મનની મૂંઝવણ દૂર કરવામાં પણ મર્યાદા નડે?

મર્યાદાને નામે આપણે ત્યાં દરેક પઢી એના પછીની પેઢી કે એની સાથે જીવતા લોકો માથે નિયમો અને બંધનો મૂકી દે છે. જે બંધનો કે નિયમોમાં સમયાંતરે ફેરફાર અને છૂટછાટ પણ આપી દેવાતી હોય છે. એક વ્યક્તિ માટેનો નિયમ ઘરમાં બધા જ લોકો ઉપર ન લાગુ કરી શકાય. આ હકીકત હોવા છતાં દરેક મુદ્દે કે ઘટના સમયે આપણું સ્ટેન્ડ ફરતું રહે છે. કેટલીક વાર તો એક જ વ્યક્તિ સાથે એક કે પછી અનેક એકસરખી ઘટનાઓ બને ત્યારે આપણો વિચાર દરેક વખત જુદો પડતો હોય છે. પોતાના વર્તનની વાત હોય કે પછી કોઈ માન્યતા હોય આપણને દંભ કરવામાં કોઈ ન પહોંચે. આજની પેઢી જરા જુદી વિચારસરણી ધરાવે છે. વર્તમાનમાં જીવે છે અને દિલમાં ઊઠેલી વાતને દબાવી નથી રાખતી. આવો જ એક કિસ્સો શેર કરવાનું મન થઈ આવે છે.

ત્રેવીસ વર્ષની તન્વીની વાત કરીએ. તન્વીની સગાઈ થઈ ગઈ છે. થોડા જ સમયમાં તેનાં લગ્ન થવાનાં છે. તન્વીની બધી જ બહેનપણીઓની સગાઈ કે લગ્ન થવાનાં બાકી છે. હા, બે-ત્રણ બહેનપણીઓને બોયફ્રેન્ડ છે ખરા. જોકે, એ બહેનપણીઓ સાથે એક હદથી વધુ ખૂલીને વાત થઈ શકતી નથી. તન્વી કહે છે, મારાં લગ્ન થવાનાં છે. મનમાં અનેક સવાલો ઘૂમે છે. પતિ-પત્ની વચ્ચેની રિલેશનશિપથી માંડીને પરિવારમાં સંબંધો કેવી રીતે જાળવવા.

પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધની વાત હોય કે સંબંધમાં સમજદારીનો સવાલ હોય કે પછી સહજીવનમાં એકબીજા સાથેના સંબંધની વાત હોય, આવા સવાલો એક સાંજે મેં મમ્મીને પૂછયા, તો મમ્મી એકદમ ડઘાઈ ગઈ. એણે એક જ વાક્ય કહ્યું કે, "એ બધું ધીમે ધીમે ગોઠવાઈ જશે." આવા ગાંડા જેવા સવાલો નહીં કરવાના. તન્વી કહે છે, મને એમ હતું કે મમ્મી મારી સાથે વાત કરશે,મને સમજાવશે, મારા સવાલોને જવાબ મળી જશે, પણ એવું કંઈ થયું નહીં. બધાને સવાલ થશે કે, આજની જનરેશનની છોકરીને આટલી ખબર નથી પડતી? સાચી વાત એ છે કે, ઘણીખરી છોકરીઓને ખબર નથી હોતી. એક અજાણ્યો ડર મનમાં જીવતો હોય છે. આ સંજોગોમાં મારી ઉંમરની છોકરીઓ પોતાની રીતે બધું નેટ ઉપર અને ફ્રેન્ડ સાથે શેર કરીને કે પછી છાપાં-મેગેઝિનમાં વાંચીને પોતાની જિજ્ઞાાસા સંતોષી લે. ઘણી વખત નેટ ઉપર મળતું સાહિત્ય સાચું હોવા કરતાં ગેરમાર્ગે દોરે એવું વધુ હોય છે. પોતે જેને માનતા હોય એ જ લોકો ફ્રેન્ડ કહીને વાત ન કરે તો અમે શું કરીએ? એ યુવતી એક દિવસ પોતાનું લેપટોપ ખોલીને બેઠી હતી. તેમાં તેણે એક વીડિયો જોયો. જેમાં એક યુવતી એની આસપાસથી પસાર થતાં લોકોને પૂછતી હોય છે કે, કોન્ડમ ક્યાં મળશે?સવાલના જવાબમાં કોઈ તેની સામે આશ્ચર્યથી જુએ છે તો કોઈ તેને જવાબ આપે છે. કોઈ જવાબ આપ્યા વગર નીકળી જાય છે.

તન્વી પૂછે છે, આપણે એકબાજુથી એચઆઈવી ન ફેલાય તેના માટે કોન્ડમના વપરાશને પ્રોત્સાહન આપીએ છીએ. તો પછી એ સવાલ કોઈ છોકરી પૂછે તો એને કેવા કેવા વિચિત્ર રિસ્પોન્સ મળે છે. એક બાજુથી દીકરા-દીકરીને એકસાથે ભણાવવાની હિમાયત કરીએ છીએ અને બીજી બાજુ અનેક જાહેર જગ્યાઓ ઉપર ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા હોય છે.

સાચું હોય એ શીખવવામાં આવે તો એની સામે કોઈ વાંધો નથી, પણ ખોટું છે તો શા માટે છે અને આ મર્યાદા છે તો શા કારણે છે એનું ખરું કારણ તો ગળે ઊતરે એવું હોવું જોઈએ કે નહીં? જિજ્ઞાાસા સંતોષાય નહીં અને નિયમો, મર્યાદા, બંધનો લદાતાં જ આવે જેના કોઈ જવાબો ન હોય ત્યારે આ હિપોક્રસી ગળે ટૂંપાથી વિશેષ નથી લાગતી હોતી. આજની જનરેશન સાથે જીવતાં દરેક મા-બાપ પોતાનાં બાળકોને લઈને અનેક પ્રકારના તણાવમાં જીવે છે. મા-બાપના તણાવ કે ટેન્શન વિશે બાળકોને ખબર હોય કે ન હોય,પણ બાળકોના મનમાં થતા સવાલોના જવાબ આપવાની પહેલી ફરજ તો માતા-પિતાની જ બને છે. બંધનો લાદવામાં અને દંભ કરવામાં બહુ મોટી ભેદરેખા છે નહીં, પણ દંભ નર્યું જૂઠ્ઠાણું બની જાય એ પહેલાં નવી જનરેશનને સાચી સમજ મળે એ વધુ મહત્ત્વનું છે.

(તા. 19 નવેમ્બર, 2014. બુધવાર. 'સંદેશ', અર્ધસાપ્તાહિક પૂર્તિ)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.