સંવેદનાનો સ્પર્શ


આદીમાનવથી લઈને આજ સુધી વિવિધ પ્રકારે મનુષ્ય સંવેદનાનો સ્પર્શ કરી રહ્યો છે. પરંતુ શું આ સ્પર્શ ફક્ત માનવો સુધી જ સીમિત છે? નાં એવું નથી. સંવેદનાનો જેટલો સ્પર્શ માણસ અનુભવી શકે છે તેટલો જ સ્પર્શ પ્રાણીઑ પણ અનુભવી શકે છે. આથી એમ કહી શકાય કે પ્રાણીઓમાં પણ મનુષ્યો જેટલી જ બુધ્ધિ છે જેનો ઉપયોગ તે પોતાના રક્ષણ હેતુ કરે છે. મનુષ્યોએ જેમ પોતાના હેતુ માટે વિવિધ સાધનો વસાવ્યાં છે તેજ રીતે પ્રાણી પણ પોતાની સંવેદનાને વ્યક્ત કરવા માટે અમુક સાધનો અર્થાત્ ટૂલ્સનો ઉપયોગ કરે છે. ટૂલ્સનો ઇતિહાસ ક્યા યુગથી શરૂ થયો તે કહેવું મુશ્કેલ છે. ઇતિહાસ કહે છે કે જ્યારથી પૃથ્વી પર જીવન શરૂ થયું છે ત્યારથી કોઈને કોઈ સ્વરૂપે ટૂલ્સનો ઉપયોગ શરૂ થયો છે. પરંતુ જેને આપણે ટૂલ્સ તરીકે ઓળખીએ છીએ તે શું છે? ટૂલ્સ અર્થાત્ “રોજબરોજનાં કામમાં ઉપયોગી થાય તેવું સાધન”. જ્યારે આદીમાનવ ગુફાઓમાં પોતાનું જીવન જીવતો હતો અને અન્ય પ્રાણીઓની જેમ શિકાર કરી પોતાનું પેટ ભરતો હતો એક દિવસ એક આદીમાનવે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે પોતાની પાસે રહેલા હાડકાને બીજા આદીમાનવ તરફ ફેંક્યો જેમાં તે આદીમાનવ ઘવાઈ ગયો. હાડકાને ફેંકનાર આદીમાનવે તે દિવસે હાડકાઓનો નવો ઉપયોગ જાણ્યો અને તે દિવસથી પોતાની પાસે રહેલા અન્ય હાડકાઓનો ઉપયોગ પોતાના પ્રતિસ્પર્ધીને દંડિત કરવામાં કરવા લાગ્યો આમ ટૂલ્સનો ઉપયોગ શરૂ થયો. એટલું જ નહીં આદીમાનવો તૂટેલા દાંત, હાડકાઓનાં શાર્પ ભાગનો ઉપયોગ શિકારનાં ટુકડાઓ કરવામાં કરવા લાગ્યાં. સમયોનુસાર ઉત્તરોત્તર આદીમાનવમાં અને જીવન પર જે બદલાવ થવા લાગ્યો તેનું એક પ્રતિબિંબ પૃથ્વી પરનાં અન્ય જીવો પર પણ પડ્યું.


વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ કહે છે કે જીવજંતું અને પ્રાણીઓ પણ પોતાની સંવેદનાની સુરક્ષા માટે પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. ઉંદર જેવુ પ્રાણી પોતાનાં દાંત અને પોતાનાં બે આગળનાં પગનાં નખોનો ઉપયોગ ટૂલ્સ તરીકે કરે છે. નખથી તે ખોરાક પકડીને ખેંચે છે અને દાંતથી ટુકડા કરે છે. ચિમ્પાંઝીને ઉધઈ, કીડી, મધમાખી વગેરે બહુ ભાવે છે તેથી તે વૃક્ષોની ડાળીને ટૂલ્સ બનાવી ચાવી કાઢે છે પછી તેને એંન્ટહિલ અર્થાત્ રાફડામાં નાખે છે જ્યારે તે સળી પર મધમાખી, કીડી, ઉધઈ વગેરે આવી જાય છે ત્યારે તે સળી બહાર કાઢી પોતાને મનપસંદ આહારનો આસ્વાદ માણે છે. હાથીઓ પોતાનાં શરીરની ખંજવાળ મટાડવા માટે વૃક્ષોનાં થડનો ઉપયોગ કરે છે અને પોતાનાં શરીર પર બેસતી માખોને ઉડાડવા માટે વૃક્ષોની ડાળીઓનો ઉપયોગ પંખા તરીકે કરે છે. હમિંગબર્ડ નામનું પક્ષી વૃક્ષોની છાલ, તૂટેલી સળીઓ, પાંદડાઓ વગેરેનો ઉપયોગ પોતાનો માળો બનાવવામાં કરે છે, એક બાજુએ જ્યાં કાચબાઑ રેતીમાં ખાડાઓ કરી પોતાનાં ઈંડા છુપાવે છે, ત્યાં બીજી તરફ પોતાનાં સ્વરક્ષણ માટે પોતાની ઢાલની અંદર પોતાનાં સમસ્ત શરીરને સંકોડી પણ લે છે જેથી બાહ્ય મારથી બચી શકે. કાચબાની માફક જ ગોકળગાય પણ પોતાનું શરીર પોતાનાં શેલની અંદર છુપાવી દે છે,પોર્ક્યુપાઇન (શાહુડી) પોતાની સુરક્ષા માટે પોતાનાં શરીર પર રહેલ પીછાનો ઉપયોગ કરે છે જ્યારે તેનો શિકાર કરવા કોઈ જાય ત્યારે તે પોતાનાં અણીયારા પીછાને ઊભા કરી દે છે. યુ એસમાં દેખાતું બીવર નામનું પ્રાણી વૃક્ષો અને ડાળીઑ વડે પાણીની અંદર જ પોતાનું રહેઠાણ બનાવે છે. સ્કંક નામનાં પ્રાણીને પોતાની પાસે આવનારથી ખતરો લાગે ત્યારે તે પોતાનાં શરીરમાંથી વિશિષ્ટ પ્રકારની ગંધ છોડે છે જે એટલી તીવ્ર હોય છે કે તેની વાસ માઈલો સુધી ફેલાઈ જાય છે. યુ એસમાં જોવા મળતું રેકુન નામનું પ્રાણી ખતરો સામે દેખાતાં જ પૂછડી ઊંચી કરીને સામેથી એટેક કરે છે ત્યારે ઝ...ઝ...ઝ.. એવો અવાજ કરે છે. રેટલ સ્નેકને જ્યારે ખતરા જેવુ લાગે ત્યારે તે પોતાની પૂછડી હલાવી ઘૂઘરીઑ જેવો ધ્વનિ ઉત્પન્ન કરે છે જેથી પોતાની પાસે આવનારને ચેતવણી મળી શકે, દરિયામાં રહેતું ઓક્ટોપસ પોતાનાં ૮ પગનો ઉપયોગ શિકારને પકડવામાં કરે છે તો 'ઑસ્ટ્રેસિયન ક્યૂબિક્સ' નામની માછલી ઑસ્ટ્રોક્સિની નામનો પદાર્થ ઉત્સર્જિત કરે છે. જ્યારે દરિયાઈ પ્રાણી સ્ક્વિડ એક ખાસ પ્રકારનું કાળું લિક્વિડ છોડે છે અને પોતાનાં દુશ્મનોને કન્ફ્યુઝ્ડ કરી તે જગ્યામાંથી છટકી જાય છે, અમુક જાતની માછલીઓ સંકટનાં સમયે પોતાનાં શરીરને બલૂનની માફક ફૂલાવી દે છે જેથી સામાન્ય માછલીથી તે વિશાળ કદની લાગે છે, પક્ષીઓ પોતાની સુરક્ષા માટે પોતાની ચાંચ, સ્વર અને પોતાની પાંખોનો ઉપયોગ કરે છે તો,કીડી, બીટલ, કરોળિયા વગેરે જંતુઓ પોતાની લાળ, પગ અને પોતાની ગંધનો ઉપયોગ ટૂલ્સ તરીકે કરે છે. મધમાખી, ભ્રમર વગેરે વાસ્પ પોતાનાં સ્વરક્ષણ માટે ડંખ મારે છે જેમાં અમુક પ્રકારનું ઝેર રહેલું હોય છે. ઇગ્યુયાના, ગાર્ડન લિઝર્ડ વગેરે જેવા સરીસૃપ પોતાની સ્કીનનો રંગ વારંવાર બદલાતાં રહે છે જેથી ઝડપથી દુશ્મનોની નજર તેનાં પર ન પડે. જ્યારે ચૌપગા પ્રાણીઑ પોતાની સામે ખતરો જોઈ ત્યાંથી ઝડપથી ભાગી જાય છે. મગર, ગેંડા, હિપોપોટેમસ મગર જેવા પ્રાણીઓ પોતાની જાડી સ્કીનનો અને દાંતનો ઉપયોગ સ્વરક્ષણ માટે કરે છે. આ રીતે જોઈએ તો મનુષ્ય સહિત દરેક જીવજંતુ અને પશુ-પક્ષીઓ પોતાનાં રક્ષણ માટે, ખોરાક માટે, રહેઠાણ માટે વિવિધ પ્રકારનાં ટૂલ્સ અને ટૂલ્સ રૂપી પોતાની વિવિધ ઇંદ્રિયોનો ઉપયોગ ઔજાર રૂપે કરે છે. જીવજંતુઓ અને પશુ-પક્ષીઓની આ સંવેદનાનાં સ્પર્શ વિષે સૌ પ્રથમ યુરોપીયન વિજ્ઞાનીઓ દ્વારા પૂર્તિ કરવામાં આવેલી ત્યારે યુરોપમાં આ વાતનો સખત વિરોધ થયેલો હતો પરંતુ સમયાંતરે આ વાતને સમર્થન મળ્યું હતું તેને કારણે લોકોએ આશ્ચર્ય સાથે સ્વીકાર કર્યો હતો. પરંતુ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ યુગોથી કરવામાં આવ્યો હતો જેને લોકોએ સમજી લઈ વિવિધ દેવતાનાં સાધન માટે વિવિધ પશુ-પક્ષીઓનો સ્વીકાર કરી તેને દેવી-દેવતાઓ જેટલું જ મહત્વ આપી તેમને સદાયને માટે ધર્મ સાથે જોડી દીધા. આથી એમ કહી શકાય કે માત્ર મનુષ્યો જ બુધ્ધિશાળી હોય તે જરૂરી નથી પરંતુ પશુ-પક્ષીઓ અને જીવજંતુઓમાં પણ પોતાની હોંશિયારી અને સંવેદનાનો સ્પર્શ હોય છે જે વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે કુદરતની આ કરામત પર આપણને ચોક્કસ આશ્ચર્ય થાય છે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.