ગરીબની વહુ સૌની ભાભી

ગરીબની વહુ સૌની ભાભી.

ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને અમીરની અંધશ્રદ્ધા શ્રદ્ધા કહેવાય ખરુંને!!! આ ગરીબ પછાત ગણાતી દેવી પૂજક કહેવાતી જાતોનાં લોકો માતા મેલડીને માનતા હોય છે. અને માતાજીને ખુશ કરવા ડાકલા વગાડતા હોય છે. ભૂત ભગાડવા પણ ડાકલા વગાડતા હશે. મૂળ તો દેવી પૂજક એટલે દેવી એટલે કે ભગવાનને સ્ત્રી રૂપે, માતા રૂપે, શક્તિ રૂપેણ પૂજતાં લોકો. શું ભગવાનને ફક્ત પુરુષ તરીકે જ પૂજી શકાય? માતા તરીકે નહિ? રામ તરીકે જ પૂજી શકાય? અંબા તરીકે નહિ? રામજીની ભક્તિ શ્રદ્ધા કહેવાય અને દેવી પૂજા અંધશ્રદ્ધા? રામ અને હનુમાનજીને પૂજનારા ધાર્મિક મહાન ભક્તો અને મેલડીને પૂજતાં ગરીબ લોકો અંધશ્રદ્ધાળુ?

ફેસબુક મિત્ર શ્રી ધીરેન પંડ્યા મેલડી માતા અને ડાકલા વિષે સુંદર માહિતી આપે છે તે વાંચો એમના શબ્દોમાં.

ડાકલા વિષે બહુ નમ્રતાપૂર્વક વાત કરું, તો ડાકલું એ સૃષ્ટિનું આદિ વાદ્ય છે. શિવજીએ પ્રગટ કર્યું અને વગાડ્યું. શિવ અને શક્તિ અભિન્ન છે, એટલે ડાકલું વગાડવાથી શક્તિ રાજી થાય છે. ડાકલાને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.

@ભારતીય સંસ્કૃતિના પાયામાં ચાર વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં સામવેદ એ સંગીતનો વેદ છે. સામવેદની ઋચાઓ જે સ્વરમાં ગવાતી એ જ સ્વરો હજારો વર્ષ પછી પણ માતાજીની વેરાડીમાં એ જ સ્વરૂપે જળવાયા છે. જે ડાકલા સાથે ગવાય છે. એને અંધશ્રદ્ધા સાથે ન જોડી શકાય.

@મેલડીમાં વિષે કેટલાક મિત્રોને ખબર જ નથી કે મેલડીમાં એ કોઈ ભૂત-પ્રેત નથી કે એને કાઢવા માટે હનુમાન ચાલીસા બોલવા પડે. આદિશક્તિના ૩ સ્વરૂપ-મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અસુરોને મારવા ખાસ પ્રયોજનથી મહાકાળીએ જે સ્વરૂપ લીધું એ મેલડીના નામથી પૂજાય છે. મેલડીમાંને અંધશ્રદ્ધા સાથે જોડનારાને આ ખબર નથી હોતી.

ભાઈ ધીરેન પંડ્યાને ઉપરોક્ત માહિતી જાણીતા લોકગાયક શ્રી અરવિંદ બારોટ પાસેથી મળેલી છે.

૨૦૦૬મા ભાદર ડેમ ખાતે દેવી પૂજક સમાજ માટે એક કથા યોજાએલી, દેવી પૂજક સમાજ અંધશ્રદ્ધાળુ અને ભૂત વગેરેના વહેમોથી ભરેલો, એમને સુધારવા આ કથાનું આયોજન થયેલું કે હવે ભૂત પ્રેત બધું ભૂલી જાઓ. ભૂતની બીક લાગે તો હનુમાન ચાલીસા કરો. હેતુ ઘણો સારો હતો. આપણે અહોભાવમાં તણાઈ જઈએ કે એક ધાર્મિક સંત આવું કામ કરે તો સારી વાત કહેવાય. ભૂતકાળમાં ઘણા સંતોએ આવા કામો કર્યા છે. શું અંધશ્રદ્ધાળુ બનવાનું ખાલી ગરીબ લોકોનું જ કામ છે? અમીરોનું નહિ? અમીરોની અંધશ્રદ્ધા દૂર કરવા આવી કોઈ કથા યોજાઈ છે ખરી? મેલડી તરીકે મહાકાલીને પૂજનારા દેવી પૂજકોને સુધારવા માટેની જરૂર શું? કે પછી ગરીબની વહુ સૌની ભાભી? અંધશ્રદ્ધાળુ દેવીપૂજકોને સુધારવા માટે જે પણ પ્રયત્નો થાય તેની સામે શું વાંધો હોઈ શકે? પણ શું ખાલી ગરીબ, પછાત, અભણ, અજ્ઞાની લોકો જ અંધશ્રદ્ધાળુ હોય છે? અમીર, ભણેલા, કહેવાતા જ્ઞાની, ડોક્ટર્સ, એન્જીનીયર્સ, ક્ષત્રિય, બ્રાહ્મણ,વણિક અંધશ્રદ્ધાળુ નથી હોતા? મોટા માણસની અંધશ્રદ્ધા ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, શ્રદ્ધા કહેવાય. નાના માનવીની શ્રદ્ધા મૂર્ખામી કહેવાય, અંધશ્રદ્ધા કહેવાય.

હજારો લાખો અંધશ્રદ્ધાઓ સમાજમાં ચાલતી હોય છે, પણ વાંધો ફક્ત ગરીબની, પછાતની અંધશ્રદ્ધા સામે જ હોય છે.

મોટા સુધરેલાં સમાજની અંધશ્રદ્ધાઓ જુઓ. હનુમાનજીને તેલ ચડાવવું, એમાં કોઈ તર્ક દેખાય છે? બરોડામાં એક સોસાયટીમાં માણીભદ્ર વીરનું મંદિર છે. વર્ષમાં એકવાર આ મૂર્તિને નવડાવીને જે પાણી ભેગું થાય તેને પ્રસાદ તરીકે પીવાય છે. હવે આ મૂર્તિને કલર પણ અમુક જગ્યાએ લગાવેલો હોય છે. આ ગંદું પાણી પ્રસાદ કહેવાય છે. અહીં નવરાત્રિમાં યજ્ઞ કરીને જે કપલને છોકરા થતા નાં હોય તેને એમાં આહુતિ આપવા બેસાડાય છે અને પેલું ગંદું પાણી પીવા અપાય છે. પ્રસાદરૂપે ધરાવેલું સફરજન ખાતા ખાતા અને ગંદું પાણી પીતી ભણેલી ગણેલી જૈન સમાજ તથા અન્ય સમાજની સ્ત્રીઓ જાણે હાલ જ પ્રેગ્નન્ટ થઈ જવાની હોય તેમ અહોભાવમાં મગ્ન થઈ જતી, અને આવી ભણેલી મુર્ખીઓના ફોટા પાડતા પાડતા મને ખૂબ હસવું આવતું. જૈન સમાજ તો ખૂબ સુધરેલો ગણાય છે ને? બરોડામાં મેં એકવાર જાતે જે પણ ડૉક્ટરનું સાઇન બોર્ડ દેખાય તેની અટક યાદ રાખીને ગણવાનું શરુ કરેલું. મેક્ઝીમમ ડોક્ટર્સ શાહ અટક ધરાવતા હતા. યજ્ઞ કરવાથી છોકરા થતા હોય તો પછી જોવાનું જ શું રહે? ત્યાંના મહારાજ સાહેબ કહે કાળું પેન્ટ પહેરીને કેમ આવ્યા છો? માણીભદ્ર દાદાને ત્યાં કાળું નાં ખપે. મેં જોયું ત્યાં મારા સિવાય કોઈ કાળા વસ્ત્રોમાં હતું નહિ. આખી ઘેટા ભીડ જાણે મેં કોઈ મહાન ગુનો કર્યો હોય તેમ મારી સામે જોઈ રહેલી. મેં વળતો જવાબ આપ્યો કે મારા માથાના વાળ પણ કાળા જ છે અને અહીં ઉપસ્થિત બધાના વાળ કાળા છે શું કરશો?

મારા એક મિત્ર હરેશ દવે જ્યોતિષ હતા. કોઈ વૈષ્ણવ આચાર્યની દીકરીનું લગ્ન હતું. ભગવાન સ્વરૂપ આચાર્ય પોતે બ્રાહ્મણ જ્યોતિષીની સલાહ લેતા. આ દવે સાહેબ પેલાં લગ્નમાં હાજરી આપવા ગયેલા. મને કહે શું કહું? લગ્નમાં આવેલા બધા આચાર્યો, મહારાજશ્રીઓ,બાવાશ્રીઓ જમવા બેઠેલા, બહાર ભક્તોની ભીડ જામેલી. જેવા પેલાં જમીને ઉભા થયા કરોડપતિ વૈષ્ણવ વાણિયાઓ એંઠી પતરાળીઓ ઉપર તૂટી પડ્યા. આવું જ બધે જ ચાલતું હોય છે પણ આતો ધર્મ કહેવાય, ભક્તિ કહેવાય, શ્રદ્ધા કહેવાય. આચાર્યોને સ્ત્રીઓ ધરાવી દેવી તે સમર્પણ કહેવાય, ભક્તિ કહેવાય. સાઈરામ કાળી મર્સિડીઝમાંથી ઊતરીને ચાલતો હોય ત્યારે એના જે પગલા પડ્યા હોય તેમાંથી ધૂળ લઈને ફાકનારા મહાન ભક્તો શ્રદ્ધાળુ કહેવાય. અને ડાકલા વગાડતો માતાજીની આરાધના કરતો મૂરખ ગણાય. જો હનુમાન ચાલીસાથી વિશ્વાસ વધતો હોય બળ વધતું હોય તો પેલાંને એના ડાકલા વગાડવાથી પણ વિશ્વાસ વધતો જ હશે, બળ વધતું હશે.

પારકી બૈરી લઈ જઈને ભજન ગઈ લેનારા પીર કહેવાય અને છનિયો આવું કરે તો જેલમાં પોલીસ મારી મારીને ધુમાડા કાઢી નાખે. ગર્ભવતી પત્નીને એક લોન્ડ્રીમેનના મહેણાંથી વનમાં મોકલી દેનારાને આપણે ભગવાન કહીએ છીએ અને કોઈ ચંદુ કે કાંતિડો આવું કરે તો સ્ત્રીઓ પર જુલમ કરનારો, અજ્ઞાની, મૂરખ, રાક્ષસ કહેવાય. કોઈ બચરવાળ દેવી પૂજક મફલાની આણન્દીને ભોળવીને કોઈ નાત આગેવાન ઝૂંટવી જાય તો આપણે ચુપ રહીએ છીએ. અને કોઈ કચરા મગન ભીખલીને લઈને ભાગી જાય તો ચારિત્રહીન નાલાયક, પછાત કહેવાય. કોઈ ક્લીન્ટન મોનિકા સાથે લફરું કરે તો આપણે તે વિદેશી હોવાના નાતે ખૂબ ગાળો દઈએ છીએ. પણ આ ક્લીન્ટનને પાંજરામાં ઊભો કરી દેવાય છે, આપણે ત્યાં નગર પંચાયતના એક મામૂલી સભ્યને પણ કશું કરી શકતા નથી.

ગરીબની અંધશ્રદ્ધા પણ ગરીબ હોય છે, પૂરી કરવામાં બહુ પૈસા થતા નથી. ભૂવા કચરાજી એક કૂકડું, એક દારૂની બોટલ અને થોડા પૈસામાં ભૂત કાઢી આપે. અને દારૂ કોણ નથી પીતું? કોઈ ભૂવાને કરોડપતિ જોયો??અમીરની અંધશ્રદ્ધા અમીર હોય છે. સોનાના મુગટ, દસ કરોડનું સિંહાસન તે પણ બાળ બ્રહ્મચારી હનુમાનજીને? ધબ્બા વિજ્ઞાનનાં પ્રણેતા સ્વામીનો ધબ્બો ખાલી ૫૦૦૦ ડોલર્સમાં પડતો હોય છે. થર્ડ ગ્રેઈડના સંતોની પધરામણી ૧૦૦૦ ડોલરમાં પડતી હોય છે. એક મોટેલવાળાને આવી સ્ત્રીઓના મુખ નાં જોતા સંતોની પધરામણી અશ્વેત સ્ત્રીનું અપમાન કરવા બદલ ૫૫૦૦૦ હજાર ડોલર્સમાં દંડ રૂપે પડી હતી તે વાત વળી જુદી છે. આવા ધબ્બા ખાધેલાને પણ મજૂરી કરતા મેં જોયા છે. યજ્ઞમાં થોડા સુગંધિત દ્રવ્યો હોમવા માટે વળી મુરખોએ એમના કીમતી જીવ પણ આપ્યા છે. હરદ્વાર જઈ આવેલા એક ભાઈના જણાવ્યા મુજબ ભીડ ખૂબ હતી. દરેકને આહુતિ આપવાનો ચાન્સ મળે તે માટે બધાને અમુક સંખ્યામાં મંત્રો બોલી આહુતિ આપી ઉભા થઈ જવાનું હતું જેથી બીજાને લાભ મળે. એમાં હું રહી જઈશ તો? સ્વર્ગની ટીકીટ બુક કરાવવા જો આવેલા. એમાં કોઈ વૃદ્ધ મહિલા ઉતાવળ અને ભીડમાં ગબડી પડ્યા અને થઈ થોડી ધક્કામુક્કી. એમાં કોઈ બોલ્યું કે આંતક આવ્યું. બસ કાયર, ડરપોક, શિસ્ત વગરની પ્રજા પછી શેની ઊભી રહે? ૨૨ જણા તત્કાલ રીજર્વેશન યોજના હેઠળ તરતજ સ્વર્ગમાં શ્રી રામ શર્મા આચાર્ય પાસે ગાયત્રીધામમાં સ્વર્ગમાં પહોચી ગયા. આવું ધોરાજીમાં પણ બનેલું જ ને? તે બધા વૈકુંઠમાં પહોચ્યા કે નહિ? કોઈ તપાસ કરો જરા.

તાત્વિક રીતે એક ભૂવા અને આવા મહારાજોમાં કોઈ ફરક નથી, એક ગરીબ છે એક અમીર. એક અભણ છે બીજો ભણેલો. અંધશ્રદ્ધાની બાબતમાં બુદ્ધિશાળી બચ્ચન અને બલીયો રાવળ બંને એક સમાન જ છે. એક મંદિરમાં ઘંટ વગાડે છે બીજો માતાજીની દેરીએ ડાકલું વગાડે છે. અંધશ્રદ્ધાની બાબતમાં નીતા અંબાણી અને કન્કુડી બંને એક સમાન છે, એક શ્રીનાથજી જઈને મોંઘાં શણગાર ભેટ આપે છે બીજી એની ખખડધજ માતાજીની દેરીએ ચૂંદડી ચડાવે છે. એક ભજનિયા ગાતો પોકાર પાડતો હોય છે, બીજો ધૂણતો હોય છે. બંનેની બ્રેઈન સર્કિટ સરખીજ હોય છે. અમીર એની અંધશ્રદ્ધામાં મસ્ત હોય છે તો દરિદ્ર દેવીપૂજક એની અંધશ્રદ્ધામાં મગન હોય છે તો એણે શું ગુનો કર્યો ??

શું ફરી આવી કોઈ કથા થશે ખરી ઊંચી કોમના લોકો માટે? કે અલ્યા હવે ધબ્બા મરાવી બરડા તોડાવશો નહિ, હનુમાનને તેલ ચડાવી ગટરમાં જવા દેશો નહિ, મહારાજોનું એંઠું ખાશો નહિ, કે એંઠું પાણી પીશો નહિ, સાઈરામનાં પગની ધૂળ ચાટશો નહિ(સાઈરામ હમણા જેલમાં છે), ભૂત તમારા મનનો ભય છે તેના માટે ના મેલડી કે ના હનુમાન ચાલીસાની જરૂર છે. આવી કથા કરશે ખરા? નહિ કરે, એક મંચ ઉપર જો બેસવાનું છે. શંકરાચાર્ય મર્ડર કેસમાં પકડયા ત્યારે આ તમામ સમાજ સુધારક નાટકબાજો એક મંચ ઉપર બેસીને રડતા હતા, ક્યારે કોનો વારો આવી જાય?

મારા મિત્ર પ્રદીપ પટેલ ચાણોદ ગયેલા સ્વાધ્યાય પરિવારની કોઈ શિબિર હતી. એક હવન જેવું કરીને બધા એમાં કાગળો હોમતા હતા. એમને માહિતી મળી કે તમારા જે પાપ કર્યા હોય તે લખીને આમાં હોમી દો એટલે બધા પાપ બળી જશે. એમને થયુ કે સારો ચાન્સ મળ્યો છે, જે કોઈ ભૂલમાં કર્યા હશે બધા આજે બળી જશે, મુક્ત થઈ જઈશું. કાગળમાં કરેલા, ના કરેલા પાપો લખીને કાગળ નાખવા ગયા તો રોકવામાં આવ્યા. સ્વાધ્યાય પરિવારમાં હોય તેના પાપો જ બળી શકે બીજાના નહિ. આખી જીંદગી ગીતા વિષે ભાષણો ઠોક્યા તેમના ભક્તોની આ અંધશ્રદ્ધા. પણ સોરી આ તો ધરમ કહેવાય ને? પંકજ ત્રિવેદીનું મર્ડર થયું કોઈ બેટો હોય જો બોલે તો? આ બધા તો ઉચ્ચવર્ગના ભૂવાઓ છે. આ બધી અંધશ્રદ્ધાઓ તો સવર્ણોની, ઉચ્ચ ધનિક વર્ગની એના વિષે કોણ કથા કરશે? કોણ ઢોલ વગાડશે?

બાપુએ ડાકલા તો વગાડ્યા પણ આ અમીરોની અમીર અંધશ્રદ્ધાઓ દૂર કરવા માટે ઢોલ કોણ પીટશે?? કોઈ શિક્ષકનું આ કામ નથી. શિક્ષકનું કોઈ માનશે પણ નહિ. મૂળ કૉન્સેપ્ટ એ હોય છે કે હવે તારી અંધશ્રદ્ધા દૂર કર અને મારી શરુ કર. મેલડી મુક હવે હનુમાન ચાલુ કર. નમઃ શિવાય બંધ કર અને શ્રીનાથજી બાવા બોલ. દીવા પ્રગટાવવાનું બંધ કર અને માખણ મીસરી ધરાવી પુષ્ટ થા. અંબા, દુર્ગા, રામ, કૃષ્ણ, શિવ બધા ભૂતપ્રેત છે ફેંકી દે બધા દેવલા, પ્રગટ બ્રહ્મ સ્વામી જ ખરા. મારો બિજનેશ ઓછો થવો ના જોઈએ. ધર્મના ક્ષેત્રમાં બીજો આલ્ફા છે તે ના ચાલે મારે આલ્ફા બનવું છે. કોઈને સમાજ સુધારવો નથી. સમાજ ખાલી એક દેવીપૂજક જ્ઞાતિ નથી. સમાજ તો બહુ વિશાલ છે. અંધશ્રદ્ધા ખાલી દેવીપુજકની જ કેમ દૂર કરવાની? કે પછી ગરીબની વહુ સૌની ભાભી????અને અમીરની વહુ મોટી બહેન??

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.