મૂળ લેખક : અંજુ શર્મા

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : અલ્પા વસા


એ દિવસે, સૂરજ દિવસને અલવિદા કહી નિકળી પડ્યો પોતાને રસ્તે! આ બાજુ એ ખૂબ ઝડપથી દોડી રહી હતી, એક જ આશા સાથે કે તેનાં દરેક ડગલાં તેને તેના ઘરના ઉંબરાથી નજીક ને નજીક લઈ જાય! ઝડપથી ખૂબ ઝડપથી, જાણે એના પગે રોલીંગ સ્કેટ્સ બાંધેલા હોય! પણ આજે લાગતું હતું, તેના એક એક ડગલે ઘર કંઈક વધુ ને વધુ દૂર થતું જાય છે! એ કોણ હતી? શર્લિન, શાલિની, સલમા કે સોહની! નામ કંઈ પણ હોય, પણ અકસ્માતે આવી પડેલી આપદાઓ ને એનાથી કાંઈ ફરક નથી પડતો. એ તો હમેશાં સોફ્ટ ટાર્ગેટ ગોતી જ લે છે. તો એ ભ્રામક હાલતમાં એના પગ ક્યાં પડતા હતાં, એને કોઈ હોશ ન હતો. હાથની બેગ ક્યારે, ક્યાં પડી ગઈ, એ પણ યાદ નથી. એ તો બસ ગુલાબી ઠંડીથી રક્ષણ આપતી એક શાલ લપેટી, મજબૂત પકડીને દોડતી હતી.

ઓફીસથી પાછા આવતી વખતે એક મિત્રને ત્યાં જવું હતું એને! ને અચાનક શહેરમાં તોફાન ફાટી નિકળ્યું. મોટે ભાગે તો તોફાન શરૂ થતા પહેલા શહેરમાં શાંતિની વિરુદ્ધ પગરણ મંડાઈ જાય. હવામાં ગરમ ગરમ અફવાઓ ને આરોપ ફેલાઈ જાય, અને પછી પરિસ્થિતિ ધીરે ધીરે તંગ થતી એક ખાસ પડાવ પર આવી જાય, ને મામૂલી તણખો દાવાનળ બની આખા શહેરને ઝપટમાં લઈ લે. પણ આ વખતે આવું કંઈ થયું ન હતું. ધાંધલના કોઈ એંધાણ ન હતા કે ધમાલના કાળા વાદળા પણ બંધાયા ન હતા. તો અચાનક આ શું થયું? કે એક સરઘસ ને લઈને થયેલા ઝઘડાની પાછળ છુપાયેલા દાનવે અટ્ટહાસ્ય કર્યું ને આખું શહેર તેની ઝપટમાં આવી ગયું હતું.

ચારેબાજુ અવાજ અવાજ, ને મારફાડ હતી, ભીડ હતી અને માનવતા તો કોઈક ખૂણામાં સંકોચાઈને શાંતિ માંગી રહી હતી! ખબર નહી આ તોફાન કેમ શરૂ થાય છે, એ વાત તો હમેશાં પડદા પાછળ જ રહી જાય છે અને બીજું બધું રસ્તા પર આવી જાય છે. તોફાન થવાના જેટલા પણ કારણો અસ્તિત્વમાં આવે છે, એ બધા તો ફક્ત ઉપરી આવરણ છે, મૂળ કારણ તો હમેશાં વણઓળખ્યું, વણ ઉકેલ્યું જ રહી જાય છે! તોફાન કોણ શરૂ કરે છે, એ તો કોઈ નથી જાણતું પણ તેમાં મોત તો હમેશાં માણસાઈની જ થાય છે! ભીડની કોઈ ઓળખ કે ઈમાન નથી હોતી, કે હેતુ પણ નથી હોતો, પરંતુ એ તો લગભગ નક્કી જ છે ભીડના આતંકને કોઈ દિશાની જરૂર નથી હોતી!

રસ્તો એની ઓળખના ક્ષેત્રની બાહરનો હતો અને આગળનો રસ્તો તેનું મગજ નહી ડર નક્કી કરી રહ્યો હતો! એના દોડતા, ભ્રામક ડગલાં, રસ્તાના વળાંક પર વળતા ગયાં ને થોડી વારમાં એ એક ગલીમાં હતી! હજી વધુ આગળ જતા એણે પોતાને ગલીના એકદમ છેવાડે આવેલા મકાન સામે જોઈ! લાકડાના ખપાટીયાથી બનેલા મુખ્ય દરવાજાને ધકેલી અંદર ધુસતી ગઈ! સામે નાના ઓટલા પછી એક લાકડાનો દરવાજો હતો જેના પર સાંકળ ચઢાવેલી હતી. છોકરીએ હિસ્ટીરિયાઈ ભ્રાંતિ દરવાજાને જંજોડ્યો! સાંકળ હાથમાં આવતાં જ એણે જલ્દિથી એને ખોલી નાંખી! હવે ભીડનો અવાજ બહુ દૂર રસ્તા પર પાછળ રહી ગયો હતો! ખૂબ હાંફતા હાંફતા, એણે ડોકિયું કર્યું તો આ એક ખાલી ઓરડો હતો! બહાર આકાશમાં પથરાયેલા ગાઢ અંધકાર પર એક નજર નાંખી, એ ભ્રામક ની જેવી અંદર જતી રહી!

ઘરમાં ઘુસતાં જ એ જૂના, અડધા તૂટેલા લાકડાના દરવાજા પર લટકતી લોખંડની સાંકળ ચઢાવી અને એક ખૂણામાં બેસી ગઈ! બહુ મુશ્કેલીથી તેના શ્વાસની ગતિ થોડી ઓછી થઈ! આવતા જતા શ્વાસ પર કાબૂ મેળવી ડરેલી, ફાટેલી આંખોને થોડી વાર બંધ કરી લીધી. જડ થયેલા કાન, અંધારું અને વાતાવરણની ઉષ્મા પામી થોડા સમય માટે સામાન્ય થઈ તો આંખોમાં ફેલાયેલો બધો ડર, બધી પીડા તરવા લાગી અને બંધ તૂટી પડ્યો. પાંપણોની કિનારીએ થી પૂર વહેવા લાગ્યું. ડુસકાઓને કાબુમાં લેતા દુપટ્ટાથી આંસુ લૂછતી રહી. મોઢા પર કસીને દબાવેલી હથેળી જીભ પર કાબુ રાખવામાં સફળ નિવડી, અને ચીસો ગળામાં કાંટાની જેમ અટકી રહી, પરંતુ બેહિસાબ આંસુ તો ક્યારના જમા થયા હતાં, કે રોકાતા જ ન હતા. એના કાનોમાં હજી પણ એ પાગલ થયેલા ટોળાનો અવાજ હતો, મન પર હજી એ તૂટતા- ઉજડતા શહેરનું ચિત્ર ફરી રહ્યું હતું.

ધીરે ધીરે રડવાનું તો બંધ થઈ ગયું પણ આટલું બધું રડયા પછી ડૂસકા અને મૂંગી હિચકીઓ એ તો ક્રમ જાળવી રાખ્યો હતો. થોડી વારમાં પોતાની જાતને સંભાળ્યા પછી જ્યારે એની આંખો એ અંધારાથી ટેવાઈ ગઈ ત્યારે એણે આંખોને રડવાથી મુક્તિ આપી અને ઓરડામાં ચારે બાજુ નજર ફેરવવા લાગી.

આ એક મોટો ઓરડો હતો જેને એક જ દરવાજો હતો! આખા ઓરડામાં અંધકારનું શાશન હતું અને એ તો અંધારાથી ડરતી હતી, પણ આજે આ અંધારું તેને સારું લાગી રહ્યું હતું. તૂટેલા દરવાજાની નીચેથી અને મોટી મોટી તરાડોમાં થી સ્ટ્રીટ લાઈટ ચળાઈને આવી રહી હતી. એને લાગ્યું દરવાજા નીચેથી સરકીને આવતાે પ્રકાશનો નાગ આવશે અને એનું ગળું દબાવી દેશે. એણે બન્ને પગને પોતા પાસે લઈ અને પોટલાની જેમ ધુંટણો પર માથું નાંખી દીધું.

થોડી ક્ષણો પછી તેની આંખો એક સર્કલની આકૃતિમાં તેણે જમણી તરફથી શરૂ કરી આખા ઓરડાનું ચક્કર મારી ડાબી બાજુ આવીને રોકી. જાળીવાળી બારીમાં થી આવતા પ્રકાશમાં ઓરડાનો થોડો ભાગ તે જોઈ શકતી હતી. આ મોટા ઓરડાના લગભગ અડધા ભાગમાં કદાચ ભરત-સિલાઈનાં મશીનો હતા જે અડધા પડઘા ઢાંકેલા હતા. દિવાલ પર કુરાનની આયાતો મઢાવીને ટાંગેલી હતી. એક ખૂણામાં કંઈક સામાન હતો, જે અંધારામાં બરાબર દેખાતો ન હતો. દીવાલો પર પાનની પિચકારી હતી અને એક ખૂણામાં બે મોટા- મોટા માટલા રાખેલા હતાં.

એનું હ્રુદય જોરથી ધડક્યું, " હે ભગવાન, આ હું ક્યાં આવી ગઈ!!!" એને અચાનક ગળું સુકાવા લગ્યું, આ અનુભૂતિ થવી એ વાતની સાખ પૂરાવતું હતું કે એ હજી જીવતી છે.

એણે ગ્લાસમાં પાણી ભર્યું અને એક જટકામાં ગ્લાસ ખાલી કરી દીધો. એક ઊંડો શ્વાસ લઈ બીજી વાર ગ્લાસમાં પાણી ભરી એ પાછી પોતાની જગ્યા પર બેસી ગઈ અને ધીરે ધીરે પીવા લાગી. ગળું ભરાઈ ગયું તો એને લાગ્યું એ ફરી રડી પડશે. એનું લાગવું ખોટું પણ ન હતું.

હવે એને માઁ ની વાતો યાદ આવવા લાગી. માઁ એ કહ્યું હતું ને, " આજે સાંજે નહી જા. રવિવારે સવારે જજે! ખબર નથી આ લત્તો ક્યાં આવ્યો? મારું મન નથી માનતું બેટા, થોડું માેડું થયું ને કાંઈ થઈ ગયું તો? એ લોકોનો શું ભરોસો....." બધું યાદ આવ્યું, માઁ ની ચિંતા, માઁ નું ટોકવું, અને માઁ નો ગુસ્સો બધું જ. એ પોતાને જ કોસવા લાગી કે માઁ નું કહ્યું માની, આજે રોકાઈ કેમ ન ગઈ. માઁ નું મન ક્યારેય ખોટું ન બોલે, જાણે પોતાના જણ્યા પર આવનાર મુસીબતની તેને આગોતરી જાણ થઈ જાય છે, એ એના રવ અને ભયથી ડરી જાય છે પણ કોઈને સમજાવી ન શકવાની સ્થિતિમાં એકલી એ ડર સામે ઝઝુમતી રહે છે.

છોકરીએ એક લાંબો શ્વાસ લીધો અને એના વિચારોના કેન્દ્ર માં હવે એની માઁ હતી. એણે ધીમેથી કહ્યું, માઁ, અને વિચાર્યું કે જો અગર આ વખતે એ અહીંથી સુરક્ષિત ઘરે પહોંચી તો માઁ પાસે પોતાની બધી બેદરકારી અને હમણાં જ કરેલા નનૈયા ની માફી માંગી લેશે. વિચારોના ઘોડા થોડા અટક્યા તો એણે એક પછી એક એ બધી વાતો વીશે વિચાર્યું જે માઁ ની સલાહના રૂપમાં એની પાસે આવવા ઇચ્છતી હતી પરંતુ એની આજુબાજુ રચાયેલી વ્યસ્તતા એને અટકાવી રાખતી હતી. એ માઁ ની રોક ટોક અને ગુસ્સા માટે ફરી માઁ પાસે જવા ઇચ્છતી હતી. એક ઊડતો વિચાર એને સ્પર્શી ગયો, કદાચ એ કોઈના માઁ બન્યા વગર આ દુનિયામાં થી ચાલી જશે. આ વિચારના પ્રવાહે એને ઉદાસ કરી દીધી.

દૂર ક્યાંક રસ્તા પર થી અવાજનો એક રેલો પસાર થયો તો લાગ્યું જાણે મૃત્યુ હજી પણ થોડે દૂર જ મંડરાતું હતું. લાગ્યું " એ લોકો આવતા જ હશે! ' એ ' હમણાં આવ્યા ને એનું માથું ધડ થી અલગ! ઓહ! તો શું આજની રાત મોતને દબાતે પગલે આવતા સાંભળવામાં જ વીતશે! શંકાના હજારો વીંછીઓ એ એક સાથે એને ઘેરી લીધી! છોકરી એટલી બધી નર્વસ હતી કે સવારનો વિચાર પણ એની પાસે આવતા ડરતો હતો. એ સવાર, સુરજ અને જીંદગી વિશે વિચારવા ઇચ્છતી હતી પણ એના વિચારને લકવા મારી ગયો હતો. એ ' નિષ્ઠુર ' લોકોનો ડર કંઈક એવી રીતે ફેલાયો હતો કે છોકરી પાસે બસ અંધારું, મૃત્યુનો વિચાર અને ડર જ શેષ બચ્યા હતા.

બહાર હવામાં ઠંડીનું જોર વધવા લાગ્યું ને એનો એક અંશ એને કંપકપાવી ગયો. એણે પોતાની શાલને શરીર પર લપેટી પોતાને જ પોતાના બાહુપાશમાં જકડી તો એને એ બે મજબૂત હાથોની યાદ આવી જેને એ હમેશાં છોડી દેતી હતી. એને લાગ્યું એ બન્ને વચ્ચે વધતા અંતરની એ જ જિમ્મેદાર હતી, એનો પ્રેમી નહી, જે આ અંતરની પગદંડીઓ પર ચાલીને એની ઉપેક્ષાની દિવાલ પર નારાજગીની મહોર મારતો, હજી હમણાં જ થોડા દિવસ પહેલાં જ તેનાથી દૂર થઈ ગયો હતો.

આજે એ હાથોની કેદમાં ખોવાઈને એના કાનમાં કહેવા ઇચ્છતી હતી કે એને એનાથી નહીં ખુદથી ડર લાગતો હતો. એ એના તરફના નફરતની નહીં, પોતાના ડરની કેદમાં હતી. એણે સાથે વિતાવેલા સમયને યાદ કર્યો. મરતાં પહેલાં એ એના ચહેરા પર બેસુમાર ચુંબનની વર્ષા કરવા ઇચ્છતી હતી. એક ક્ષણ માટે તો એને લાગ્યું કે હવે એ એને ક્યારેય નહી મળી શકે. એણે પોતાની બધી ઉપેક્ષા અને અવિવેકતા માટે પોતાની જાતને ખૂબ કોસી. એણે જીવન સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓ ને અને પ્યારને ક્યારેય સમય જ નહોતો આપ્યો. ને હ્રદયના ખૂણેથી એક ઈચ્છાએ માથું ઊંચક્યું. જો આ એના જીવનની અંતિમ રાત હોય તો આ ઠંડી રાત આજે એ એના પ્રેમીના બાહુપાશમાં, એની છાતી પર માથું રાખી ગાળવા ઇચ્છતી હતી. પોતાના પ્યારને માણ્યા વગર એ આ દુનિયામાંથી કંઈ રીતે જઈ શકે જ!

છોકરી પોતાને ખૂબ કોસી રહી હતી પણ આ એકલો ઓરડો અને ડર અને અનિશ્ચિતતા ભરી રાતમાં એ પોતાની એક માત્ર સાથી હતી, કોઈ પોતાથી તો ક્યાં સુધી નારાજ રહી શકે. એ એક વાર ફરી પોતા પાસે આવી ગઈ. જાણે એણે પોતાને જ ધીરેથી થપથપાવી અને પોતાના કોચલામાં પાછી ફરી, હજી જ્યાં થોડી વાર પહેલાં એનો દમ ધુંટાતો હતો.

દિવાલનો ટેકો લઈ, શાલમાં ધ્રુજતી, એને ઉંઘ આવવા લાગી. ધરે ધીરે પાંપણ ભારે થવા લાગી. રાતનો ત્રીજો પ્રહર પણ પૂરો થયો હતો. દૂર મસ્જિદની અજાનથી એનું ઝોકું તૂટ્યું તો બહાર પક્ષીઓના કલબલાટે એણે માન્યું કે હવે સવાર થવાની છે. એણે પોતાને સંતોષ દેવાની એક કોશીશ કરી, પણ આરામપ્રદ પ્રવાહનો કોઈ અણસાર નહોતો વરતાતો.

થોડા સમય પછી તરાડોમાં થી થોડું અજવાળું ઓરડામાં આવવા લાગ્યું જે સ્ટ્રીટ લાઇટનું નહોતું. આ અજવાળું પ્રભાતના પ્રવાહનો સંદેશો લાવ્યું હતું. ઉજાસના ખભા પર સવાર થઈ સવાર આવવાની હતી પણ છોકરી એક વાર પાછી ચીંતામાં પડી ગઈ. હવે એ અહીં થી સુરક્ષિત રીતે નીકળવાનું વિચારી રહી હતી. બધા ઈષ્ટદેવોને માનતી એ છોકરી અત્યારે એકદમ એની માઁ ની પ્રતિકૃતિ મા બદલાઈ ગઈ હતી. બહાર એક એક ઘરના દરવાજા ખુલવાનો અવાજ આવતો હતો. તોફાન થી જડ થયેલી ગલી જાગી રહી હતી. દરેક હલચલે જાણે એનું કલેજું કપાતું હતું.

ઠક-ઠક- ઠક..... પગલાંના અવાજે એના હ્રદયના ધબકારાને વધારી દીધા. પગલાંનો અવાજ તેની દિશા તરફ જ આવતો જતો હતો, વધારે પાસે.

છોકરીનું હ્રદય ધાડ-ધાડ એની પાંસળીઓ પર વાગતું હતું અને એક અવાજ પર તો એને લાગ્યું કે એના ધબકારા જ અટકી જશે. દરવાજાની બહાર ચહલ પહલ અને પછી દરવાજે ધમ-ધમ અવાજ આવ્યો. બહાર બહુ અવાજ હતો, કોઈ અવાજ બોલાવી રહ્યા હતા પણ એને તો મૃત્યુના ભણકારા સિવાય કંઈ જ સંભળાતું ન હતું! સૂકા પાંદડાંની જેમ થરથરતી, એણે ડરતા ડરતા ઊઠીને તિરાડમાં થી બહાર જોયું.

થોડા પગ જેમાં જૂતા હતાં! ખીલ્લી વાળા જૂતાં, અને ઉપર પઠાણી સલવાર! એ લોકો આવી ગયા હતાં!

" હે ઈશ્વર, શું જીંદગીને અંત અહીં જ થવાનો લખાયું હતું." એના અધઉકેલ્યા ગણગણાટનો અર્થ કંઈ હોય તો આ જ હોત!

દરવાજો ખખડ્યો, વધુ જોરથી ખખડ્યો અને આ વખતે એટલો જોરથી ખખડાવ્યો કે ધડામ અવાજ સાથે અટકાવેલી જૂની સાંકળ પડી ગઈ! એક અવાજે એને અને થોડા પડછાયાઓ એ જાણે અજવાસને ઘેરી લીધો!

એણે માથું ઉંચક્યું તો પઠાણી સલવારવાળા પગોની સાથે થોડી ગોળ સફેદ ટોપીઓ પણ દેખાઈ! બે, ત્રણ, ચાર અને પછી કેટલી બધી! ઓહ! આ એ જ હતા, એ જ લોકો જેમનો માઁ ને ભરોસો ન હતો! જેમના દિલમાં કોઈ દયા નથી હોતી, એ સાંભળતી આવી હતી! એને લાગ્યું એ એક ઊંડી ગુફામાં પ્રવેશી છે, ઊંડી અંધારી ગુફા, જેની આગળ એક ઊંડી ખીણ હતી જેમાં એ પડી ને પડતી જ રહી!

ઠંડા પાણીના થોડાં ટીપાંએ એને ફરી એ દુનિયામાં પાછી લાવી. હોશ આવતાં જ એણે જોયું પોતાનું માથું એક આધેડ સ્ત્રીના ખોળામાં છે, જે એને ગ્લાસથી પાણી પીવડાવી રહી હતી! એટલે એ હજી જીવતી છે!

" કૌન હો બીબી? યહાઁ કૈસે પહુંચી? તુમ ઠીક હો ન? ફીક્ર ન કરો, અલ્લાહ સબ અચ્છા કરેગા! મિયાં ઈમરાન, ભઈ, બચ્ચી કે લિયે ચાય લાઓ! યે દેખો તો કૈસે કાઁપ રહી હૈં!!"

થોડા સવાલ, થોડા જવાબ,અને પછી એક કહેણ, એને લાગ્યું કોઈએ જાણે એની જીંદગીને અવાજ દઈને બોલાવી! એક ચા નો કપ, એને પકડેલા બે સ્નેહાળ, કરચલીવાળા હાથ, થોડી ઉત્સુક આંખો, અને એણે જોયું ગુફાની આગળ અજવાસના કિરણો હતા! અજવાળું જ નહીં, સાથે જીંદગી એ પણ મૃત્યુને ધક્કો મારી એનો હાથ પકડી લીધો હતો! માઁ અને જમાનાએ બનાવેલા બધા ચિત્રો આજે ધૂંધળા થઈ ગયા હતા, પછી બધું કહેલું- સાંભળેલું એ ઉજાસમાં ઓગળતું ગયું! એ હાથોની હૂંફમાં એ મુશ્કેલ સમય પણ પીગળતો ગયો, સાથે સાથે તૂટતી ગઈ, બાળપણથી મનો મસ્તિષ્ક પર અંકિત થયેલા ચિત્રો, રચી કાઢેલી, થોડી દાટેલી માન્યતાઓ અને વહેવા લાગી બધી કડવાશ! હવે એની જગ્યાએ એના સ્કુલના રીક્ષાવાળા સાદીકચાચા, પ્રાયમરી સ્કુલ ટીચર ફાતીમા મેમ, અને બીજા ઘણા વ્યક્તિત્વ હતા જે જીવનના યાદોં ના આલ્બમ પર જામેલી સમયની ધૂળ ખસેડી નવા ચિત્ર રૂપે બદલાઈ રહી હતી.

થોડા સમય પછી એ એક જીપમાં બેઠી હતી. ' ઈમરાન ' જીપ ચલાવી રહ્યો હતો અને જીપ મુખ્ય રસ્તા પર દોડી રહી હતી. સવાર થઈ ગઈ હતી. સુરજના કુમળા કિરણોનો સ્પર્શ એને ગમી રહ્યો હતો અને એ ખુશ હતી કે એક કાળી ભયાનક મોતના ખોળે વિતાવેલી રાત પછી ઉજાસ મંદ મંદ હસી રહ્યો હતો. એણે અનુભવ્યું કે ' એ લોકો' ની ખરાબી તો એક પડછાયો હતી જે વિશ્વાસનો પ્રખર તડકો ઢળતા જ પોતાનું કદ વધારવા લાગતી હતી. આજે એ, એ પડછાયાને ક્યાંક દૂર મૂકી આવી હતી. જાણે એણે આશાના ખભા પર પગ રાખી હાથ ફેલાવ્યા અને શાંતિ નું ફળ એના હાથમાં હતું!

સવારના ઊજાસમાં આશાના નાનકડા પંખીએ પાંખ ફેલાવી એક ઊંચી ઊડાન ભરી આકાશ તરફ! ત્યાં તોફાનની પાયમાલી થી ડરેલું શહેર આળસ મરડીને સૂરજ સામે આશા ભરી આંખે જોવા લાગ્યું! પોલીસની સાથે જ ભલે, અટકી ગયેલી જિંદગીની દોડ ફરી આગળ વધી રહી હતી! એણે શાલને ખેંચીને વીંટાળી અને પાછળ સરતા રસ્તાને જોવા લાગી જેની સાથે છૂટતી જતી હતી , એ બધી ભયાનક પળો જે કાલે રાતે એના અસ્તિત્વ સાથે ચોંટેલી હતી! કાલ સુધી જે આશાઓ ના તંતુ વિલાતા લાગતા હતા એ હવે ખૂબ નજીક લાગી રહ્યા હતા! હા, એ સહી સલામત ઘરે પહોંચી રહી હતી! રસ્તામાં આખી રાત અંધારા અને ડરમાં ડૂબેલી બારીઓ ખુલતી હતી. એણે અનુભવ્યું કે એના મનમાં ક્યારની બંધ એક બારી ખુલી ગઈ હતી, જાણે મગજમાં બંધાયેલા બધાં જાળા હટી ગયા હતા! હવે કોઈ શંકાને સ્થાન ન હતું, ડર ન હતો, બસ હતું તો ફક્ત અજવાસ- અજવાસ સવાર! ત્યારે સૂરજ, સવાર અને જીંદગીના વિચારો એ એને હળવેથી પોતાનામાં સમાવી લીધી અને આ વખતે એને રોકવાવાળું કોઈ ન હતું, કોઈ પણ નહી!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.