પંદર વખત રીંગ ગઈ પણ એનો ફોન વ્યસ્ત જ આવ્યા કર્યો, આજે તો મારે વાત જાણીને જ છૂટકો અને હું ઓફિસેથી જલ્દી નીકળી ઘર તરફ રીતસર દોડવા જ લાગ્યો. ઓફિસથી ઘર ઘણું નજીક હતું એટલે વ્હીકલ લાવવાનો સવાલ જ નહોતો. ચાલીને પણ દસેક મિનીટમાં ઓફિસ પહોંચી જવાતું પણ અત્યારે પરિસ્થિતિ જ એવી સર્જાઈ હતી કે મગજ પગ કરતાં વધુ ઝડપે દોડી રહ્યું હતું.

ટીનાને જ્યારે ઘરે લાવ્યો ત્યારે જ તકલીફો ઊભી થઈ ગઈ હતી. નતાશાનો સ્વકેન્દ્રી સ્વભાવ જોતાં સમસ્યા ઊભી થશે જ તેવી ધારણા હતી જ પરંતું ધીરેધીરે બધું થાળે પડી જશે તેવી ગણતરીએ મેં હજી તેને મારી પાસે જ રાખી હતી. નતાશા આજ નહીં તો કાલે તેને સ્વીકારી લેશે તેવી આશાએ મેં પણ મૂંગા મોઢે ઘણું બધું સાંભળી લીધું હતું. ટીના તેને દીઠી'ય ગમતી નહોતી પણ તે માટે તેના દિલમાં મમતાનો અભાવ નહીં તેનો સ્વકેન્દ્રી અને સ્વતંત્ર સ્વભાવ જવાબદાર હતો. હું આ વિષયમાં કેટલીય વાર તેની સાથે ચર્ચા કરી ચૂક્યો હતો પણ નતાશા આજ સુધી એકની બે થઈ નહોતી.

એક ઘરમાં અમે બે પરિવાર રહેતા હોય તેવા સંજોગો ઘણીવાર સર્જાઈ ચૂક્યા હતા. ક્યારેક એક ખૂણે હું અને નતાશા પતિ-પત્નીનો સંબંધ લઈને જીવતા તો ક્યારેક એ જ ઘરમાં બીજે ખૂણે હું અને ટીના બાપ-દિકરીનો સંબંધ લઈને મોજમસ્તી કરતા જોવા મળતા. નતાશા અને ટીનાનો મા-દિકરીનો સંબંધનો ત્રીજો ખૂણો પણ ક્યારેક જરૂર રચાશે તેવી આશાએ દિવસો પસાર થઈ રહ્યા હતા. ટીના નતાશાના પ્રેમ માટે તરસી રહી હતી જ્યારે ઘર આ ત્રીજા ખૂણા માટે વલખી રહ્યું હતું. હું જ કદાચ આ પરિસ્થિતિ માટે જવાબદાર છું તેવા પસ્તાવા સાથે ક્યારેક મને નતાશા પર આવિર્ભાવ આવી જતો પણ સ્ત્રી સહજ સ્વભાવથી તે કઈ રીતે અલિપ્ત રહી શકે તેવો વિચાર આવતાં જ મને ગુસ્સો પણ આવી જતો. ઓફિસના કામે બાજૂમાં આવેલી હોસ્પીટલમાં જવાનું થતું ત્યારે કેટલીક સ્ત્રીઓના ચહેરા પર બાળક માટેની ઝંખના જોઈને મને નતાશા યાદ આવી જતી. ટીના પ્રત્યે તેના દિલમાં જરા સરખી પણ મમતા ઉદ્ભવતી નહીં હોય ? કેટલીય વખત નતાશા પ્રત્યેનો ગુસ્સો મનમાં હદ વટી જતો ત્યારે સંબંધના પૂર્ણવિરામ સુધી પહોંચી જતો. જોકે એ વિચાર ઝાઝો સમય ટકતો નહીં. નતાશા સાથે સંબંધની શરુઆતનો પાયો જ તેનો સ્વતંત્ર અને સ્વમાની સ્વભાવ હતો. તેના એ સ્વભાવના લીધે જ તો હું તેના પ્રેમમાં પડ્યો હતો. વળી જો ટીના સિવાય નતાશા તરફથી એવી બીજી કોઈ તકલીફ પણ નહોતી એટલે તેના પ્રત્યે આક્રોશ હોવાનું કારણ પણ મળતું નહીં.

નિષ્પક્ષ વિચારશીલ માણસને દરેક જગ્યાએ પરેશાન થવાનું આવતું હોય છે. મારી અને નતાશા વચ્ચેની નિખાલસ ચર્ચા કદી પણ ધુત્કાર કે ગુસ્સામાં પરિણમી નહોતી. નતાશાનો સ્વભાવ ગમવાનું કારણ તેના વ્યવહાર પ્રત્યેના મારા અણગમાને દબાવી દેતું હતું.

ક્યારેક એકલો બેઠો વિચારે ચડી જતો ત્યારે મને મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી લાગતી. ટીના પ્રત્યેના પિતાતુલ્ય પ્રેમ અને નતાશા પ્રત્યેના પ્રેમ વચ્ચે જાણે કે યુધ્ધ ચાલતું હોય અને તેમાં હું ખુવાર થઈ રહ્યો હોય તેવી દૂર્દશા હતી. માત્ર પતિ હોવાના ન્યાયે નતાશાને બળજબરીથી ટીના પર પ્રેમ લાવવાનું લબાણ ન કરી શકાય એ હું સમજતો હતો પણ ટીના માટે આ જગતમાં મારા સિવાય બીજું કોઈ નથી એ સત્ય કેમ કરીને છૂપાવી શકાય?

ટીનાની આંખમાં જોતો ત્યારે તેની બાલિશ આંખોમાં ગાયબ થઈ ગયેલી શરારતની જગ્યાએ ઉંમર કરતાં વહેલી ઉગી રહેલી સમજદારી જોઈને મનોમન હૈયું ચિરાઈ જતું. આ જ આંખોમાં મેં તેની મસ્તીઓ ભરેલી જોઈ હતી. આજે એ આંખોમાં મમતા માટેની તરસ જોઈને મને મારી ભૂલ પર પસ્તાવો થઈ આવતો.

હું અને સપના જ્યારે લીવ ઈન રિલેશનશીપમાં રહેતા હતાત્યારે જ અમે નક્કી કર્યુ હતું કે અમે બાળક માટેનો કોઈ જ પ્રયત્ન નહીં કરીએ પણ એક દિવસ નશામાં મનમૂકીને નાચ્યા પછી અમે જીંદગીનો બધો જ નશો એકસામટો જીવી ગયા. એ નશો અમારી વચ્ચે થયેલા સંબંધના એગ્રીમેન્ટને પણ ઓગાળી ગયો. સપનાને જ્યારે ખબર પડી કે એ મા બનવાની છે ત્યારે મને હતું કે એ દિવસ અમારો સંબંધનો છેલ્લો દિવસ હશે પણ મારા આશ્ચર્ય વચ્ચે તે દિવસ અમારી નવી જીંદગીની સવાર લઈને આવ્યો. મા બનવાની ખુશીમાં તેણે મારા ખભે આંસુ રૂપે ઠાલવેલો સંતોષ મને વિહ્વળ બનાવી ગયો. જે સપના બાળક માટે મનાઈ કરતી હતી તે સપનાની બાળક માટેની ઝંખના જોઈને દિલ ગદગદ થઈ ઉઠ્તું.

ટીનાનો જન્મ થયો ત્યારે તેનો ઉત્કટ પ્રેમ અમારા વચ્ચેના નામ વગરના સંબંધને એક નામ આપી ગયો. સપના અને મારી સ્વપ્નનગરીનું સરનામું ટીના હતી. પણ એ જ ટીના આજે મારી અને નતાશા વચ્ચેની સંબંધની ખાઈ જેવી બની રહી હતી. કાશ! નતાશાનું હૈયું પણ સપનાની જેમ... દૂરથી ઘર તરફ નજર જતાં જ વિચારોમાંથી મન બહાર દોડી આવ્યું.

નતાશાને સવારથી પંદર વખત ફોન કરી ચૂક્યો હતો પણ એ ફોન રીસીવ નહોતી કરતી. છેલ્લા કેટલાય દીવસોથી નતાશાનો સ્વભાવ બદલાઈ રહ્યો હોય તેવું લાગતું હતું. આજે તો વાત જાણી જ લેવી હતી કે ટીનાને એ સ્વીકારી શકશે કે નહીં? ખબર નહીં કેમ પણ મગજ સાતમા આસમાને દોડી રહ્યું હતું. નતાશા અને ટીના વચ્ચે આટલી તકલીફો હોવાછતાં પણ તેમના વચ્ચે કદી ઘર્ષણ નહોતું થતું. નતાશા ટીનાને મા ની જેમ નહોતી સાચવતી પણ માસીની જેમ તો સાચવી જ શકતી હતી. કદાચ મારા માટે એ જ સંતોષનું છેલ્લું કારણ હતું. પણ તો પછી આજે શું થયું હશે કે એ ફોન નથી રીસીવ કરતી.

કેન્સર હોવાની ખબર પડી એ પછી સપનાના છેલ્લા દિવસો બની શકે એટલી ખુશીથી વીતે તેમાં મેં કોઈ કચાશ નહોતી રાખી. ટીના ત્યારે સમજણી નહોતી પણ તેને એટલી તો ખબર પડી ગઈ હતી કે તેની મોમ હવે નહોતી રહી. નતાશા સાથે જોડાયો એ પહેલા ટીનાને કેરટેકર હોમમાં અનિચ્છાએ રાખવી પડી હતી જેથી તેને વ્યવસ્થિત સાચવી શકાય. નતાશાને ટીનાની જવાબદારી સોંપી ત્યારે દિલમાં એવી આશા હતી કે તેને તેની ખોવાયેલી મા મળી જશે પણ કદાચ એ ઠગારી નીવડી રહી હતી.

એપાર્ટમેન્ટના પાર્કિંગમાં હું પહોંચી ચૂક્યો હતો પણ આજે ત્રીજા ફ્લોર પરનું ઘર મને ત્રીસ ફ્લોર જેટલું ઊંચું લાગતું હતું. 'શું નતાશાએ ક્યાંક ટીનાને કશું..' મગજ હવે કઈં જૂદા જ વિચારે ચડી રહ્યું હતું. લીવ ઈન રીલેશનશીપમાંથી લગ્નના બંધનમાં બંધાયેલી સપનાના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે ટીનાને તેનાથી પણ વધારે પ્રેમ આપવાનો વાયદો કરેલો હતો. 'ક્યાંક નતાશા તેમાં આડખીલીરૂપ બની હશે તો?' વિચાર ખંખેરીને હું દાદરા કૂદાવતો ઘરે પહોંચ્યો ત્યારે ત્યાનું દ્રશ્ય જોઈને હ્રદય ધબકારો ચૂકી ગયું.

પરસેવે રેબઝેબ થતો હું રૂમમાં દાખલ થયો ત્યારે પલંગ પર સૂતેલી નતાશા ટીનાના માથે વ્હાલથી હાથ ફેરવી રહી હતી અને તેનો બીજો હાથ તેના પેટ પર હતો. તેની આંખમાં મમતા ઉગી રહી હોય તેવું દેખાઈ રહ્યું હતું.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.