‘મહારાજ, આપની કૃપા થી દીકરી નો પ્રશ્ન ઊકલી ગયો છે.’

મનુભાઈ એ મહારાજ ના ચરણ માં સાષ્ટાંગ પ્રણામ કરતાં કહ્યું. ‘કૃપા પરમાત્મા ની.’ સાધુએ તેને ઊભા કરતાં કહ્યું. મનુભાઈ રોજ મંદિરે આવતા. મંદિર માં રહેતાં સાધુ ને રોજ ‘જય સિયારામ’ કહેવા જેટલો વહેવાર હતો. પછી ચૂપચાપ ત્યાં બેસી રહેતાં.ક્યારેક સાધુ ને નાનું મોટું કામ હોય તો દોડી જતાં. પરંતુ મોટા ભાગે સાધુ હસીને ના પાડતા,

‘સાધુએ પોતાના કામ જાતે જ કરવાં. જો કોઈ કરી આપે એવી ટેવ પડે તો તે કાં આળસ માં પરિણમે કાં વળગણ માં.’

એક દિવસ મનુભાઈ થી અચાનક જ કહેવાઈ ગયું,

‘મહારાજ દિકરી ને જમાઈ તેડાવતો નથી. તેથી બહુ મૂંઝાવ છું.’

‘પરમાત્મા ની કૃપાથી સહુ સારા વાના થશે. શ્રદ્ધા રાખ.’

અને ખરેખર જાણે ચમત્કાર થયો હોય તેમ ચાર પાંચ દિવસ માં જ જમાઈ નો પોતે પત્ની ને તેડવા આવશે તેવો સંદેશ આવ્યો. એટલું જ નહીં અત્યાર સુધી જે માણસ આ બાબત વાત કરવા પણ તૈયાર ન હતો તે સહુ ની ક્ષમા યાચના સાથે પત્ની ને તેડી ગયો! મનુભાઈ ના સમાજ માં જમાઈનો માફી માંગવાનો બનાવ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ હતો.

ગામ આખા માં વાત ફેલાઈ જતાં વાર ન લાગી કે આ સાધુ તો વચનસિદ્ધ મહાત્મા છે. તેમનું વચન મિથ્યા ન જાય. લોકો ના ટોળાં તેમના દર્શને આવવા લાગ્યા.

ત્યાર પહેલાં જો કે તેમના વિષે ગામલોકો ને ખાસ માહિતી હતી નહીં. કારણ સાધુ આખો દિવસ તેમના કમરામાં યોગાભ્યાસ કરતાં અને એકાંતમાં સાધના કરતાં. સવાર સાંજ મંદિર ની પુજા આરતીમાં સામેલ થવાનો તેમનો નિત્ય ક્રમ. તે સમયે કોઈ ‘જય રામજી કી’ કહે તેનો સાધુ ઉત્તર વાળતા. પણ ક્યારેય કોઈ સાથે બહુ નિકટતા ન કેળવે. મોટાભાગે મૌન રહેતાં.

હવે સાધુ ના ભક્તો ની સંખ્યા માં રાતોરાત ધરખમ વધારો થઈ ગયો. કોઈ નો વર દારૂડિયો છે તો કોઈ નો દીકરો રખડું. ક્યાંક ગરીબી ની પીડા તો ક્યાક અસાધ્ય રોગ નું દુખ. સહુ સાધુ પાસે માથું ટેકવવા માંડ્યા. દરેક માટે સાધુ નો એક જ જવાબ હતો.

‘પરમાત્મા ને પ્રાર્થના કરો. મારા થી કાંઇ ન થાય.’

હવે તો શ્રદ્ધા વધુ બળવત્તર બની. સાધુ ના મુખ માં થી અનાયાસે વચન સરી પડે તો તે મિથ્યા ન જાય. પણ સાધુ તો કોઈને ક્યારેય તકલીફ મટી જશે એવા આશિર્વાદ આપતાં જ નથી. તેમની પાસે તો એક જ વાત:

‘પરમાત્મા માં શ્રદ્ધા રાખો. બાધા-આખડી –ચમત્કાર માં પડશો નહીં.’

મનુભાઈ ને આવી વાતો સાંભળી ને બહુ નવાઈ લગતી.

સાધુ મુખ પરનું દિવ્ય તેજ જાણે મનુભાઈ ને આકર્ષતું હતું અને તેમનાં સાન્નિધ્ય માટે પ્રેરતું હતું. મનુભાઈ તો હવે જાણે સાધુ ના શિષ્ય જ બની ગયા. હવે તે લાંબો સમય મંદિર માં ગુજારતા. આવડે તેવો અભ્યાસ કરતાં હતા. સાધુ ની સાથે જેમ જેમ સમય વિતાવતાં ગયા તેમ તેમ તેમને ખાતરી થતી ચાલી કે આ કોઈ સામાન્ય સાધુ નથી.

તેમનાં વહેલી સવાર ના ધ્યાન સમયે તેમનાં કાયમી સત્સંગી મનુભાઈ ને પણ કમરા માં જવાની છૂટ નહીં.

‘આ માર્ગ પર તો એકલા જ જવું પડે. ખુદ નો માર્ગ જાતે જ કંડારવો પડે. કોઈ નો સાથ માર્ગ ને સરળ નહીં,દુર્ગમ બનાવે. બસ અહી એક જ વસ્તુ ની જરૂર રહે અને તે તમારા ગુરુ ના આશિર્વાદ.’

મનુભાઈના મનમાં કેટલાંક સંશય ઉઠતાં.

‘મહારાજ, સાધના થી સિદ્ધિ મળે એ વાત સાચી? કોઈ યોગી આગ ના ગોળા થી દાઝે નહીં કે કોઈ લોખંડ ના સળિયા ખાઈ શકે. આ ગપગોળા હશે કે સાચી વાત?’

‘મન ની શક્તિ અમાપ છે. તેને એકાગ્રતા થી કેળવી શકાય તો બધુ શક્ય છે.’

‘તો શું ભૂતકાળ ની કે દૂર રહેલ વ્યક્તિ ની વાત પણ જાણી શકાય?’

‘એમાં પડવા જેવુ નથી.’

‘જાણવા મળે તો ફાયદો થાય ને?’

‘ના.કુદરત ની લીલા માં હસ્તક્ષેપ કરવા નો માણસ ને અધિકાર નથી.યોગાભ્યાસ થી ઘણી સિદ્ધિ હાંસલ થઈ શકે, પણ તેનું પ્રદર્શન એ પ્રચાર કહેવાય. સાચો સાધુ ન તો પ્રચાર માં પડે કે ન સિદ્ધિ મેળવવાની પાછળ પડે. આવી સિદ્ધિ પરમ તત્વ ની પ્રાપ્તિ માં બાધક નીવડે.’

ગઈ કાલ રાત થી સતત વરસાદ વરસી રહ્યો હતો. ગામમાં તો બધે જળબંબાકાર થઈ ગયો. મનુભાઈ ને ફાળ પડી.સાધુ મહારાજ નું શું થશે? તે વહેલી સવારે મંદિર તરફ દોડયા. ઘૂંટણભર પાણીમાં ચાલતાં લથબથ મનુભાઈ મંદિર પહોંચ્યા ત્યારે મંદિર માં પાણી પ્રવેશવા ની શરૂઆત થઈ હતી. સાધુ તેમના એકાંત-ખંડ માં સવાર ના ધ્યાન માં મગ્ન હતા. હવે? શું કરવું? મનુભાઈ કઈ વિચારે ત્યાં તો પાણી મંદિર ના ફળિયા માં થઈ સાધુ ના ખંડ સુધી આવવા લાગ્યું હતું.

મનુભાઈ દરવાજા તરફ દોડયા. અત્યારે સાધુ મહારાજ તેમની સાધના માં વિક્ષેપ પડવાથી કોપાયમાન થશે તેવો વિચાર કરવાં નો અર્થ ન હતો. પોતાનું જે જવું હોય તે થાય, મહારાજ ના જીવ પર જોખમ છે. તેમને બોલાવ્યે જ છૂટકો.

દરવાજો આંકડી વિના આમ જ વાસેલો હતો.મનુભાઈ એ સહેજ ધક્કો મારતાં જ ખૂલી ગયો.

‘આ શું?’ મનુભાઈ અનિમેષ નયને જોઈ જ રહ્યાં.

મહારાજ નું આસન જમીન થી ઉપર હવા માં અદ્ધર હતું. મહારાજ શાંતિ થી ધ્યાન ધરતા હતા.

અચાનક મહારાજ ની આંખ ખૂલી. આસન નીચે આવ્યું. મનુભાઈ તેમનાં પગ માં પડી ગયા,

‘ખલેલ માટે માફ કરો.. પાણી ધસી આવ્યું તેથી... હું ય મૂર્ખ..આપ તો ચમત્કારી છો...’

મહારાજે તેને ઊભા કર્યા. હાથ ઊંચો કરી આશિર્વાદ આપ્યાં.

‘કયો ચમત્કાર? તે કઈ જોયું નથી... પરમાત્મા નું રટણ કરો..’

તે સાંજે સાધુ નો ખંડ ખાલી હતો.બહુ ભાળ મેળવ્યા છતાં ય તે આજ દિન સુધી ખાલી જ રહ્યો છે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.