મમ્મી નો અવાજ આવ્યો લોપા બેટા જલ્દી તૈયાર થજે મારી દિકરી, મુદિત ને એના પરિવાર વાળા આવતા જ હશે. મીતા ભાભી આ માંગુ લાવ્યા છે ભગવાન કરે ને બધું સમુસુતરુ પાર ઉતરે, થોડી શાંતિ થી વાત કરજે હો બેટા...સુંદર બાંધણી મા સજજ લોપા મમ્મી પાસે આવી ને બોલી મમ્મી તમે ચિંતા ના કરો ભગવાને ધાર્યુ હશે તે થશે.

ડોરબેલ વાગી ઉર્મિલાબેન રમેશભાઇ એ આવનારા મહેમાનો નું સ્વાગત કર્યુ, લોપા ચા ની ટ્રે લઈને આવી થોડી ઔપચારિક વાતો થઈ ને લોપા મુદિત ને વાતચીત માટે બાજુ ના રુમ મા મોકલ્યા. લોપા તો મુદિત ને જોતી જ રહી મુદિત એને ગમી ગયો, મુદિત ની હા હતી માત્ર એક વાત હતી જે એણે લોપા ને કરી...એ કયારેય બાળક નથી ઇચ્છતો, લોપા ને મુદિત ગમતો હતો એટલે હા કહી દીધી. બન્ને પરિવારો ની સહસંમતી થી ઘડીયા લગ્ન લેવાયા, થોડા દિવસ પરિવાર સાથે રહી બન્ને કેરલા ફરવા ગયા ને ત્યાંથી આવી અમદાવાદ આવ્યા બન્ને પરિવાર થી દુર. બન્ને ખુબ પ્રેમ થી રહે પોતપોતાની નોકરી મા વ્યસ્ત વારતહેવાર મા ઘરે જઈ આવે.


આમ ને આમ ત્રણ વર્ષ નીકળી ગયા લોપા એ મુદિત ને સંતાન માટે સમજાવવા પ્રયત્ન કર્યો પણ હંમેશા ની જેમ ના ના ને ના, સમાજ બધે સરખો બાળક ના થાય તો સ્ત્રીઓને જ મેણાટોણા મારે, દોષ નો ટોપલો સ્ત્રી ના શીરે જે ઢોળાય.... શું કરે લોપા? પતિ ખુબ પ્રેમાળ લાગણીશીલ પણ જિદ્દી બધી વાત માને પણ બાળક માટે ના ના.


જોતજોતા મા સાત વર્ષ નીકળી ગયા, બધા મિત્રો સંતાનોવાળા થયા, બધા ને જોઈ હવે લોપા નું મન અશાંત થઈ જતું હવે તેણે નોકરી છોડી દીધી હતી. સોફટ ટોયઝ બનાવતા શીખી નાના મોટા ટોયઝ બનાવે ને મિત્રો ના સંતાનો ને ભેટ આપેને બાળકો ની ખુશી જોઇ ખુશ થાય.
ખુબ પ્રયત્નો કર્યા છતાં મુદિત ને મનાવવા મા અસફળ રહી. લોપા બાળક માટે ઝંખના કરવા લાગી પણ પતિ સમજવા તૈયાર નથી, ઘણું પૂછ્યું મુદિત કોઇ કારણ જણાવતો નથી, બાળક દત્તક લેવા વાત કરી ત્યારે ખુબ ઝઘડો થયો વાત છુટાછેડા સુધી પહોંચી વડીલોની સમજાવટ બાદ મામલો થાળે પાડયો, લોપા મા રહેલી સ્ત્રી તડપી ને રહી ગઈ.
ચાર બેડરૂમ વાળા મોટા ટેનામેન્ટ મા રહે માત્ર લોપા અને મુદિત. દુઃખી રહેવા ને બદલે ખુશી શોધવાનું શીખી લીધુ. બે બેડરૂમ ને બહારગામ થી અમદાવાદ મા અભ્યાસ માટે આવનારી છોકરીઓ ને ભાડા પર આપી પી.જી. હાઉસ ચાલુ કર્યું. છ છોકરીઓ રહે આખો દિવસ ઘર મા કલબલાટ રહેવા લાગ્યો. લોપા આંટી મને રીંગણ ના ભાવે, લોપા આંટી હું બધા માટે કેક બનાવું? લોપા આંટી આ વીકએન્ડ મા મુવી જોવા લઇ જશો?
લોપા આંટી પોતાના મા રહેલું માતૃત્વ બધી છોકરીઓ પર ઓળઘોળ કરતી, લાડ લડાવતી સમજાવતી જરૂર પડ્યે ખીજાતી અને છોકરીઓ મા પોતાનું મન પરોવતી. પી.જી. ની છોકરીઓ બદલાતી રહે પણ લોપા આંટી તો એના એ જ બધા ને વ્હાલ કરે. મુદિત ની ના પાછળ નું કારણ અકબંધ છે પણ હવે લોપા આંટી ની એટલી બધી દિકરીઓ છે કે એકલું લાગતું નથી.
હવે તો લોપા અને મુદિત વચ્ચે બાળક માટે ની ચર્ચા થતી જ નથી. બન્ને પોતપોતાના મા મસ્ત રહે છે, સુખે થી જીવન પસાર કરે છે.
લોપા આંટી મુદિત અંકલ ની પચ્ચીસ મી એનિવર્સરી પર પી.જી. ની બધી છોકરીઓ એ સાથે મળીને સરપ્રાઇઝ પાર્ટી આયોજિત કરી...લોપા આંટી ની આંખ મા હરખ ના આંસુ આવ્યા એ માત્ર એટલું જ બોલી આ જોવો મુદિત મારી કેટલી બધી દિકરીઓ છે જે મને ખુબ પ્રેમ કરે છે.........


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.