પ્રેમનાં પારખાં ન કરાય

‘સપ્તક,તારી વાત મેં શાંતિથી સાંભળી પરંતુ મને જોવાં અને સમજવા આપણે ફરી મળવું પડશે, હું કહુ ત્યાં અને ત્યારે !’ઋતાનું આમ કહેવું સાંભળી સપ્તક અચંબામાં પડી ગયો.કારણકે ઋતાનો સ્વર જ બદલાઈ ગયો હતો.શું જવાબ આપવો ?પોતે તો હુકમનું પાનું ઉતરી ગયો છે,મનમાં હતું તે કહી દીધું છે.છતાંય તેણે થોથરતા હોય તેમ કહ્યું: ‘ઠીક છે,તું કહે તેમ કરીશ.’ ઋતા રાજી થઇ ગઈ.સ્ત્રીને તેની વાત પુરુષે માની,સ્વીકારી તેમાં તેને જંગ કે જગ જીતી ગઈ હોય તેવું લાગે છે.પણ સપ્તક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો.ઋતાને સેલફોન કરીને કહ્યું હતું,‘મારે તને મળવું છે,બોલ ક્યાં અને ક્યારે મળીશું !?’સામે ઋતાએ જવાબ આપ્યો હતો:‘મારાં ઘરે અને દિવસમાં ગમે ત્યારે..!’સપ્તકને બરાબરની અડી ગઈ હતી. ‘સાલ્લી, સાવ અક્કલ વગરની,બુદ્ધિની બારદાન.ઘરેતે મળાતું હશે !’એક ક્ષણેતો મળવાનું માંડી વળવાનું મન થયેલું.પણ સામે હસીને ઋતાએ આગળ કહ્યું હતું:‘હું એકલી જ ઘરે છું !’ત્યારે સપ્તકનો ઉચાટ ઓછો થયો હતો.તેણે આવીને થોડી ભૂમિકા બાંધ્યા પછી સીધું જ કહ્યું હતું:‘ઋતા,લાઇફપાર્ટનર માટે તારો હાથ માગુ છું’ઋતા કશો પ્રતિભાવ આપ્યા વગર સ્થિર ઊભી રહી.કારણકે સપ્તકે જીવનમાં જે રીતે પ્રવેશ કર્યો,આગળ વધ્યો તે જોતાં આવું કહેશે તેવું ઋતાના મનમાં નક્કી હતું. અને એટલે ઘરે બોલાવવાનું સાહસ કર્યું હતું.‘ઋતા !’સપ્તક થોડી અધીરાઈથી બોલ્યો: ‘જે કહેવું હોય તે અહીં,અત્યારે જ કહી દે ને !’ઋતા ધીર-ગંભીરમુદ્રામાં ઊભી રહી.પછી છાતીફાટ નિસાસો નાખીને બોલી :‘મારો અનુભવ સારો નથી.’ સપ્તકનો અવાજ ઉંચો થઇ ગયો:‘એટલે તારો આવો અનુભવ પણ છે !!?’ઋતાએ સાવ શાંતિથી કહ્યું:‘તેણે તારા જેમ લાગણી દર્શાવીને માગણી મૂકી હતી.’‘પછી !?’સપ્તક સોફા પરથી ઊભો થઇ ગયો.‘પછી શું, મેં જે હતું તે બતાવ્યું.એટલે ભાગ્યો,મોં બતાવવાપણ ઊભો ન રહ્યો !’ઋતાને મનમાં હસવું આવતું તે માંડમાંડ રોકી શકી.આ બાજુ ઋતાનું કહેવું સંભાળી સપ્તક વિચારના વમળમાં ફસાઈને ઘૂમરીઓ લેવા લાગ્યો. ઋતાને આમ પ્રપોસ કરવામાં પોતે ભૂલ કે ઉતાવળતો કરી બેઠો નથીને !? મન ચકરાવે ચઢ્યું.

સપ્તક ભાવનાશાળી યુવક છે.બર્નાડ શોએ કહ્યું છે તેમ,જ્ઞાન મેળવવાની ક્રિયા સક્રિય હોવી જોઈ એ.અર્થાત તમે જે વાંચો,વિચારો તેને વર્તનમાં મુકવા પ્રયત્ન કરો.તેણે શિક્ષણ કે કેળવણી દ્વારા જે મેળવ્યું છે,જે વિચારે છે તેવું જ અમલમાં મુકે છે.ટૂંકમાં કહેવું હોયતો તેનાં વાણી,વર્તન અને વ્યવહાર એક છે. આવા યુવાનો સફળતાના રાજમાર્ગ પર દોડે તેમાં નવાઇ ન લાગે.ઘણી યુવતીઓના પરિચયમાં આવ્યો છે. કોઈને ફરવામાં,કોઈનેમાત્ર મિત્રતામાં તો કોઈને ટાઈમપાસ કરવામાં રસ હતો.પણ ઋતા જરા જુદી માટીની લાગી તેથી આમ સામેથી જ હાથ માગ્યો.પણ મુદ્દો વિચારણા માગી લે તેવો લાગ્યો.સપાટી પર શાંત દેખાતા જળ ઊંડા પણ હોય ! હવે શું કરવું ? ના પાડીને નીકળી જવું કે ઋતાએ મુદ્દત આપી છે તે સ્વીકારી,સમયની પ્રતીક્ષા કરવી !?સપ્તક જેવો શાણો યુવાન સલવાઈને ઊભો રહ્યો. જો કે જિંદગીનો આ એક ખૂબસુરત પણ ભૂલભુલામણી જેવો વળાંક છે.તેમાં પસાર થવાનું હોય છે. અનુભવ પહેલાં પરખ કરવાં બેસોતો પ્રશ્નો પેદા થાય. આમછતાં ઋતા જેવા યંગસ્ટર્સ એસીડનો ટેસ્ટ કરતાં અચકાતા નથી.

નોકરી અને છોકરી માટે સપ્તકના મનમાં એક સ્પષ્ટચિત્ર હતું.તેમાં નોકરીતો, સ્વામી વિવેકાનંદ ના સૂત્ર મુજબ ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.તેમ સપ્તક મહેનત સાથે મંડ્યો રહ્યો અને ધ્યેય હાંસલ કરી શક્યો.હવે રહી જીવનસાથીની વાત.તેના મનમાં પત્ની તરીકેની એક પ્રતિમા કંડારાઇ ગઈ છે.તેને પામવા,મેળવવા જે કંઈ કરવું પડે તે સપ્તક કરે છે.તે સારી રીતે સમજે છે કે,ઘણાં પરિણામો ની પ્રતીક્ષા કરવી પડે.છોડને રોપ્યા પછી તેને ખેંચીને જોયા ન કરાય કે,મૂળ આવ્યાં કે નહિ?ખેડ, ખાતરને પાણી બરાબર કર્યા હોય અને જમીન ફળદ્રુપ હોય તો પછી ચિંતા કે શંકા કરવાને કોઈ કારણ નથી. ‘કેમ,શું વિચારમાં પાડી ગયો સપ્તક !?’ઋતાએ ધારદાર અવાજે કહ્યું:‘મારું કહેવું યોગ્ય ન હોયતો જવા દે વાત ને!’સપ્તક ક્ષણિક થોથરાયો.પછી કહે,‘ના,આપણે મળીશું.’સપ્તક કરમાયેલા ફૂલ જેવું સ્મિત કરી ઋતા સામે જોતો રહ્યો.ઋતા પણ અંદરથી અવઢવ અનુભવતી હતી.કોઈ એવી પરખ કે પ્રેમનું પારખું ન કરે.પણફરી મળવાનું સપ્તકે સ્વીકારી લીધું એટલે નિરાંત થઇ.સામે સપ્તકને આવો વાયદો સ્વીકારવો નહોતો પણ સામે ઋતા આટલી બિન્ધાસ્ત વર્તી રહી છે તો પોતે પણ કમ નથી તેવું બતાવવા તેણે હા પાડી દીધી.

ઋતા અને સપ્તક એકબીજાની કસોટી કરી રહ્યાં છે કે કસોટી થઇ રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે.માણસ દરેક વસ્તુને જોઈ,ચકાસી કે ગુણવત્તા તપાસીને ખરીદતો હોય છે.આમ છતાં છેતરાવાનું બને છે.ઋતાનો સ્વભાવ અને રૂપ-સૌષ્ઠવ એવાં સરસ છે કે કોઈપણ યુવાન તેને જીવનસાથી બનાવવા તૈયાર થઇ જાય.તેમાં એક યુવાનેતો અભિભૂત થઇ સીધું જ કહ્યું હતું:‘તું કહેતો જીવ આપવા પણ તૈયાર છું !’ પણ ઋતાની કસોટીમાં ફુલ્લી નાપાસ થયો.જયારે સપ્તકે કહ્યું કે,‘મને જે ગમે છે તે મેળવીને રહું છું !’ ઋતાએ મૂકસંમતી આપી હતી.મનગમતું મેળવવા ગમે તે નહી, ગમે તેવું યુવાનોએ કરવું જોઈએ.

બીજા દિવસે ઋતાનો ફોન આવ્યો.કહ્યું,‘સાંજે પાંચનાથ મંદિરના ગર્ભગૃહમાં મળીએ !’ સપ્તકે ગુસ્સામાં ના પાડવાના બદલે હા પાડી દીધી.પછી સ્વગત બોલ્યો:‘સાલ્લી મણીબેન, મંદિરમાં મળવાનું કહે છે !’પછી મનમાં હસીને કહે,‘હમભી કમ નહિ !’સપ્તકે, ઋતાને અગાઉ મળેલા યુવાનનું પગેરું શોધી શું બન્યું તે જાણી-સમજી લીધું હતું.

ગર્ભગૃહના આછા ઉજાસમાં ઋતા રૂડી લાગતી હતી.છતાંય તેણે ગંભીર અને રડમસ સ્વરે કહ્યું: ‘મને સ્વીકારવા તૈયાર થયો છો ત્યારે...’વાતને વચ્ચેથી કાપી સપ્તકે ત્વરાથી કહ્યું :‘સાચું કહેવું પડે, બરાબરને !?’ ઋતાની ભ્રુકુટી ખેંચાઈ.તેણે તીરછી નજરે સપ્તકને ત્રોફ્યો.પછી અભિનયમાં આંચ ન આવે તેમ ચણિયો સહેજ ઉંચો કરી પગ બતાવતા બોલી:‘જો,મારાં પગે કોઢ છે !’સપ્તકે પગ સામે જોયા વગર વ્યંગ્યમાં કહ્યું:‘આજે જ નીકળ્યો છે ને !?’ પછી કહે,‘ઋતારાણી ! પ્રેમ પારખા ન કરાય,તારા પગે શું, આખા શરીરે કોઢ હોય તો પણ તને સ્વીકારવા તૈયાર છું !’ઋતા મોં વકાસીને જોઈ રહી.ત્યાં સપ્તક બોલ્યો:‘તેં પેલાને આછા અંધારામાં નકલી ડાઘ દેખાડીને ભગાડ્યો પણ...’એ આગળના શબ્દો ગમ સાથે ગળી ગયો.ઋતા તન-મનથી ફફડી ઉઠી.થયું કે,આવું નહોતું કરવાં જેવું.પોતાની આ ભારોભાર ભૂલ છે. પણ બની ગયું તે હકીકત છે. હવે શું કરવું ?? ત્યાં સપ્તક જ સાવ ધીમેથી બોલ્યો:‘મંદિરમાં છીએ,મરજી હોય તો માળા પહેરી લઈએ !’ ઋતા કશું બોલી શકી નહિ પણ તેના મોં પર ખુશી છવાઈ ગઈ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.