે કમાણી મહિનાની લખો રૂપિયા થતી હતી. સૌથી પહેલાં તેને સારા એરિયામાં સરસ મોટું ઘર લીધું --પોતાનું ઘર.!!!

'પોતાનું ઘર' શબ્દ ફરી ફરી તેના કાનમાં ગુજવા લાગ્યો અને તે ફરી સભાન થઇ. બહાર ગરબા ગવાતા હતા ત્યાં પહોંચી. કોઈનું ધ્યાન નહોતું પણ અનંતની આખો તેને જ શોધતી હોય તેમ તે બોલ્યો," અરે નીરુ ચાલો નાસ્તો કરો ખુબ ટેસ્ટી છે" કંઈ બોલ્યા વિના તેણે પ્લેટમાં નાસ્તો લીધો. "કેમ તારું મો લેવાઈ ગયું? આર યુ ઓકે?" " યા આઈ એમ ગુડ, નો વરીઝ." અનંત આજે ખુબ ઉત્સાહમાં હતો. તેની મમ્મીએ પણ ખાસ દબાણ કરેલું કે, આજે ચોક્કસ પ્રપોઝ કરજે. પણ નીરૂનો મૂડ અને ચહેરો જોઈ તે ચુપ રહ્યો.નીરુએ બધાને નિમંત્રણ આપ્યું કે, દશેરાના દિવસે તેના નવા ઘરનું વાસ્તુ છે. ગરબામાં ભેગા થયેલા સૌ ખુશ થઇ ગયા. વાસ્તુ વખતે પણ તે સરસ તૈયાર થઇ. તેની મા આશાભરી નજરે તેને જોઈ રહી પછી તેના કાન પાછળ કાળું ટીલું કર્યું, ખુબ ધામધુમથી વાસ્તુની ઉજવણી કરી. એ શુભ દિવસે જ અનંતે એને પ્રપોઝ કર્યું! આ મનગમતો દિવસ આજે જ આવશે તેવું નીરુએ સહેજ પણ નહોતું વિચાર્યું. થોડી વાર સ્તબ્ઘ થઈને ઉભી રહી પછી તરત શરમની લાલી તેના મો પર છવાઈ ગઈ. હાજર સૌ ખુબ રાજી થયાં. બંન્ને મેડ ફોર ઈચ અધર હતાં. બંને જ્યારે માતા સુમીને પગે લાગ્યાં ત્યારે તેણે કહ્યું, "તમે બંને હવે આ ઘરમાં જ રહેજો. દુનિયામાં પોતાનું એક ઘર થાય તેના માટે મારી નીરુએ ઘણી મહેનત કરી છે. અને ઘર લેતાંની સાથે તે સાસરે જાય તો પોતાના ઘરમાં ક્યારે રહે?"

નીરુના માથામાં પાછા પેલા શબ્દો હથોડાની જેમ પડઘાવા લાગ્યા. -ક્યાં જઈશ -ક્યાં જઈશ -પાંચ મિનિટ તે આંખો બંધ રાખીને બેસી રહી. પછી પોતાની જાતને સમજાવતી હોય તેમ કહે," મા હવે મને કોઈ કાઢી નહિ મૂકે, એટલે ક્યાં જઈશ ? એ પ્રશ્ન જ ના રહે ને? અને મા, આ ધર તો મારી મા માટે-- તારા માટે છે- મારુ પહેલું ઘર. અને હું સાસરે જઈશ ત્યાં પણ મારુ જ ઘર હશે નહીં મા?"

બોલતાં બોલતાં ખુશીનાં માર્યાં તેની આંખોમાં આંસુ ઊભરાયાં.

અત્યાર સુધી આનંદ પૂર્વક બધું સાંભળી રહેલા સતીશ મામા કહે," હા બેટા નીરુ, હવે તો અનંતનું ઘર, એ તારું ઘર. પણ તારે જ્યારે જવું હોય ત્યારે જવાય તેવું તારી માનું ઘર છે અને મામાનું ઘર પણ છે. સહેજ લાજવાતાં લજવાતાં મામી કહે , " માનું ઘર,મામાનું ઘર અને મામીનું ઘર પણ તારું જ હોં ને બેટા."

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.