૧૯૫૦ની સાલમાં કરાંચીમાં કોમી રમખાણ ફાટી નિકળ્યા ત્યારે ખેંગાર જેવતનું મન ભયના ભારણ હેઠ પડિકે બંધાઇ ગયું.એક રાતે તેણે પોતાની ઘરવાળી રૂડીને કહ્યું

‘રૂડી હવે અહીં રહેવામાં જોખમ છે માટે આપણે અહીંથી વહેતી તકે ઉચાળા ભરી લેવા જોઇએ..’

‘તો શું કરીશું અને ક્યાં જઇશું…?’ચિતીત સ્વરે રૂડીએ પુછ્યું

‘બીજે ક્યાં જ્યાં આપણા વડવાના મૂળિયા છે એવા સરહદને પેલે પાર કચ્છડે જઇશું એટલે હળવે બધી તૈયારી કરી લે…’

બીજા દિવસે રૂડીએ પોતાના મનનો ઉભરો પાડોશમાં રહેતી તેની સખી હલિમા પાસે ઠાલવ્યો એ સાંભળી હલિમા પણ હાય અલ્લાહ કહી ગભરાઇ ગઇ એણે તેના ધણી હમીદ અલ્લારખાને બધી વાત કરી.બપોરા કરીને હમીદ ખેંગારને મળ્યો

‘આ હલિમા શું કહે છે એને ભાભીએ કહ્યું કે,તું સરહદને પેલે પાર કચ્છ જાય છે..?’

‘હા હમીદ અહીં ક્યારે પણ વેતરાઇ જવાના ભયના ઓથાર નીચે જીવવા કરતા વહેલી તકે કરાચી છોડી જવી સારી ત્યાં ચેન અને અમનથી જીવી તો શકાય..?’કહેતા ખેંગારની આંખ ભીની થઇ ગઇ.

‘તો હું પણ તારી સાથે જ આવીશ…’હમીદે ખેંગારને બાથ ભરતા કહ્યું

‘પણ તું તો મુસલમાન છે તને અહીં ભય કેવો..?’

‘ના યાર તું જઇશ તો તારા આ ખાલી ખોરડામાં કોણ જાણે કોણ રહેવા આવશે…કોઇ હિન્દુ તો આવશે નહીં અને કોઇ મુસલમાન આવે તો તું તો જાણે છે કે હું તારી જેમ શુધ્ધ શાકાહારી છું અને આવનાર પોતાના ઘરમાં જો માંસ મચ્છી રાંધે તો એના વઘારની ધાંસ ઘરમાં કોઇથી સહેવાય નહીં અને એ માટે પડોશીને કંઇ કહેવાય નહીં એના કરતા હું પણ તારી સાથે જ આવીશ બાકી અલ્લાહ મોટો માલિક છે એને જે મંજૂર હશે તે પણ હું તારા વગર અહીં તો નહીં જ રહું…’હમીદે પોતાનો દ્રઢ નિર્ણય ખેંગારને જણાવ્યો.

બંને મિત્રો કાળી રાત ઓઢીને સરહદ પાર જવા નિકળી ગયા અને અથડાતા કૂટાતા સરહદ પાર કરી ગયા અને એક માછીમારના હોડકામાં બેસીને માંડવીના સલાયામાં ઉતરી હાશકારો ભર્યો.

માંડવીમાં હમીદે પોતાના કસબ બાંધણીનું કામ શરૂ કર્યું અને ખેંગારે એક પાનની દુકાન ખોલી અને તેના દીકરા જખુને દુકાનની બાજુમાં ચ્હાની દુકાન ખોલી આપી અને બંને કુટુંબો ચેન અને અમનથી રહેતા હતા.ખેંગાર અને હમીદની મૈત્રી ભાઇચારાથી અદકેરી હતી જેમાં કોમ વાદ ન હતો. હમીદા અને રૂડીના બહેનપણા પૂર્વવત જ રહ્યા. હમીદાએ બનાવેલી સેવૈયા રૂડીના ઘેર જતી અને રૂડીના ઘેર બનેલી ખીર હમીદાના ઘેર જરૂર જતી.હમીદની દીકરી કુલસુમ અને ખેંગારના દીકરા જખુ વચ્ચે સગા ભાઇ બહેનથી પણ વધારે પ્રેમ હતો.રક્ષાબંધનના દિવસે કુલસુમ સરસ ગુજરાતી ઢબથી સાડી પહેરી,કપાળમાં ચાંદલો ચોડી રૂડીએ તૈયાર કરી રાખેલી પૂજાની થાળીમાંથી જખુના કપાળે ચાંદલો કરી આરતી ઉતારી રાખડી બાંધી આપતી અને બજારમાંથી ખાસ મંગાવેલી મિઠાઇ ખવડાવતી તો જખુ ખેંગારે આપેલા પૈસા તે રક્ષાબંધનની ભેટ તરિકે બહેન કુલસુમને આપતો.

એ વરસે રમજાન માસમાં કુલસુમે હમીદ અને હલીમાને પોતે પણ રોઝા રાખશે એમ જણાવ્યું.રોજ સાંજના આઝાન થઇ ગયા પછી જખુ કુલસુમને રુડીએ તૈયાર કરેલ લીંબુનો શરબત પાઇ રોઝો ખોલાવતો.આખા મહિના દરમ્યાન આ ક્રમ ચાલ્યો.

પોતાને ખેંગાર તરફથી વાપરવા મળતા પૈસા જખુએ ભેગા કરી રાખ્યા હતા.તેની ઇચ્છા હતી કે ઇદના દિવસે તે કુલસુમને ચાંદીના મિનાકારી વારા ઝુમરા(લટકણિયા)ની ઇદી આપવી.માંડવીની સોના બઝારમાં તેણે તપાસ કરી પણ મન ન માન્યું. કોઇએ તેને કહ્યું કે ભુજમાં વેલજી વલ્લભજી બુધ્ધભટ્ટીની મોટી દુકાન છે ત્યાં તને મનગમતા ઝુમરા જરૂર મળશે તેથી જખુ કોઇને જાણ કર્યા વગર ભુજ જવા રવાનો થઇ ગયો.

પોતાની પસંદગીના સરસ ઝુમરા મળી જતા જખુ ખુશ થઇ ગયો અને બપોર થઇ ગઇ હતી એક લોજમાં જમ્યો અને લોજમાંથી બહાર આવી બસ સ્ટેશન પર જતા રસ્તામાં ‘માંડવી…માંડવી’ એક પ્રાઇવેટ કંપનીની બસનો કંડકટરની બુમ સાંભળી જખુ એમાં ચઢી ગયો.

ભુજ મૂક્યા પછી એક જગાએ રોડ પર ડામર પાથરવાનું કામ ચાલતું હોવાથી કામ ચલાઉ બનાવેલા ડાઇવર્ઝન પરથી બસ પસાર થઇ રહી હતી ત્યારે માટીના ટેકરા પરથી બસ ગબડી અને ત્રણ ચાર પલટી મારી ઊંધી પડી અને બસમાં આગ લાગી ગઇ.ડ્રાઇવર કંડકટર સહિત પેસેન્જર આગની લપેટમાં આવી ગયા.બુમાબુમ અને ચીસાચીસ થઇ રોડના કામ માટે લવાયેલ પાણીની ટેન્કરથી આગ તો ઓલવાઇ ગઇ પણ સાથો સાથ અંદર રહેલા બધાના જીવનદીપ પણ ઓલવાઇ ગયા.

પોલીસને જાણ કરવામાં આવી બે એમ્બ્યુલન્સ સાથે પોલીસ ત્યાં આવી પંચનામુ કર્યું અને પેસેન્જર માંડવીના હોવાથી એમ્બ્યુલન્સમાં બધી ડેડબોડી મુકી માંડવી રવાના કરી માંડવી પોલીસને આ બાબત જાણ કરવામાં આવી.જનરલ હોસ્પિટલના પ્રાગણમાં બધી ડેડ બોડીને હાર બંધ મુકવામાં આવી.પોલીસે ઓળખ થઇ શકે તે માટે ડેડ બોડીના ખીસ્સા ફંફોસ્યા તેમાં જખુના ખિસ્સામાંની પાકીટમાંથી ઝુમરાના બીલ પર તેનું નામ વાંચી એક પોલીસે પોતે તેને ઓળખે છે કહી ખેંગારની જાણ કરવા ગયો.

ખેંગારની પાનની દુકાને આ બાબતની જાણ થતા ગામમાં હો..હા ગઇ ગઇ આ મરનારમાં પોતાનું તો કોઇ સ્વજન નથીને એ જાણવા સૌ હોસ્પિટલમાં ઉમટી પડયા. અહીં સાંજની આઝાન થઇ જતા હલીમાએ કુલસુમને રોઝો ખોલવા સમજાવી રહી હતી તો કુલસુમની એક જ રટના હતી આખો મહિનો જખુના હાથે રોઝા ખોલ્યા છે અને આજે છેલ્લા રોઝા વખતે એ ક્રમ નહીં તોડે જખુ આવી જાય પછી એના હાથે જ રોઝો ખોલીસ.

ખેંગાર પર તો આભ ફાટયું, તે હાફળો ફાફળો હમીદની દુકાને ગયો અને ગળામાં બાઝેલા ડચુરાથી કંઇ બોલી શકયો નહીં.હમીદે ખેંગારને બાથ ભીડી પાણી પાઇ સાંત્વન આપતા તેને આંખના ઇશારે પુછ્યું તો તેણે હમીદને ભીની આંખે બધી વાત કરી અને બંને હોસ્પિટલ જવા રવાના થયા.ખેંગારે જખુના શબ પાસે બેસી માથા પર હાથ ફેરવતા ધ્રુસકે ધ્રુસકે રડી પડયો.

હમીદે ખેંગારના ખભે હાથ મૂકી પોલીસને કહ્યું કે આ જખુનો બાપ છે.પોલીસે જરૂરી કાગળો પર ખેંગારની સહી લઇ જખુના ખિસ્સામાંથી મળેલ પાકીટ અને ઝુમરાની ડબ્બી આપી.એક સ્ટ્રેચર પર મુકી જખુની ડેડ બોડી ઘેર લાવવામાં આવી.સૌથી પહેલા જખુની ડેડબોડી જોઇને કુલસુમની યા અલ્લાહ કરતી રાડ ફાટી ગઇ અને ધડામ કરતી જમીન પર પડી અને એ જન્નત નશીન થઇ ગઇ.રૂડી જખુના શબ પાસે બેસી માથું કુટવા લાગી.હલિમાની મતિ મુંઝાઇ ગઇ એક તરફ કુલસુમ પડી હતી બીજી તરફ જખુ . પાડોશીઓએ ભેગા મળી વાત થાળે પાડી.જરા સ્વસ્થ થતા રુડીએ જખુએ લાવેલ ઝુમરા હલિમાને આપી કહ્યું હતું કે, કુલસુમને જનાજામાં સુવડવતા પહેલા જખુએ લાવેલ ઇદીના ઝુમરા કુલસુમને જરૂર પહેરાવવા.

આખા ગામમાં આ બનાવથી અરેરાટી સાથે સોપો પડી ગયો.એક બાજુ કબ્રસ્તાનમાં જન્નતનશીનો ના દફન માટે ખાડા ખોદાતા હતા તો બીજી તરફ માંડવીના દરિયા કિનારા પર સ્વર્ગવાસીઓની ચિતાઓ હારબંધ ભળ ભળ બળતી હતી.ચોક ફળિયામાંથી જખુની નનામી અને કુલસુમનો જનાજો નિકળ્યા ત્યારે ભાઇ બહેનના અતુટ બંધન જોઇ આખા ફળિયાની આંખ ભીની થઇ ગઇ (

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.