'મમ્મી, મારે તો પપ્પાની આ બધી મિલકતનાં માલિક બનવું છે, એટલે હું લગ્ન કરી સાસરે જવાની જ નથી.' આમ કહી વૈદેહી તેની માતાની ચિંતા ઓછી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ એક મા કે જેણે તેને જન્મ આપ્યો હતો, તે તેના કાળજાનાં કટકાનાં અંત:કરણની વેદનાથી થોડી અજાણ હતી..!

વૈદેહી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી જ્યારે તેના પિતાશ્રીનું હૃદયરોગનો હુમલો આવવાથી અવસાન થયું હતું. પરિવારમાં તે સૌથી મોટી હતી. તેનાથી નાના બહેન-ભાઈ ગીતા અને અનુજ હતા. નાનો ભાઈ અનુજ જન્મથી જ માનસિક અસંતુલનની બિમારીથી પીડાતો હતો. તેના પિતા નાની-મોટી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. તેમાં બંને બહેનોને ભણાવવાનો અને સાથે-સાથે નાના ભાઈની સારવારનો ખર્ચ દિવસે ને દિવસે વધતો જતો હતો. તેની મા ઘરે નાનું-મોટું થીગડથાગડ કરતી પણ તેનાથી ઘરની સ્થિતિમાં કોઈ ફર્ક પડતો ન હતો. 'દીકરીઓ મોટી થવાની સાથે-સાથે માવતરની ચિંતા પણ વધતી હોય છે.' કદાચ આ પરિસ્થિતિનો સામનો નહિ કરી શકવાને કારણે જ તેના પિતાનું અવસાન થયું હતું. પરંતુ અચાનક જ આવી પડેલી આ આફતે વૈદેહી સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી દીધો હતો.

જેમ તેમ કરી વૈદેહીએ કોલેજનું પ્રથમ વર્ષ પૂરું કર્યું, પરંતુ ગ્રેજ્યુએટ થવાનું તેનું સપનું હવે પૂર્ણ થઈ શકે તેમ ન હતું. ભણવામાં હોંશિયાર હોવા છતાં પરિવારની જવાબદારી પોતાના પર આવી પડતાં તેણે અભ્યાસ છોડી દેવો પડ્યો અને પોતાની માને આર્થિક મદદ કરવાનાં હેતુથી તેણે નાનાં બાળકોનાં ટ્યૂશન ક્લાસ લેવાનું ને સિલાઈકામ કરવાનું શરૂ કરી દીધું. પોતાના શોખને તિલાંજલિ આપી તે શક્ય એટલી વધુ બચત કરવા લાગી. કોઈ પણ સંજોગોમાં નાની બહેન ગીતાના અભ્યાસ કે નાના ભાઈ અનુજની સારવારમાં કચાશ ન રહે એ જ એનાં જીવનનું લક્ષ્ય બની ગયું હતું. થોડાં વર્ષોમાં જ દિવસ-રાત એક કરી તેણે પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવી દીધો.

ઘરની જવાબદારી શિરે લઈ દોડતાં-દોડતાં પોતાના લગ્નની ઉંમર ક્યારે પસાર થઈ ગઈ તેનું વૈદેહીને ભાન જ નહોતું રહ્યું. હવે તો ગીતાએ પણ કોલેજમાં પ્રવેશ મેળવી લીધો હતો. અનુજની તબિયતમાં પણ ખાસ્સો સુધારો થઈ ગયો હતો. માત્ર ઘરે જ પ્રાથમિક સારવાર આપવાથી તે જીવન પસાર કરી શકે તેમ હતો. સંપૂર્ણ સાજા થવું તો પ્રથમથી જ અશક્ય હતું. તેમછતાં આ સ્થિતિથી પણ સૌ ખુશ હતા. વૈદેહીને તેની માએ જ્યારે કહ્યું કે, 'બેટા, કોઈ સારો છોકરો શોધી તું અને ગીતા પરણી જાવ એટલે મારી જવાબદારી પણ પૂરી થાય.' ત્યારે વૈદેહીએ જવાબ આપતાં જણાવ્યું કે, 'મા, હું તારી દીકરી નહિ, દીકરો બની જીવવા માગું છું. ગીતાને ધામધૂમથી પરણાવી દઉં, તારી સેવા કરું અને અનુજનું ધ્યાન રાખું એમાં જ મારા જીવનનું સુખ રહેલું છે. એટલે તું મારી ચિંતા ન કરીશ. આપણે ગીતા માટે સારું ઘર શોધી, તેને પરણાવવાની તૈયારી કરીએ.'

આમ માંડ-માંડ દુ:ખનાં દિવસોમાંથી બહાર આવેલી વૈદેહીને એ ક્યાં ખબર હતી કે માતા સીતાની જેમ જ અગ્નિપરીક્ષા આપવા છતાં અયોધ્યામાં મહારાણી તરીકે રહેવાનું સુખ તેના નસીબમાં લખ્યું જ નહોતું. તેના જીવનમાં તો માત્ર દુ:ખોના મહાસાગરમાં એક આશારૂપી તણખલાંને સહારે તરવાનું જ લખ્યું હતું. આવા જ એક વાવાઝોડાં જેવા સમાચાર સાથે તેના મોબાઈલની રીંગ વાગી. વૈદેહીએ કોલ રીસીવ કર્યો. સામેથી કોલેજનાં આચાર્યશ્રી બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, 'ગીતાએ હજુ સુધી અસાઇન્મેન્ટ કેમ જમા કરાવ્યા નથી ? તે કોલેજે પણ નિયમિત નથી આવતી. ગીતાએ પરીક્ષા આપવાની છે કે નહિ ?' આચાર્યશ્રીની વાત સાંભળતાં જ વૈદેહીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેણે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, 'સાહેબ, ગીતા તો નિયમિત કોલેજે આવે છે. તમારી કંઈક ભૂલ થતી હશે.' આચાર્યશ્રીએ જણાવ્યું કે, 'તો તમે રૂબરૂ જ કાલે કોલેજે આવી મળી જાવ અને ગીતાને પણ સાથે લેતા આવજો. એટલે સત્ય શું છે તે ખબર પડી જશે.'

ગીતા પાસે તો મોબાઈલ હતો નહિ, એટલે વૈદેહી પાસે તેની રાહ જોવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ન હતો. બપોર વિતી ગઈ અને સાંજ પડી, પણ ગીતા હજુ સુધી ઘરે પહોંચી નહોતી. વૈદેહીની ચિંતા વધતી જતી હતી. આખી રાત બેબાકળી બની વૈદેહી તેની રાહ જોતી રહી, પરંતુ ગીતા ઘરે પાછી ન આવી. 'યુવાનીમાં પગ મુકેલ ગીતાને કોઈએ... શું થયું હશે તેની સાથે... તે ક્યાં હશે... કઈ હાલતમાં હશે...' – વગેરે અસંખ્ય બિનજવાબી પ્રશ્નોથી વૈદેહી ઘેરાયેલી હતી. સવાર પડતાંની સાથે જ તે કોલેજે પહોંચી ગઈ. આચાર્યશ્રીને મળી વિગતે બધી વાત કરી. આચાર્યશ્રીએ ગીતાના વિષય શિક્ષકને બોલાવી પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, ગીતા જેમની સાથે કોલેજમાં રહેતી હતી, તે છોકરીઓ કોલેજે અનિયમિત આવતી હતી. ભણવા બાબતે પણ તેઓ સાવ નીરસ હતી. તેઓની હાજરી વર્ગખંડમાં ઓછી અને કોલેજ કેમ્પસમાં કે કેન્ટીનમાં વધુ જોવા મળતી હતી. કોલેજનાં રેકર્ડ પરથી ગીતાના વિષય શિક્ષકે તેની બહેનપણીઓનાં કોન્ટેક નંબર શોધી આપ્યા. તેમનાં વાલી સાથે વાતચીત કરતાં ખબર પડી કે બાકીની છોકરીઓએ ગઈકાલે ઘરે ફોન કરી જણાવ્યું હતું કે, 'તેઓ કોલેજમાંથી સોંપવામાં આવેલ એક ગ્રુપ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને પ્રોજેક્ટ પૂરો કરી કાલે જ સબમીટ કરવાનો હોવાથી આજે રાત્રે તેઓ ઘરે નહિ આવે.' ગીતાએ – મોટીબેન રોકાવાની 'હા' નહિ પાડે – એ ડરથી ઘરે ફોન કર્યો ન હતો. આમાંની જે વિદ્યાર્થિનીનાં ઘરે તેઓ હતા, તેના વાલીએ જણાવ્યું કે, 'તેઓ અહીં જ છે અને કોઈ પ્રોજેક્ટ વર્ક પૂરું કરવાનું હોવાથી કોલેજે નથી આવ્યા.'

સંપૂર્ણ હકિકત જાણ્યા પછી વૈદેહી ત્યાં જ ઢગલો થઈ ગઈ. તેના મનમાં અગણિત વિટંબણાઓ ઉદભવી, પરંતુ થોડીવારમાં જ તે સ્વસ્થ બની, કોલેજના રેકર્ડ પરથી તે વિદ્યાર્થિનીનું સરનામું મેળવી ગીતાને લેવા પહોંચી ગઈ. ગીતાને ભણવા વિશે કંઈ જ ઠપકો આપ્યા વિના તે તેને લઈ ઘરે આવતી રહી. રાત્રિના એકાંતમાં સૂતાં-સૂતાં વૈદેહી બસ એ જ વિચારતી રહી કે, કઈ ખામીના લીધે ગીતાએ આવું કર્યું ? ઘરમાંથી આપવામાં આવેલ સંસ્કાર તો શ્રેષ્ઠ જ હતાં, છતાં આવું કરવા પાછળનું એક માત્ર કારણ તેને પોતાની આર્થિક સ્થિતિ જ જણાતી હતી. સીમિત આવકને લીધે ગીતાને કોઈ જ પ્રકારનાં મોજ-શોખ કરવા મળેલ ન હતા. કોલેજમાં પ્રવેશતાંની સાથે જ તેની સંગત એવી છોકરીઓ સાથે થઈ ગઈ હતી કે જેઓના ઘરમાં પૈસાની કોઈ જ કમી ન હતી. હરવું-ફરવું અને આનંદ કરવો એ જ તેમની કોલેજ લાઈફ હતી. તેમની સાથે રહી ગીતા પણ અભ્યાસ છોડી એ રસ્તે આગળ વધી રહી હતી. ઘરની પરિસ્થિતિની જાણ હોવાછતાં ગીતાએ આમ કર્યું હોવાથી તેને સમજાવવાનો હવે કોઈ જ અર્થ ન હતો. માટે વૈદેહીએ ગીતાનો અભ્યાસ અટકાવી, સારું ઘર શોધી, તેને પરણાવી દેવાનો નિર્ણય કર્યો.

એક જ મહિનાની અંદર ગીતાનું સગપણ નક્કી કરી દેવામાં આવ્યું અને છ મહિના પછી તેના લગ્ન કરી દેવાનું નક્કી કર્યું. સમયની સાથે ભાગતી-દોડતી વૈદેહીને જોઈ તેની મા મનોમન બોલી ઊઠતી કે, 'સાક્ષાત શક્તિ સ્વરૂપ છે મારી વૈદેહી. દીકરાથી પણ વિશેષ જવાબદારી નિભાવી રહી છે અને હું તેના માટે કંઈ જ નથી કરી શકતી.' આમ વિચારી તે દુ:ખી થઈ જતી હતી. પણ વૈદેહી તેની માનો પોતાની પ્રત્યેનો અહોભાવ જોઈ સમજી જતી હતી અને તેની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કરતી હતી. અંતે તેણે છ મહિના પછી ધામધૂમથી ગીતાને સાસરે વળાવી દીધી અને પોતાની માને નિરાંતનો શ્વાસ લેવા કહ્યું.

વૈદેહીને તો હજુ જીવનમાં ઘણાં બધાં પડાવો પાર કરવાના હતા અને તે આ આવનારી દરેક મુશ્કેલીઓ સામે લડવા પણ તૈયાર હતી. જિંદગીમાં થતાં અનુભવોએ તેને હવે ડગલે ને પગલે ચેતીને ચાલતાં શીખવી દીધું હતું. તેણે પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી, કોઈ સારી નોકરી મેળવી લેવાનું નક્કી કર્યું. ગીતાને વળાવ્યાનાં બીજે જ દિવસે તે કોલેજ પર પહોંચી અને અધૂરો અભ્યાસ શરૂ કરવાની માહિતી મેળવી કોલેજ શરૂ કરી દીધી. કોલેજમાં અભ્યાસ કરવાની સાથે-સાથે જ સરકારી નોકરી માટેની તૈયારી પણ કરવા લાગી અને જોતજોતામાં વૈદેહીએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાની સાથે સરકારી નોકરી પણ મેળવી લીધી.

જીવનમાં ઘણી કસોટીઓ પાર કરતાં-કરતાં માંડ હવે સ્થાયી મુકામ પર પહોંચ્યાનો વૈદેહીને આનંદ હતો ત્યાં જ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરેલ તેની માએ ચિરવિદાય લીધી. હવે અનુજનું ધ્યાન રાખવું અને નોકરી કરવી – બંને એકસાથે અશક્ય બની ગયું હતું, પણ 'ઈશ્વર પણ તેને ન ભૂલનારાઓને કદી ભૂલતો નથી.' વૈદેહીની આ વિકટ પરિસ્થિતિ જોઈ તેની જ ઓફિસના એક સહકર્મચારી સંસ્કારે વૈદેહીને તેના ભાઈ સહિત સ્વિકારવાની શરતે લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો. સંસ્કારના લગ્ન થતાંની સાથે જ તેની પત્ની અકસ્માતે મૃત્યુ પામી હતી. એ વાતથી માહિતગાર વૈદેહીએ ઈશ્વરનો આ નિર્ણય સ્વિકારી, સંસ્કારના પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લગાવી. બંનેએ આર્યસમાજમાં જઈ સાદાઈથી લગ્ન કરી લીધા. વૈદેહીએ લગ્ન બાદ નોકરી છોડી માત્ર ઘર-પરિવારનું અને અનુજનું ધ્યાન રાખવાની જવાબદારી પોતાની પાસે રાખી અને સંપૂર્ણ આર્થિક જવાબદારી તેના પતિ સંસ્કાર પર છોડી દીધી. આજે વૈદેહી તેના લગ્નજીવનથી ખૂબ જ ખુશ છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.