મારા જીવનનું પ્રતિબિંબ-મારો ભાઈ

હૃદયસ્થ સ્વ.ભાઈશ્રી,

હૃદયના હસ્તાક્ષરેથી લાગણીઓ દ્વારા કોઈ મનગમતા પાત્રને પત્ર લખવાની વાત આવે તો માત્ર ને માત્ર તારું જ નામ આવે. આજે ફરી જ્યારે 'પ્રતિલિપિ' દ્વારા આ તક સાંપડી છે ત્યારે અંતરની ઊર્મિઓને શબ્દો રૂપે વહાવી થોડીઘણી હળવાશ હું પણ કરી જ લઉં.

જેની પાસે હું મારી પોતાની જાતને ઓગાળી શકતો હતો, એવું તારું સાનિધ્ય જ્યારથી મળતું બંધ થયું છે, ત્યારથી મનનો ભાર બસ વધતો જ જાય છે. ક્યારેક શબ્દોના સહારે તેને હળવો કરવાનો પ્રયાસ કરતો રહું છું, પરંતુ તેમછતાં મનનો મુંઝારો દૂર નથી થતો. જે દિશા તરફ જિંદગી આગળ વધી રહી છે, ત્યાં ડગલે ને પગલે બસ મોહ-માયા, લોભ-લાલચ, ઇર્ષ્યા-દ્વેષ, છળ-કપટ, સ્વાર્થ જેવાં દૂષણોથી ભરેલા માનવીઓનો મને-ક-મને સાથ આપવો પડે છે. શબ્દો દ્વારા મનની લાગણીઓને ક્યારેક ગીત-ગઝલ દ્વારા, ક્યારેક કવિતા દ્વારા તો ક્યારેક વાર્તા સ્વરૂપે રજૂ તો કરી દઉં છું, પરંતુ તે રજૂઆતને લઈ મનમાં જે પ્રશ્નો ઉદભવે છે, તેનું સમાધાન તારા સિવાય મળવું શક્ય નથી. ઘણાં નાટકોમાં ને વાર્તાઓમાં જોવા-જાણવા મળ્યું છે કે લોકો કોઈ નિર્જીવ વસ્તુ પાસે જઈ, મનોમન એ વસ્તુઓ સાથે વાતો કરી, મનને હળવું કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. પણ કદાચ તેમને જીવનમાં તારા જેવું કોઈ પાત્ર નહિ મળ્યું હોય. ખરું ને..!!?

મારા જીવનનું પ્રતિબિંબ હું જેમાં જોઈ શકતો હતો, એ અરીસો તું હતો. બસ, જ્યારથી આ અરીસો ટૂટી ગયો છે, ત્યારથી મારા જીવનનાં પણ જાણે ટૂકડે ટૂકડા થઈ ગયા છે. આજે તારા અવસાનને ૫ વર્ષ, ૯ મહિના ને ૨૧ દિવસ થયા, પરંતુ હજુ પણ એ અકસ્માતનું દ્રશ્ય દિવસ ઉગતાંની સાથે જ નજર સમક્ષ આવી ઉભું રહી જાય છે. મીઠી યાદોને વાગોળવાનો અવસર તો જીવનમાં પ્રસંગોપાત જ આવતો હોય છે, પણ આકસ્મિક બનેલી આવી ઘટનાઓ જીવનની હરક્ષણે આંખોમાં જીવંત રહેતી હોય છે. આજે તો સમાચારપત્રો કે ન્યૂઝ ચેનલો પર અકસ્માતનાં સમાચાર આવવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ એ દરેક અકસ્માતનાં સમાચાર તારા અકસ્માતનું સંપૂર્ણ ચિત્ર ફરી ઊભું કરી જાય છે. આવા અકસ્માતોમાં અપમૃત્યુ પામનાર વ્યક્તિઓનાં પરિવારને સહાય આપનાર ઘણાં મળી રહે છે, પણ એ પછી તેમને તે વ્યક્તિરૂપી સાથ પૂરો પાડનાર કોઈ જ મળતું નથી. આજીવન બસ તેઓની યાદોના સહારે જ જીવવું પડતું હોય છે, જે ખૂબ જ મુશ્કેલ હોય છે અને તે માત્ર જેના પર વિતી હોય, એ જ સમજી શકે.

તારી સાથે વધુ નહિ જીવી શકવાનો અફસોસ તો હવે જીવનની અંતિમ ક્ષણ સુધી રહેવાનો જ, પરંતુ બાકી રહેલી જિંદગી હવે અન્ય મિત્રો-ભાઈઓ ને સ્નેહીજનો સાથે હસતાં-હસતાં પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ઈશ્વરીય કૃપાથી અમુક મિત્રો પણ ઘણાં સારાં મળ્યા છે અને તારા ગયા પછીથી અન્ય ભાઈઓમાં પણ પરિવર્તન આવવાથી પરસ્પરનો પ્રેમભાવ વધ્યો છે. આપણે સગાં ભાઈઓ ન હોવાછતાં પણ સગાંથી વિશેષ સાથે જીવ્યા છીએ તેમજ હવે બધાં સાથે રહે છે. સૌને હવે એકબીજા સાથે આનંદથી જીવી લેવામાં વધુ રસ છે. કોણ જાણે ક્યારે-કોણ એકબીજાને છોડીને જતાં રહીશું, એ જ ડર હવે તો મનમાં ઘર કરી ગયો છે. જેમ હું મારા મનની દરેક વાત તારી પાસે રજૂ કરી હળવો થઈ જતો હતો અને મારી દરેક મૂંઝવણનો તું રસ્તો શોધી આપતો હતો, એમ જ આજે આ દરેક મારી પાસે આવી હળવાશ અનુભવે છે. એ લોકોના ચહેરા પરનો આનંદ જોઈ મને પણ અંતરમાં ટાઢક વળે છે. આવી દરેક ક્ષણ મને તું સાથે હોવાનો અહેસાસ કરાવે છે.

આ કળિયુગમાં કોઈપણ વ્યક્તિને તેના વાણી-વર્તન પરથી ઓળખવો હવે શક્ય નથી રહ્યો. હજી પણ સ્વભાવગત અમુક લોકોની મદદ કરતાં કરતાં એવા કડવા અનુભવ થાય છે કે આ જિંદગી પ્રત્યે નફરત થવા લાગે છે. આપણે જેના વિશે સ્વપ્નમાં પણ ખરાબ ન વિચાર્યું હોય, એવી વ્યક્તિ જ્યારે આપણી પીઠ પાછળ આપણી જ વિરૂદ્ધમાં વાતો કરે ત્યારે મને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવે છે. આવા સમયે તારા વિના હું ખૂબ જ એકલતા અનુભવું છું. કદાચ તું હોત તો આવી પરિસ્થિતિ ઊભી જ ન થવા દેત અને જો આવી સમસ્યા ઊભી થઈ હોત તો તારી પાસે એ વિશે ચર્ચા કરી, હું મનને હળવું તો કરી શકત. જવાબદારી અને જરૂરિયાતો વચ્ચે અટવાયેલી જિંદગીની નૌકાને તારા સહારા વિના ભવસાગરમાંથી પાર ઉતારવી દિવસે ને દિવસે વધુ કઠિન થતું જાય છે. અંતે થાકી, હારી, નિરાશ થઈ નીચે બેસી જઉં છું. મનને આત્માથી તું સાથે જ હોવાનો દિલાસો આપી, ફરી ઊભો થઉં છું અને નવા દિવસની શરૂઆત નવા જ વિચારો ને નવા જ ઉત્સાહથી કરું છું. બસ, આમ ને આમ જિંદગીના દિવસો ટૂંકા કરું છે.

એવું પણ નથી કે આ જીવન સાવ નીરસ જ બની ગયું હોય. ઘણી વ્યક્તિઓને મળી કે ઘણાં સ્થળોની મુલાકાત કરી મનને નિજાનંદ પણ પ્રાપ્ત થાય છે, પરંતુ ત્યારે એક વિચાર એ પણ આવે છે કે, 'જો મારો ભાઈ હોત તો હજી પણ વધુ મજા આવત.' ટૂંકમાં, તારા વિના સ્વર્ગ પણ મળે તો અધૂરું જ લાગે અને તું સાથે હો તો નર્કમાં પણ સ્વર્ગનો અહેસાસ થાય. મારાથી પણ ખરાબ પરિસ્થિતિમાં ખુશ રહેતા વ્યક્તિઓને જોઈ મને જિંદગીને સારી રીતે જીવવાની પ્રેરણા મળે છે અને એટલે જ હું અન્યની સાથે ખુશ રહેવા લાગુ છું. એ સિવાય જ્યારે પણ એકાંત મળે છે ત્યારે શબ્દો સાથે ગડમથલ કરી ગીત-ગઝલ, કવિતા, વાર્તા વગેરે લખતો રહું છું. અંતે કોઈ રચનાનું સર્જન 'વીર' ઉપનામે કરી તને અર્પણ કરું છું.

બસ, આમ જ ક્યારેક જિંદગી પ્રત્યે ગમો તો ક્યારેક અણગમો થતો રહે છે ને જિંદગી એના રસ્તે આગળ વધતી રહે છે. તારા વિના જિંદગી જીવવાનો થાક તો ઘણો લાગ્યો છે પણ,,,

જિંદગીથી હવે થાકવું નથી ને જિંદગીથી હવે હારવું નથી,

'વીર' રહે સદા સાથે મારી, એથી વધુ બીજું માગવું નથી.


એ જ લિ.

'વીર'નાં જય શ્રી કૃષ્ણ...

તા.૧૧/૧૧/૨૦૧૬

દેવદિવાળી (અગિયારસ)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.