રંડાપો

મંડપની બહાર ચંપલ તો કાઢ્યા , અને એક સરસરી નજર મંડપમાં બેઠેલા લોકો તરફ નાખી . મનમાં થયું કે મંડપમાં જાઉં કે ના જાઉં ? પણ પછી વિચાર્યું કે – ના..ના... જવું તો જોઇએજ , મારે ક્યાં આ લોકો માટે જવાનું છે ? મારે તો મારી શૈલી માટે જવાનું છે . સફેદ ઝભ્ભા-લેંઘા અને સાડીઓ ફરતી હતી , ઉભી હતી , બેઠી હતી –મંડપમાં . જાણે કે સફેદ બગલાઓનો મેળાવડો જ ભરાયો હતો , મંડપમાં પ્રવેશતાની સાથે જ બરાબર સામે જ શૈલીનો ત્રણ બાય ત્રણનો રંગીન ફોટો મૂકેલો હતો , સુખડનો હાર પહેરાવેલો હતો , તેની સામે એક મોટી દિવીમાં દીવો પ્રગટાવેલો હતો , મોટી અગરબત્તીનો ગુમછો પોતાની સુગંધ પ્રસરાવતો હતો , સામેના થાળમાં ગુલાબનાં ફૂલ મૂકેલાં હતાં . જે આવે તે શૈલીના ફોટાને ગુલાબ ચઢાવે અને નમન કરે , ફોટાની એક બાજુ બે નાના બાળકો- રોમેશ અને મૌલિક માથું મૂંડાવી , સફેદ ઝભ્ભો-લેંઘો પહેરી બેઠા હતા , તેમની પાછળ તેમના પપ્પા એટલેકે શેઠ નારણદાસ ટકો કરાવી બેઠેલા હતા . ફોટાની બીજી બાજુ શૈલીના સસરા શેઠ રઘુનાથરાય અને તેમના બાકીના બે દિકરા બેઠેલા હતા . ઘડીભર તો હું ખચકાયો અંદર જતાં , કદાચ આ લોકોને મારૂં આવવાનું નહીં ગમે , અને મને અપમાન કરીને કાઢી મૂકે તો ...?! પણ પછી થયું કે ના ...ના.... એ લોકો એવું કરવાની તો હિંમત ના જ કરે . , કારણકે જ્યારે તેમણે મારા અને શૈલીના , તેમના લગ્ન પહેલાંના સબંધો વિશે જ્યારે જાણ્યું હતું ત્યારે સૌથી પહેલાં તો નારણદાસે મને ધમકાવવાનો વિચાર કર્યો હતો , પણ પછી મને જે સમાચાર મળ્યા હતા તે પ્રમાણે એ વિચાર એમણે માંડી વાળ્યો હતો અને તેનું કારણ એક જ હતું કે તેમને હું કદાચ તેમની વિરુધ્ધ એટ્રોસીટી હેઠળ ફરિયાદ કરી દઉં તો ... ! એ બીક એમને લાગેલી , બાકી મેં તો ક્યારેય આવો વિચાર પણ કર્યો નહોતો . અરે ! શૈલી તો મને છોડવા પણ ક્યાં તૈયાર હતી ? તે તો મને એમ જ કહેતી હતી કે ભગુ , હું તો મનથી તને વરી ચૂકી છું અને હિન્દુ સ્ત્રી તો એક જ વાર લગ્ન કરે છે , મેં તને મારા પતિ તરીકે સ્વીકારી લીધો છે – તું મને અપનાવે કે ના અપનાવે , પણ હું મારા પપ્પાની ઇચ્છાને તાબે ક્યારેય થવાની જ નથી , ભલે તેઓ આપઘાત કરી લેવાની ધમકી આપતા હોય તો પણ...! એ તો મેં જ તેને સમજાવી હતી કે –તું અમારી નાતમાં સેટ થઇ શકે નહીં , આપણે લગ્ન તો કરી લઇએ પણ તારાં મમ્મી-પપ્પા આ લગ્નને ક્યારેય મંજૂરી આપશે નહીં , તારા ઘરના દરવાજા કાયમ માટે બંધ થઇ જશે , તને જ મુશ્કેલી પડશે ..... કેટલું બધું સમજાવી ત્યારે તે નારણદાસ સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી ..?

મન મક્કમ કરીને મેં મંડપમાં પ્રવેશ કર્યો , ઘડીક ફોટાને ગુલાબ ચઢાવું કે નહીં – તેની પણ દ્વીધા અનુભવી , પણ પછી સડસડાટ હું ફોટા સન્મુખ પહોંચી ગયો , ગુલાબનું ફૂલ લીધું થાળમાંથી અને શૈલીના ફોટાને સમર્પિત કર્યું , શૈલી ફોટામાં તો એવી જ દેખાતી હતી જેવી તે મારી સાથે કોલેજમાં ભણતી વખતે દેખાતી હતી , પણ તે છેલ્લે એવી રહી નહોતી , લોકો કહેતાં હતાં તે પ્રમાણે તેનું શરીર તો સાવ ગળાઇ ગયું હતું , તેને બાળવા માટે શ્મશાને ગયેલા લોકો તો કહેતા હતા કે સાવ મુઠ્ઠીભર હાડકાં હતાં , અડધા કલાકમાં તો તેની રાખ થઇ ગઇ હતી ...! બાકી મેં તો તેને તેનાં લગ્ન પછી ક્યારેય જોઇ નહોતી ...હા.... એક જ ગામમાં રહેતાં હોવાથી તેની વાતો સાંભળવા મળતી હતી ...!

ફોટાને નમન કર્યા પછી , મારી આંખના ખૂણે ધસી આવેલાં બે ખારાં બુંદથી મારૂં મોં પણ જાણે કે ખારૂં જ થઇ ગયું , મંડપમાં બેઠેલા લોકો તરફ એક ઉડતી નજર નાખી અને જ્યાં ખાલી જગ્યા દેખાઇ ત્યાં હું પેલા શૈલીના પુત્રો અને પતિ સામે હાથ જોડી બેસી ગયો . મને એ લોકોની નજરમાં મારા પ્રત્યેની ભારોભાર નફરતનાં દર્શન થયાં . નારણદાસનું શૈલી સાથે લગ્ન થયા પછી મેં શૈલી સાથે કોઇપણ પ્રકારનો સબંધ રાખ્યો નહોતો , ન તો શૈલીને મળવાનો પ્રયત્ન કર્યો હતો કે ના તેને ફોન કર્યો હતો , મેં તેનાં લગ્ન પછી તેને જોઇ પણ નહોતી – તેને એકવાર મન ભરીને જોઇ લેવાની ખૂબ ખૂબ ઇચ્છા થતી હોવા છતાં પણ ..! તો પણ આ લોકોને મારા પ્રત્યે આટલી બધી નફરત કેમ થતી હશે ? તે જ મને સમજાતું નહોતું ...!

“ ભગવાનદાસ કે ? “ હું બેઠો તેની સાથે જ મારી બાજુમાં બેઠેલા એક કાકાએ મને પૂછ્યું . મેં હકારમાં માત્ર ડોકું જ હલાવ્યું તો પણ તેમણે મારી તરફ મોં મચકોડ્યું ...! તેમની પાછળવાળા એક જુવાનિયાએ તેના સંદર્ભમાં જ પૂછ્યું , “ સોલંકી ને ?’ મેં હા પાડી તો તેનો ચહેરો પણ વંકાયો . મેં તે તરફ ધ્યાન જ ના આપ્યું . મારી શૈલી તો મને કાયમ ભગુ જ કહેતી હતી . મારૂં નામ સાંભળીને કે મારી જાત વિશે જાણીને આ લોકોનાં મોં જાણે કે છાણના પોદળામાં પગ પડી ગયો હોય , અને તે પણ ભૂલથી એમ વંકાઇ જતાં હતાં ...! પંદર વર્ષ પહેલાં જે સમાજ હતો તે આજે પણ એવોને એવો જ રહ્યો હતો , તસુભાર પણ બદલાયો નહોતો , ગાંધીજીએ આ માનસિકતા સુધારવા માટે આખું જીવન ખર્ચી નાખ્યું , તો પણ આ લોકોની વિચારસરણી લગીરેય બદલાતી નથી .. હા... મારા અને શૈલીના મિલનમાં પણ એજ વાત આડી આવી હતીને ? બાકી મારામાં શું ખામી હતી ? એન્જીનીયર હતો – અને તે પણ સરકારી ખાતામાં ક્લાસ વન ઓફિસર , ઘેર ગાડી હતી , બંગલો હતો , નોકરચાકર હતા ... કદાચ આ નારણદાસ ભલેને દુકાનના માલિક હોય અને મોટા શેઠ હોય તો પણ , તેમના કરતાં વધારે જાહોજલાલી હતી મારે ત્યાં ...! કોઇ વાતનું દુ:ખ નહોતું મારે ત્યાં ...! તો પણ શૈલીના પપ્પાએ જ્યારે જાણ્યું કે તેમની શૈલી મારા જેવા ઉતરતી નાતના છોકરા સાથે નાસી જવાની , નાસીને લગ્ન કરવાની પેરવીમાં છે ત્યારે રાતોરાત આ અડધા ઘરડા નારણદાસ સાથે શૈલીનું ચોકઠું ગોઠવી દીધું . જો કે એ વાત પણ ખોટી તો નહોતી જ . શૈલી તો માનસિક રીતે પૂરેપૂરી તૈયાર હતી – મારી સાથે ભાગીને લગ્ન કરવા , પણ મેં જ તેને અટકાવી , જો તારાં માતાપિતા આપણા લગ્નને મંજૂરી આપે તો જ આપણે લગ્ન કરવાનાં , નહીં તો ક્યારેય નહીં . લગ્ન એ કાંઇ પ્રેમની સફળતાનો અંતિમ પડાવ થોડો જ છે ? અને લોકો શું કહે ? કોઇ તારો વાંક ના કાઢે , બધાંય એમ જ કહે કે છોકરો છેવટે જાત ઉપર જ ગયોને ? અને મારી નાતની બદબોઇ તો હું કોઇ કાળે સહન ન જ કરી શકું ...! તારાં માબાપ કહે તેમ જ કરવાનું ...! અને છેવટે એ જ થયું.

“ આ મરી ગયાંને શૈલીબહેન કદાચ આ આગળ બેઠો છેને અડધા કાળા અને અડધા સફેદ વાળવાળો , ચુંચીં આંખોવાળો તેની સાથે નાસી જવાનાં હતાં ..! “ મારી પાછળ ત્રીજી લાઇનમાં બેઠેલા બે-ત્રણ જણ જાણે કે હું બહેરો હોઉં એ રીતે ગુસપુસ કરતા હતા . મને પાછળ ફરીને એ લોકોના ઉજળાં ચહેરા જોવાની ઇચ્છા હતી , પણ જ હું પાછળ ચહેરો ફેરવીશ તો એ લોકો વાતો કરવાનું બંધ કરી દેશે ... મને એવું લાગ્યું એટલે ચૂપચાપ બેસી રહ્યો અને તેમની વાતો સાંભળતો રહ્યો.

“ આવા માણસો નકટા જ કહેવાય , એક તો આ મરી ગઇ એ ઓરતની જિંદગી બરબાદ કરી નાખી એ અધૂરૂં હોય તેમ પાછો બેસણામાં પણ કોઇ જાતની શરમ વગર દોડી આવ્યો છે ...! “

“ આવા માણસો તો લાજ મેલી લગડે અને હેંડી ઉભા વગડે જેવા જ હોય “

“ પણ બિચારી શૈલીની જિંદગી તો નરક કરતાં પણ બદતર બની ગઇ હતી “

“ નારણદાસને પહેલાં તો ખબર નહોતી કે તેમની બૈરીનું આ ભગલા સાથે લફરૂં હતું , પણ પછી જ્યારથી તેમને ખબર પડી ગઇ કે શૈલી તો આ ભગલા સાથે નાસી જવાની હતી ત્યારથી જ તેમની દષ્ટિ જ શૈલી પ્રત્યે બદલાઇ ગઇ , તેઓ તેની ચોકી કરવા માંડ્યા , અને જો તે પકડાઇ ગઇ હોત તો ચોક્કસ બંદૂકની ગોળીએ દઇ દેત ..”

“ અરે ! ખાલી ગોળીએ દેવાનું જ બાકી રાખ્યું’તું , બાકી તો તેની દશા કામવાળી કરતાં પણ ખરાબ હતી . આખો દહાડો ગધ્ધાવૈતરૂં કરવાનું , કામના ઢસરડા કરવાના પણ ખાવાનું તો કૂતરાને નાખ્યા પછી જે વધે તે જ આપવાનું “

“ અરે , તમને ખબર નહીં હોય પણ આજ દિન સુધી આ નારણદાસ તેને પટ્ટે પટ્ટે મારતા હતા , તેનાં છોકરાં પણ ચીસો પાડતાં તો પણ ..! તે તો બિચારી હાથ જોડીને કાલાવાલા કરતી કે મને મારી નાખો અને આ ટૂકડે ટૂકડે મોતમાંથી છોડાવો , પણ તે ક્યાં માનતા હતા ?”

“ અરે , લગ્ન થયાં ત્યારે તો તેનું શરીર કેટલું ભરાવદાર હતું ? પણ પછી રોજે રોજ માર ખાઇ ખાઇને સાવ સૂકલકડી થઇ ગઇ હતી , અને આ તો કાયમનું લાગ્યું , પંદર પંદર વરસથી જ વળી ... કહે છે કે છેલ્લે છેલ્લે તો તેને ટીબી પણ થઇ ગયો હતો , પણ કોઇ દવાખાને પણ લઇ જવા પણ તૈયાર નહોતું ..”

મને લાગ્યું કે શૈલીના દુ:ખની વધારે વાતો તો હવે કદાચ મારાથી નહીં સાંભળી શકાય ..! અરે રે , તેણે મૂંગા મોંઢે આટલું બધું દુ:ખ સહન કરી લીધું , તેણે કદાચ ગુનો કર્યો હતો અને તેની સજા ભોગવતી હતી પણ એ ગુનાનો અડધો ભાગીદાર તો હું પણ હતો જ ને ? પછી તેણે એકલીએ જ આ બધું શા માટે સહન કર્યું ? મને જો જરાક પણ ઇશારો કરી દીધો હોત તો હું મારા જીવના જોખમે પણ તેને આ દોઝખમાંથી છોડાવી લાવત . હું તો તેના સુખી સંસારમાં ખલેલ ના પડે , કોઇ તેને ચારિત્ર્યહીન ના ગણે , બેવફા ના માને એટલા માટે તેનાથી દૂર રહેતો હતો , મને શું ખબર કે તે જીવતે જીવ ક્ષણે ક્ષણે મરી રહી હતી ...! ધિક્કાર છે મને ... મને પોતાને જ મારી જાત ઉપર નફરત થવા માંડી .

હું પણ શું કરત ? સીધે સીધો તો તેની ખબર લેવા તેના ઘેર જઇ શકતો નહોતો , કારણકે તેનાથી તો તેને જ મુશ્કેલીમાં મૂકાવું પડે , એટલે આડકતરી રીતે શરૂઆતમાં બે-ત્રણ વખત તપાસ કરાવડાવી હતી , અને કદાચ તે માણસ જ ફૂટલું હતું કે જે મને સાચી વાત કરતું નહોતું , મારી પાસે તો સમાચાર એવા જ આવતા હતા કે તે ખૂબ ખૂબ સુખી છે અને તને તો યાદ પણ કરતી નથી ...! મને તો આવા સમાચાર સાંભળી આનંદ થતો હતો , હું ખુશ થતો હતો , પણ મને અભાગિયાને ખબર નહોતી કે મારી સાથેના માત્ર બે વરસના સબંધના કારણે જ તેનું જીવન યાતનાઓથી ભરાઇ ગયું હતું ...! હા.. અને તે સબંધો પણ કેવા ? તેની પવિત્રતાને ઉની આંચ પણ ના આવે તેવા . આજના આછકલા યુવાનો જેવા નહીં ..! માત્ર આંખો આંખોમાં ઇશારા , મોંઢેથી વાતો ..પણ સ્પર્શનું તો નામોનિશાન પણ નહીં . અરે ...! અમે ક્યારેય સાથે એકલાં પિક્ચર જોવા કે હોટલના બંધ કમરામાં રહ્યાં નથી , એકાંતથી તો અમે કાયમ દૂર જ ભાગતાં ...અમારૂં બંનેનું તો માનવું હતું કે જે કામ લગ્ન પછી કરવાનું હોય તે જો લગ્ન પહેલાં કરી નાખીએ તો તો પછી લગ્નનો અર્થ જ શો ? સુહાગરાતનો તો કોઇ ચાર્મ જ ના રહેને ?! અને છતાં પણ નારણદાસે તેનો વર્જિન તરીકે સ્વીકાર ના કર્યો , એ તો ઠીક પણ એ ગાંડીએ પણ એ બધું મૂંગે મોંઢે સહન કરી લીધું ...! ના તો તેનો વિરોધ કર્યો કે ના મને તેની સહેજ પણ ગંધ આવવા દીધી , ખરેખર મારી શૈલી એક દેવી હતી , તે દેવીની જેમ જ જીવી અને ટુકડે ટુકડે આવતું મોત તેણે હસ્તાં હસ્તાં સ્વીકારી લીધું , .... હું ઉભો થયો , આ જાલિમોની કાતિલ નજરમાંથી હવે મારે ભાગી જવું જોઇએ ... નહીંતર મારાથી અહીં જ રડી પડાશે . હું ચંપલ પહેરતો હતો ત્યાં પાસે જ સ્ત્રીઓનું એક ઝુંડ ઉભું હતું , તેઓ પણ અંદર અંદર વાતો કરતી હતી , મારે નહોતી સાંભળવી તો પણ તેમની વાતો બળજબરીથી મારા કાનને વીંધી રહી હતી .

“ બિચારીએ પંદર પંદર વરસ સુધી દુ:ખ સહન કર્યું , અને નારણદાસનો માર ખાધા કર્યો , હવે તે છૂટી “

“ બિચારી શાની વળી ... લગ્ન પહેલાં પેલા ભગલા ( જાતિસૂચક ગાળ) સાથે ઓછાં રંગરેલિયાં મનાવ્યાં હતાં , પાપ કર્યું હોય તે તો ભોગવવું જ પડેને ?”

“ અરે ! નારણદાસને પણ ક્યાં તેની લીલાઓની ખબર હતી , એ તો લગ્ન પછી વાતવાતમાં મેં જ તેને ઇશારો કર્યો , માણસ હોંશિયાર એટલે ચેતી ગયો , નહીંતર આ છીનાળવી તો ભરબજારે તેની આબરૂના ધજાગરા કરે એવી જ હતી ..” મેં તેના તરફ નજર કરી ... તો ...હા... શૈલીના જીવનમાં આગ લગાડનાર જ આ બાઇ હતી એમને ? એને કાચી ને કાચી ખાઇ જવાની ઇચ્છા થઇ આવી , તેનો ચોટલો ઝાલીને મંડપની બહાર ઢસડી જવાની મારી ઇચ્છા હું માંડ માંડ રોકી શક્યો .

“ હવે છૂટ્યો નારણદાસ બિચારો “

‘ બિચારો શાનો ? બીજવર હતો , એવા ઘરડા ટટ્ટુને તો કોણ પોતાની કન્યા આપવાનું હતું ? આ તો આનાં લખ્ખણ સારાં નહોતાં એટલે તેના બાપાએ લાકડે માંકડું વળગાડી દીધું ... બાકી ... એ વાંઢો જ રહેત ..”

“ ચાલો જે થયું તે સારું જ થયું પણ આ નારણદાસ પાછો ફરીથી રાંડ્યો ..” પેલી ઓરત બોલતી હતી પણ મને લાગ્યું કે હા.... મારા માટે પણ તેની વાત એટલી જ સાચી છે , મારે પણ ફરીથી રંડાપો આવ્યો – એક વખત શૈલીનું લગ્ન થયું ત્યારે હું રાંડ્યો હતો અને આજે ફરીથી ....!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.