કોફી થી કોફીન સુધી

' એક કપ કોફી સવાર સુધારી દે,

એક કપ કોફી મૂડ સવારી દે,

એક કપ કોફી સંબંધ બનાવી દે,

એક કપ કોફી મૃત્યું ઉપજાવી દે.'

હા, સાચે જ એક કપ કોફી સારા સંબંધ બનાવી દે. સુધારીને કહું તો પ્રેમ સંબંધ બનાવી દે.મારા અને પ્રાચિ વચ્ચે બસ આ એક કપ કોફી જેટલી જ સમાનતા, બાકી તો બંને એકમેકથી વિરુદ્ધ. અમારી પહેલી મુલાકાત પણ આ કોફીશોપમાં જ થઇ હતી. હું દરરોજ એની રાહ જોતો અને એ દરરોજ કોઈક બીજાની જ રાહ જોતી. એક દિવસ બન્યું એવું કે અમારા બંનેની રાહ એક જ થઇ ગઈ.

ખબર નહીં એક દિવસ પ્રાચી મારા ઉપર કઈ વાતને લઈને ગુસ્સે હતી ને કોફી આમજ છોડીને જતી રહી. એ દિવસ જ મારા માટે બેકાર હતો. હા, પ્રાચી આમ ચાલી ગઈ એતો ખરી જ, પણ એની સાથે બિલ પણ ન ચૂકવી ગઈ. મારા ખિસ્સામાં માંડ વીસ રૂપિયા અને બિલ બન્યું સિત્તેરનું. હવે કરવું તો કરવું શું? વાસણ માંજતા તો આપણને ફાવે નહીં! આજુબાજુ જોયું તો નજીકના ટેબલ પર એક ઉમ્મરલાયક વ્યક્તિ બેઠા હતા. ,મે એમને વિનંતી કરી. ને એ વ્યક્તિએ એકપણ શબ્દ બોલ્યા વિના મને રૂપિયા આપી દીધા. હું બિલ ચૂકવું એ પહેલા તો ભાઈ કોફીશોપ છોડીને જતાં પણ રહ્યા. હા, પણ મે એક વિચિત્ર વસ્તુ જોઈ કે એ વ્યક્તિએ જે કોફી માંગવી હતી તેનો એક પણ ઘૂંટ પીધા વિના આખો કોફીનો કપ લઈને જ જતાં રહ્યા અને કોફીશોપના વેઇટરે તેમને રોક્યા પણ નહીં. આ વાત મને સમજાય નહીં, એટ્લે મે વેઇટરને આ વિશે પુછ્યું, તો જાણવા મળ્યું કે એ વ્યક્તિ દરરોજ અહી આવે છે. કોફી મંગાવે છે, અડધો કલાક સુધી બેસે છે. કોફી પિતા પણ નથી અને કપ લઈને જ જતાં રહે છે. હા, પણ એની સાથે એ કોફી અને કપના રૂપિયા ચૂકવીને જાય છે. આ રહસ્ય મને સમજાયું નહીં.

બીજે દિવસે હું થોડો વહેલો કોફીશોપ પર પહોચી ગયો. એ વ્યક્તિ એમના સમયે કોફીશોપ પર આવ્યા અને તેમના ઓર્ડર આપવા વિના વેઇટરે તેમણે એક કપ કોફી આપી. હું એમના ટેબલ પાસે ગયો અને મારો પરિચય આપ્યો. " જનારાઓ ઊભા નથી રહેતા, રોકવાથી પણ નહીં."

એમને મને કહ્યું પણ મને કઈ સમજાયું નહીં. મે પુછ્યું કે, " તમે કહેવા શું માંગો છો?" ત્યારબાદ એમની પાસેથી જાણવા મળ્યું કે તેઓ મારા અને પ્રાચી વિશે વાત કરી રહ્યા છે. એમને મને ઘણું સમજાવ્યું અને એમના થકી જ મને અહેસાસ થયો કે જીવનમાં પ્રેમ કેટલો જરૂરી છે. અંતે મે એમનું નામ પુછ્યું પણ , " મારો જવાનો સમય થઇ ગયો " એમ કહીને કોફીનો કપ લઈ તેઓ જતાં જ રહ્યા.

ત્રીજે દિવસે ફરી એમની સાથે એ જ કોફી શોપમાં મુલાકાત થઈ અને આમ અમે મળતા રહ્યા. આટલા દિવસો માં મને એમના વિશે ઘણી વાતો જાણવા મળી. તે ઉપરાંત વાત ખબર પડી 'જેની' ની. હા, જેની એમનો પહેલો પ્રેમ.

જેની અને આ વ્યક્તિની મુલાકાત આ કોફીશોપમાં જ થઇ હતી. એક દિવસ જેની પોતાનું પર્સ ભૂલી ગઇ ને આ વ્યક્તિ એ જેનીનું પર્સ પરત કર્યું, ને ત્યારથી તેઓ પરતને પરત મળતા જ રહ્યા. કોફીશોપ આ વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું. એમને પણ એમનો પ્રેમ આ કોફીશોપમાં જ મળ્યો. ધીરે-ધીરે મને એમની અને મારી જિંદગી સરખી લાગવા લાગી.

દરરોજ જેની વિષે જ વાત થતી અને અંતે એમનો સમય થતો એટ્લે કોફીનો કપ લઈ તેઓ જતાં રહેતા. મને હવે આ વાત ખૂંચવા લાગી કે તેઓ દરરોજ આમ કોફીનો કપ લઈ જતાં ક્યાં હશે? મે એમને ઘણીવાર પુછ્યું કે એ કોફી પિતા કેમ નથી? પણ એ વિષય પર તેઓ ચૂપ જ રહેતા. હવે ધીમે ધીમે આ રહસ્ય ગૂઢ થતું ગયું.

એક દિવસ તેઓ કોફીનો કપ લઈ જતાં હતા અને એમને ખબર ન પડે એ રીતે હું એમની પાછળ-પાછળ ગયો. ઘણું ચાલ્યા પછી જોયું તો તેઓ એક કબ્રસ્તાનમાં જતાં હતા. હું પણ એમની પાછળ ગયો. એમણે પોતાનો કપ એક કોફીન પર મૂક્યો. મે જોયું તો ત્યાં અસંખ્ય કપ એ કોફીન ઉપર મૂક્યા હતા. એ વ્યક્તિ ત્યાં બેસીને ખૂબ રડ્યા અને જતાં રહ્યા. હું એ કોફીન નજીક ગયો ને જોયું તો મને ખૂબ જ આશ્ચર્ય થયું. એ કોફીન પર નામ લખ્યું હતું જેનીનું. હું ખૂબ ગભરાઈ ગયો કે જેના વિશે એ વ્યક્તિ આટલા દિવસોથી વાત કરી રહ્યા હતા તે વ્યક્તિ જીવિત જ નથી? મારાથી તો રહેવાયું નહીં. હવે મારે કઈ પણ કરીને પૂરેપુરી વાત જાણવી જ હતી.

તેના બીજા જ દિવસે હું કોફીશોપ પર એ વ્યક્તિને મળ્યો ને હું તેમના પર ખૂબ ગુસ્સે થયો કે આટલા દિવસથી તેઓ મારી સાથે રમત રમી રહ્યા હતા? પણ મને જાણવા મળ્યું કે એક દિવસ એક નાનકડી વાત પર આ વ્યક્તિ અને જેની વચ્ચે ઝઘડો થયો ને જેની કોફીનો કપ છોડી બહાર જતી રહી, ત્યાં જ એક ગાડી સાથે અકસ્માત થયો ને ત્યાં જ તે મૃત્યુ પામી.

જેનીને આ કોફીશોપની કોફી ઘણી પસંદ હતી, જે દિવસે જેનીનુ અકસ્માત થયું એ દિવસે જેની કોફી પીધા વિના જ જતી રહી હતી એટલે આ વ્યક્તિ જેનીને દરરોજ કોફી અર્પણ કરે છે, કે ક્યારેક તો એ પીશે ને અને એની રાહમાં પોતે પણ કોફી પિતા નથી. એ દિવસે તેઓ ખૂબ રડ્યા, અને એમને જોઈ હું મારા આશુ પણ રોકી ન શક્યો. ત્યારે મને એમના શબ્દો યાદ આવ્યા કે " જનારાઓ ઊભા નથી રહેતા, રોકવાથી પણ નહીં."

મે મારી ભૂલ સ્વીકારીને હવે હું અને પ્રાચી ફરી સાથે છીએ. અમે દરરોજ એ કોફીશોપમાં મળ્યે છીએ અને અમે દરરોજ ઓર્ડર આપ્યે કે , " વેઇટર, ચાર કપ કોફી ".

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.