"રાઘવ... પાંચ નંબર ક્લીયર કર...' અવાજ સંભળાયો ને રાઘવના પગ ઝડપથી પાંચ નંબરના ટેબલ તરફ વળ્યા - "અડધું સમોસું, અડધી સેન્ડવીચ ને પીત્ઝાનો એક ટૂકડો...' ડીશમાંથી ડસ્ટબીનમાં નાંખતા એના હાથ સહેજ અટક્યા. પણ પછી એણે આંખ બંધ કરીને એ એંઠવાડ કચરાપેટીમાં પધરાવી જ દીધો... માંડ બે સેકન્ડ આંખ બંધ કરી તેટલામાં તો ઉઘાડા ડિલવાળા કિસન, મમદુ, નંદુ ને રાખીના ચહેરા તરવરી ગયા... આટલાથી એકનું પેટ તો ભરાઈ જાય... પણ શેઠ ના પાડે. એઠું કચરાપેટીમાં જ નાંખવાનું. કોઈ ઘરાક ભેગું કરી જૂદુ મૂકતા જોઈ જાય તો વળી એને એમ થાય કે આ લોકો બીજાનું એઠું ખવડાવતા તો નહીં હોય ને? ને આવા મોટા મોલની આવડી આલીશાન રેસ્ટોરામાં આવા ભીખારીવેડા ન ચાલે. રાઘવને નોકરીએ રાખતા પહેલા જ શેઠે કહી દીધેલું - "રોજ નાહી ધોઈને ચોખ્ખા થઈને, ચોખ્ખા ધોયેલા કપડા પહેરીને આવવું પડશે. અને આવીને તરત નાસ્તો મળે તે ખાઈ લેવાનો. પછી ઘરાકની પ્લેટમાં જોવાનું નહીં... ફટાફટ ટેબલ ચોખ્ખું કરી દેવાનું...'

રાઘવથી ના પડાય એવું હતું જ ક્યાં? બાપુ લઠ્ઠો પીને મર્યાને વરસ થવા આવેલું. મા નાના કિશન અને નંદુને માંડ ખવડાવતી. ચાર ઘરનાં કામ... થાકીને બિમાર રહેતી. રાઘવ દસ વરસનો થયો એટલે આમ પણ કામ તો કરવું જ પડે... ચાની લારી પર મજૂરીએ રાખે નહીં કોઈ ....બાળ મજૂરીનો કાયદો નડી જાય... મોલમાં તો બધુ ગોઠવાયેલું હોય... રાઘવની જ વસાહતના કાસમે ગોઠવી આપેલી આ નોકરી... છ મહિના થયા હવે તો રાઘવ બિલકુલ ગોઠવાઈ ગયેલો... શેઠની બૂમ પડે ન પડે કામ થઈ જાય... ચકચકિત ટેબલ, કાળો આરસ મોં દેખાય તેવો... પગ મૂકતા ય ખંચકાટ થાય એવી ચકચકિત સફેદ ફર્શ... ઝાંખી ભૂરી રોશની... એસીની ઠંડક... પાંચમે માળે આવેલી આ ટેરેસ રેસ્ટોરાં મોલની સૌથી લોકપ્રિય જગ્યા હતી... ખાસ કરીને જુવાનીયાઓ માટે... ને રાઘવ માટે ય... રાઘવને કાચની બારીની પેલેપાર સરકતો ટ્રાફિક જોવો બહુ ગમતો... કીડીયારું ઉભરાય એમ ઉભરાતા માણસો... તોય અવાજ આ પાર આવવાની હિંમત ન કરે... પેલે પાર ચીસો નાંખી ચાલ્યો જાય.

ચાલમાં તો રાત પડે ને ગંડુની ટોળકી દારૂ પીને ગમે ત્યાં ઘૂસી જાય, ઘાંટા કાઢે... જે હાથમાં આવે તે ઉંચકી જાય. ક્યારેક કાંઈ ન મળે તો છોકરું ઉંચકાઈ જાય. ભીખ મંગાવે કે પછી એની પાસે.... "છી... એવું તે કાંઈ હોતુ હશે?' રાઘવને કોણજાણે કેમ દેખીતી ગંદકીય માનવામાં આવતી જ નહીં. બધામાં એ નોખો તરી આવતો. મા-બાપ કોયલો ને રાઘવ દૂધ જેવો ઉજળો... મોટી આંખ... સહેજ ચપટું મા જેવું નાક... તેલ વગરના બેફિકર ઉડતા ભૂખરા વાળ... પાંસળા ગણાય એવું ચપટું શરીર... નહાઈને ઘસીને ડિલ લૂછે ત્યારે તો રાઘવ કોઈ મોટા ઘરનો સ્કૂલે જતો છોકરો હોય તેવો મસ્ત લાગતો. એવું ચાલીના બધા લોક કહેતા. માને એ બિલકુલ ન ગમે. "મોટા ઘરના છોકરાના માથે કલગી હશે કાં?' કહીને જરા વધારે ઘસીને રાઘવનું માથુ ઓળવાનો વ્યર્થ પ્રયત્ન કરે. પણ વાળ નફ્ફટ તે કપાળે દોડી જ આવે. ને મા લગાર જોયા કરે એને... એની ભૂખરી બદામી આંખોમાં રાઘવ દેખાય ને પાણી છલકાય... "મૂવો રૂપ લીધું એની કરતા રૂપિયો લીધો હોત ...ભગવાન પાંહે...' કહી મોં ફેરવી જાય...


"રાઘવ.. દસ નંબર પે પીત્ઝા...' શેઠનો અવાજ કાને અથડાયો ને રાઘવે પીત્ઝાની ટ્રે હાથમાં લીધી. બેધ્યાન થયો ને દાઝયો. માંડ ટ્રે ને પડતી બચાવી દસ નંબર પર ગોઠવી.. છોકરો-છોકરી બેજ જણાં હતા. રાઘવ હવે જાણી ગયેલો કે બેજ જણ હોય ત્યાં ઝાઝુ ફરકવું નહીં... તો સારી ટીપ મળે ને ટોળું હોય ત્યાં સતત ઉભા રે"વાનું, ફિલ્ડીંગ ભરતા હોય એમ.. તો ય સારી ટીપ મળે... એટલે પીત્ઝા સર્વ કરીને એ ત્યાંથી જરાક ખસીને દૂર ઉભો રહ્યો. પણ વાત કાંઈ જામતી નો'તી. છોકરો-છોકરી બેય ચૂપ હતા. કાંટાથી પીત્ઝાના ટૂકડા કર્યે જતા... ખાવું ઓછું ને રમવું વધારે..


રાઘવ રમવા જતો ત્યારે એનેય ભૂખ ક્યાં લાગતી..? પણ રમવાની ઉંમર ઝાઝી લાંબી નો'તી. નાના ભાંડરાને સાચવવાના હોય એટલે મોટા જલદી થયે જ છૂટકો... તોય છૂટીને રમવા જવાનું મન થાય પણ અંધારે કોણ આવે રમવા..? રાઘવ જાય એટલે નંદુને કિશન તૈયાર જ બેઠા હોય... "ભૂખ લાગી...' કરી પેટ બતાવતા... રાઘવ લોટ લાવે ને મા રોટલા ઘડે...


દસ નંબર અચાનક ખાલી થઈ ગયું. રાઘવ દોડ્યો.. ક્યાંક બિલ ચૂકવ્યા વગર ન જાય... પણ ડીશમાં ટીપનાં પાંચ રૂપિયા ય હતા. રાઘવ ખુશ થયો. જોડી સલામત રહે એવુ બબડવા જાય ત્યાં જોયું કે બંને વિરૂદ્ધ દિશામાં જાય છે ને એકબીજાને જોતા ય નથી. એટલે થયું કે "આ બે વચ્ચે ય ઓલું બ્રેકઅપ થયું લાગે. નકર જતી ફેરા એકબીજાને જુએ તો ખરા..'


એકવાર કપ તૂટયું ત્યારે સલીમ બોલી પડેલો.. "બ્રેકઅપ થયું..' ત્યારે શેઠે અર્થ સમજાવેલો... છોકરો-છોકરી લડે ને કીટ્ટા કરી છૂટા પડે એને બ્રેકઅપ કહેવાય..


મા-બાપુ તો રોજ લડતા, રોજ કીટ્ટા.. ને પાછા બીજે દા'ડે ભેળા. મા બાપુને રૂપિયા આપે... જમાડે.. પણ રાત્રે દારૂ માથે ચઢી શેતાન થાય એટલે ખલ્લાસ.


દસ નંબર પર આખેઆખો પીત્ઝા એમ જ હતો. ટૂકડા કરેલા પણ... ખાધા વગરનાં... રાઘવને પાછા નંદુ-કિશન યાદ આવ ગયા. આમતેમ જોયું. ડીશને કચરામાં ઠાલવતા પહેલા એક કોથળીમાં સરકાવી દેવાનો વિચાર આવ્યો. પણ યાદ આવ્યું કે ઉપર કેમેરા છે. શેઠ બધુ જોતો હોય... એટલે આખો પીત્ઝા કચરામાં ઠાલવ્યો. અચાનક જાણે ભૂખ લાગી. રસોડે જઈ જમી લીધું. શેઠ ફોન પર વાત કરતો હતો. રાઘવને પણ થયું "મા પાહે ફોન ઓય તો પૂછી લેવાય.'


નંદુને સવારથી તાવ હતો... દવા લઈ જવાની છે આજે.. દવાની દુકાન બંધ થાય તે પહેલા.. રાઘવને યાદ આવ્યું ને એણે ખીસામાં પાંચનો સિક્કો પંપાળી લીધો. ભેગા રૂપિયાના, બે રૂપિયાના થોડા સિક્કાય હાથને અડ્યા. "દવા તો આવી જવાની આટલામાંથી.' મનમાં બોલતો રાઘવ પાછો કામે લાગ્યો. બપોરે થોડી ગિરદી ઘટે કે એ નીચે મોલમાં ખરીદી કરતા લોકોને જોયા કરતો. ઘણાં ચહેરા તો રોજ દેખાતા. કોથળા ભરીને સામાન લેતા. પણ મોં પર હરખનો છાંટો ય નંઈ..


રાઘવને નવાઈ લાગતી. રાઘવ તો કદી પચીસ રૂપિયા ભેગા કરી છાપરે નાંખવા નવું પ્લાસ્ટિક ખરીદે તોય હરખાતો ને આ લોકો? આખો પગાર માને આપ્યા પછી રોજની ટીપમાંથ ય રાઘવ બચાવી લેતો. લોટ લઈ ગયા પછી બચતા બે-ત્રણ રૂપિયા નંદુ-રાખીને કેટલી ખુશી આપી શકતા? નાની ચોકલેટ કે અક્કેક જલેબી.. બસ.. ખુશીનો સામાન બહુ ઓછો હતો.

આ પીત્ઝા કે સમોસા લઈ જવાય તો તો એ બાપડા કેવા ખુશ થાય? મોટા અહીં જ લગાડી દેવાના. ખાવાનું મફત મલે તો ખરું.


પાછા જાણીતા ચહેરા દેખાયા. આમથી તેમ ફાંફા મારતા. ભીખ માગવા નીકળેલા ભીખલા જેવા. ભૂખી આંખે પૂતળાને તાકતા. સામાન પર લગાડેલી ટીકડી વાંચી ખરીદતા. પાછા મૂકતા.. બચારા... માંડ કોથળા ઉંચકી ચાલતા. સલીમે કહેલું.. લાલ પાટીયું હોય ત્યાં સેલ હોય.. ઓછી કિંમતે વસ્તુ મળી જાય એટલે લોકો દોડે લેવા.

"ઓછી? એટલે' રાઘવે ખીસાનું પરચુરણ અડકી મનોમન ગણતા પૂછેલું. ને સલીમે કીધેલું "દસ હજારનો માલ પાંચ હજારમાં..'

પાંચ હજાર? બે મહિનાનો પગાર? કપડામાં હીરા-મોતી જડેલા તો દેખાતા નંઈ પણ તોય લોકો ઉતાવળે રહી જવાના હોય તેમ ખરીદી લેતા.


રાઘવને કદીય એમની દુનિયા સમજાઈ નહોતી. પાંચમે માળેથી દેખાતા ટ્રાફિકની જેમ એ મોલમાં ખરીદી કરતા લોકોને જોયા કરતો... રેસ્ટોરાંમાંથી ખાઈને નીચે જતા લોકો વળી આઈસ્ક્રીમ ખાવા ઉભા રહેતા... રાઘવને થતુંય.. અહીં પ્લેટમાં તો છોડ્યું છે. ને નીચે જતાં જ ભૂખ લાગી ગઈ પાછી? એંઠવાડ કરવાની ટેવ છે આ મોટા લોકોને... ભૂખે ય મોટી ને એંઠવાડ પણ...


"રાઘવ.. આજે કેમ આમ બાઘો થઈ ગ્યો છે?' શેઠે પૂછ્યું ને રાઘવ થોડો સચેત થયો. "કંઈ નંઈ શેઠે... નંદુને જરાક તાવ..' બોલવા ગયો પણ શેઠ ત્યાં તો બીજાને કામ સોંપવામાં પડ્યા.. એટલે થયું "રે'વા દે રાઘવ, અમથું શેઠને થાય કે બા'ના કાઢે છે વે'લા જવાના..' તોય વચ્ચે દવા લેવા જવાય તો ઠીક... નંદુનું માથુ બઉ ધગધગતું ઉતું... મા ય કે'તી ઉતી કે કામ બઉ છે આજે.. એના શેઠને ત્યાં કંઈ પાર્ટી છે. મોડી આવવાની... કિશન નાનો પડે.. નંદુને ખવડાવે એવડો નથી...


વહેલા જવાની ગાંઠ વળતી ને છૂટતી. ઘરાક વધારે હતી આજે. પાંચ રૂપિયા... દસ રૂપિયા કરી થોડાક વધારે થાય તો દાગતરને ત્યાં લઈ જવાય.. એ લાલચે રાઘવના પગ ચાલતા જતા હતા ને મોં બંધ...


"સાત નંબર પે કટકા માર રાઘવ' બૂમ પડી ને સાત નંબર પર ડીશોની ભરમાર. એંઠવાડનો ઢગલો.. રાઘવે કાસમને પૂછ્યું "આ એઠું ભેગું કરીને કોઈ ભૂખાને ખવડાવે તો?' કાસમ બોલ્યો "દેખ.. જ્યાદા સોચ મત.. એકબાર ના બોલા તો ના...આ મોટા લોક ખાવા આવે.. આપણને એંઠવાડ ખાતા જોય તો એ લોકને ની ગમે.. હાઈ સોસાયટી કે"વાય..'


"તે હાઈ સોસાયટીમાં ખાવાનું ફેંકી દેવાની ફેશન ઓહે કાસમ? ઘેરે નંદુ ભૂખો ઓહે.. તાવમાં તરફડતો... ને આપણી ચાલમાં તો કેટલા પોયરા ભૂખા.. ચાલની શેઠને વાત કરીએ...' રાઘવ બોલે તે પહેલા કાસમની બૂમ પડીને કાસમ જતો રહ્યો. જતા જતા બોલી ગયો.. "એંઠવાડ એટલે એંઠવાડ.. એની જગ્યા કચરા પેટી.. જ્યાદા દિમાગ મત ચલા.. કામ કર..'


આઠ નંબર પર એક નાનું બાળક લઈને મા-બાપ આવ્યા હતા. બાળકના હાથમાં રમકડાનો થેલો. એણે ખાવું નહોતું, રમવું હતું. તોય એની મા પરાણે મોંમા આઈસ્ક્રીમની ચમચી મૂક્યે જતી હતી. બેધ્યાનપણામાં થોડુંક આઈસ્ક્રીમ પડ્યું. રાઘવ પાણીના ગ્લાસ લઈને ગયો. સાફ કરવું.. ન કરવુંની અવઢવમાં ઉભો રહ્યો... એટલે પેલી સ્ત્રીએ કહ્યું "જા.. કામ કર તારું. અહીં માથા પર ઉભો ન રહે..'


જતા જતા રાઘવને એની વાત સંભળાઈ "આવા લોકોની નજર લાગી જાય.. જોયું નઈં? કેવું બિટ્ટુની ડીશમાં જોતો"તો. ગયા અઠવાડીયે પેલા ભીખારીની નજર લાગેલી તે તાવ આવેલો બિટ્ટુને...'


"નંદુને કોની નજર લાગી ઓહેં? એતો મેલોઘેલો, શ્યામળો, પાતળો છોકરો... પેટનો ખાડો આખેઆખો કદી પૂરાયો ન હોય એવો. તેને કોની નજર લાગી કે અઠવાડીયાથી અવારનવાર તાવ આવતો હતો?' રાઘવે વિચાર્યું..


આજે આવા વિચારો બહુ આવતા હતા.. આઠ નંબર પર છોકરાએ ઢોળેલા આઈસ્ક્રીમ સિવાય મા-બાપે છોડેલી સેન્ડવીચ હતી. ટેબલ સાફ કરી રાઘવ શેઠ પાસે ગયો "શેઠ આ વઘેલું ખાવાનું આપડે કોઈને આપી...' હજુ તો બોલે તે પહેલા જ શેઠ ખીજવાયા... "અબે ઓ ધરમરાજા.. કામ કર અપના... જો બચાકૂચા હૈ જાયેગા કચરે કે ડીબ્બે મેં, રાતકો કચરાગાડી આકે લે જાયેગી. કુત્તે ખા જાયેંગે.. તને આપું છું ને બે ટાઈમ? ભૂખો નથી મરતો ને? તો ગામની ફિકર છોડ.. અહીં ધંધા પર ધ્યાન આપુ કે એંઠવાડ પર? સાલા.. એનજીઓ કી ઓલાદ.'


એનજીઓ નો અર્થ સમજાયો નહીં પણ ઓકાત સમજાઈ ગઈ રાઘવને... એંઠવાડ તરફ જોવાનું નહોતું. કોઈ જોતું નહોતું... એમ એણે પણ જોવાનું નહોતું... ગામ બહાર આવેલ એની ચાલી તરફ ત્યાંથી નાક દબાવી ઝડપથી પસાર થઈ જતાં લોકો, સડસડાટ પસાર થઈ જતી ગાડી. કોઈ જોતું નહોતું. તેમ રાઘવને ઘડીક થયું.. આખું શહેર મોટો મોલ છે ને એની ચાલી એક કચરાપેટી.. ભૂખા-માંદા છોકરાથી ઉભરાતી, ગંધાતી.. એ બાજુ કોઈએ જોવાનું નહીં એવો વણલખ્યો નિયમ...


રાત્રે આઠ વાગે દવા લઈ રાઘવ ઝડપથી એની ચાલ તરફ ચાલવા માંડ્યો. રિક્ષાના રૂપિયા હતા પણ "કદાચ નંદુને ડાગતર પાહે લઈ જછો પઈડો તો?' વિચારે રાઘવ ચાલતો ઘરે પહોંચ્યો. મા હજુ આવ નહોતી. કિશન બહાર રમતો રમતો ઉંઘી ગયો હતો. અંદર ગાભાની ગોદડી પર નંદુ સૂતો હતો. રાઘવે જતા વેંત કહ્યું "દવા લઈને હુંઈ જા... ખાધું કંઈ?' ને તાવ જોવા કપાળે હાથ મૂક્યો તો શરીર બરફ જેવું ટાઢું... આંખ અડધી મીંચેલી.. મોં જરાક ખુલ્લું...


"નંદુ....' રાઘવે બૂમો પાડી એને જગાડવા પ્રયત્ન કર્યો.. પણ એની ડોક નમી પડી... હાથ પથારીની બહાર ખુલ્લો પડ્યો હતો. એમાં રોટલાનો ટુકડો હતો.. ને એના પર કીડીની ઢગલી... રોટલા પર થઈ હાથ પર ચઢતી ઉતરતી...


રાઘવે હાથ લંબાવ્યો ને પાછો લઈ લીધો... ભલે ખાઈ જતી એંઠવાડ...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.