સ્માર્ટફોનમાં સેટ કરેલો મોર્નિંગ એલાર્મ સાંભળી તેની આંખો ઉઘડી. ફોન હાથમાં લઈ નજર ફેરવતાં, 'ગુડ મોર્નિંગ' 'જય કૃષ્ણ' 'હેવ અ નાઇસ ડે'ના મેસેજીસ જોઈ, તેમાંનો એક પત્ની તેમજ બીજા મિત્રોને ફોરવર્ડ કર્યો. અણગમતા મેસેજ ડીલીટ કરી, તૈયાર થઈ નાસ્તો પતાવ્યો. દીકરો અભિ કશું કહેવા માગતો હતો તેને વચ્ચેથી અટકાવી કહ્યું, "મને મેસેજ કરી દે, અત્યારે ઉતાવળમાં છું. પછી જોઈ જઈશ."

ફેક્ટરી પહોંચી, પહેલું કામ ફોન ચાર્જ કરવાનું કર્યું, નહિતર પોતાની બેટરી ઉતરી જાત. સતત મોબાઈલ ફોનમાં ધ્યાન હોવાથી, સ્ટાફના મેમ્બર સાથેની ચર્ચા યેનકેન પ્રકારે પતાવી.

ટૉય ફેક્ટરી હતી. ખુબ કામ રહેતું. બજારમાં આકર્ષણ જમાવવા, ટકી રહેવા નિતનવા રમકડાં મૂકવા પડતા. નવું શોધેલું માનવ-રમકડું, બાળકના મનોભવ જાણી, તે પ્રમાણે હસે, બોલે, ચાલે, રમે, પ્રશ્નોના જવાબ આપે. અદ્દભુત શોધ. સફળતા હાથવેંતમાં હતી. આ નવું રમકડું બજારમાં આવે તો રેકોર્ડ-બ્રેક વેચાણ થાય તેમાં શંકા નહોતી. વળી કામમાં વ્યસ્ત માબાપ માટે એ આશીર્વાદ સમાન પુરવાર થાય. નાના-મોટા બધી ઊંમરના બાળકને સાંભળનાર, સમજનાર, રમાડનાર, વાતો કરનાર સાથીદાર મળી જાય.
વિચારોમાં ખોવાયેલા અમિતનો ફોન રણક્યો. "યાદ છેને, આજે અભિની સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. છ વાગે પહોંચવાનું છે." સામે છેડે પત્ની હતી." ઓહ ભુલાઈ ગયું. મને ખુબ કામ છે, સોરી, તું જઈ આવ. આમેય મને આવા પ્રોગ્રામમાં ઓછો રસ પડે."સાંજે ઘરે પહોંચી, જમતા વખતે ડોકું લેપટોપમાં ખૂંપેલું હોવાથી, બા શું બોલી ગઈ તે ધ્યાન બહાર હતું છતાં હા-એ-હા કર્યા રાખ્યું.
રાત્રે દીકરો, પત્ની આવ્યાં તે પહેલાં, મોબાઈલ ફોનમાં, 'ગુડ નાઈટ'નો મેસેજ સેન્ડ કરી તે ઘસઘસાટ ઊંઘી ગયો. બાજુમાં જ આડે પડખે થયેલી પત્નીએ તે વાંચી તેની સામે અને ઘડીક તેણે મોકલેલા મેસેજ સામે જોયા કર્યું. આ રોજનું હતું. તેને કેટલીયે વાતો કરવી હતી. બાની, અભિની, પોતાની, વેકેશનની, કામની... ઊંઘ નહોતી આવતી. મોબાઈલનાં અનેક મેસેજને 'ડીલીટ ઓલ' કરી દઈ, બત્તી ઓલવી તેણે પડખું ફેરવ્યું . ઊંઘ ન આવે ત્યારે કેન્ડીક્રશ રમતી કે પછી કૅન્ડીક્રશનું બંધાણ થવાથી ઊંઘ ન આવતી, એ તેને પોતાને ખબર નહોતી. બધી કહેવા-જાણવા માગતી વાતો તેણે છેવટે પતિને ઈ-મેઈલ કરી દીધી.
ફોનના પ્રોફાઈલ પિક્ચરમાં અમીતે પાડેલી, બન્નેની સેલફીમાંના કૃત્રિમ હાસ્યને જોઈ, એક ઊનો નિ:સાસો નાખતાં તેનાથી સાચુકલું ખડખડાટ હસી પડાયું.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.