સ્વપ્ન

પ્રત્યંચ હતપ્રભ જેવો પથારીમાં બેઠો થઈ ગયો ! શરીર આખું પરસેવે રેબઝેબ થઈ ગયું હતું ! હ્રદય પણ જોરથી ધડકી રહ્યુ હતું... ઉભો થઈ ઝટપટ પાણી ગટગટાવી ગયો. જાણે ગળામાં શોષ પડતો હતો... પણ થોડીવારમાં સ્વસ્થતા મળ્યા પછી મનમાં થોડી ધરપત મહેસૂસ થઈ લાગી.

“ હાશ, તો...એ સ્વપ્ન હતું !

ધીમે ધીમે હોશ આવતો લાગ્યો....વિચારોમાંથી ભય ચાલ્યો ગયો લાગ્યો... પણ એક વિચાર લહરી તો ય ઊઠી...

“ પણ ખરેખર આવું બને તો....?....તો....તો...”

એ “ તો “ નું નિરાકરણ પણ તુરત સુઝ્યું...

ને એ નિરાકરણથી જાણે પોતામાં જોર આવ્યું લાગ્યું

“ હા, એમ કહી શકાય ..... ખરેખર તો એમ જ કરવું જોઈએ ...” મારા જેવા નરમ પ્રકૃતિવાળા કરતાં કોઈ હિંમતવાળાના જીવનમાં આવો પ્રસંગ બને તો જરૂર તે આમ જ કરે ... જ.. આવા કિસ્સાઓ બનતા રહે જ છે ને ! છાપામાં પણ આવે જ છે ... અને હવે તો આવા બનાવો સામાન્ય જેવા થઈ ગયા છે ! ....અને મારે પણ આવો રસ્તો જ લેવો જોઈએ.... હું કાંઈ એમ સાવ ઢીલોપોચો તો નથી જ ... એકવાર બતાવી દઉં... એને પતાવે જ નંખાય..”

ને પ્રત્યંચ આ વિચારથી નવું જોમ અનુભવી રહ્યો....

“ પણ પછી...?... બસ ત્યાં જ હિંમત તૂટી જાય.. એ પછી “ નું જ મહત્વ છે ... કસોટી છે... હિંમ્મતની... આજીવન કેદ કે ફાંસી ?

પ્રત્યંચ વિચારોના ચક્રાવામાં ફસાઈ ગયો... છે...

વાત એમ બની કે---

પોતાની પત્નિ રતિકાને એક અજાણ્યા પુરૂષના બહુપાશમાં લપટાયેલી એણે જોઈ લીધી હતી... બસ ત્યારથી એની ભૂખ, તરસ હરામ થઈ ગઈ હતી.. અને સતત રતિકા અને પેલા અજાણ્યા પુરૂષ પર વેર લેવાની એને કહો કે ઘેલછા જ વળગી હતી. એના પર એ દ્રશ્યનો રીતસર માર પડ્યા કરતો હ્ગોય એવી અનુભૂતિ થયા કરતી હતી.

એનાં રતિકા સાથેના લગ્નને હજી માંડ વર્ષેક થયું હશે .. હજી એને પુરેપુરી પહેચાનવાની પણ તક ન્હોતી મળી એમ એને લાગતું હતું. રતિકાના કોઈ સગાને ત્યાં લગ્ન પ્રસંગે રતિકા સાથે તેને જવાનું બન્યું. જો કે આ પહેલાં એકાદ બે વાર રતિકાને ઘેર પોતાને સાસરે વડોદરા જવાનું થયેલું પણ તે રોકાણ એક કે બે દિવસ પુરતું જ હતું પણ આ વખતે તો લગ્ન પ્રસંગ કુટુંબમાં જ હોવાથી રતિકાને અગાઉથી આઠેક દિવસ પહેલાં જવાનું હતું પણ પોતાને પણ ચાર-પાંચ દિવસ સુધીનું રોકાણ કરવાનું હતું, જેથી લગ્ન જેવો પ્રસંગ માણવાની મઝા માટે, સાસરીયાનું પણ ભાવપૂર્ણ આમંત્રણ હતું અને પોતાને પણ માણવું હતું.

નવા પરિચયો, હરવા-ફરવા, વિ.માં શરૂઆતમાં બે ત્રણ દિવસો જોતજોતામાં પસાર થઈ ગયા. જાન બીજા શહેરથી આવવાની હતી એટલે લગ્નવિધિનો ચોથો દિવસ સવારથી જ બધાંને વ્યસ્ત રાખતો પસાર થઈ હતો.


પણ તે દિવસની સાંજ.. કન્યાવિદાય અને જમણવાર, મહેમાનો, બહારગામથી આવેલાં સગા-વ્હાલાં પોતપોતાની સગવડ મુજબ વિદાઈ લઈ રહ્યાં હતાં.. પ્રત્યંચ પણ સર્વ સ્નેહી, પરિચિતો ને વિદાયનું હાય હેલ્લૉ આપી રહ્યો હતો ત્યાં નવો પરિચયથી મિત્ર થયેલો અનૂપ અને તેની પત્નિ પન વિદાય લેવા આવ્યાં..


“ હવે જરૂર જામનગર આવો .. “ અનૂપ અને પત્નિ શૈલી વિવેક કરી રહ્યાં હતાં


પ્રત્યંચને પણ લાગ્યું કે, પોતે પણ આવવાનો વિવેક કરવો જ જોઈએ.. પણ સાથે રતિકા પણ સાદ પુરાવા હોય તો વધુ સારૂં એમ એને લાગ્યું... એટલે એણે આજુબાજુ રતિકા દેખાય છે કે નહિં તે જોયું તો એને બોલાવી સાથે જ આમંત્રણ પાઠવવું એ વધુ સારૂં રહેશે એમે સમજી એ પણ કહી રહ્યો..

“ જરૂર, તમો પણ પહેલાં અમારે ત્યાં આવો. રતિકા પાસે આગ્રહ કરાવું... “ રતિકાનાં જ સગાં હતાં તેથી પોતાના આમંત્રણમાં વધુ ભાવ મેળવવાએ કહી રહ્યો હતો..


....ઊભા ‘રો, એ આટલામાં જ ક્યાંક હશે... એક મિનિટ .. એમ બોલીને એકંદર સામે મહિલાઓ એક બિજાને વળાવવા-વિદાય આપવમાં વ્યસ્ત હતી ત્યાં રતિકા હશે એમ માનીને તે તરફ ગયો...


“ અરે, રતિકા છે આટલામાં ? ક્યાં ગઈ.... ? “ એણે એક મહિલાની સામે જોઈને પૂછ્યું, રતિકાની મામી હતી. બીજી બે ત્રણ પરિચિતો સ્ત્રીઓને પણ પૂછી રહ્યો...


હમણાં જ અહિં હતી...જુઓ કદાચ અંદર ગઈ કે શું ?... એઁ એક બે સ્ત્રીઓએ કહ્યું.

અરે, રતિકા... એક જણે બૂમ પાડી જોઈ, પ્રત્યંચ ને જોઈ પેલાં માસી પણ પાસે આવ્યાં.... “ હું પણ ક્યારની શોધું છું. કોઈએ કામે મોકલી છે ? કામીનીબેન ને પૂછી જોઉં..”

“ હશે આટલામાં જ... બહુ હોંશિલી છે ને... એટલે પડી હશે કામમાં.. માતાએ કહ્યું


“ ચાલો... અમે હવે જઈશું, મોડું થાય છે, તમે બોજો જરૂર આવજો. અમે પણ આવશું..” અનૂપભાઈ દંપતિએ પ્રત્યંચની રજા લેતાં કહ્યું અને તેઓ ગયાં....


પ્રત્યંચ બહુવારથી ઊભો હતો તેથી સામે પડેલી એક ખાલી ખુરશી જોઈ બેસી ગયો. હવે કંટાળો આવતો હતો. સૌ પોત પોતાના સ્નેહીજનો વચ્ચે ટોળટપ્પાં મારતા બેઠા હતાં, કેટલાક બેઠાં હતાં.


“ ટોઈલેટ જઈ આવું એમ મન થયું..”


ઘરની પાછળના ભાગે સોસાયટીનું મેદાન હતું. આજુબાજુના મકાનમાંથી આવતા પ્રકાશોથી મેદાન પડચાયા અને ઝાંખા પ્રકાશથી છવાઈ ગયું હતું. ટોઈલેટ જતાં પરસાળમાંથી મેદાન જોતો રહ્યો. ટોઈલેટ ઘરના પાછળના ભાગે હતું. ઘણે દૂર છૂટાંછવાયાં મેદાનના વૃક્ષોના પડછયામાં બે ઓળા તેણે જોયા.. પણ જોતજોતામાં બંન્ને ઓળા આગળ આવતાં દેખાયા. પાસેના મકાનની ઉપરની બારીમાંથી પડતી રોશની નીચે વાતો કરતાં બંન્ને ઓળા એકાએક એકબીજાની નજીક સરક્યાં.. અને એક્બીજાંને વળગી પડ્યાં.

ઝડપથી એક કાર પાસેથી નીકળી અને તેની તેજ લાઈટનો પૂર્ણ પ્રકાશ આજુબાજુનાં આછા અંધકારને ચીરતો પ્રસરી રહ્યો.


પણ..પણ.. પ્રત્યંચને થયું કે હમણાં જ તેનુ હ્રદય બેસી જશે. ગળામાં એકદમ શોષ પડવા લાગ્યો. હ્રદયની ધડકન ખૂબ તેજ થઈ ગઈ લાગી.. ફાટી આંખે એ જોઈ રહ્યો.


કાર તો સપાટાબંધ પસાર થઈ ગઈ,


“ રતિકા...આ....આ.... “ તેની રાડ ફાટી ગઈ.


અવાજથી જ તુરત બે ઓળા અંધારામાં છૂટા પડીને એકદમ દૂર ભગતા જોયા...


પ્રત્યંચે જોયું હતું,.. બરાબર એને દેખાયું હતુ.. રતિકા જ હતી. એની આંખો વિંચાયેલી હતી. તેના બંન્ને હાથ કોઈ પૂરૂષના ગળે વિંટળાયેલા હતા,, એક ક્ષણાર્ધના પ્રકાશમાં પણ પ્રત્યંચ પોતાની પત્નિનું મ્હોં ન ઓળખી શકે એવું તો કેમ બને ..?

પોતાની બૂમથી રતિકાની આંખો ખૂલી ગઈ હતી અને તે સાથે જ થોડે દૂરથી પોતાને જ તાકી રહેલ પ્રત્યંચને તે બરાબર ઓળખી ગઈ. સાવધ થવાનો સમય જ ન હતો. પેલા પૂરૂષને આછો ધક્કો મારી, પૂંઠ ફેરવી જેટલા વેગથી ભગાય એટલા વેગથી તે દૂર ભાગી રહી... પેલો પૂરૂષ પણ પ્રથમ તો રતિકાના હળવા ધક્કાથી એક લથડીયું ખાઈ ગયો પણ બેલેન્સ જાળવવા પ્રયત્ન કરતો રતિકાને અચાનક ભાગતી જોઈ કશું ભય જેવું છે એવું ભાન થતાં તેના પગ પણ આપોઆપ દોડતા થઈ ગયા.

પ્રત્યંચ રતિકાના જીવનમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું.

“ સમાધાન કરી લ્યો..” સમાજનો ઠાવકો વર્ગ સલાહ આપતો હતો.

“ ના..ના.. ડાઈવૉર્સ જ “ હવે આવી કલંકિત સ્ત્રીને ઘરમાં રખાય ? ફરી પણ એ સંબંધ શરૂ નહીં કરે એની શું ગેરંટી ? “ પ્રત્યંચના હિતસ્વિઓ સાવચેત કરતાં હતાં..


ડાઈવૉર્સનો મુકદ્દ્મો નોંધાઈ ગયો.. “ પણ અમારે તો સંસાર નિભાવવો છે... અમે ક્યાં લગ્નજીવનના હક્કો પૂરા કરવાની ના કહીએ છીએ ? “ પ્રતિવાદીના વકિલ કૉર્ટમાં દલીલ કરી રહ્યાં.. “ પણ જો “ વાદી રાખવા તૈયાર ન હોય તો ફેંસલો આવતાં સુધી અમારાં ભરણપોષણનું શું ? “

પ્રતિવાદીના વકિલની દલીલો કૉર્ટે ગ્રાહ્ય રાખી. દરમાસે “વાદી” એટલે પ્રત્યંચે, રતિકાને ભરણપોષણની રકમ અચૂક ચૂકવવી” એ ફેંસલો આવ્યો.

સામાજિક પ્રસંગોમાં પ્રત્યંચ પ્રસિધ્ધ થઈ ગયો છે. “ જેની પત્નિ રંગેહાથ દુષ્કર્મ કરતાં ઝડપાઈ તે જણ આ.. “ આંગળી ચિંધાતી રહે છે. “ ડાઈવોર્સનો દાવો ચાલે છે “. ઓફિસમાં.. ચાર પાંચ સ્ત્રી-પુરૂષોની ગોઠડીઓમાં પણ ફૂસ..ફૂસ,, થતી રહે છે. બિચ્ચારો... ! હવે એને લાઈફનું શું ? “ યુવાનો સહાનુભૂતિ દર્શાવે છે કે ધૂત્કાર...


“ હું હોઉં તો પત્નિને પતાવી જ નાંખું “. “ દાવા-બાવાથી કૈં ન વળે “. એક યુવાન માતેલી વાણી બોલે છે. “ એનામાં ત્રેવદ નહીં બાયડીને કાબૂમાં રાખવાની.. “ બીજો વળી પોતાની પહોંચ કહી બતાવે છે. “ કહે છે રતિકા પાર્ટ ટાઈમ રિસૅપ્શનોસ્ટની સર્વિસ કરે છે.. શું કરે બિચારી... ? ક્યાં સુધી ઘર ઝાલી બેસી રહે “ ?

ક્યાંકથી વળી સમાચાર ફરી વળે છે.. “ પેલો “ રતિકાનો પ્રેમી પાછો એને ઘેર આવતો થઈ ગયો છે ! “

“ નામદાર કૉર્ટને અમારી અરજ છે કે અમારી અસીલણ એક ખાનદાન ઘરરખ્ખુ ગૃહિણિ છે અને તેની રીતે જ તે પોતાના પતિ-વાદીની ભૂલો માફ કરીને ઘરસંસાર વસાવવા માગે છે, હકીકતમાં પતિ-વાદી જ એક બદચલન છે એમ અમે પૂરવાર કરવા માંગીએ છીએ..આમ છતાં અમો તેને સુધરવાની તક આપી ફરીથી ઘરસંસાર નિભાવવા તૈયાર છીએ તેથી છૂટાછેટા ની દરખાસ્ત સામે અમારો સખ્ખત વિરોધ છે.. ? “ “ માતાપિતા; પોતાની પુત્રીને ગમતા પ્રેમી સાથે પરણાવવા માંગતા ન્હો’તા અને બળજબરીથી અમારા અસીલ, વાદી-પ્રત્યંચ સાથે પરણાવી દીધી છે એ હકીકત હ્વે સામે આવી છે જે અમે પૂરવાર કરવા માંગીએ છીએ.. “

અસ્તાચળે ઢળતા સૂરજનું પ્રતિબિંબ ઝીલતાં નદીનાં શાંત પાણીમાં હવાના તરંગોથી ઊઠતી લહેરોને તાકતો પ્રત્યંચ ચારેબાજુની હવામાં ગુંજતા આ બધા અવાજો અને હમણાં જ કૉર્ટની સુનાવણીમાં સાંભળેલ વકિલોની એકબિજાને મહાત આપતી દલિલોના અવાજો એનાં કાનોમાં ગુંજ્યા કરતા એના વિચારોને થકવી નાંખતા હતાં.

-- અને શાંત નિરવ નદીનાં એ પાણીમાં એક ધૂબાકો.. અને બીજે દિવસે નદિનાં વહેણ સાથે તરતું પ્રત્યંચનું શબ... બધા અખબારનાં એક મોટા સમાચાર બની રહ્યાં....


........ રમેશચંદ્ર જા વૈદ્ય
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.