પ્રેમમાં મૌનની પરિભાષા

અહીં આપેલ તસ્વીરમાં બે પ્રેમીઓ એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે, ત્યારે પ્રેમીએ પ્રેમિકાને એવી કઈ વાત કહી હશે જેથી એની પાંપણ ઝૂકી ગઈ? કે આંખો- આંખોમાં જ કંઇક વાત કરી લીધી હશે? શબ્દોની આપ-લે વગર! પ્રેમમાં મૌનનું એક આગવું અને અલાયદું સ્થાન છે.

પ્રેમના દરેક તબક્કે મૌનની પરિભાષા બદલાય છે.

“કભી કભી મેરે દિલમે ખયાલ આતા હૈ,

કી ઝીંદગી તેરી ઝુલ્ફોકી નર્મ છાંવમેં ગુઝરને પાતી

તો સાદાબ હો ભી સકતી થી.

યે રંજ-ઓ-ગમ કી સિયાહી જો દિલ પે છાઈ હૈ

તેરી નજરકી શુઆઓમે ખો ભી સકતી થી.

મગર યે હો ના સકા ઔર અબ યે આલમ હૈ

કે તું નહિ, તેરા ગમ, તેરી જુસ્તજુ ભી નહી!

ગુઝર રહી હૈ કુછ ઇસ તરહ ઝીંદગી જૈસે

ઇસે કિસીકે સહારે કી આરઝુ ભી નહિ.

ના કોઈ રાહ, ના મંઝીલ, ના રોશની કા સુરાગ

ભટક રહી હૈ અંધેરો મેં ઝીંદગી મેરી,

ઇન્હી અંધેરોમેં રહ જાઉંગા કભી ખો કર

મૈ જાનતા હૂં મેરી-નફસ, મગર યૂં હી

કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ.

સાહિર લુધિયાનવી .

આ રચના દ્વારા શાયર સાહિર લુધિયાનવી સાહેબે કેવી વેદના, કેવી પીડા રજૂ કરી છે! એક એક શબ્દની લાગણી આપણે અનુભવી શકીએ છીએ. એ તો જેણે પ્રેમ કર્યો હોય એ જ અન્યને એનો અનુભવ કરાવી શકે. પ્રેમમાં એ ઊંચાઈએ, એ કક્ષાએ પહોંચે એ જ એવી અનુભૂતિ કરી શકે અને કરાવી પણ શકે. સાહિરસાહેબને નાનપણમાં એમના માતાએ ખૂબ દુ:ખ વેઠીને મોટા કર્યા હતા, આથી એમના જીવનમાં માતાનો ઘણો પ્રભાવ. તેઓ માતાની એટલા નજીક હતા કે અન્ય કોઈ સ્ત્રી એમના જીવનમાં એ સ્થાન પામી શકી નહિ સિવાય કે અમૃતા પ્રીતમ. તેઓ એકમાત્ર સ્ત્રી હતા જે સાહિરસાહેબને પ્રભાવિત કરી શક્યા.તેઓ ક્યારેય સાથે રહી શક્યા નહિ, અને જેટલું રહ્યા એને ભરપૂર જીવ્યા. ઉર્દૂ શાયર અને પંજાબી લેખિકા, કવયિત્રી બંનેની મુલાકાત એક મુશાયરામાં થઇ અને પ્રેમમાં પરિણમી.

એમના પ્રેમની ઘણી અજાણી વાતોમાની એક વાત, તેઓ જયારે જયારે મળતા ત્યારે કલાકો ના કલાકો સાથે બેસી રહેતા, મૌન રહીને. હા, બિલકુલ શબ્દોની આપ-લે વિના, એકબીજાના મનના તરંગોને કોઈક અદ્રશ્ય શક્તિવડે સમજતા, એકબીજાની મોજૂદગીનો, સહેવાસનો અહેસાસ માણતા. આવો પ્રેમ સમજવો કોઈ સામાન્ય વ્યક્તિના સમજથી બહારનો વિષય હોય શકે. તેઓ કેટલી હદે એકબીજાની આદતોથી, એકબીજા પ્રત્યેની લાગણીથી પરિચિત હશે કે એમને કશું બોલવાની જરૂર જ વર્તાતી ના હોય, આ વિચાર જ કેવો અદભૂત અને અનોખો લાગે! સાહિરસાહેબ જયારે જયારે અમૃતાજીને મળવા આવતા ત્યારે એમણે પીધેલી સિગારેટના વધેલા ઠૂંઠાને અમૃતાજી સંઘરી રાખતા. સાહિરસાહેબની ગેરહાજરીમાં તેઓ એનો કશ લગાવીને એમની હાજરીને મહેસૂસ કરતા. તો બીજી તરફ સાહિરસાહેબ પણ અમૃતાજીએ પીધેલી ચાના કપને ધોયા વિના એમ ને એમ સાચવી રાખતા. આટલી સામ્યતા જેમની આદતોમાં હોય એમને ખરેખર કોઈ શબ્દોની જરૂર જ શા માટે હોય?

અમૃતાજીએ પંજાબી ભાષામાં લખેલી કવિતાનું અહીં ભાષાંતર છે. એમણે અનુભવેલી વેદનાને શબ્દોમાં ખૂબ જ સુંદર રૂપાંતર કર્યું છે.

I will meet you yet again

How and where? I know not.

Perhaps I will become a

figment of your imagination

And maybe, spreading myself

in a mysterious line

on your canvas,

I will keep gazing at you.

લાગણી એક હદથી વધુ હોય, પછી એને રજૂ કરવામાં કે એ અંગે ખુલાસો કરવામાં શબ્દો કામ લાગતા નથી.આવા સમયે પ્રેમીઓએ ખામોશ, નિ:શબ્દ બની જવું પડે છે. કોઈને એટલું ચાહતા હોય, એ વ્યક્તિ એટલી બધી, એટલી બધી વહાલી હોય, પ્રિય હોય કે એને ક્યારેય કોઈ દ્વારા વ્યક્ત ન કરી શકાય. દરેક વિષય પર,દરેક ઘટના પર તેઓ લાંબુ ભાષણ આપી શકશે. દેશ-દુનિયાની બધી માહિતી એમની પાસે મળી રહેશે કે તેમના ગામ- શહેરની તમામ સમસ્યાઓના ઉપાય તેમની પાસે હશે, પરંતુ પોતાના મનમાં ઊઠતા સવાલોના જવાબો નથી હોતા અથવા હોય તો તેને હલ કરવાની આવડત હોતી નથી. લાગણીને શેર કરવી ખૂબ અઘરી છે.કારણ કે એ પર્સનલ ડાયરી છે. એના ક્રોસવર્ડ બધાને સમજાતા નથી અને વર્ડમાં એના સઘળા કોડ સમાતા નથી. એ શેર કરવા માટે ‘ટચ ઓફ હાર્ટ, મચ ઓફ આર્ટ” જોઈએ.

કોઈ પણ સાચા, પ્રામાણિક, સંવેદનશીલ, અને લાગણીથી છલોછલ ઊભરાતા પ્રેમીઓ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ પોતાની લાગણી વ્યક્ત ન કરી શકે, કારણકે સાચો પ્રેમ જેટલો અનુભવી શકાય છે, એટલા પ્રમાણમાં તે ક્યારેય અભિવ્યક્ત થઇ શકતો નથી.સાચા પ્રેમીને હંમેશા એ વસવસો રહે છે કે એની લાગણી પહોંચી કે નહિ! એ તો કહ્યા વિના બધું સમજી શકે છે પણ સામેનું પાત્ર એને ઓળખી શકે, તો એના બે શબ્દો વચ્ચેના મૌનને ઊકેલી શકે અને “પ્રેમ હંમેશા આ ન બોલાયેલા શબ્દોની ખામોશી વચ્ચે પડ્યો હોય છે.”

જે પ્રેમ સ્વર્ગીય સુખ, પરમ શાંતિ, દિવ્ય આનંદ, અને સૂકુન આપે છે એ જ પ્રેમ વિહ્વવળ વ્યાકુળતા, હતાશા-નિરાશા, ક્રોધ, દુ:ખ અને પારાવાર પીડા પણ આપે છે. એકબીજાની અપેક્ષાને સમજે એવી અપેક્ષા બંને પક્ષ રાખે, એ પણ એકબીજાને જણાવ્યા વગર, એ અપેક્ષાની પૂરતી ન થતા તેમાંથી જન્મે છે નિરાશા અને ગુસ્સો. બે પ્રેમીઓ વચ્ચેનું મૌન ઘણીવાર બંનેને એટલું અકળાવે છે, કે આ અકળામણની પીડાથી તેઓનું આંતરમન લોહીલુહાણ થઇ જાય, પરંતુ બંનેનો ઈગો એટલો હાઇપર હોય કે કોઈ પહેલ કરતુ નથી અને વાત વણસતી જ જાય. આ ઇગોને લીધે જ કેટલાય પ્રેમીઓના પ્રેમનું બાળ-મરણ થયુ હશે. આ “સાયલન્ટ ટ્રીટમેન્ટ”માં બંને પક્ષ બરાબર એકસરખું ઘવાય છે અને તડપે છે.” જો જા રહા હૈ ઉસે જાને દો,અગર વો લૌટ કે આયે તો વો તુમ્હારા હૈ ” કોઈકે સુંદર વાત કરી છે પરતું અહીં, આવા પ્રેમીઓ આ વાત ફોલો કરે તો શું થાય? આખી જિંદગી એકબીજાની રાહ જોશે કે કોણ પહેલા આવે? પુઅર પ્રેમીઓ! ઇગોને ઓગાળે એ જ પ્રેમના તાપની તડપ. પ્રેમ તો સહજ અને સરળ છે, એમાં આટલીબધી માથાકૂટ શા માટે?

વળી, કેટલાક પ્રેમીઓનો પ્રેમ દુનિયાદારી અને જવાબદારીના ભાર નીચે અકાળે કચડાય મરે છે. તર્ક-ચિંતન અને સાચા- ખોટાની મૂંઝવણમાં સદાકાળ ગૂંચવાયેલા રહીને ખામોશ રહી જતા હોય છે.

હ્રદયને ચૂપચાપ સાંભળો અને આંખોને ચૂપચાપ વાંચો. બે જણ ખામોશ બેઠાં હોય ત્યારે કાં તો કશી જ વાત કહેવાની ન હોય, કાં તો એટલી બધી વાતો હોય જે કહી ન શકાતી હોય, કહેવાની શરૂઆત ક્યાંથી કરવી એ ખબર ન પડે. વધુ પડતી ગંભીરતા અને વધુ પડતી હાસ્યની મસ્તી બંને પોતાની અસલી જાત છુપાવવાના કિલ્લા છે. રીમેમ્બર,”ગ્રેટ લવ કેન હેપન એની ટાઇમ, ઇન બ્લિન્ક ઓફ આઈ!”

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.