સહિયર

સમય ની સીમા ને ઓળંગી ને જે સંબંધ ટકે તે મિત્રતા. સહવાસ ભલે છૂટે છતાંય જો કોઇની દિલ ની લાગણી હરહમેંશ સચવાઇ રહેતી હોય તો તે મિત્ર જ છે.

જ્યારે જયારે મિત્રતા વિષે વિચારું ત્યારે અચૂક એ વિચાર કે લેખન અંગત જ રહ્યા છે.ખુદ ના અનુભવ જાણ્યે-અજાણ્યે લેખિની ને દોરવે છે. અને ત્યારે હંમેશા ‘નોસ્ટલ્જિક’ અનુભૂતિ થાય છે. વર્ષો જૂના સ્મરણો સ્મૃતિ માં હજીયે લીલાછમ રહ્યાં છે. બસ એ જ સંભારણા જીવનની સૌથી મોટી મિરાત-એને મધુર તો નહીં કહું, પણ ખટ-મધુરા કહીશ. કારણ એ ભરપૂર રિસામણા-મનામણાં, નાના મોટી બોલાચાલી, ક્ષણજીવી અબોલા થી રસાયેલા છે.

એક વિશેષ વાત અમે સહિયરો ની એ કે અમે ક્યારેય કોઈને તું કહી ને નથી બોલાવ્યાં. કદાચ અમારામાં થી બે મિત્ર ની જ્ઞાતિ માં કોઈ નાના ને પણ તું નહીં કહેવાની પ્રથા ને લીધે અન્ય મિત્રો પણ તમે કહી ને જ વાતચીત કરે. આ બાબત બધાને માટે આશ્ચર્ય, ચર્ચા અને ક્યારેક ટીકાનો વિષય હતી.

અમારું મિત્ર મંડળ જેને અમે બહુ ગર્વ થી ‘ગ્રુપ’ કહેતા, તે શાળા અને કોલેજ માં સહુ નું ઈર્ષાપાત્ર હતું. કારણ તેમાં ની દરેકે દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કળા માં પાવરધી. અમારા બે મિત્રો મનીષા અને ભારતી સુંદર રંગોળી પૂરી જાણે. મનીષા ચકલી નું ફ્રીહેંડ બનાવવામાં માસ્ટર. તે કોઈ પણ સ્પર્ધા માં વિવિધ રીતે ચકલા ચીતરે અને નંબર લઈ આવે. પારૂલ દિવાળી ની રાતે આખી રાત જાગી ને જે મજાની રંગોળી પૂરે તે જુઓ તો લાગે કે હમણાં જાણે બોલી ઉઠશે! સુંદરી ના ચિત્ર માં તેની ઓઢણી ની ફૂલ-વેલ ની ભાત પણ આબાદ ઉપસી આવે. ભારતી અને પારૂલ ઘણા સારા ગાયક પણ ખરા. પારૂલ તો પાછા અમારા શહેર માં કથ્થક ના નૃત્ય ના વર્ગ ન ચાલતાં હોઇ અન્ય શહેર માં બે કલાકનું અંતર કાપી ને શીખવા જાય. જન્મજાત કલાકાર! આપણો ટપ્પો ચિત્રકળા માં ન વાગે. થોડું ઘણું સંગીત શીખીએ પણ અવાજ માં બહુ ભલી વાર નહીં. પણ વકતૃત્વ સ્પર્ધા કે નાટક નું નામ પડે એટલે આપણો વટ પડી જાય. મઝાની વાત પછી એ કે સામાન્ય વાતચીત માં રીતે હું સાવ શાંત કે મૂંગામાં ગણાય એવો મારો સ્વભાવ. ખુદ ઘર ના લોકો પણ જ્યાં સુધી મને સ્પર્ધા માં સાંભળી નહીં, ત્યાં સુધી એ માનવા તૈયાર નહીં કે હું આવી સ્પર્ધાઓ માં હંમેશ પ્રથમ સ્થાને રહેતી હઉ! કલ્પના ના અક્ષર મોતી ના દાણા જેવાં અને લખાણ સફાઈબંધ. તેથી તેને લખતા ઘણી વાર થાય અને પરીક્ષા માં કઈ ને કઈ છૂટી જ જાય અને અમારાં બધાના સામૂહિક, શાબ્દિક હુમલા નો ભોગ બને. પણ ગમે તે થાય ક્યારેય સુઘડ અને સરસ અક્ષર માં ઉતાવળ કરી સમાધાન ન કરે. નોટ ઉતારવાની હોય તો ‘રાત કોના બાપની?’ કહી આખી રાત જાગી ને લખે, પણ વેઠ ઉતારી ફટાફટ ન જ લખી શકે.તે સમયે સારા અક્ષર ની- સુલેખન સ્પર્ધા રાજ્ય કક્ષાએ સુધી થતી. તેમાં તે હંમેશ મેદાન મારી જાય. આ બધા થી સાવ વિપરીત ચેતના કબડ્ડી માં નેશનલ લેવલ સુધી રમી આવે. દેહ-યષ્ટિ ગણો કે કૌશલ્ય તે અમારાં કરતાં સાવ વિપરીત. અમારાં સહુ દુબરડી વચ્ચે એ એક જ ખાતા પીતા ઘરની લાગતી. અને એ સાથે હોય પછી મજાલ છે કોઈ ની કે અમારી ટીખળ કરે! આમ કોઈ પણ પ્રકારની સ્પર્ધા હોય, નંબર આ ગ્રુપ માં થી જ કોઈ નો આવે! હંમેશ અલબત્ત દરેક સહેલી માં એક શોખ સરખો અને તે ગરબા ગાવાનો કે ઘુમવાનો.

મનીષા ને ફિલ્મ જોવાનો ઘણો શોખ. બધાને તૈયાર કરે. જો ફિલ્મ ન ગમી તો પાછા ફરતાં તેના પર જે પસ્તાળ પડે! પણ તે તો હસ્યા કરે. ફરી પંદર દિવસે નવી ફિલ્મ આવે એટલે ‘ફોલો-અપ’ ચાલુ જ હોય!

દર રવિવારે લાઈબ્રેરી માં જઇ પુસ્તકો બદલાવવા નો કાર્યકમ. બધા પાસે બે કાર્ડ હતા. હાયર સેકન્ડરી નો અમારો પહેલો બેચ. સંસ્કૃત ના સાહેબ રોજ નવા નવા સંદર્ભ ગ્રંથો લાવે અને તેમાં થી ઉક્તિઓ ટાંકે. અમારા મન માં ઠસી ગયેલું કે સ્પેશિયલ વિષય ને કોલેજ માં જેમ ભણીએ તેમ જ તૈયારી કરવી પડે. એટલે અમે પણ લાઈબ્રેરી માં સંદર્ભ ગ્રંથ ફંફોળીએ. ખૂબ મહેનત કરી પ્રશ્નો તૈયાર કરીએ, પરીક્ષામાં હોંશે હોંશે લખીએ. પરિણામ આપતાં પહેલાં સાહેબ ઉત્તરવહી વિષે ચર્ચા કરે. તેમાં કેટલાંક વિદ્યાર્થીઓએ એ બહુ સરસ સંદર્ભ આપ્યા છે તેમ પણ વખાણ કરે. તેમનાં વાક્યે વાક્યે અમે ધારેલા માર્ક માં એક એક વધારતાં જઈએ. પણ હાથમાં રિઝલ્ટ આવે ત્યારે ધાર્યા કરતાં પણ ઓછા માર્ક નીકળે! પણ આના કારણે જે વિશ્લેષ્ણ દ્રષ્ટિ, સાહિત્ય ને સમજવાની જે આંતરસૂઝ પ્રાપ્ત થઈ તેના થી સ્નાતક કક્ષાએ અભ્યાસ માં અને અભ્યાસેતર દરેક ભાષા ના સાહિત્ય ને માણવાની ‘એસ્થેટિક સેન્સ’ કેળવાઈ.ઉપરાંત ર.વ. દેસાઇ કે મડિયા કે મેઘાણી અને મુન્શીના સાહિત્ય જગત ની સાથે નિરાંત ની પળો વીતતી થઈ. તથા શિવકુમાર જોશી કે કે દુર્ગેશ ઓઝા ના નાટકો રંભાબેન ગાંધી, ધનસુખલાલ મહેતા કે ધીરુબેન પટેલ ના પ્રહસનો વાંચ્યા, ક્યારેક ભજવ્યા.નટશુન્ય નાટકો શોધી શોધી ને તેમાથી સારા લાગે તે નાટ્ય સ્પર્ધાઓ માં ભજવ્યા.

લાઈબ્રેરી સાથે સંકળાએલ બીજી એક વાત એ કે ચોક્કસ કોમન પોઈન્ટ પર દરેક વ્યક્તિ એ ચોક્કસ સમયે આવી જવાનું. મોડુ થાય તો ન ચાલે. કેટલીય વાર કલ્પના તો કહે તમે બધા વહેલાં આવો છો. ત્યાર પછી છૂટા પડતાં પહેલાં દરેક ની ઘડિયાળ માં એક સરખો સમય ગોઠવી લેવાનો અને પછી મળવાનો સમય નક્કી થાય. તેમાં પણ રક ઝક ના અંતે દસ ના દસ ને દસ નક્કી થાય અને પાંચ મિનિટ વેઇટિંગ પણ નક્કી કરવું પડે. ક્યારેક કોઈ ને એક-બે મિનિટ મોડુ થાય તો!

ઘણા બધા લોકો ને નામ થી નહીં પણ ઉપનામ થી અમે ઓળખીએ. દૂબળી વ્યક્તિ ‘સાવરણા ની સળી’નું બિરુદ પામે. નીતા નામ ની ઠીંગણી ‘નીતા ઢેબકી’ કહેવાય. બે પરમ મિત્રો ‘ફૂલ અને ફોરમ’ તો અન્ય જિગરી મિત્રો જેમાં એક કાળો,જાડો,ઊંચો હોય તે ‘હીરો ખૂંટ’ અને ઠીંગણો અને નાનો ‘અડીબાજ ગધેડો’ કહેવાય. (‘હીરો ખૂંટ અને અડીબાજ’ એ ધૂમકેતુની વાર્તા ના બે અમર મિત્ર પાત્રો છે) તો ક્યાંક કોઈ પ્રેમી પંખીડા પગથિયાં ઉતરતા જતાં હોય ત્યાં અમે રમેશ પારેખ ને યાદ કરીએ:‘ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓ ની શાખે તમને ફૂલ દીધાનું યાદ’ ના બદલે ‘ધીમે ધીમે ઊતરતા પગથિયાં ની ની શાખે તમને ચોપડી દીધાનું યાદ’.

અમારાં દરેક ના મુખ્ય વિષય અલગ તેથી ટાઈમ-ટેબલ પણ જુદા. પરંતુ રિશેષ માં બધા જ સાથે મળી સામે આવેલાં ભૂતનાથ મંદિરે જઈએ જ. છૂટવાના સમય પણ જુદા. મોટા ભાગે ઇંગ્લિશ નું લેકચર પાછળ હોય તેથી હું જ છેલ્લી છૂટું. તો બાકી ના બધા જ રોકાઈ રહે. કોલેજ આવવા અને જવા નું બધા એ સાથે જ! ઘણા અન્ય મિત્રો ની ભંભેરણી કરતાં, ‘એક વ્યક્તિ માટે બધા કેમ રોકાવ છો?’ પણ તેની કોઈ અસર થતી નહીં.

કોલેજ છોડ્યા પછી થોડો સમય પત્રો ની દોરી એ બંધાતા રહ્યા. ધીમે ધીમે એ ઘટ્યું. ફોન ના દોરડા નો સાથ પણ પ્રારંભ કરતાં ઘટ્યો. ઘણા દિવસો, મહિના અને વર્ષો સુધી મળવાનું બનતું નથી. કોઈ બે કે ત્રણ ક્યારેક મળે ખરા. પણ બધા જ સાથે હોય તેમ કોઈ ને કોઈ સંજોગ વશાત શક્ય નથી બનતું. હાલ તો મોબાઈલ ના ટેરવે વોટ્સ-અપ ગ્રુપ સહિયર માં મળતા થયા છીએ.

૨૦ વર્ષ પછી એક દીકરી ના લગ્ન માં એક સિવાય બધા મળ્યા. તેને પણ દસેક વર્ષ વીતી ગયા. ત્યારથી નક્કી કરીએ છીએ કે સૌએ કોઈ પણ સ્થળે સાથે જઈ ને રહેવું. કે પછી બધાએ સાથે મળી ફરી વતન માં જઈ, એ જ શાળા, કોલેજ જઈ ને સાથે ફરવું.એ જ લતા-મંડપ નીચે ગોષ્ઠિ કરવી. કોલેજની વિશાળ લાઈબ્રેરી ( જે એક અલાયદો ખંડ નહીં પણ ઇમારત હતી) ની પ્રદક્ષિણા કરી આવવી.અને દુનિયા ની અજાયબી જેવાં બાવન દરવાજા વાળા વિશિષ્ટ બાંધકામ ધરાવતા સેંટ્રલ હૉલ માં જ્યાં એક સમયે વિદ્વાનો ની વ્યાખ્યાન માળાઓ માણી હતી,ત્યાં જઇ ને બસ એક વખત નિરાંતે બેસવું.

છેલ્લાં પાંચ-છ વર્ષથી આયોજન થાય છે અને કોઈ ને કોઈ કારણ થી ઠેલાય છે. સંસાર ની પળોજણ માં થી કે નોકરી ની જફા માં થી સમય કાઢવાનો તેમાં પણ દરેક ની અનુકૂળતા સાધવી મુશ્કેલ બન્યુ છે.

બસ આમ ને આમ વર્ષો વહી જશે કે શું? મન ખિન્ન થઈ જાય છે. ફ્રેંડશિપ ડે આવે ને જાય, સહિયર વૃંદ ઠેર ના ઠેર છે. આ ઓગસ્ટ માં પણ નહીં મળી શકાય કે શું? અંદર ને અંદર કોચવાતી જાઉં છું. બારી બહાર દૂર ક્ષિતિજ માં ખબર નહીં ક્યાં તાકી ને બેસી રહું છું-કલાકો સુધી.

અચાનક કલબલ થતાં મારી નજર નીચે પડે છે. સામે ના એપાર્ટમેંટ ની નાનકડી છોકરીઓ મસ્તી કરી રહી છે. સૌથી મોટી અને મીઠડી શ્રાવણી, તોફાની અને ચબરાક વેદિકા અને નાની ગોટા જેવી પ્રાંજલિ ધમાલ કરતાં કરતાં મારી સામે જોઈ ને બૂમો પાડી રહી છે, ‘ મેમ, યોગા મેમ’ અને જોર જોર થી હાથ હલાવી રહી છે. મારા ચહેરા પર સ્મિત ફરકી ઉઠ્યું.

મારી નજર સામે આ બાળકીઓ નહીં, પણ મારી સહિયરો દેખાઇ રહી હતી!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.