‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.’

કવિ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ અમે આત્મસાત કરીને આલ્પ્સના ખોળામાં આવેલા સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે નીકળ્યા હતા.અપ્રતિમ કુદરતી સૌંદર્ય ધરાવતા આ દેશમાં અલગારો પ્રવાસ કરવાનીઉત્સુકતા અને રોમાંચ બન્ને હતા. કોઈ ગાઈડ નહીં,કન્ડક્ટેડ ટૂર નહીં, ક્યારે ક્યાં જવું, ફરવું, પૂર્વનિર્ધારિત નહીં . મરજી પડે મન પડે ત્યાં ફરવાનું.સવારે આઠ વાગ્યે ખભે એક નાનકડી બેગ ભેરવીને નીકળી પડતા તે રાતના દસ વાગ્યે અમારા અન્તરિમ રહેઠાણ ગ્રિન્ડલ્વાલ્ડ પાછા ફરતા.જ્યારે જે ટ્રેન મળે એ પ્રમાણે એ સ્થળને પૂરેપૂરું માણવાનું.આ સમ્પૂર્ણ પ્રવાસમાંજો સૌથી અદ્ભુત લાગ્યો હોય તો તે સ્વિત્ઝરલેન્ડના લાઉટરબ્રુનેનમાં સ્થિત૭૨ ધોધની ખીણમાં આવેલો ઘૂઘવતો જળરાશિ ટ્રમેલ્બેક ધોધ.

લાઉટરબ્રુનેન સ્ટેશનથી બસમાં બેસીને અમે આઠ મિનિટમાં ટ્ર્મેલ્બેક પહોંચ્યા.કુદરતની કરામત અને માનવસર્જિત કરામતનો અજોડ સમન્વય એટલે પહાડોની ખીણોમાંથી ધસમસતો ટ્રમેલ્બેક ધોધ. આ ધોધના પ્રવેશદ્વારથી અમે પ્રવેશટિકિટ લીધી. એક ટિકિટનો દર ૧૧ સ્વિઝ ફ્ર્રેંક હતો. પ્રવેશદ્વારથી અંદર દાખલ થતાં લિફ્ટ્માં ઉપર જવાનું. લિફ્ટમાં એકસાથે ૨૦ થી ૨૫ માણસો ઊભા રહી શકે. આ લિફ્ટ પર્વતની અડધી ઊંચાઈ સુધી ધોધની એક્દમ નજીક પહોંચાડે.પણ પર્વતના સૌથી ઊંચા શિખર પર પહોંચવા બીજા ૧૮૯ પગથિયાં ચઢવા પડે.

સૌથી પહેલાં તો આ લિફ્ટ જોઈને જ આશ્ચ્રર્ય થયું કે આવા અડીખમ તોતિંગ પર્વતના ભૂગર્ભમાં આટલી ઊંચાઈ સુધી પહોંચાડતી લિફ્ટ કેવી રીતે બનાવી હશે! માનવસર્જિત અજાયબીનું આ પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ એટલે આ પર્વતમાં બનાવેલા રસ્તાઓ,બોગદાઓ,ગુફાઓ અને ગેલેરીઓ.

અમે લિફ્ટમાં ઉપર પહોંચ્યા અને જેવો લિફ્ટમાંથી પગ બહાર મૂક્યો કે નજર સામે જ પર્વતની અંદરથી તીવ્ર ગડગડાહટ અને ગર્જના કરતો વલોવાઈને પૂરજોશમાં આવતો ફીણયુક્ત વિશાળ જળસ્ત્રોત.ઓહ! આતો હજી ધોધ જોવાની શરૂઆત.અમને શું ખબર કે આનાથી વધુ રોમાંચક પળો અમારી રાહ જોઈ રહી છે!

ધોધની લગોલગ પર્વતમાં એવી ગુફાઓ બનાવવામાં આવી છે કે થોડાં થોડાં અંતરે ધોધને એકદમ નજીકથી ઉપરથી નીચે સુધી પડતો જોઈ શકાય.પર્વતમાંથી બનાવેલા રસ્તે અમે આગળ વધ્યા.ધોધનું સન્વેષણ કરવા માટેનો આ અજોડ રસ્તો.થોડું ચાલ્યા અને થોડાં પગથિયાં ચઢ્યા કે એક પરિસીમિત જગ્યા-˜˜ ગેલેરી આવી જ્યાં હું ઊભી રહી.આ ગેલેરી ધોધની એકદમ લગોલગ હતી.ધોધની ભીની વાછંટો મોં પર અડપલાં કરી જાય અને એની મસ્તી માણતાં ત્યાંથી હટવાનું મન ન થાય.થોડાં પગથિયાં ચઢ્યા અને અમે વધુ ઊંચે પહોંચ્યા ત્યાં બીજી ગેલેરી આવી.આ ગેલેરીમાંથી પ્રચંડ જળપ્રપાતને વધારે નજીક્થી જોયો. આ ધોધનું પાણી આખા વર્ષ દરમ્યાન પોતાની સાથે પાણીના પ્રવાહથી ગોળાકાર બનેલા ૨૦,૦૦૦ ટન પત્થરો અને કાંકરા ઘસડી લાવે છે, જે પર્વતમાં એક પ્રકારની ધ્રૂજારી ઉત્પન્ન કરે છે. મને લાગ્યું જાણે આખો પર્વત થરથર કાંપી રહ્યોછે.પર્વતની થરથરાહટ અને ધોધની ગડગડાહટ એક સાથે અનુભવી.

પર્વતના રસ્તે પગથિયાં ચઢતા ગયા અને ધોધની અલ્લ્ડમસ્તીને માણતા ગયા.૧૮૯ પગથિયાં ચઢીને પર્વતની ટોચ પર પહોંચ્યા ત્યારે મંત્રમુગ્ધ થઈ જવાય એવું દ્રશ્ય.એમ લાગે જાણે આકાશમાં વરસતાં વાદળોની વચ્ચે ઊભા છીએ. દર સેક્ન્ડે ઝૂંગ્ફ્રાઉ પર્વતની હિમનદીનું ૨૦,૦૦૦ લિટર પાણી પૂરઝડપે પર્વતની ખીણમાં પડે. પ્રત્યેક સેકંડે ૨૦,૦૦૦ હજાર લિટર પાણી ફેંક્તો આ જળપ્રપાત પર્વતને અંદરથી એકદમ ધૂંધળો કરી નાખે.

લાઉટરબ્રુનેન વેલી જેને મોટેભાગે ૭૨ ધોધની ખીણ કહેવાય છે એમાં સ્થિત આ ટ્રમેલ્બેક ધોધ યુરોપનો સૌથી વિશાળ ભૂમિગત ધોધ ગણાય છે. દુનિયાનો આ એકમાત્ર હિમનદી પીગળીને બનેલો ધોધ છે જ્યાં માનવસર્જિત અન્ડરગ્રાઉંડ લિફ્ટ, ગેલેરી, બોગદાં અને રસ્તા દ્વારા ધોધની અંદર સુધી પહોંચી શકાય છે.ધોધસુધી પહોંચવાનો રસ્તો જરા પણ લપસણો કે ચીકણો નથી. બોગદામાં પણ ઠીક ઠીક પ્રકાશ છે. આઈગર [૩૯૭૦ મીટર], મોન્ક [૪૦૯૯ મીટર] અને જુંગ્ફ્રાઉ [૪૧૫૮ મીટર] પર્વતની હિમનદીઓ પીગળીને આ ગર્જના કરતો ધોધ બને છે.પર્વતની ભીતર સ્થિત આવી ૧૦ હિમનદીઓનો ધોધ મળીને ટ્રમેલ્બેક ધોધ બને છે.આ ધોધ ‘યુનેસ્કોવર્લ્ડ નેચરલ હેરિટેચ સાઈટ’ તરીકે ઓળખાય છે.

આ ધોધને માણવા ઓછામાં ઓછા બે કલાક જોઈએ. તો ય મન તો ભરાય જ નહીં. સાંજના પાંચ વાગ્યે આ ધોધ જોવાનું પર્યટકો માટે બંધ કરવામા આવે છે. ના છુટકે અમારે પાછા વળવું પડ્યું. લિફ્ટમાં નીચે જવા માટે અમે ઊભા રહ્યા.અમને ખ્યાલ આવ્યો કે લિફ્ટ ઉપર આવશે ત્યારે એમાંથી ઉતરનારા પર્યટકો પણ હશે.એમને ઉતરવામાં મોકળો માર્ગ મળે એટલે અમે લિફ્ટની જમણી બાજુએ ઊભા રહ્યા. આ જોઈને યુરોપિયન લિફ્ટમેને અમારી તારીફ કરી, ‚‚’આઇ અપ્રીસિએટ યુ સ્ટેંડ ઑન રાઇટ’. કારણકે આપણા દેશમાં આપણે પ્રવેશદ્વારની ડાબી બાજુએ લાઈનમાં ઊભા રહીએ છીએ જ્યારે યુરોપમાં જમણી બાજુએ.એના આ એક વાક્યથી અમે ખુશ પણ થયા.

અમેરિકાસ્થિત નાયેગરા ધોધ પણ જોયો છે અને યુરોપનો આ ટ્રમેલ્બેક ધોધ . બન્ને વચ્ચે સરખામણીનો જરા જેટલો પણ અવકાશ નથી.બન્ને એકબીજાથી એકદમ ભિન્ન છે. નાયેગરા ધોધ કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સની સરહદ પર આવેલો છે.ટ્રમેલબેક ધોધ ખીણમાં આવેલો ભૂમિગત ધોધ છે. ટ્રમેલ્બેક ધોધ વધારે ઊંચો છે જ્યારે નાયેગરા ધોધ અત્યંત વિશાળ છે. ટ્રમેલબેક ધોધની ઊંચાઈ ૪૫૯ફૂટ [૧૪૦મીટર] છે જ્યારે નાયેગરા ધોધની ઊંચાઈ ૧૬૭ ફૂટ [૫૧ મીટર] છે.ટ્રમેલ્બેક ધોધની પહોળાઈ ૪૦ ફૂટ છે જ્યારે નાયગરા ધોધ ૨૬૦૦ફૂટ પહોળો છે.

સ્વિત્ઝરલેંડના પ્રવાસે જાવ અને ટ્રમેલ્બેક ધોધ ન જુઓ તો તમારો પ્રવાસ અધૂરો કહેવાય.મોકો મળે તો ફરી જોવાના સ્થળોની અમારી યાદીમાં ટ્રમેલ્બેક ધોધ સૌથી અગ્રેસર છે.

અલૌકિક ટ્રમેલબેક ધોધને માણતાં માણતાં સાંજ ઢળી ગઈ હતી. આ શાનદાર,અપૂર્વ ધોધ સાથે માણેલી ભીની ક્ષણોને સ્મ્રુતિમાં સંઘરી અમે ગ્રિંડલવાલ્ડ અમારા મુકામે પાછા ફર્યા.

.gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.