આશા

રમણીક સરકારી ઓફિસમાં મામલતદાર, ખાધે પીધે સુખી, પત્નિ રમા સંસ્કારી ભણેલી. લગ્નને ત્રણ વર્ષ થયા, રમાનો ખોળો ભરાતો નથી.પતિ પત્નિ બન્નેએ સ્પેશ્યાલીસ્ટ પાસે તપાસ કરાવી, બન્નેના બધા રિપોર્ટ નોર્મલ. ઇશ્વર ઇચ્છા પર છોડી બન્ને જણા આનંદમાં દિવસો પસાર કરે છે. રમણીકના બા હજુ બાધા- માનતા કર્યા કરે છે, રમા પણ સાસુની શ્રધ્ધામાં સાથ આપે છે. દર મહિને આઠમનું વ્રત રાખે, નવરાત્રમાં માના ગરબાનું સ્થાપન કરે,પૂજા પાઠ કરે વગેરે.. આ વર્ષે સાસુશ્રીની ઇચ્છાને માન આપી રાંદલ તેડ્યા, શ્રધ્ધાથી સજોડે પૂજા વિધી કરી.

આસો માસ પૂરો થયો. સાસુ- વહુની શ્રધ્ધા ફળી, રમા સગર્ભા થઇ. નવ મહિના કમળાબેને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે વહુની સેવા કરી. વહુને પાણીનો પ્યાલો પણ ઊપાડવા નહોતા દેતા. દર ત્રણ મહિને ડૉ ઈલાબેનને બતાવવા જાય, સાસુ કમળાબેન તારીખ યાદ રાખે અને રમાને નિયમીત તપાસ માટે લઇ જાય.નવ મહિના પૂરા થયા.રમાને પ્રસુતિ- પીડા શરૂ થઇ.

રમાએ બા ને પૂછ્યું કમરમાં દુખાવો શરુ થયો છે, શું કરવાનું?

“બેટા ઉંડો ઉંડો શ્વાસ લે, ઓસરીમાં આંટા માર, હું ઇલાબેનના દવાખાને અને રમણીકને ફોન કરું છું”.

રમણીકઃ” બા ગાડી મોકલાવું છું, ઉતાવળ કરી રીક્ષામાં નહી જતા”,

“હા, બેટા હજુ કમરમાં જ દુઃખાવો છે, તું ડ્રાઇવર સાથે ગાડી મોકલ, ડો તપાસ કરે ત્યારબાદ હું તને પાછો ફોન કરીશ”.

“સારું બા તમારા ફોનની રાહ જોઇશ”.

એ જમાનામાં સુનગરમાં મોટા શહેરની જેમ પતિ, પોતાની પત્નિની પ્રસુતિ વખતે હાજર નહોતા રહેતા; મા અથવા સાસુ જ સગર્ભા સાથે જાય, મર્યાદા સચવાય અને અનુભવી સ્ત્રી સગર્ભાને સાંત્વન આપે.

અમેરિકામાં પતિ પત્નિ બન્નેને મેટર્નિટી ટ્રેનીંગ ક્લાસિસ ભરવાના હોય જેથી બાળકના જન્મ વખતથી જ પતિ, પત્નિને મદદ કરી શકે. આવી પ્રથા ભારતમાં પણ મોટા શહેરમાં શરૂ થઇ રહી છે.

કમળાબેન આતુરતાથી ડૉ ઇલાની રાહ જોઇ રહ્યા છે, મનમાં માતાજીનો પાઠ કરે છે, હે મા મારી વહુને જલ્દી છુટી કરજે. લેબર રૂમનું બારણું ખુલ્યુ, તુરત કમળાબેન ઊભા થયા, પ્ર્શ્નોની ઝડી વરસાવી; ડો સાહેબ દુખાવો સાચો છે ને ? પહેલીવારનીને ખબર ન પડે, રમા ક્યારે છૂટી થશે? બાળક બરાબર છે ને?”

ડૉ ઇલાઃ “કમળાબેન, દુઃખાવો સાચો છે, બાળક બરાબર છે, સાંજ સુધીમાં તમારી વહુ છુટી થઇ જશૅ. તમારે ઘેર જવું હોય તો જઇ આવો".

“ના, હું તો અહીં જ રહીશ, ઘેર રેવાબેન છે મારે ઘરની ચિંતા નથી”.

કમળાબેને રમણીકને ફોનમાં કહ્યું; “ સાંજ પડશે, આવવાની ઉતાવળ નહીં કરતા. જન્મ ઇશ્વર ઇચ્છાએ જ થાય, ડૉ સમય આપે તે મુજબ ભાગ્યે જ બને”.

રમાની બાળકીને દુનિયામાં આવવાની ઉતાવળ આવી, અને ત્રણના ડંકે ઉંવા ઉંવા સંભળાયું; કમળાબેનના જીવને શાંતિ થઇ, રમાના કપાળેથી પરસેવો લુછ્યો અને રમાએ ઉંડો શ્વાસ લીધો. નર્સે બાળકીને સ્વચ્છ કરતા કરતા વધારે રડાવી અને બ્લેન્કેટમાં વીંટી રમાબેનને આપી.

રમાએ બે હાથમાં લઇ છાતી પર સુવડાવી વહાલ કર્યું અને કહ્યું બા, આજે આઠમ છે”?

“હા બેટા આજે આઠમને દિવસે માતાજીએ તને પહેલા ખોળે લક્ષ્મી આપી.”

રમણીક જલ્દી કામ પતાવી ઓફિસેથી વહેલો નીકળી સીધો ઇલાબેનના દવાખાને આવ્યો.

નર્સે વધાઈ આપી, “સાહેબ આજે આઠમને દિવસે લક્ષ્મી પધાર્યા, અમે બરફીની રાહ જોઇએ છીએ.”

“બાએ બદામ પિસ્તા બરફીનો ઓર્ડર આપી દીધો છે,” બોલી રમણીક સીધો સ્પેશ્યલ રૂમમાં ગયો, રમા બેબીને ખોળામાં રાખી બાની મદદથી સ્તનપાન કરાવવા પ્રયત્ન કરી રહી છે. રમણીકને જોતા જ બા બોલ્યા “અત્યારે અમારું ત્રણ મા દીકરીનું પ્રાઈવેટ સેશન ચાલી રહ્યું છે, તારે થોડી વાર રાહ જોવી પડશે. બાના અવાજથી બેબી ડીસ્ટર્બ થઇ રડવા લાગી, અને માંડ નાનકડા મુખમાં ગોઠવાયેલ સ્તન છૂટી ગયું.

રમાએ હાથેથી પકડી જાળવીને નિપલ બેબીના મોંમા મુકવા પ્રયત્ન કર્યો. બેબી તો આંખ બંધ અને મોં સ્તન શોધવા હલાવ્યા કરે.

”બા જુઓને કેમ માથુ હલાવે છે?”

બા જવાબ આપે તે પહેલા રમણીક અંદર આવ્યો “એ તો તમે બન્ને મને અંદર આવવા નથી દેતા ને એટલે એ ગુસ્સે થઇ છે, મારા હાથમાં આપો ચુપ થઇ જશે,”

“સારું લ્યો તમારી લાડલીને છાની રાખો”

રમણીકભાઇ તો હાથ ધોઇને બેબીને લેવાની રાહ જ જોતા હતા, બેબીને હાથમાં લીધી, માથે હાથ ફેરવ્યો “મારી પરી બેટા,પપ્પા સામે જુઓ”, બેબીનું રડવાનું બંધ! બન્ને હાથે પપ્પાના શર્ટને પકડી હસવા લાગી.

કમળાબેનઃ"રમણીક, તારી દીકરી તને ઓળખી ગઇ”

“બા, મા- બાપની ઓળખાણ કરાવવી ન પડે, જન્મે ત્યારથી સ્નેહની ગાંઠ બંધાઇ જાય”. રમા જેવી રૂપાળી છે ને”.

“હા,વાન રમાનો છે પણ આંખ નાક તો તારા જેવા જ છે “.

મુળીવાળાની બરફી આવી ગઇ, બાએ બધા સ્ટાફને બરફીના પેકેટ આપ્યા.

રમા ત્રીજે દિવસે ઘેર આવી. છ્ઠીના દિવસે નામ રિદ્ધિ પાડ્યું. રિદ્ધિના આગમનથી રમણીકને પગાર વધારા સાથે નાયબ કલેકટરનું પદ પણ મળ્યું.

રમાને રિદ્ધિ પછી બે દીકરીઓ આવી, રમાને તો દીકરી દીકરામાં કોઇ ફરક નહીં, કમળાબેન અને રમણીકને દીકરાની આશા. નાની કીર્તિને દીકરાની જેમ ઉછેરે, છોકરાના કપડા પહેરાવે, બોય કટ- વાળ ઓળે. મોટી બહેનો રિદ્ધિ અને નિધિ કીર્તિને ભાઇ તરીકે માને. કીર્તિ ર્મોટી થઇ તેની હરકતો બધી છોકરા જેવી, બે મોટી પાચીકા રમે, દોરડા કુદે, કુંડાળા રમે. કીર્તિ નાનપણથી છોકરાઓ સાથે ગિલી દંડા રમે, બેટ બોલ રમે. ત્રણે દીકરીઓને સુનગરની કોન્વેન્ટ સ્કુલમાં મુકી ત્રણે ભણવામાં હોશિયાર. રિદ્ધિ M A with English, થઇ અને ગુજરાત કોલેજમાં લેકચરર છે.નિધિ ઇલેક્ટ્રોનીક એન્જિનીયર થઇને બેંગલોરની ઈલેક્ટ્રોનીક કંપનીમાં જોડાઇ ગઇ છે. કીર્તિએ તેની ખાસ બહેનપણી કિશૉરી સાથે બાયોલોજી લીધું અને બન્ને અમદાવાદ મેડીકલ કોલેજમાં દાખલ થયા .હોસ્ટેલમાં સાથે રૂમ પણ મળી ગઈ.એક જ ગામના એટલે બન્ને દીકરીઓના માતા પિતાને પણ ગમ્યું. કિશૉરી અને કીર્તિ બન્ને સાથે જ હોય. વેકેશનમાં બન્ને અમદાવાદથી સુનગર સાથે આવે, મોર્નીંગ વોક લેવા સાથે જાય, કીર્તિના હાથમાં કિશોરીનો હાથ હોય, તો સાંજ પડે એકબીજાની કમરે હાથ વીંટાળી બગીચાના બાંકડા પર બેઠા હોય.ગામમાં લોકો તો એમ જ માને આ બન્ને જોડીયા બહેનો છે.

મોટી બન્ને બહેનોએ પોતાના જીવનસાથી શોધી લીધા, રિદ્ધિએ પ્રોફેસર રાવળ, જેના માર્ગદર્શન નીચે ઇંગ્લીશ લિટરેચર પર નિબંધ લખી રહી હતી. પ્રોફેસર તેનાથી ૮ વર્ષ મોટા અપરિણીત, એટલે ઉમરનો ઘરનાએ વાંધો નહી લીધો. લગ્ન બન્નેની ઇચ્છા પ્રમાણે સાદાઇથી અમદાવાદમાં થયા.

વચલી દીકરી નિધિએ તેની સાથે કામ કરતો એમ.એસ ઇન ઇલેક્ટ્રોનીક એન્જીનિયર મુરલી શૉધી લીધો. મુરલી કર્ણાટકનો. તેના માતા પિતાની ઇચ્છા લગ્ન બેંગલોર કરવાની હોવાથી રમા અને રમણીક કુટુંબ સાથે બેંગલોર ગયા, સહુએ કર્ણાટકી લગ્નનો ઉત્સવ, અને દક્ષિણનું ભોજન- ઇડલી સાંભાર, ઢોસા, ઉપમા, ચટાકેદાર રસમ સાથે જુદી જુદી જાતના ભાત જેવાકે આમલીભાત, યોગર્ટ ભાત અને દક્ષિણ ભારતની જાણીતી મીઠાઇ સ્પેશીયલ બુંદીના લાડુ, પાયસમ, રવાનો હલવો વગેરે આનંદથી માણ્યા.

લગ્ન પત્યા ને બીજે દિવસે બેંગલોરથી પ્લેનમાં સાંજે છ વાગે અમદાવાદ આવ્યા.

સુનગરથી આગળ જણાવી દીધેલ એટલે ડ્રાયવર ગાડી લઇ આવી ગયેલ.

રિદ્ધિઃ “પપ્પા-મમ્મી ઘેર ચાલો જમીને જજો, બાએ રસોઇ તૈયાર રાખી હશૅ”.

રમણીકઃ “બેટા અત્યારે નહીં રામજીભાઇ ગાડી લઇને આવી ગયા છે, અમે સુનગર પહોંચી જઇએ, આવતી કાલથી મારે કલેકટરનો ચાર્જ લેવાનો છે એટલે થોડી તૈયારી કરવી પડશે.

રિદ્ધિઃ ‘કીર્તિ તું પણ ચાલ”.

કિશોરીઃ”મોટીબેન કેમ કીર્તિને જ આમંત્રણ, મને નહીં?

રિદ્ધિઃ”કિશૉરી તું અને કીર્તિ ક્યાં જુદા છો, તમે બન્ને એકબીજાના પડછાયા છો, પડછાયા ને જુદા કરી શકાય તો તમને બન્નેને જુદા કરી શકાય.

કીર્તિઃ “મોટીબેન અમે બાની સ્વાદીષ્ટ રસોઇને બરાબર ન્યાય આપીશું અને મમ્મી પપ્પાના ભાગનું સાથે લેતા જઇશું, ખુશ”?

રમાઃ “જોયું, કીર્તિ પાસે બધા રસ્તા હોય”

રમણીકઃ “ચાલો હવે રાત પડે છે, બે કલાકનો રસ્તો કાપવાનો છે”.

અત્યાર સુધી શાંત ડો રાવળ બોલ્યા

“સાચી વાત,ચાલો આવજો પપ્પા,આવજો મમ્મી”

આવજો કહી સહુ ગાડીમાં ગોઠવાયા.

રસ્તામાં ડો રાવળે કીર્તિને પુછ્યું “ઇન્ટર્નશીપ એક મહિનામાં પતશે પછી શું વિચારે છે?

જીજુ મારો યુ.એસ જવાનો વિચાર છે, મેં યુ.એસએમએલઇ બન્ને પાર્ટની પરીક્ષા આપી દીધી છે અને સ્કોર સારો આવ્યો છે. બે ત્રણ જગ્યાએ એપ્લાય કર્યું છે.

“સરસ, ઇન્ટરવ્યુ આપ્યા”

“હા પ્રિલિમીનરી અપાઈ ગયા છે. “

રિદ્ધિઃ “મમ્મી પપ્પાને આ ખબર છે”?

“મોટી બેન, તારે અને જીજુએ મારી સાથે એક વીક એન્ડ સુનગર આવવું પડશે. તમારી હાજરીમાં વાત કરીશ અને તમારા સપોર્ટ સાથે મમ્મી પપ્પા માની જશે”.

રિદ્ધિઃ “ચોક્કસ આવતા વીક એન્ડમાં જઇએ”.

વીક એન્ડમાં નક્કી કર્યા મુજબ ચારે જણા સાથે સુનગર ગયા. લંચ લેતા વાત કરી, પપ્પા મારી ઇચ્છા અમેરીકા જવાની છે.

રમાઃ”પહેલા લગ્નનું વિચાર પછી ઇંગ્લેન્ડ, અમેરીકાનું વિચારજે”

“મમ્મી લગ્નની ઉતાવળ નથી. મારે ત્યાં ચાર વરસ રેસીડન્સી કરવાની હોય તેમાં બીજી જવાબદારી નથી લેવી, ત્યારબાદ લગ્ન કરવા આવીશ.”

રમણીકભાઇઃ “રમા, ત્યાં ગયા પછી કદાચ પોતાની જાતે છોકરો પસંદ કરી લે તો તે પણ માન્ય રાખવાની તૈયારી રાખજે”.

રમાઃ “મને ક્યાં વાંધો છે મે બેઉ મોટી દીકરીઓની પસંદગી માન્ય રાખી તેમ કીર્તિની પસંદગી પણ માન્ય રાખીશ, પણ ભારતીય છોકરો પસંદ કરજે”.

ડો રાવળઃ “મમ્મી, આવી શરત ન મુકાય. જે પસંદ કરે તે માન્ય રાખવું પડે”.

રમાઃ “સારું, માન્ય રાખીશ. હવે બધા જમશો કે વાતો જ કરશો, બોલી બધાને ગરમ પુરણ પોળી પીરસી દીધી”.

ડો.રાવળઃ “મમ્મી, બસ વાતોમાં ઘણું ખવાઇ ગયું”.

કીર્તિઃ “મમ્મી, જીજુની મને આપી દે. હું ડાએટ પર નથી”.

રિદ્ધિઃ “હા મમ્મી, કીર્તિર્ની આજે ભૂખ ઉઘડી છે, અમેરિકા જવાની રજા મળી ગઇને”.

કીર્તિને ન્યુયોર્ક એનેસ્થેસિયામાં રેસિડન્સી મળી ગઇ.

કિશોરીને પણ એજ હોસ્પિટલમાં ફેમિલી મેડીસીનમાં રેસિડન્સી મળી ગઇ.

કિશૉરીના કાકા ડો ભટ્ટ એ જ હોસ્પિટલમાં સર્જન. તેમની ઓળખાણથી હોસ્પિટલની સામે એક બેડરૂમ એપાર્ટમેન્ટ મળ્યો, બન્ને બહેનપણીને જોઇતું મળી ગયું.

કીર્તિ અને કિશોરીના કામ પૂરતા ડીપાર્ટમેન્ટ જુદા બાકી બધો સમય બન્ને સાથે જ હોય, લાયબ્રેરીમાં, કાફેટૅરિયામાં બધે સાથે જ હોય. બને ત્યાં સુધી કોલ સાથે જ લેતા. વેકેશન પણ સાથે જ લેતા. હોસ્પિટલમાં લેસબિયન કપલ તરીકે છાને ખૂણે ચર્ચા થવા લાગી.

એક દિવસ ડો.ભટ્ટ સાહેબે બન્નેને ડીનર માટે ઇન્વાઇટ કર્યા. તેમની પ્લાસ્ટીક સર્જન અમેરિકન પત્નિ માયા સાથે ખુલ્લી ચર્ચા કરતા કીર્તિએ પોતાનું બાળપણ વર્ણવ્યું અને જણાવ્યું હું મારી જાતને સ્ત્રી માની જ નથી શકતી, હું કિશોરીને ચાહુ છું, મારે સેક્સ ચેન્જ કરાવવી છે.

ડો.માયાઃ “કિશૉરી તારે આ બાબત શું કહેવું છે”?

“હા, આન્ટી હું કીર્તિને પ્રેમ કરૂં છું, અમે લગ્ન કરવા આતુર છીએ. ઇન્ડિયામાં અમે અમારા માતા પિતાને શરમ અને મર્યાદા ઓળંગી આ વાત જણાવી નહોતા શક્યા, તમારી સાથે એક ડો અને સગા તરીકે દીલ ખોલી વાત કરી છે, તમે અને કાકા અમને મદદ કરો”.

ડો. માયાઃ “જરૂર, કીર્તિ વેકેશનમાં તારી સર્જરી થઇ જશે અને વધારે રજાની જરૂર નહીં પડે. હું અને મારા પાર્ટનર અને બીજા જેનિટલ સ્પેસ્યાલીશ્ટની મદદથી થઇ શકશે”.

કીર્તિની સર્જરી સફળ થઇ અને કીર્તિ બની ગઇ-કિરણ.

રેસીડન્સી જુનમાં પતી, બન્ને ઇન્ડિયા સાથે ગયા.

અમદાવાદ એરપોર્ટ પર આતુરતાથી રમાની નજર કીર્તિને શૉધી રહી છે. સામાનની કાર્ટ સાથે કિશોરીને જોઈને રમાએ પુછ્યું કીર્તિ ક્યાં છે?

રિદ્ધિઃ “મમ્મી પપ્પા, કિશોરીની બાજુમાં જ તેનો પડછાયો જુઓ, તમારો કિરણ.

રમણીકભાઇ અને રમાબેન આશ્ચર્ય ચકિત પહોળી આંખે બન્નેને જોઈ રહ્યા.

બન્ને જણા મમ્મી પપ્પાને પગે લાગ્યા.

“હા પપ્પા, હું અમેરીકા જઇ કિરણ બન્યો અને આ મારી પસંદગીની છોકરી લાવ્યો. મમ્મી ગમશેને? ભારતની છે અપનાવીશને?”

કિશોરીના મમ્મી પપ્પા પણ આવી ગયા.

બન્ને જણા કિશોરીના માતા પિતાને પગે લાગ્યા.

રમાઃ “રમણીક, તમારી અને બાની આશા ફળી ખરી!!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.