વર્ડ્ઝ આર ઈલ્યુઝીવ

સાંજનો સમય હતો. કેન્ટીનની પાસે લીમડાના ઝાડ નીચે ચોરસાકારે ગોઠવાયેલા સિમેન્ટના બાંકડાઓ પર પંદરવીસ લોકો બેઠા'તા...બાંકડા વધારે ને લોકો ઓછા એટલે મોકળાશ હતી ... ને વાક્યોની આપલે ચાલ્યા કરતી'તી.

એ મને હોન્ડાના સર્વિસ સેન્ટર નો નંબર આપજે ને ....બે મિતેશ, તે લગનમાં તો બોલાયા નહીં ,વાંધો નહીં; પણ તારા મેરેજના ફોટા તો મૂકજે એફ.બી પર....યાર લાસ્ટ સંડે હું રહેમાન નાં કન્સર્ટમાં ગયો'તો. શું કન્સર્ટ હતો યાર. પેલું જય જય ગરવી ગુજરાત બી ગાયું બોલ....

આવા અનેક અથડાતા કૂટાતા નાના મોટા અવાજોના ટોળા વચ્ચે એક પાતળા બટકણા અવાજે પોતાનુ માથું ઊંચું કર્યું. હલો એવરી વન. ..

સહુ એ તરફ જોઈ રહ્યા. કાળી ફ્રેમવાળા ચશ્મા.... ગળામાં લાલ ભૂરો સ્ટોલ.... ચહેરા પર ચમક....હોઠો પર સ્મિત...

ઓહોહોહોહોહો , કૃપા તું ? શું વાત છે ને આજે તો મોંઘેરા મહેમાન આયા છે ને કંઈ.... એક મૂછાળો બોલ્યો. એ પરણેલો લાગતો 'તો .

ઓહ તમે ? આજે તમારા દર્શન ક્યાંથી ? એક દાઢીવાળાએ હાથ જોડી એના પગ તરફ લઇ જવાનો અભિનય કર્યો..

એન્ડ વ્હોટ અબાઉટ શ્રીદત્ત ? આવવાનો છે એ ? લીલું ટોપ પહેરેલી એક ગોળમટોળ છોકરીએ ચીપીચીપીને પોતાનો સવાલ મૂક્યો. એનેય મેસેજ કર્યો' તો. પણ એઝ યુઝવલ રીપ્લાય નહોતો ...

કૃપા કશું બોલી નહીં. ને પ્રશ્નોને આપોઆપ ખરવા દઈ શાંત સ્મિત કરતી ગોળમટોળ છોકરીની બાજુમાં બેસી ગઈ. વાતોને ફરીથી ચાલુ થતા થોડી વાર લાગી. પણ થઇ તો ખરી...

કૃપાની બેચના વિદ્યાર્થીઓ દર છ મહીને એક વાર મળતા. અહીં જ . કેન્ટીન પાસેના બાંકડાઓ પર.... રીયુનિયન કહેતા એને... મળવાનું ... નાસ્તો કરવાનો ... ગપાટા મારવાના ...કેટલાક જુનિયર સીનીયરેય આવતા કાયમ... કૃપા જોકે પહેલા ક્યારેય આવા રીયુનીયનમાં આવી ન્હોતી ...

શું મંગાવીશ તું બોલ..

ચીઝ પફ... કૃપા બોલી. તરત જ ... દ્રષ્ટિને જોઇને કૃપાને મનમાં હસવું આવતું તું . એ હજી એવી જ હતી. ભોળી. બોલકણી ને ગોળ મટોળ.....આવા લોકો સાથે વાત શરૂ કરવા માટે તકલીફ પડતી નથી.કૃપાનેય ઉત્સાહ આવ્યો. ને બંનેની વાતો ચાલુ થઇ. મેરેજ.. . હસબંડ...જોબની તકલીફો...સાસરીયા.... અચાનક કૃપાની નજર જમણી બાજુના બાંકડે પડી..એક જાંબલી જેકેટ પહેરેલો છોકરો એની સામું ટગર ટગર જોઈ રહ્યો'તો. બંને ની નજર મળી ને એ ઝાંખું હસ્યો. પણ કૃપા.... કૃપાને ચક્કર આવવા લાગ્યા .. છાતીમાં કશુક ઉછાળા માંરતું હોય એવું લાગ્યું . ..

શું થયું કૃપા ?

અ. કંઈ નહીં. આપડે પેલી બાજુ જઈને બેસીએ?.

પણ અચાનક શું થયું ત ને ?

કંઈ નહીં બસ. ચલ ને.. પ્લીઝ ...

ઓકે, ચલ..

બંને બીજા બાંકડા પર જઈને બેઠા.. કૃપાને હાશ થઇ...પેલો જાંબલી જેકેટ વાળો દેખાતો બંધ થયો'તો. આખું ગ્રુપ જ દેખાતું બંધ થયું'તું. લુખ્ખાઓ ,હરામીઓ, બધા . કૃપા મનમાં ને મનમાં બબડી. કેવો હતો સાલો. એકેક વસ્તુમાં ટોક ટોક કરે. આમ કર આમ ના કર. આવા કપડા પહેર... આવા નાં પહેર.. ને માંગણીય કેવી કરી'તી ... અમદાવાદથી દૂર એક હોટલમાં જવાની ....છી ....પોતે આવા માણસ સાથે હતી...છ મહિના ....એણે દ્રષ્ટિ સામુ જોયું... એ હજી વાતો કરી રહી'તી. કૃપા ટટ્ટાર થઇ ગઈ. સ્ટોલ સરખો કર્યો. .અંધારું ઉતરી રહ્યું'તું. એ દ્રષ્ટિ ની આંખમાં આંખ પરોવીને જોવા લાગી. ધ્યાન આપતી હોય એમ...

બોલ બીજું શું ચાલે ? શ્રીદત્તના કોઈ ન્યૂઝ ?.

કઈ નહીં....પોફેસર છે મહેસાણાની આર્ટસ કોલેજમાં...

હા એ તો...એક વાર એફ.બી. પર વાત થઇ'તી...પણ રૂબરૂ જોયે ઘણો ટાઈમ થયો. થોડો જાડો થયો છે નહીં...

કૃપાથી સ્મિત થઈ ગયું. એનેય શ્રીદત્ત ને જોયે વખત થયો 'તો...કૃપા ના મેરેજ પછી શ્રીદત્ત એને સામેથી મળવા બોલાવતો નહીં...કૃપા ને તો ઘણું મન થઇ આવતું- મેરેજ પછી શ્રીદત્તને મળવાનું ... એ ફોન કરતી ને બોલાવતી અહીં જ ... આ કેન્ટીનમાં... ને બે ચાર વાર મળેલા એ બે -એકલા, ત્યારે કૃપાએ જ વાતો કર્યા કરેલી ...સાસરિયા વિશે...પુલિન વિશે .. પેઈન્ટીંગ છૂટી ગયાની ફરિયાદ... વગેરે...પણ બે ત્રણ વાર મળ્યા પછી શ્રીદત્ત મળવાનું ટાળતો..કૃપાના હસબંડ પુલિનનેય કૃપા શ્રીદત્ત ને મળે એ બહુ ગમતું નહીં... એટલે...

ચલો યાર ..કોઈ ગેમ રમીએ...

ના યાર પ્લીઝ..

અરે એમાં નાં શેની... ચલો ગાયઝ.... સ્નેચિંગ રમીએ ....

એ પણ સ્નેચિંગ માં કરવાનું શું હોય હું તો ભૂલી ગઈ....

કંઈ નહીં બે .... એક ગાયનમાંથી વર્ડ પકડીને એના પરથી બીજું ગાયન ચાલુ કરવાનું... .

ઓહ...હા, હા...યાદ આઈ ગયું...

એક લડકી ભીગી ભાગી સી.... બધા રાગડા તાણી ગાવા લાગ્યા ... પછી રાત કલી એક ખ્વાબ મેં આઈ...આંખ મારે વો લડકા આંખ મારે ....વો હૈ ઝરા ખફા ખફા ... ને ક્યાંકથી આયુ. ભીગે હોઠ તેરે સોંગ ... સીટીઓ વાગી. છોકરાઓ ઉભા થઇ નાચવા લાગ્યા. એક જુનિયર છોકરી બી જોડાઈ. પછી તો સ્નેચિંગ જેવું કઈ રહ્યું નહીં. બધા પોતાને ગમતા ગીતો ગાવા લાગ્યો. બીડી જલઈ લે , મુન્ની બદનામ હુઈ... વગેરે ....

સાવ ચીપ છે આ લોકો દ્રષ્ટિ એ મોઢું બગાડ્યુ. કોલેજ્માયે એક એક છોકરીને કેવું ફસાવતા'તા...

હા. આમાંના જ એક ચીપ માણસે એનેય ફસાવી'તી જ ને ?કૃપા મનમાં હસી. પેલો હરામખોર સાલો. હજીયે બેઠો બેઠો એને જોવા ટ્રાય કરતો હશે . નજીક આવશે ને વાત કરશે .બે ચાર સારા શબ્દો બોલી માફી માગવા ટ્રાય કરશે . પણ ના એ એને માફ નહીં કરી શકે..અરે એ પોતાની જાતનેય ક્યાં માફ કરી શકી છે હજુ સુધી ? હજી પણ એને આ વાત ચૂભે જ છે ને કે સાલું આવું કેમ કર્યું ? બરાબર છે. બહુ જૂના બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ કર્યું 'તું... ખરેખરો પ્રેમ હતો ...ને એ છોડી ગયો તો કોઈ બીજી માટે ત્યારે બહુ ખાલી ખાલી લાગતું. પણ તોયે સાવ આવું. એને મનોમન પેલો ચહેરો દેખાયો. કાળો...આછી દાઢી વાળો...ધૂંધળો....

બોલ, બીજું શું ચાલે ? કંઈ કરે છે?... પેઈન્ટીન્ગ , સ્કલ્પટીંગ ?

ફ્રી લાંસિંગ કામ કરું છું ક્યારેક...સ્કલ્પ્ચરનું ...બાકી ઘરમાં જ એટલું કામ પહોંચે છે કે...

ને પેઈન્ટીંગ?

ના રે...એ તો સાવ છૂટી જ ગયું છે...

શ્રીદત્ત એને કાયમ પૂછ્યા કરતો. ધમકાવતો પણ ખરો .આમ શ્રીદત્ત એનો જુનીયર.પહેલા તો એ કૃપાને ઘણો અતડો લાગેલો.કોઈની જોડે વાત જ નાં કરે. એક વાર ફાઉંડેશનનો ક્લાસ ચાલતો' તો. કૃપા પેન્સિલ ભૂલી ગઈ તી. ક્લાસમાં કોઈની પાસે ન્હોતી .એટલે એ જુનિયર કલાસમાં જઈ ચઢેલી. ને ત્યાં શ્રીદત્તે એને પેન્સિલ આપેલી. પછી ઓળખાણ થયેલી.. ને પછી તો એ ને શ્રીદત્ત એવા મિત્રો બની ગયેલા કે એ શ્રીદત્તને ગમે ત્યારે એના લઘરવઘરપણા માટે ચિઢવતી .શ્રીદત્ત પણ એની પર કડવામાં કડવા કટાક્ષ કરી નાખતો.. આર્ટ વગર ની આર્ટ સ્ટુડંટ છે તું . કૃપાને સહેજે ગમતું નહીં...ગુસ્સોયે ચઢતો. :હા ... મને રોજે રોજ પેઈન્ટ કરવાનો ઉમળકો નથી થતો ? . હું એવી ક્રિએટીવ રીગર વાળી નથી તો શું ? હેં ? એ અકળાઈ ગયેલી એક વાર... : તો કંઈ નહીં.... શ્રીદત જવાબ આપતા જરા હસેલો...ને એ પછી એણે આ વિષે કોઈ વાત કરેલી નહીં...જોકે કૃપા ને ઘણીવાર એવું કે લાગતું શ્રીદત્ત ને લીધે જ એ પેલા ચીપ માણસમાંથી....

એ ડમ્બ શેરડસ ચાલુ થયું... જો જો ...આપડી ટીમ નો વારો છે...

કુપા જોવા લાગી... એક છોકરી ઉંચેથી મોંમાં કશુક નાખવાનો પ્રયત્ન કરતી તી... એણે ફિલ્મ ઓળખી કાઢી. અંગૂર... :વાહ કૃપા જોરદાર બાકી .. સૌ બોલી ઉઠ્યા. કૃપાને સારું લાગ્યું... સારું થયું હું આવી તો ખરી.. શ્રીદત્તને ના મળાયું તો કંઈ નહીં ...

ધીમે ધીમે ફિલ્મોના નામ વિચિત્ર થવા લાગ્યા. શોલા ઔર શબનમ ... અંકુર... જલ બિન મછલી નૃત્ય બિન બીજલી. કૃપાને છેલ્લું નામ ખ્યાલ આવી ગયું 'તું.પણ એ બોલી નહીં ને તરત એની ટીમમાંથી બીજું કોઈ બોલી ગયું. શ્રીદત્ત ....એને ક્યારનો શ્રીદત્ત યાદ આવ્યા કરતો'તો ..

શ્રીદત્ત ક્લાસનો સહુથી સારો આર્ટીસ્ટ હતો . ને સહુથી બુદ્ધિશાળી પણ ...કેનવાસ પર એના હાથ ને કામ કરતા જોવું કૃપાને ખૂબ ગમતું ...ઈર્ષા પણ થતી....પાછો શ્રીદત્ત નિયમિતપણે પોતાની ડાયરીમાં લખતો... ક્યારેક કૃપાને વાંચી સંભળાવતો ... ફક્ત કૃપાને ...કૃપાને કદાચ એ કારણે, કે શ્રીદત્ત નાં લખાણને કારણે કે પછી એના જાડા ગંભીર અવાજ ને કારણે શ્રીદત્ત નું લખાણ સાંભળવું ખૂબ ગમતું...

કૃપા તું આવીશ ને ડીનર માં .....

હં? કૃપાએ આશ્ચર્યભરી નજરે પૂછ્યું,

તું આવીશને ડીનરમાં ? અહીંથી બધા ડીનર માં જશે. યાર મારે ઘરે રસોઈ નથી બનાવવી...

ના ના મેં ઘરે કહ્યું નથી. ને પુલિન આવશે.. એટલે પછી મારે જવું પડશે...

ઓહ...

કહી દ્રષ્ટિ ચૂપ થઇ ગઈ..ને સ્મિત કર્યું. ધીમે ધીમે સૌ વિખરાવા લાગ્યા..પેલુ ગ્રુપ જે અત્યાર સુધી કૃપાથી છૂપું રહ્યુ'તુ એ પણ હવે ઉભું થઇ જવા માંડ્યું. જામ્બલી જેકેટ વાળો ક્યાંય સુધી એની સામે જોઇને ચાલ્યો ગયો.એ કૃપાએ ત્રાંસી નજરે નોંધ્યું . એને વિચિત્ર સંતોષ થયો કે એ છોકરો એની સાથે વાત કરવાની હિંમત ના કરી શક્યો. ખરેખર, શ્રીદત્ત જોડે એની ફ્રેન્ડશીપ ના થઇ હોત તો કોલેજના આવા લોકો વચ્ચે એનાં વર્ષો ....

બાંકડા ખાલી થવા લાગ્યા. પંખીઓનો કલરવ તો ક્યારનો બંધ થઇ ગયો હતો. હવે માણસોની કલબલ પણ શમી . બાય. દ્રષ્ટિએ કહ્યું..

:બાય.

:કેમ તું ઘરે નથી જતી?

:ના થોડી વાર પછી .

: ઓહ મળીએ પછી.

:ઓકે ....મળીએ. દ્રષ્ટિ ઉભી થઈ . બીજા પાંચ છ સાથે જોડાઈ . ને કૃપાની પાછળથી જતી રહી..

પછી મળીએ - આ બે શબ્દોમાં હજુ સૌ ને કેટલો વિશ્વાસ હતો. કૃપા વિચારવા લાગી. ને હજુ કેટલી બેફિકરાઈથી ,અજાણતા જ વાપરતાતા સહુ એ શબ્દો ...

.એ ઘણી વાર કહેતી મારા વિષે કંઈ લખ... પણ શ્રીદત્ત કહેતો.....નાં ,કૃપા ,પ્લીઝ .ફોર્સ નાં કર. આ તો ઠીક છે ક્યારેક લખું છું બાકી ,મને બહુ ગમતું નથી. શબ્દો પ્રપંચી છે .વર્ડ્સ આર ઈલ્યુઝીવ.......કૃપા વધારે દલીલ કરતી નહીં. એમે દલીલોમાં શ્રીદત્ત ને જીતવું અશક્ય હતું.

અંધારું પૂરેપૂરું છવાઈ ગયું'તું. કેન્ટીન બંધ થઇ. હવે બસ દૂર ગાર્ડનની હેલોજનનું અજવાળું જ હતું. કૃપા બેસી રહી. લીમડાની આછી ગંધ મેહસૂસ કરતી. ચા ઘૂંટડે ઘૂંટડે પીતી . શબ્દો પ્રપંચી હતા એમ શ્રીદત્ત કહેતો ... પણ શ્રીદત્તના જ શબ્દોએ એને કોલેજના એ દિવસોમાં કેટલી મદદ કરેલી....કેટકેટલી વાર શ્રીદત્ત ના મળ્યો હોય એ દિવસોમાં એની શાંત આંખોને ,એના શબ્દોને એ પ્રયત્નપૂર્વક યાદ કરતી. ને એમાંથી કોઈ મીઠો રસ ચૂસી પોતાનો દિવસ સુધારવા પ્રયત્ન કરતી .પણ આજે ? આજે એને એકે શબ્દ યાદ નહોતો આવતો . એ મનોમન હસી.. એક વાક્ય.....કવિતાની એક લીટી ... કશું જ નહીં..

અચાનક એને રીંગ સંભળાઈ. એણે પર્સમાંથી ફોન કાઢ્યો. પુલીનનું નામ સ્ક્રીન પર ચમકી રહ્યું તું. ને એનો હસતો ફોટો... કૃપાના હોઠો પર સ્મિત પથરાઈ ગયું. એણે ફોન સાયલન્ટ કર્યો. પગ સહેજ લંબાવ્યા. બંને હાથે બાંકડાને ટેકો દીધો. ને પછી ખાસ્સી વાર સુધી ,એ હેલોજનના આછા અજવાળામાં વૃક્ષોની ટોચોને જોતી રહી...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.