ત્યારે મમ્મીને પહેલો સફેદ વાળ આવે છે...

વર્ષો સુધી તમારા જન્મદિવસની ઊજવણી વખતે મમ્મીએ ફૂંક મારીને ઓલવેલી તમારી સળગતી તકલીફો, એકઠી થઈને જયારે મમ્મીના કપાળ સુધી પહોંચે છે ત્યારે મમ્મીને પહેલો સફેદ વાળ આવે છે.

વર્ષો સુધી નિશાળનું લંચબોક્સ ભરવા માટે, દરરોજ વહેલી સવારે રસોડામાં એકઠી થયેલી વરાળ જયારે સંપીને મમ્મીમાં ઘર બનાવે છે ત્યારે મમ્મીને પહેલો સફેદ વાળ આવે છે.

ડાઘા વગરનો યુનિફોર્મ રાખવા માટે મમ્મીએ કેટલીય મહેનત કરેલી. એ યુનિફોર્મનો સફેદ રંગ જયારે મમ્મીને લાગે છે ત્યારે મમ્મીને પહેલો સફેદ વાળ આવે છે.

વર્ષો સુધી તમારી પરીક્ષા સમયે તમને કંપની આપવા તમારી સાથે કરેલા ઉજાગરા, જયારે મમ્મીની આંખોમાંથી છલકાઈને મમ્મીના વાળને અડકે છે ત્યારે મમ્મીને પહેલો સફેદ વાળ આવે છે.

વર્ષો સુધી દિવાળી સમયે ઘરના ફળિયામાં થયેલી રંગોળીઓનો રંગ અચાનક ઉતરી જાય અને ફળિયામાં ચોકથી કરેલી ડીઝાઇન હવે મમ્મીના જ વાળમાં થાય.

મમ્મીએ પાટીમાં ચોકથી લખાવેલા કક્કા બારાખડી, હવે મમ્મીના માથા પર વાંચી શકાય છે.

કોઈની પણ સાદડીમાં મમ્મી સફેદ રંગ પહેરીને પહોંચી જાય. મમ્મીના ગુજરી ગયેલા ભૂતકાળની શોકસભામાં, મમ્મીનો વર્તમાન જયારે સફેદ રંગ પહેરીને આવે છે ત્યારે મમ્મીને પહેલો સફેદ વાળ આવે છે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.