ઈનામ

છો ..ટુ..... , ત્રણ નંબર ને બે કપ ચા ....

છોટુ .....પાંચ નંબર પર પાણી ..... ,

છોટુ , બે નંબર ટેબલ પર ફડકો માર જલ્દિ ,

બાર - તેર વષૅ નો છોટુ , પણ એકલો રુસ્તમ શેઠની ઈરાની હોટલ માં પહોંચી વળતો . એના મોઢા પરનું હાસ્ય અને કામ ની ચપળતાએ રુસ્તમ શેઠ અને આવનાર દરેક ગ્રાહક નું દિલ જીતી લીધું હતું . થોડાક મિત્રોનું એક ગ્રુપ , ઉંમરમાં મોટા પણ છોટુ ના દોસ્ત . તેઓ નિયમિત ચા - બન ખાવા છોટુની હોટલમાં આવતા , ને રહેતા હતાં પણ બાજુની સોસાયટીમાં જ . તેઓ ત્યાં હંમેશા ક્રિકેટ રમતા . છોટુને જ્યારે પણ સમય મળતો ત્યારે ગેટની બાજુની જાળીમાં થી અંદર ડાફોળિયા મારતો . બપોરના સમયે ઘરાકી ઓછી હોય ત્યારે શેઠને પૂછીને થોડી વાર રમવા જતો ને છોકરાઓ પણ એને એમની સાથે રમવા દેતા . છોટુ આમતો ક્યારેય ક્રિકેટ શિખ્યો ન હતો , પણ બધાંનું જોઈને રમતા શીખી ગયો ને રમતો પણ સારું . છોકરાઓને પણ એ ગમતું અને એને પોતાની ટીમમાં સામેલ કરવા ટોસ પણ કરતાં . છોટુ ખુશ થઈ જતો ને તેનો આત્મવિશ્વાસ પણ વધતો .

ક્યારેક રજામાં સોસાયટીના છોકરાઓ મેચ ગોઠવતા . બધા બાળકો સફેદ શર્ટ, પેન્ટ , કેપ પહેરીને રમવા જતા . છોટુને આ વસ્ત્રો ખૂબ ગમતાં . હંમેશા થીગડાંવાળાં વસ્ત્રો પહેરનાર છોટુ આવા સફેદ વસ્ત્રની કલ્પના પણ નહોતો કરી શકતો . તે બધાને બસ જોયા જ કરતો . મેચ પછી બધાં ચા-બન ખાવા હોટલમાં આવતાં . છોટુ પણ ખૂબ જ ઉત્સાહથી બધાંને ફટાફટ ચા- પાણી પીરસતો , ને જાણે પોતે જીત્યો હોય તેમ પોરસાતો . ઘણી વાર તેઓ કહેતા પણ ખરાં , ૈ છોટું , તું રમતો હોત તો આપણી ડબલ સેન્ચુરી થાત , રમેશે તો એક પણ રન કર્યા નહીં ને કલ્નિબોલ્ડ થઈ ગયો. ૈ આવી વાતોથી પણ છોટુનું પેટ ભરાઈ જતું ને થોડો ફુલાઈ પણ જતો .

આજે ૨૬ મી જાન્યુઆરી , જાહેર રજાનેા દિવસ હતો . સોસાયટીના સભ્યોએ મનોરંજન માટે ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું . પાંચે સોસાયટીની પાંચ ટીમ નક્કી થઈ , ઈનામ પણ નક્કી થયા હતાં . બધાંએ પહેલાં ધ્વજવંદન કરી પછી મેચ રમવી અેવું નક્કી થયું હતું . સવારના ૮ વાગે બધાં છોકરાઓ તૈયાર થઈ , પોતાની કીટ લઈ નીચે હોટલ પાસે ભેગા થયાં . પણ હજી મુકેશ આવ્યો ન હતો . એક છોકરો એના ઘરે બોલાવવા ગયો તો ખબર પડી તેને ગઈકાલ રાત થી તાવ આવે છે અને રમી શકે તેવી જરાપણ શક્યતા નથી . બધાં ટેન્શનમાં આવી ગયાં . હવે છેલ્લી ઘડીએ ટીમમાં કોને સામેલ કરી શકાય ? ? ડૂબતાને તરણું મળી જાય તેમ છોટુ હોટલમાં સફાઈ કરતો દેખાયો . છોકરાઓ દોડીને છોટુ પાસે ગયા ને ટીમમાં સામેલ થવા કહ્યું . પણ આજે તો જાહેર રજાનેા દિવસ હતો , ઘરાકી નો દિવસ હતો તેથી શેઠે પણ ના પાડી . બધાં છોકરાઓ વિનંતી કરવા લાગ્યા , ૈ અંકલ , પ્લીઝ... છોટુને મોકલોને , અમને એક ખેલાડીની જરુર છે . પ્લીઝ , અમારી આખી ટીમ કેન્સલ થઈ જશે , આજે એક વાર છોટુ ને મોકલો . ૈ આસપાસ ઉભેલા સોસાયટીના રહેવાસી પણ કહેવા લાગ્યા , ૈ જવા દો ને , બાળક છે એ પણ , આવી તક એને ફરી ક્યારે મળવાની ? ૈ રુસ્તમ શેઠે પણ કમને ૈ હા ૈ પાડી. પણ , હવે આવી કપડાં ની વાત . છોટુ ક્રિકેટ ના પહેરવાના કપડાં ક્યાંથી લાવે ? પણ જ્યાં હજારહાથ વાળો બેઠો હોય ત્યાં બે હાથ વાળા ને શું ચીંતા કરવાની ? એ ઉપાય પણ મળી ગયો . એક છોકરો દોડીને મુકેશના પેન્ટ-શર્ટ જે તૈયાર જ હતા તે લઈને આવ્યો . છોટુ ને પહેરવા આપ્યા. કપડાં થોડા ઢીલાં ને મોટા હતાં પણ પટ્ટો બાંધી છોટુ ફટાફટ તૈયાર થઈ , બધા સાથે મેચ રમવા નિકળ્યો . સ્વપ્ને પણ ન વિચાર્યું હતું તે બધું આજે અચાનક થઈ રહ્યું હતું .

મેદાન તો પહેલેથી જ પ્રેક્ષકો થી ભરચક હતું .પાંચે ટીમ પોતાના સ્ટેન્ડ માં બેસી ગઈ . ધ્વજવંદન થયું ને મેચ નેા પ્રારંભ થયો . એકપછી એક મેચ રમાતી ગઈ , છોટુની ટીમ જીતી ગઈ . હવે ફરી જીતેલી બીજી ટીમ સાથે ફાઈનલ મેચ રમવાની હતી . બપોર ક્યાં પડી ગઈ ખબર જ ન પડી . ટીમના છોકરાઓએ છોટુને પણ પોતાના ડબ્બા માં થી ખવડાવ્યું . થોડી અંગ કસરત કરી બધાં સ્ફુરતી માં આવી ગયા . છેલ્લે અંતીમ તબક્કા માં છોટુની ટીમ અનેે બીજી એક ટીમ ફાઈનલ મેચ માં ઉતર્યા . જાહેરાત થઈ કે વિજેતા ટીમ ને ટ્રોફી અને શ્રેષ્ઠ ખેલાડી ને પ્રથમ ઈનામ રુ. ૧૦૦૦/- રોકડા અને બેટ , દ્વિતિય ઈનામ રુ. ૭૦૦/- રોકડા , અને તૃતીય ઈનામ માં ક્રિકેટ નાં કપડાં ની જોડ આપવામાં આવશે . છોટુની નજર ત્યાં મૂકેલા ત્રીજા ઈનામ પર પડી . પ્લાસ્ટીકની પારદર્શક થેલીમાં મૂકેલા વસ્ત્રો જોઈને તે જોશ માં આવી ગયો . બધાં જ ખેલાડીઓ શક્ય એટલું સરસ રીતે રમવા પ્રયત્ન કરતાં હતા . મેચ બરોબર જામી હતી . બધાં જ પોતાની ટીમના ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવા જોર જોર થી બૂમો પાડતા હતા . ૈ વેલ પ્લેઈડ ૈ ૈ કીપ ઈટ અપ ૈ ૈ કીપ ગોઈંગ ૈ આવા બધાં અવાજો સંભળાતા હતા . છોટુ ને માત્ર સફેદ વસ્ત્રની થેલી જ દેખાતી હતી . જે વસ્ત્રો બીજા છોકરાઓને પહેરેલા જોઈ ખુશ થતો હતો તે આજે ત્રીજા ઈનામ રુપે ત્યાં મૂકેલા હતા . રમતાં રમતાં વચ્ચે છોટુને એક વાક્ય સંભળાયું , ૈ વેલ પ્લેઈડ છોટુ , પ્રથમ ઈનામ તું જ જીતીશ . ૈ વાક્ય સાંભળીને છોટુના પેટમાં ધ્રાસકો પડ્યો . તેને પ્રથમ કે દ્વિતિય ઈનામમાં જરાય રસ ન હતો . આથી તેની રમતમાં ગડબડ થવા લાગી . રમત દરમ્યાન તેણે કેચ પણ છોડ્યો . તેની રમત થોડી ઢીલી પડી ગઈ . પરંતુ છેલ્લે મેચ તો છોટુની ટીમ જ જીતી . ટીમને ટ્રોફી મળી . અને છોટુને મળ્યું ત્રીજું ઈનામ . આખુંં મેદાન તાળીઓ થી ગુંજી ઉઠ્યું . તેનું નામ જાહેર થતાં તે દોડીને ઈનામ લેવા ગયો ને તેને મળેલા ઈનામની થેલીને છાતી સરસી દબાવી દીધી .

સોસાયટીની પાસે આવી રુસ્તમ શેઠનો બધાંએ આભાર માન્યો અને કહ્યું , ૈ છોટુ ખૂબ જ સરસ રમ્યો , તેને પ્રથમ કે દ્વિતિય ઈનામ જરુર મળત , પણ છેલ્લે થાકી ગયેલો લાગતો હતો , છતાં ત્રીજું ઈનામ તો મળ્યું જ . ૈ રુસ્તમ શેઠ પણ ખુશ થઈ ગયા , શાબાસી આપી ને થોડું વહાલ પણ કરી લીધું. હોટલ પાસે એક જાણે ઉત્સવનું વાતાવરણ રચાયું . આજના ઉત્સવનો હીરો હતો છોટુ .

ને છોટુ મનમાં હસતો હતો અને વિચારતો હતો કે, "મારે મન ત્રીજું ઈનામ પહેલાં ઈનામ થી પણ અધિક વિશેષ છે . " રુસ્તમ શેઠની હોટલમાં હંમેશ ની આજે પણ મારી ચોપડીઓ લઈ ને બેઠેલી હું , મારા ખાલી થયેલા ડબ્બલ ફીલટર્ડ કોફી મગ ને અને આત્મવિશ્વાસ થી ભરેલા છોટુને જોતી રહી . અને છોટુ ના વિજયની ઘડી ની સાક્ષી બની .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.