મૂળ લેખક : વિલિયમ વર્ડસવર્થ

મૂળ ભાષા : અંગ્રેજી

અનુવાદ : રવિકુમાર સીતાપરા

વિહરી રહ્યો છું એકલો અટૂલો હું કોઈ વાદળી સમો,

જે વહે છે ઊંચે ખીણો ને પર્વતોને પાર,

ત્યાં અચાનક નજર મારી ઠરી,

એ અગણિત સોનેરી પીળા ફૂલો ભણી;

તલાવડી સમીપ ને ઝાડવાંઓની નીચે,

વાતા વાયરાની સંગાથે હતા એ લહેરાતા અને ઝૂમતા.પાથરે છે ઓજસ એના એ તારલિયાની જેમ

જે ચમકે છે ને ઝબૂકે છે વિરાટ આભમાં,

ભાસે છે દૂર દૂર અનંત સૂધી તેઓ,

ફેલાયેલાં છે તળાવની પેલે પાર;

એક ઝલકમાં જોયાં ના જાણે કેટલાંય પુષ્પો,

નાચે છે એની પંખુડીઓ જાણે વાયરાની સંગાથે.લહેરો ઉછળી રહી છે એ વાયરામાં

પણ એ પુષ્પો ઝૂમી રહ્યા છે કંઈક નિજાનંદમાં,

એકાંત નથી હવે સાલતો મને,

આ કુદરતનાં ભવ્ય સંગાથમાં.

અનિમેષ નયને તાકી રહ્યો છું હું એને,

નથી વિચારતો હું શું મેળવ્યું મેં તેનાં સાથમાં.પડ્યો હોઉં જરા પથારીએ

ગમગીન વિચારોમાં કે મનના ખાલીપણામાં,

તરે છે તેઓ નજર સમા,

પરમ આનંદ છે એ એકાંત તણા;

અંતર મારું આનંદથી ઝૂમી ઊઠે,

ને હિલોળાં લે તે પીળા ફૂલોની સંગાથે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.