દ્વારકા નગરીમાં વન ઉપવને ફાગણનો ફાગ અને કેસૂડાંનો રાગ પૂરબહારમાં ખીલ્યાં છે.રાજમહેલની ટોચે સોનાના કળશો રવિના સોનેરી કિરણોને લજવતાં અદભુત આભાથી ચમકી રહ્યા છે.દ્રારકાવાસીઓ પોતાની અટારીમાંથી તાંબાના લોટામાંથી પાણી લઈ સૂર્યને અર્ધ્ય આપતા:

'ૐ ભૂભુર્વઃ સ્વઃ ,તત્સવિતુર્વરેણ્યમ... ના મન્ત્રોચ્ચારથી આકાશને ગૂંજતું કરી રહ્યા હતા . દાસીઓ પ્રાતઃકાળની દૈનિક ક્રિયાઓ માટે ખડેપગે ઊભી હતી.ત્યાં તો ઢમ ઢમ ઢોલના ધમકારાથી સૌના કાન ઉત્સુક થઈ ગયા.પીતાંબર પહેરી ,જનોઈના છેડાને પકડી અર્ધ્ય આપતા પુરુષોના હાથ અધ્ધર રહ્યા,દાસીના હાથમાં દૂધનો પ્યાલો હતો અને દૂધપીતા બાળકનું મોં ખૂલ્લું રહ્યું હતું ,રાણીની કંચૂકીની કસો બાંધતી દાસીના હાથ અટકી ગયા . સોની નજરમાં ઢોલ પર થાપટ દેતો રંગીલો બજાણિયો વસી ગયો.
દ્રારકામાં ઉત્સવની તૈયારી ધામધૂમથી ચાલી રહી છે.ઉત્સવ પાછો રંગરંગીલો હોળીનો ને પછી રંગોની પિચકારી અને અબીલગુલાલના ગુબારા.રંગ દે વસંતીની ધૂળેટી ,પ્રેમની ઋતુ રે સખા રંગોની રમઝટ .ઢોલ વગાડતો બજાણિયો ઢમ ઢમના નાદે હે..યેય લાકડી ફેરવતો ચારેકોર ઘૂમતો હતો.તેણે લાલ ફેંટો ને પીળું ચોયણું પહેર્યું હતું. સૌને ' હોળી .આવી .હોળી આવી રાસ રમો રંગરસિયા ' ગાતો ગલી -કૂંચીઓ વટાવી દ્વ્રારકાધિશના મહેલના પ્રાગણમાં નાચવા લાગ્યો .
મહેલની અટારીએ મનમોહક કૃષ્ણમુરારી પીળું પીતાંબર અને જરકશી જામો (ઝભ્ભો),ખભે સફેદ ખેસ નાંખી શોભે છે.તેમનો એક પગ આગળ અને બીજો પગ આંટી મારી ઊભા છે , હાથમાં વાંસળી હોય તેમ હોઠની પાસે છે પણ વાંસળીના મધુરા સૂરને સ્થાને કૃષ્ણના ઊના નિશ્વાસ નીકળે છે.કેટલા અગણિત દિવસો . મહિનાઓ ..વર્ષો વીતી ગયા રાધારાણીનું દર્શન થયું નથી ,અંતર્યામી હદયમાં તો હરપળે રાધાને જુએ છે પણ વૃદાવનની વાટે ,પનઘટે શિરે બેડું લઈ જતી રાધાના બેડાને કાંકરી મારવાના દિવાસ્વપ્નને માટે તલસે છે. 'મોહે પનઘટ પે નન્દલાલ છેડ ગયો રે ..
આહ એ પૂનમની રાતના રાસ , ચાંદનીના જીવંત દેહ સમી રાધા ચમ્પાના પુષ્પોની માળા પહેરી વેલી સમી શ્યામને વળગી પડતી--પળનો વિરહ સહેવાતો નહિ ,પલકારો પણ નહિ. કૃષ્ણ પુકારે રાધે ..રાધે ને પડઘા પડે છે મોહન મુરારી ,કૃષ્ણ .. ગોકુળની ગલીઓમાં ,વૃદાંવનની વાટે વિયોગિની રાધા તરસી રાધા કૃષ્ણના રંગની ઓઢણી
ઓઢી ફર્યા કરે છે .વાળમાં વેણી નથી કે ગળામાં માળા નથી.રાધાએ જાણે મીરાંનો વરવો વેશ લીધો.
'હે ,દ્રારકાધિશ ,હ્નદયનાથ ,જગતગુરુ ,ઊઠો આપને શેની મૂર્ચ્છા ?આપ તો જગતનિયતા ,સર્જક ,ચાલક ,ઉદ્ધારક '
મૂર્છિત શ્રી કૃષ્ણના ચરણોને ચંપી કરી ,પટરાણી રુક્મિણી રેશમી પાલવથી કૃષ્ણને હવા નાંખે છે .ત્યાં બીજી માનીતી રાણી સત્યભામા રાજવૈદ્યંને લઈને હાજર થઈ ગઈ.છપ્પર પલંગ પર સુંવાળા ગાદલા પર અને પોચા ઓશિકાના ટેકે કૃષ્ણને સૂવાડ્યા છે પણ તેમને જરા ય ચેન નથી .ઘડી ઘડી પાસા બદલ્યા કરે છે ,કોઈના ચહેરાનું દર્શન ગમતું નથી ,કોઈની હાજરી સહેવાતી નથી ,રાણીઓનો જમેલો ચિંતાતુર કંઈક બાધા આખડી તો માનતાઓ માને છે .સત્યભામા મોખરે છે પ્રાર્થના કરે છે ,'દેવ મુજ પ્રાણ લઈ લો ,તમારી પીડા મારાથી નહિ જોવાય .એની પાછળ બીજી અનેક રાણીઓએ પ્રાણત્યાગની તૈયારી કરી.
કૃષ્ણે સહેજ આંખ ખોલી. ભર્યાભાદરા રાજમહેલમાં તેમને વનરાવનની સૂની કેડીઓ પર કૃષ્ણ પોકારતી રાધા દેખાઈ ,એક ઊંડો નિશ્વાસ અને ઉંહકારો !!! ખલમાં દવા તૈયાર કરતા રાજવૈદય દોડીને હાથમાં દવાનું ચલાણું (વાટકી) લઈ કૃષ્ણ પાસે આવ્યા કહે:
'દ્વારકાધિશ આ દવાનું પાન કરો ,આપની પેટની પીડાનું શમન થશે.'
કૃષ્ણે દવાનું પાન કરતા કહ્યું :'કોઈ દવાથી મટે તેવું આ દર્દ નથી ,કોઈના દર્શનથી મટશે.'
પટરાણી રુક્મિણીનો હવા નાંખતો પાલવ અધ્ધર થઁભી ગયો...સત્યભામાની આંખો પહોળી થઈ ગઈ ,બીજી રાણીઓ ઘુંટણસરસી બેસી પડી . શયનકક્ષમાં સોંપો પડી ગયો .ને પછી 'દવા નહિ દર્શન!' કોનું દર્શન ભગવાન ?જગત આખું તમારા દર્શનની ઈચ્છા કરે છે તમે કોનું દર્શન ઈચ્છો છો ?'
સૌ પ્રથમ રુક્મિણી દાસીને સાથે લઈ પોતાના કક્ષમાં ગઈ. સોળ શણગાર સજી ઘીમી ચાલે પાછી આવી .
શ્રી કૃષ્ણ પાસે શિર પર છેડો ઓઢી બોલી ,'હે નાથ જેનું હરણ કરી આપને આનન્દ અને વિજય મળ્યો હતો તે હું આપની પટરાણી ,મને કહો હું તમને ક્યાં મારો મુલાયમ હાથ ફેરવી તમારી પીડાનું શમન કરું?મારો પ્રેમાળ સ્પર્શ અબઘડી આપનું દર્દ હરી લેશે .'
કૃષ્ણના મુખ પર વેદનાના વાદળ ધેરાયાં ,તેમણે હળવેથી રુક્મિણીનો હાથ ખસેડતા કહ્યું:
'પ્રિયે,તમે સાચા મનથી પ્રેમ કરતા હો '...
રાણીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી ,તે બોલી 'નાથ સૂતા,જાગતા,સપનામાં કે એકપલ માટે આપનું સ્મરણ ,દર્શન ચૂકી નથી .મારા પ્રેમમાં કોઈ કચાશ હોય તો હાલ હું વનમાં જઈ આપને પામવાનું તપ કરીશ.'

કૃષ્ણે રુક્મિણીને જતા રોકી કહ્યું :'પટરાણીજી તમે તો દ્વારકાનું અને મારા કુળનું ગૌરવ છો .તમે રાજમહેલમાં શોભો .આજની મારી પીડાનું નિવારણ તમારા હાથના સ્પર્શથી નહિ થાય ..પણ '
રુક્મિણી પ્રભુના ચરણોમાં માથું મૂકી બોલી :'કહો નાથ તમે કહેશો તે કરીશ,એમાં તલમાત્ર ફેર નહિ પડે '
શ્રી કૃષ્ણ રુક્મિણીની પ્રેમાળ આંખોમાં જોઈ બોલ્યા: મારી આજની પીડા તમારા પગની લાત વાગે તો મટે.'
રુક્મણિજી એકદમ ઊભા થઈ ગયાં ,એમને માથે આકાશ તૂટી પડ્યું ,તેઓ રોતા કકળી ઊઠ્યાં : 'નાથ ,તમારા શબ્દો મારા કાન સાંભળી શકતા નથી તો તમને મારો પગ કેમ કરી અડાડું ? તમે નટખટ તોફાની ખરા તો મારા પ્રેમની આ ટીખળ કરો છો કે કસોટી?
કૃષ્ણ દર્દ સહેવાતું ન હોય તેમ ધીરેથી બોલ્યા :' ના પ્રિયે આજે તમારા પ્રેમની લાત જ મારી પીડા મટાડી શકશે .'
રુક્મિણી રૃદનભર્યા અવાજે બોલ્યાં :'સ્વામી ,આપને મારો પગ અડાડું તો કયા ભવે એ પાપમાંથી મને છૂટકારો મળે?જીવતે જીવ નરકમાં જાઉં . તમે બીજું કાંઈ નહિ ને મને પાપમાં ક્યાં ડૂબાડો છો ?'
શ્રી કૃષ્ણની પાંપણો ઢળેલી છે ,ચહેરા પર ઉદાસી છવાઈ છે.શાંતસાગર જેવું મૌન ચારે તરફ ફેલાયું છે.એક શબ્દ બોલવાની કોઈની હિંમત નથી.
ધીમા પગલે શયનકક્ષની બહાર નીકળતી રુક્મિણીને જોઈ રાણીવાસમાં શોકનું મોજું ફરી વળ્યું .
પવનવેગે સમાચાર દ્રારકાની શેરીઓમાં ફેલાયા .ઢોલ વગાડતા બજાણિયાની લાકડી સ્થિર થઈ ગઈ.
બધી રાણીઓ હતાશ થઈ ગઈ ,ગળામાં શબ્દો અટકી ગયા ..સ્વામીને -ભગવાનને પગ અડાડવાનો? હાય ...એવું પાપ કરીને ક્યાં જઈએ? આ ભવ તો બગડે પણ કેટલા જનમ નરક ભોગવીએ !1કૃષ્ણની પાસે જવાની કોઈની હિંમત નથી.
રાજવૈદ્યં ખૂણામાં થરથર કાંપતા ઊભા છે .ભગવાન રાણીઓના તાલ જોઈ વિચારે છે :
'મેં બધાંયને સરખો પ્રેમ કર્યો છે .પ્રેમ પવિત્ર પાવકની જ્વાલા છે .સાચા પ્રેમમાં પ્રેમીની પીડા મટાડવા પગ અડાડવામાં કોણે કહ્યું પાપ છે? ગીતામાં મેં જ્યાં સત્ય ત્યાં ધર્મ કહ્યું છે.જો તમારો પ્રેમ સત્ય છે તો પાપથી ડરવાનું કેવું?આજની મારી પીડા તમારા પ્રેમની કસોટી કરી રહી છે.અહીં દ્વારકામાં મને સમૃદ્ધિ ,માનપાન ,સાહેબી મળે છે પણ હું પ્રેમતરસ્યો છું . '
શ્રીકૃષ્ણ પીડામાં કણસતા સૂઈ રહ્યા છે, બપોરના જમવાનો સમય વીતતો ગયો.રાંધેલાં પકવાનો પડી રહ્યાં .સ્વામી ન જમે ત્યાં સુધી કોઈ પાટલે બેઠું નથી.ભગવાનની માંદગીના સમાચારથી ઠેર ઠેર પૂજા ,યજ્ઞો થાય છે.
શ્રી કૃષ્ણે રાજવૈદયને પાસે બોલાવી કાનમાં કાંઈક કહ્યું .
રાણીઓએ વૈદ્યને વીજળીવેગે રાજમહેલની બહાર જતા જોયા .ચિંતા અને વ્યાકુળતાથી તેમણે પોતાની દાસીને વેદયની પાછળ દોડાવી. દાસીઓએ અશ્વશાળામાંથી પવનની ગતિએ દોડતો રથ ઉત્તર દિશા તરફ જતો જોયો.
કૃષ્ણે કોને કહેણ મોકલ્યું હશે?શું તેમના પ્રિય પાંડવો અને દ્રૌપદી આવીને તેમની પીડા મટાડશે!
રાત બેચેનીમાં વીતી , વહેલી સવારે બાલસૂર્ય તેના ગુલાબી શીતલ કિરણોથી ભગવાનને રીઝવતો હતો ત્યાં દ્વારકાના વૃક્ષોમાં વસંતની છડી પોકારતી કોયલ ટહૂકી , તાજા ખીલેલાં ફૂલો પર ભમરાનું ગૂંજન થયું અને કૃષ્ણના કાનમાં રાધેના પગની ઝાંઝરી રણકી ઊઠી .મહેલની અટારીએથી રાણીઓએ રથમાંથી ધરતી પર પગ મૂકતી સૌંદર્યની સંગેમરમરની મૂર્તિ શી
ગોવાલણીને જોઈ . ગુલાબી કોરની સફેદ લહેરાતી ચૂંદડી ,કેડ લગીનો કાળાભ્મમર વાળનો ચોટલો ,કાનમાં લટકતી ગોળ કડીઓ ,હાથમાં ક્નકણ અને પગમાં ઝાંઝરી .સૌના કાળજામાં જાણે કટારી વાગી.રાણીઓની વાચા હરાઈ ગઈ .'આ કોણ ?' પૂછવાની કોઈની તાકાત નથી.આજ સુધી દ્વારકામાં વિરાજતા કૃષ્ણના ખાલી દેહમાં આજે રાધાને જોતા તેમનું હદય મળ્યું .
સૌના જીવ તાળવે ચોંટ્યા છે! રાધા શું કરશે? ભગવાનને પગ અડાડી પાપનો ઘડો ભરશે કે આવી તેવી જ નીચા વદને પાછી વળશે??
વિરહાગ્નિમાં તપેલી રાધાનું દિવ્ય સૌંદર્ય જોઈ શ્રી કૃષ્ણને મહેલની શોભા,સમૃદ્ધિ, રાણીઓ સો તુચ્છ લાગ્યું.
કૃષ્ણની પીડાનો સન્દેશો મળ્યા પછી રાધા પોતાના પગના સદ્દભાગ્યને જાણી શરમથી તેની પાંપણો ઝૂકી જતી હતી. પોતાના પગને સમગ્ર દેહ અને પ્રાણથી ભરી દીધો.એ ઉતાવળી દોડી કૃષ્ણની આંખમાં સમાઈ ગઈ .એક પ્રાણ ,એક શ્વાસ પૂર્ણ તાદાત્મ્ય .
' હું-તું ના ભેદ ન રહ્યા .પ્રેમઘેલી રાધાનો પગ ઊંચો થયો ,ઝાંઝરી રણકી ત્યાં રાણીઓ બેસી ગઈ, 'ના ના' કરતી મોં ઢાંકી રોવા લાગી કોઈક રાધાને પકડવા દોડી .'હાય ,પાપ કહેવાય '.


રાધાના ચરણસ્પર્શથી કૃષ્ણ હસતા બેઠા થયા.ચારેકોર રાધા-કૃષ્ણ પર ફૂલોની વર્ષા થઈ .મહેલના પ્રાગણમાં ઢોલ વાગ્યા.વસંતના ઉત્સવમાં પ્રેમની પિચકારીઓના રંગની રેલમછેલમમાં સૌ એકરૂપ થયાં .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.