તમે ટીવી શો કેમ નથી કરતા ?

-ટીવી કોઇ સેકન્ડ-હૅન્ડ લેતું નથી માટે. (મહર્ષિ પટેલ, વડોદરા)


એકને ગોળ ને બીજાને ખોળ...એટલે શું ?

- યોગી આદિત્યનાથ અને માયાવતીની વાત થાય છે. (નૂતનકુમાર ભટ્ટ, સુરત)


ગામડાના લોકો હવે શહેરની તરફ કેમ જવા માંડયા છે ?

- માણસ પરણે તો ખરો કે નહિ ? (સુફિયાન પટેલ, ચાવજ-ભરૃચ)


અમદાવાદના ટ્રાફિક બાબતે આપનો અભિપ્રાય શું છે ?

- હું તો...અમદાવાદમાં એકાદો દરિયો નંખાવવાનું વિચારું છું. (રાકેશ બી. ભાવસાર, ભરૃચ)


જ્યાં ડાહ્યાઓ જવાની હિંમત કરતા નથી, ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે...એટલે ?

- મેં ક્યારેય આ કૉલમમાં પ્રશ્ન પૂછ્યો ? (પી.એમ. જોશી, નેત્રામલી-ઈડર)


આપણા દેશના લોકો કાયદાને અનુસરવાને બદલે છટકબારીઓ શોધવામાં કેમ મેહેનત કરે છે ?

- એ જરી સસ્તું પડે છે. (પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)


આપની સદાબહાર જવાનીનું રહસ્ય સમજાવશો ?

- સદા ય બહાર જ જમવાનું ! (જીતેન્દ્ર કેલ્લા, મોરબી)


તમારા ઉપર 'ઇચ્છાપ્યારી નાગણ' પ્રસન્ન થાય તો શું માંગો ?

- એને કહું, 'તારી ઈચ્છા પૂરી કરવા હું નવરો નથી !' (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)


સવાલ ગુજરાતીમાં જ કેમ ? હિંદીનો વિકલ્પ પણ આપી શકાય.

- તમે તો 'બ્રેઇલ-લિપિ' પણ માંગી શકો છો. (ભૌમિક શાહ, વડોદરા)


આજકાલ સગાંસંબંધી કરતા મિત્રો સાથે વધુ આત્મીયતા જોવા મળે છે...શું કારણ હશે ?

- કોકનો ટેસ્ટ વળી એવો...! (દીપક પંડયા, બિલિમોરા)


મોબાઇલમાં 'વૉટ્સઍપ' પછી શું ?

- ''વ્હાયઅપ...?'' (અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા-મુંબઇ)


બીજાની સફળતાની ઇર્ષા કરવાનું કારણ શું ?

- મનની શાંતિ માટે. (રોનક મસાણી, રાજકોટ)


મારી બહેન ઈર્ષાળુ છે. શું કરવું ?

- હવે પપ્પા-મમ્મીને કાંઇ ન કહેવાય ! (રોનક ડી. જોશી, પોરબંદર)


તમારા સિવાયના તમામ હાસ્યલેખકો સુકલકડી....અને તમે ! આ તો એક વાત થાય છે.

- એ બધા તો પોતાના જ ઘેર જમતા'તા ! (જયેશ અંતાણી, ભાવનગર)


વારેઘડીએ જેને મૃત્યુનો ડર સતાવે, એને શું કહેશો ?

- તમે 'કોના' મૃત્યુનો....એ ચોખવટ કરી નથી ! (ખાપરીવાલા મિશામ મેંહદી ચાંદમુહમ્મદ, ડભોઇ)


દીકરાના જન્મે પેંડા અને દીકરીના જન્મ વખતે કાંઇ નહિ. આવો ભેદ કેમ ?

-દીકરો કે દીકરી, પેંડા કે જલેબી જ વહેંચાય...કોઇ સોપારીના કટકા તો ન વહેંચે ને? (મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


મુહમ્મદ રફી સાહેબ માટે ત્રણ શબ્દો બોલવા હોય તો ક્યા બોલાય ?

-રફી ભારતીય હતા. (શકીલ આઇ.કાઝી, લાઠી-અમરેલી)


હાલના સમયે તમારા મતે ધો.૧૨ પછી કઇ લાઇન લેવી જોઇએ ?

- સારી. (જય જાની, રાજકોટ)


મારે મારું બાળપણ પાછું જોઇએ છે. શું કરવું ?

- પાટલૂનના બદલામાં બાળોતિયાં અને શર્ટને બદલે લાળિયા લઇ આવો. (ભાવેશ ફળદુ, સુરત)


તમારું મગજ રીસર્ચ માટે મરણોત્તર દાન કરશો ?

-કામમાં આવે એવું લાગતું હોય તો અત્યારે જ લઇ જાઓ ને ! નક્કામી ચીજોને હું ય રાખતો નથી. (તાહેરી વાસણવાલા, માંડવી-સુરત)


પતિ-પત્ની ઝઘડયા વિના રહ્યાં હોય, એવાં કેટલાં કપલ્સ હશે ?

- આવું હોય તો મકાન આપણે બદલી નાંખવું, પણ એ લોકોની બાજુમાં ન રહેવું. (પ્રજ્ઞોશ પંડયા, મહિસાગર)


'ઍનકાઉન્ટર' કૉલમનો સાચો વારસદાર કોણ છે ?

- 'આ માલ વેચવાનો છે,' એવી ક્યાંય જાહેર ખબર તમે વાંચી ? (વિનાયક શુક્લ, ગોધરા)


ડાયરામાં નોટો ઉછાળવી, એ લક્ષ્મીજીનું અપમાન નથી ?

- એ નોટો શુભ કાર્ય માટે વપરાય છે, માટે કાંઈ ખોટું નથી..નોટોને બદલે કલાકારોને ઉછાળે ત્યારે ચિંતા કરજો. (ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)


આપના છાપામાં ટૂંકી વાર્તાનો વિભાગ શરૃ કર્યો તેનો આનંદ થયો....

- ટૂંકી વાર્તાનો આનંદ પણ તમે ટૂંકો જ કર્યો. (દીપ્તિ ચેતનકુમાર દવે, અમદાવાદ)


'હું કોણ છું ?' પ્લીઝ, જવાબ આપશો.

-ઘરમેળે વાત પતી જતી હોય તો બહાર બધાને પૂછ પૂછ ન કરવું. (નીલેશ સી. શાહ, મુંબઇ)


હું ડિમ્પલ કાપડિયા અને અશોક દવેનો ફૅન છું. બન્નેને સાથે મળવું છે. કોઇ ઉપાય?

- પહેલાં મારું તો પતવા દો.... (મિલિંદ ગંગર, મુંબઈ)


'મોદી' વિશે એક જ શબ્દમાં કહો.

- તમારો જવાબ, 'નરેન્દ્ર' એકદમ સાચો. - વાહ. (બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

\

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.