“હીરુ ઓ હીરુ, ચ્યાં મુઈ? આ ગાયુંને કોણ જોશે? તારો હગલો આવી પુગસે ને મુઓ મુને રાડો નાખસે. હાલ ઝટ પગ ઉપાડ. મુઈ બુડથલ ના જોઈ હોય તો!” કાશીના શબ્દો હીરુને કાને રોજ અથડાતાં અને આંખમાં પાણી સાથે પોતાની ખોવાયેલી દુનિયા માંથી પાછી વળતી.

દસ વર્ષની ઉંમરે માતાનું મરણ થયું ને બાપાએ બીજી મા આણી. સુખલાને પોતાની છોડી હીરુ ઘણી વહાલી. નાની ઉંમરે ઘર અને છોડી કોણ હાચવે તે ભયમાં કાશીને પૈણી લાયો. સાટામાં પુરા પાંચસે રુપિયા દઈ કાશીના બાપને મનાયો હતો. ને બોલી કરી જુદી,” ખબરદાર મારી હીરુને કંઈ કીધુંસે તો! જોવાજેવી થાસે. મારી છોડીને હેરાન કરસે તો તારી છોડી પાસી મોકલસ.”

“ ના આસુ બોઈલા, મારી છોડી તમારો સંસાર હાચવસે. મું વખાનો માર્યોસું.”

“મુઈ આ કાશી રુપ લઈને જન્મી અને પગ કુંડાળે ના લપસ્યો હોત તો કોઈ પ્રશન ના રહેત. એક મા થઇ બીજવરને છોડી દેવી કંઈ હેલી વાત નથ.” બબડતી કાશીની માએ કાશીનું કપડાનું પોટલું બાંધ્યું.

“જો છોડી જરા હાહરે હીધી રહેજે. આમ સુખલાનો હભાવ હારો સે. મુવો સે ભગવાનનો માણાહ. તને હાચવસે. એની છોડી કંઈ નાની નથ. બધું હમજે. બસ તું આકરી ના થાજે.” ને મેલાયા ચાર માટલા અને ફેરવી દીધા ફેરાં. હીરુને પડોસમાં મુકીને સુખલો બીજું ઘર કરવા ગયોતો. કુંડાળે લપસેલ કાશી નાતરું કરી કાશી મનપર ગામે હેંડી.

મા મર્યાના છ મહિના હીરુ ઘરકામ સીખેલી તે હારું રહ્યું. છોડી ઘરનો ભાર ઉપાડી સકતી. સુખલો ખાલી ચૂલે અડવા ના દેતો. બે ટંક રોટલા પોતે ઘડતાં સીખી ગયેલો તે રોટલો અને કાચુપાકુ સાક બનાવી જાણે. બે પેટને ખાવા પણ કેટલું જોઈએ?

કાશી આઈ એટલે રોટલાની શાંતિ થઇ. હીરુ ને સવારમાં ગમાણમાં જોઈ કાશીને હાશકારો થ્યો કે હાલ છોડી કામ કરસે. ચુલ્હાની કોરે રાત પડે હીરુ નું ગાદલું નાખી કાશી અને સુખલો પરસાળમાં બેસી મીઠી વાતો કરતાં અને હીરુ ઊંઘે તેની રાહ જોતાં. થાકીપાકી હીરુ ઊંઘે એટલે સુખલો કાશીને લઇ ઓરડીમાં સોડ તાણતો.

“ અરે આ હું કરે? છોડ હવે... ઓહ!” ધીમો અવાજ કાને પડતા હીરુ ઝીણી આંખે જોવા કોશિશ કરતી. ક્યારેક પરોઢના ધીમા અજવાળે બાપાને બીજીમા સાથે આશ્ચર્યથી જોઈ લેતી.

બાજુના ઝુંપડે રહેતો નાથીયો હીરુનો સુખદુઃખનો સહભાગી. નાથીયાને જોતા હીરુને મનમાં કંઈ વિચિતર ભાવ થવા લાગ્યાં. નાથીયો ક્યારેક હીરુને ચાળો કરી વંડી પાછળ બોલાવતો થયો. હીરુ કૂવે પાણી લેવા જાય તો નાથીયો વંડી પાછળથી તેને જોયા કરતો. ચારઆંખો મળતી અને હીરુ શરમાતી. સવારમાં કાશી રોટલા ઘડી સુખલાને ભાતું આપી દેતી. બસ પછીતો ઘરમાં છોડી અને તેની બીજીમા! આંગણામાં ખાટલી નાખીને કાશી બજર લઇ બેસતી. હીરુ કામ કરતી જાય અને બીજીમા ના હુકમ ઝીલતી જાય. કાશીના કડપને લીધે હીરુ થોડી ગભરાતી રહેતી. બીજીમા નો હુકમ થાય તેમ હીરુના હાથ ઝડપથી ચાલવા લાગે.

“ એ મુઈ, હાથ ચલાવસ કે દઉં એક ઝાપટ? આ આંગણ કોણ સાફ કરસે? સી ખબર કંઇથી માથે પડીસે. મુઈ હવે જો તારો ડેબો તોડું! જોજે ખબરદાર તારા બાપની આગળ મારું નામ બોલીસો તો.”

“ ના, હું મારા બાપાને દુઃખ થાય તેવું કંઈ ના બોલું. તમારું હંધું કામ કરી આલીસ.”

“ હારુ હારુ ,તારું આટલું કામ પતાવી જા મારી બજર ખલાસ થઈછે તો લઇ આવ” બસ નાથીયો આ જ રાહ જોતો વંડી પાંહે આંટા મારતો હતો. જેવી હીરુ નીકળી તેવો નાથીયો તેની પાછળ હાલ્યો. તીરછી આંખે હીરુ તેની સામું જોઈ મરકીને આગળ વધી. બજાર તરફ જવાનો રસ્તો છોડી કૂવા તરફ ચાલી. અટાણે કૂવે કોઈ ના આવે. નાથીયો હમજી ગયો ને હાલ્યો પાછળ.

ચારેકોર દેખી હીરુ કૂવા ઓથે બેઠી અને નાથીયાને ઈશારે બેહાડ્યો. “જો નાથીયા અટાણે અહીં કોઈ નથ એટલે આપણે કોઈ ભો ના રહે. વંડી પાછળ ઇહારા કરતો જો બીજીમા જોહે તો મને જીવતી નો છોડે.” “હીરુડી મન તું બહુ ગમસ. મારી ઓરે બેહ.” હાથમાં હાથ લઇ બેઉ થોડીવાર બેસતાં પણ મોંમાં કોઈ શબદ નહિ. હજી થોડીવાર થઇ ત્યાં નાથીયાના હાથને ધક્કો મારી હીરુ ભડકી,”હાય મા, બીજીમા એ બજર મંગાઈ ને હું મુઈ ભાન ભુલી.” દોટ મેલી બજાર તરફ. બઘવાયેલો નાથીયો હબકી ગયો તે મોં બોખલાઈ ગયું.

કામમાંથી પરવારી હીરુ આડા વાંહે થવા ગઈ. આંખ મીંચે ને નાથીયો દેખાય. એક હાથ પર બીજો હાથ અડે અને જાણે નાથીયાનો હાથ અડ્યો લાગે. હીરુની ઊંઘ હરામ થઇ. જેમતેમ સાંજના કામ પતાવ્યાં અને પાછા કાને પડ્યા રાતના એજ અવાજ!! સુખલો પરસાળમાં હીરુને સૂવા ના દે. એકલી છોડીને કેમ બહાર રખાય, તો વળી બૈરાને તો એકલું મુકાય નહિ! રાત કેમ પસાર થાય? કંઈ નહિ છોડી નાની છે. ઊંઘશે ચૂલા બાજુ. ઊંઘ્યા પછી હું ખબર પડસે. આમ વિચારથી નાથીયાએ ઝૂંપડીમાં રહેવાની વાત નક્કી કરેલ. રાતે સૂતા વેંત નાથીયાના સમણાં આંખોમાં ભરાઈ જતા તે સવારે બીજીમા ના ઘાંટા થી ઊંઘ ઉડવા લાગી. સવારે વાસીદું કરતાં નજરતો નાથીયાને શોધતી. “મનેય મુઈને ચેન નથી. મારું વાલુ શું થાય સે? લાય નાથીયાને કહી રાખું, બપોરનો એજ ટેમ.”

કાંકરો નાખી નાથીયાને ઈશારો કરી કામ કરવા લાગી ને ચિત્ત માંડ્યું ભમવા. બસ પછીતો રોજ બપોર એજ હીરુ ને એજ નાથીયો તેમાં ભળ્યું કૂવાનું ઓઠણ. હૈયા મળ્યાં સાથે દેહ પણ. રાતના સંભળાતા અવાજ દાડે કૂવા ઓઠણ થી ક્યારેક નીકળ્યાં. હીરુનું હૈયું ઝાલ્યું ના રહે, ના લાગે કામમાં જીવ.

બીજીમાની અનુભવી આંખથી છાનું રહે? એક દી હીરુને પકડી વંડીએ કાંકરી ચાળો કરતાં. “ઓ મા .. આ છોડીએ હું ધાર્યું સે!! મુઈ અજ્જ્ત આબરું સે કે નહીં? કામ કરતાં ડેબો તૂટે છે અને નખરા તો જો કુંવરીબા ના.. અવડે કામ કરવા કોણ તારી મા ઉપરથી આવસે?” ને ઉપાડ્યું ઝાડું ને ફરીવળી હીરુ ઉપર.

“ મુને સોડો, મું કંઈ ના જાણું.” બોલતી હીરુ બીજીમા ના પગમાં પડી કાગરવા લાગી. ત્યાંતો આંગણમાં તરાડ પડી,” એલી, સોડ મારી છોડીને. જીવ લેવા બેઠી સો? એક ધોલ દઈ મેલી આવીસ તારી માને ઘેર.” સુખલો ગુસ્સાભેર આંગણા મા છોડીને બીજીમાની પક્કડ માંથી છોડાવી ઝુંપડામાં જવા કીધું. સુખલાના એક ઘાંટા મા બીજીમા હમજી ગઈ કે અતાર કંઈ બોલવામાં માલ નથ. રિસાઈને ગુડાઈ ખાટલે.“મું હવે નથ સોડવાની આ સોડીને. મુઈ મારો અવતાર બગાડવા નેકરીસે!”

“કાશી આમ હું મોં ફૂલાવી બેથીછ. ચાલ મારી રાણી, તારું મગજ ઠેકાણે લાય નકર પાછો મારો ગુસ્સો જાહે.” સુખલાના શબદ થી કાશી પીગળી. રોજ સોડમાં ઘલાવાની ટેવજો હતી. આંગણમાં બેહી ધીમે સાદે મોણ નાંખી હીરુના નાથીયા હાથેના કાંકરી ચાળાની વાત કરી.

“ખમ, બહુ બોલી. આવુસુ હમણાં. જરા હગલાની ભાળ લઇ આવું.” હાથમાં ધારિયું ઉઠાઈ હાલ્યો વંડી ઓઠે ને બોલાયો નાથીયાને. “એલા નાથીયા મારી છોડીનો હાથ આલું તને? આંયકણ આય. જરા વાત કરવી સે.” ભોળો નાથીયો હાલ્યો સુખલા પાછળ ...

હવારમાં હીરુ વહેલી કૂવે પાણી લેવાં હેંડી. “ઓમા.. આ હું થ્યું?” ગામની બધી છોડી ચીસાચીસ કરતી ધોડી, “સુખાકાકા,તિયાં કૂવે નાથીયો મર્યો પડ્યો સે તે જોતાં હીરુ ભાન ગુમાવી પડીસે. જરા ધોડતા આવો.”

બસ તે દીથી રોજના ક્રમ મુજબ આજેય હીરુ સૂરજ ઉગે એ પહેલા કૂવે પાણી ભરવા પહોંચી ગઈ પણ આજે એ કૂવો અને સવાર રોજ જેવા ન લાગ્યા એને ...
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.