અટકી ગયેલો ડૂમો

જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે, આ વાત કેવી કોને ? સમજે કોણ ? શું હું આ વાત કહીશ તો કેવો/કેવી દેખાઈશ ? વગેરે. પરંતુ જ્યાં સુધી હૈયું ઠલવાય નહીં ત્યાં સુધી આંખમાં કણીની જેમ તે વાત ખૂંચ્યા કરતી હોય છે. મારા જીવનમાં પણ આવી જ એક કણી આંખોમાં ખૂંચી રહી છે. મને લાગે છે કે, છેલ્લાં ઘણાં સમયથી મારા દિલમાં ભરાઈ ગયેલો ડૂમો આજે આખરે ઓંકી જ દેવાશે. કારણકે, આજે મારા દિલની વાતને વાચા મળી છે. આશા છે કે, આ વાત કહેવાથી જરૂર મારું હ્રદય રાહતનો શ્વાસ લેશે.

વાત જાણે એમ છે કે, આજથી ત્રણેક અઠવાડીયા પહેલાં રવિવારનાં દિવસે મેં એક સામાજિક કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી. લગભગ દોઢ કલાકનાં જ ટૂંકા ગાળામાં સાતસોથી પણ વધુ રોપાનું વિતરણ કર્યું અને તેના ફોલો-અપ માટે લોકોનાં કોન્ટેક્ટ નંબર અને એવું તો ઘણુંબધું...મને પહેલેથી જ સમાજ માટે કંઈક કરવાનો કીડો ખરો જ...! એટલે જ રજાનો દિવસ આવા કાર્યોમાં જ વિતાવવાનું વધુ પસંદ કરું છું. એ રવિવાર પણ મેં આવા કાર્ય માટે ઝડપી લીધું. કારણકે, પૂરા છ દિવસ લાગી જતા હોય છે ફક્ત એક રવિવાર કમાવવામાં. પરંતુ મને ક્યાં ખબર હતી કે એ જ રવિવાર મારા અંતરમાં એક ખળભળાટ મૂકી જશે ! સામાજિક કાર્યમાં મારી કામગીરી પૂર્ણ કરીને હું તો મારા ઘર તરફ પરત ફરી રહ્યો હતો. જેમ-જેમ ઘર નજીક આવતું ગયું તેમ-તેમ મારી ‘રામ પ્યારી’ એવી એક્ટિવાની સ્પિડ પણ વધતી જતી હતી. ખબર નહીં અંતરનાં ક્યાંક ખૂણે સારું કામ કરવાનો આનંદ હોય કે પછી મહ્દઅંશે અહંકાર ! એ તો મારા અંતરને જ પૂછવાનું રહ્યું.

ઘરે પહોંચતા બસ ગણતરીનું જ અંતર બાકી હતું ત્યાં તો એક સાંકડી શેરીમાં ‘રાજુભાઈ માટલા કૂલ્ફી વાળા’ ઊભા હતા. વરસાદને લીધે રસ્તાઓ ખૂબ ધોવાઈ ગયા હતા. પરંતુ કાદવમાં પણ ‘રાજૂભાઈ’ તો મસ્ત ચમકતા હતા હો ! એમના ચહેરાનું અહીં હું વર્ણન નહીં કરું તો મને મજા નહીં આવે...! શ્યામ વર્ણ, ગાલ પર કરચલીઓ, નિતરતો પરસેવો, બત્રીસીમાં એક ચાંદીનો દાંત . વળી, ક્રિમ કલરનો શર્ટ અને ગ્રે કલરની પેન્ટ તો શોભામાં વધારો કરતા હતા. શેરીનાં છોકરાઓ તો ખૂબ આનંદિત દેખાતા હતા. કારણકે, ‘રાજૂકાકા’ની ઘંટડી વાગી હતી. પરંતુ મને ક્યાં ખબર હતી કે અનેક બાળકોનાં હૈયામાં ઘંટડી વગાડનાર એ ‘રાજૂકાકા’નું હું દિલ દુ:ખવીશ !

દૂરથી દેખાતી સાંકડી શેરી, આડેધડ પાર્કિંગ અને ઉપરથી આ કૂલ્ફીની લારીને જોઈને મારો ગુસ્સોતો ‘એક્ટિવ મોડ’માં આવી ગયો. ખબર ક્યાં હતી કે, એના લીધે મારી બેટરી બહુ જલ્દીથી ઉતરી જશે ! કદાચ, પ્રયત્ન કરત તો મારી એક્ટિવા નિકળી જાત, બસ… માત્ર મારા પગ થોડા કાદવ વાળા થાત. પરંતુ મારો ‘એક્ટિવેટેડ ગુસ્સો’ મને રોકી ન શક્યો. અને એથી વિશેષ કહું તો બે-ચાર માણસોને જોઈને મેં તો પેલા કુલ્ફીવાળાને ન બોલવાનાં બોલ ભોંકી દીધા. જાણે હું તો બધા જ નિયમો પાળતો હોઉં ને !!

બધા જ મને એકી નજરે જોતા જ રહ્યા. અરે...છોકરાઓનાં હાથમાં પિગળતી કૂલ્ફી પણ કદાચ કહેતી હશે કે યાર… હવે તો મને ટેસ્ટ કર...! આખરે, “આ લોકોને કોણ સમજાવે” એવા તુચ્છ સ્વરે હું તો ત્યાંથી નિકળી ગયો. છોકરાઓ તો કુલ્ફીની મસ્તીમાં વ્યસ્ત થયા પરંતુ પેલો કુલ્ફી વાળો તો પાછો વળી-વળી ને મને જોતો જ રહ્યો. સાહેબ ! અરિસો તો થોડી કોઈને છોડે ! એ તો વાસ્તવિકતાનું દર્શન કરાવે જ ને. એના ચહેરાની કરચલીઓ, નિતરી રહેલો પરસેવો અને હ્રદય માંથી ઊભરાતી મજબૂરીની વેદના મને સ્પષ્ટ સમજાતી હતી. આ બધઉં જોઈ અચાનક જ લાગણીનું ઝાપટું આવ્યું અને ઠેઠ અંદર સુધી હું તો પલળી જ ગયો. કારણકે, મારી પહેલેથી જ એવી પ્રકૃતિ કે, મને મુશળધાર જ માફક આવે, ભલે એ પછી વરસાદ હોય, પ્રેમ હોય કે વેદના. આખરે, લાગણી અને વેદનાનાં ડેમ સાથે હું ઘરે પહોંચ્યો. વિચારોનું તો વંટોળ ફૂંકાઈ જ રહ્યું હતું. મધ્યાને સુરજ તપતો હતો. મમ્મીએ પણ જમવા માટે સાદ પાડ્યો પણ ક્યાંથી જમવામાં મન લાગે. આંખો સામે તો પેલાનો ચહેરો જ તરતો હતો. ખરેખર, જો એ સમયે એ સમયે તે યાદોનું મિટર લગાવ્યું હોત ને તો સૌથી વધારે બિલ મારુ આવે. પરંતુ હ્રદયનાં ક્યાંક ખૂણે એવો પણ વિચાર આવી રહ્યો હતો કે, ગુસ્સામાં મેં ઘણું ગુમાવી દીધું પણ હવે સમજદાર થઈને શું કરીશ પરંતુ માહ્યલું થોડીને સ્વીકારે ?

મારી વ્યથા ઠાલવવા હું કોઈ અંગતની શોધમાં હતો. મધરાતે પણ કોઈપણ કારણ વગર જેને જગાડી શકું એવા મિત્રોની ટુંકી યાદી મારા ફોનનાં કોન્ટેક્ટ લિસ્ટમાં કાઢી અને તેમનો સંપર્ક કર્યો પરંતુ તેનાં જવાબથી મારા અંતરની ભૂખ ન જ મરી. આખરે, હું તો એક્ટિવાનો સેલ લગાવી ઉપડ્યો કુલ્ફીવાળાને શોધવા. લગભગ અડધો કલાક જેવો સમય વિતી ગયો હતો તો પણ સાહસ કરી હું તો ચાલી નિકળ્યો માફી માંગવા. કાશ.....એ મળી જાય અને હું એને સોરી કહું. પરંતુ અત્યંત વસવસા સાથે કહું તો એ વિરલો મને ક્યાંય મળ્યો જ નહીં. કહેવાય છે ને કે, લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે પણ ઝંખતો હોય છે. આખરે, ડેમમાં વેદનાની સપાટી ઉંચી લાવીને ઉતરેલી કઢી જેવું મોઢું પરત લઈને હું ઘરે ફર્યો. કાશ...એ મળી ગયો હોત, અને હું તેની માફી માંગી શકત અને એના હોઠ મલ્ક્યા હોત તો સાચે જ મારો રવિવાર સાચા અર્થમાં ફળીભૂત થયો હોત ! પણ ખરેખર...મને ભારે અંતરદ્રષ્ટિ થઈ. લોખંડનો મોટો દુશ્મન બીજો કોઈ નહીં પરંતુ એનો પોતાનો જ કાટ હોય છે. એવી જ રીતે તે ક્ષણે મારા બધા જ સ્વભાવો અને દુર્ગુણો મારી સામે છત્તા થઈ ગયા. અંતરથી જાણે અવાજ ન આવતો હોય કે, ભાઈ ! આભ ફાટ્યું એને સાંધવાની વાત છોડ, તારું છાપરું ચૂવે છે, તે પેલે સાંધ. આખરે, એટલું તો મને ખબર પડી કે પોતાનો લિસોટો લઈને પાણી ચાલ્યું ગયું. પરંતુ શું ખબર ઈશ્વરે જ એને મોકલ્યો હોય મને અંતરદ્રષ્ટિ કરાવવા. શું ખબર એના લીધે મારા જીવનમાં જબ્બર પરિવર્તન આવશે, શું ખબર નાનામાં નાના વ્યક્તિને સામાન્ય ન ગણવાની સારી સુટેવ મારામાં વિકસશે, શું ખબર વિશાળ દરિયાના ખારા પાણી બનવાને બદલે હું મીઠો ઝરણો તો બન્યો કે જ્યાં સિંહ પણ ઝૂકીને પાણી પીએ છે.

કોને ખબર કયા અને કેવા સ્વરૂપે ભગવાન આપણી પાસે આવી પહોંચતા હોય છે. જો માફી માંગવાની વાછટ પણ આવી ભીનાશ વાળી હોય તો એમના હ્રદયમાં જો ઈશ્વરને નિહાળત તો સંતોષ કેવો ધોધમાર હોત ! ખરેખર, દરેકે-દરેક વ્યક્તિમાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર જો ઈશ્વરને જોતાં શીખીશું તો ચોક્કસ આપણને ક્યારે પાછા જવાનો કે હડધૂત થવાનો વારો જ નહીં આવે.

ખરેખર, વિચાર અને વર્તનની પુખ્તતા તો આવા અનુભવો માંથી જ થતી હોય છે.

કિશન જોબનપુત્રા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.