ફૂલોની સુગંધનું નામ શું ?

આજે જ ભાઈકાકા ગામથી આવવાના છે. વિનય ખૂબ વહેલો ઊઠી ગયો અને બહાર ચાલીમાં આવીને ઊભો. ચાલી તો ક્યારની જાગી ગઈ હતી. કાટ ખાઈ ગયેલા પતરાના ડબ્બામાંથી તુલસીએ નહાઈ લીધું હતું અને પાણી જવાની બીકે આજુબાજુની ઓરડીમાં ધોવાતાં કપડાંનો અવાજ આવતો હતો. સૂરજ ઊગી ગયો હોવો જોઈએ, કારણ કે દૂરથી દેખાતાં સ્કાયસ્ક્રેપરની બારીઓના કાચ પહેલદાર હીરાની જેમ ઝગમગતા હતા.

આ મહાનગરમાં આવ્યા પછી, એણે સૂરજનાં કોમળ કિરણો કદી જોયાં નહોતાં. ગામમાં તો વહેલી સવારથી જ નાનું ઘર, એનું ખુલ્લું આંગણું, એના ફરતી વંડી, સઘળું જ ઝાકમઝોળ થઈ જતું. બહાર ઓટલા પર એ દાતણ કરવા બેસે, ત્યારે દાદાજી બજર ઘસતાં અચૂક બોલે : ‘વિનુ બેટા ! જરાક બેસજે હોં ! સવારનું સૂર્યસ્નાન તો બહુ સારું.’ ત્યાં ભાઈકાકા ખડકીમાં મોં નાખે : ‘નમસ્તે દાદાજી !’ પછી બોલે : ‘ચાલ વિનુ આ જરાક બજારે…’ એટલું જ કહેવાનું હોય ને વિનુ દોડતો ભાઈકાકા સાથે થઈ જતો અને રસ્તામાં તડકાનાં ખાબોચિયાં કુદાવતો બજારે જતો. ભાઈકાકા કસીને શાકભાજી લે ને પાછાં ફરતાં વિનુ માટે ખાટીમીઠી કે જામફળ…

‘કહું છું, કેમ વહેલા ઊઠ્યા ? રોજ તો અત્યારે ઘોરતા હો છો.’ એક બૂમ સાથે, એ ઝગમગતા તડકાવાળી શેરીમાંથી બંધિયાર ચાલીમાં ધકેલાઈ ગયો.

‘લ્યો ચા ! હા, ઠીક આજ તો તમારા ગામના કો’ક કાકા આવવાના છે કાં ! હાં, એટલે વહેલા ઊઠ્યા છો. કહું છું એટલો ય સૂઝકો નહીં પડતો હોય ! પંદર દિવસ પહેલાંના તમારા પાડોશી. ઈ વળી ક્યા સંબંધે આમ હાલ્યા આવે ?’

જવાબની એને ક્યાં અપેક્ષા હતી જ ? અને સમય પણ ક્યાં હતો ! મનુનો નાસ્તો, કુમુદને દસમા ધોરણના કોચિંગ કલાસમાં વહેલી ઉઠાડીને મોકલવાની, નોકરને ધોવાનાં કપડાં કાઢી આપવાનાં, ભેગાભેગી રસોઈ પણ કરતા જવાની. નગરજીવનની ખોલીમાં સવારની પ્રસન્નતા ગૂંગળાઈ જતી. પણ વિનય જાણે હજી ઓટલે બેસીને દાતણ કરતો હતો અને ભાઈકાકા ખડકીમાં મોં નાખી બોલાવતા હતા – ચાલ, વિનુ !

એક ઘૂંટડે ચા પી લઈ, ખીંટી પર ટિંગાતા પૅન્ટ-બુશકોટ ચડાવી એ જલદી નીકળી ગયો. અને કદાચ ટ્રેન આવી જાય તો ભાઈકાકા એને પ્લૅટફૉર્મ પર શોધ્યા કરે. ના ના, એમ તો બનવું જ ન જોઈએ. પોતાને ઘરે ભાઈકાકા પહેલી વાર આવે, અને એમને વિનુની રાહ જોવી પડે ! વહેલી સવાર હતી છતાં બસ જલદી મળી ગઈ, એટલે એ ખુશ થઈ ગયો. પાછાં વળતાં તો ટૅક્સી જ કરવી પડશે અને સાંજે ફરીથી સ્ટેશને મૂકવા જતાં પણ. એણે પહેલેથી 50 રૂપિયાની જોગવાઈ કરી રાખી હતી. ભાઈકાકા યાત્રા સ્પેશ્યલમાં જવા ખાસ મુંબઈ આવતા હતા. ઓફિસને સરનામે જ્યારે પહેલી વાર સ્વચ્છ દાણાદાર અક્ષરમાં ભાઈકાકાનો પત્ર આવ્યો હતો કે મૅનેજરનો કાગળ ટાઈપ કરવાને બદલે માત્ર ભાઈકાકા ભાઈકાકા જ ટાઈપ કરવાનું દિલ થઈ આવ્યું.

એ બારી પાસે બેઠો હતો અને ભીડ વગરના રસ્તા પરથી ઝડપથી બસ પસાર થતી હતી. ભાઈકાકાનો ચહેરો યાદ કરવા મથી રહ્યો : ગોરું વિશાળ કપાળ, ઊપસી આવેલા ગાલ, ઝીણી આંખો પર પાતળી ફ્રેમનાં ચશ્માં, જે લગભગ તો તૂટેલી દાંડીને લીધે દોરીથી કાને ભરાવ્યાં હોય. બાપુ અને ભાઈકાકા ખાસ દોસ્ત. ગામની એક જ નિશાળે જોડે ભણેલા. બાપુ મોદીની દુકાને બેસતા, ભાઈકાકા ગામના શેઠનું નામું લખતા. કન્ડક્ટરે જોરથી ઘંટડી વગાડી – બસ ખાલી હોતા હૈ. એ નીચે ઊતરી ગયો. સ્ટેશન પર ખૂબ ભીડ હતી. સામાનના ખડકલા સાથે લોકો આમતેમ ફરતાં હતાં. સારું થયું એ વહેલો જ આવી ગયો, નહીં તો એવડું મોટું પ્લૅટફૉર્મ અને આટલી ગાડીઓ – મુસાફરોનો જમેલો જોઈ બિચારો ગામનો જીવ જરૂર ગભરાઈ જાત. એણે પ્લૅટફૉર્મ ટિકિટ લીધી, ગાડી આવુંઆવુંમા હતી એટલે એ પ્લૅટફૉર્મ પર આંટા મારવા લાગ્યો.

બાપુ, ભાઈકાકા અને દાદાજીનો એના માટે પ્રણયત્રિકોણ હતો. અને એક દિવસ અચાનક ત્રિકોણનો ત્રીજો ખૂણો તૂટી ગયો – બાપુ અચાનક ગુજરી ગયા. મા તો ક્યારની યે ચાલી ગઈ હતી અને હવે બાપુ પણ નહીં; પરંતુ ભાઈકાકાની રેખા ખેંચાઈને ત્રિકોણનો ખૂણો ફરી ક્યારે રચાઈ ગયો એની ખબર પણ ન પડી. રાત્રે ફાનસના ઝાંખા પીળા પ્રકાશમાં એ દાદાજીએ મોતિયાની નજરે રાંધેલી કાચીપાકી ખીચડી ખાતો હોય ત્યાં ભાઈકાકા દાદાજી પાસે મહાભારત વાંચવા આવે. પછી વાતો કરતાં અચાનક યાદ આવ્યું હોય એમ કહે : ‘લ્યા વિનુ ! દોડ તો જરા. ઘરે જા તો, ચશ્માં ભૂલી ગયો.

વિનુ ચશ્માં લેવા જાય ત્યારે ભાઈકાકાના મોટા પરિવારનું રસોડું ચાલતું હોય અને હા-ના કરતાં એ ગરમ રોટલા, રીંગણાનું ભરત ને દૂધ ખાઈને આવે. રજની બપોરે ભાઈકાકાનો દીકરો અચૂક બૂમ પાડે : વિનુ ! પત્તાંની બાજી જામી છે. પછી પત્તાં રમતાં ગોળપાપડી, તીખા ગાંઠિયા સાથે ખવાતાં જાય. ત્યાં કાકીની નજર પડે, અલ્યા વિનુ ! જરા ખમીસ ઉતાર તો. વિનુ બાજીમાં મશગૂલ, અને આ બાજુ ખમીસ સંધાઈ, બટન ટંકાઈને તૈયાર. દાદાજીના મૃત્યુ પછી તો એવા બહાનાની યે જરૂર ન રહી. ત્યારે એ બાજુના શહેરની કૉલેજમાં ભણતો. ભાઈકાકાએ પાસે બેસાડી કહી દીધેલું – જો વિનુ ! આજથી રસોડામાં પગ મૂક્યો છે તો ખબરદાર ! હવે તો તારી વહુ આવે ત્યારે જ રસોડું ખૂલશે. શું સમજ્યો !

વિનુની આંખો વહેવા માંડી : ‘ભાઈકાકા ! નાનપણથી તમારા જ ઘરમાં ખાઈને આવડો થયો છું. હવે તો….’ ‘મારા ઘરનું ? લ્યા કોનું ઘર ? દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ. જે છે તે બધું ઉપરવાળાનું, ભાઈ. હું તો વચ્ચેનો વાણોતર.’ વિનયને ચોક્કસ ખાતરી હતી કે ભાઈકાકાને દીકરી હોત તો નક્કી પરણાવીને જ મુંબઈ મોકલ્યો હોત, એટલી ચિંતા એમને રહેતી. એમના અવારનવાર કાગળો આવતા : ભાઈ ! શરીર સંભાળજે. બહારનું ખાવું નહીં. બીડી-સિગરેટ-પાન વર્જ્ય ગણજે. ત્યાંની ભેજવાળી હવામાં ક્ષય થતાં વાર ન લાગે.

પોસ્ટકાર્ડ આવતું ત્યારે પુષ્પા અચૂક કહેતી, ‘લ્યો આ તમારા વેદિયા કાકાનું પોસ્ટકાર્ડ ! પહેલી વાર એણે કાગળ વાંચેલો ત્યારે એણે પૂછ્યું હતું : ‘આ ભાઈકાકા કોણ છે ? એને અને તમારે શો સંબંધ ?’…. સ્ટૉલ પરથી સિગરેટ-પાકીટ લીધું તેવું જ એણે મૂકી દીધું. ના, આજનો દિવસ નહીં. ભાઈકાકા સાથે શો સંબંધ ? એ પ્રશ્નનો કોઈ નિશ્ચિત જવાબ ત્યારે પણ નહોતો સૂઝ્યો અને આજે પણ એની પાસે ઉત્તર નહોતો. ફૂલનાં અનેક નામ છે. આ ગુલાબ, પેલો ચંપો, આ મોગરો…. પણ એની સુગંધનું નામ શું ? રૂંવે રૂંવે જેની માણપ રહે એ સુગંધ. પરિચિતતાનો કોઈ અણસાર ન રહે એવા નિબિડ અંધકારમાં તમે ઊભા હો અને કશેકથી સુગંધની લહેર વહી આવે, તમારા અસ્તિત્વને વીંટળાઈ વળે, એ સુગંધનો પરિચય શી રીતે આપી શકાય ?

નગરજીવનનાં ભારે ઘંટીનાં પડની વચ્ચે એ ધીમે ધીમે દળાતો ગયો અને રંગીન જિંદગીનાં સ્વપ્નાં દીવાની જેમ આંખમાંથી ઓલવાઈ ગયાં, ત્યારે કોઈક ગામવાળાએ સમાચાર આપ્યા : તમારી બાજુમાં પેલા ભાઈકાકા રહેતા હતા ને ! બિચારા દુ:ખી થઈ ગયા. પત્ની ગુજરી ગઈ. વચલો દીકરો સાધુ-બાવાની મંડળી ભેગો ભાગી ગયો અને નાનો તો કે’ છે બહુ માંદો રે’ છે. અત્યારે તો આખા ઘરનું ગાડું મોટો દીકરો ખેંચે છે.

એ સાથે જ આ બંધિયાર ઓરડીઓમાં ઘૂંટાતો અંધકાર, સઘળું ભૂલીને, એના મનમાં ખોબા જેવડા આંગણાનો ઝાકમઝોળ તડકો ફેલાઈ ગયો. તરત એણે ભાઈકાકાને કાગળ લખ્યો : નાનાને લઈ અહીં દવા કરાવવા આવો. આ તમારું જ ઘર છે. પુષ્પાએ એ કાગળ વાંચી લીધેલો. તે દિવસે પણ આમ જ એણે પ્રશ્ન કર્યો હતો – તમારે અને ભાઈકાકાને શો સંબંધ ?

ગાડી આવતી દેખાઈ. પ્લૅટફોર્મ પર હલચલ મચી ગઈ. કેટલાં વર્ષે એ ભાઈકાકાને જોશે ? એ ભાઈકાકાને લખેલો એણે છેલ્લો પત્ર ! દેખીતો બાહ્ય તંતુ જે એને ગામ સાથે, ભાઈકાકા સાથે જોડતો હતો તે તો વર્ષોથી તૂટી ગયો હતો; પણ હૃદયમાં ઊંડે ઊંડે, એ આંગણું, ખડકીમાં ભાઈકાકાનું મોં નાખીને બોલાવવું, ગોળપાપડીનો સ્વાદ સઘળું જેમનું તેમ સંઘરાઈને પડ્યું હતું.

ગાડી આવી ગઈ. એ દરેક ડબ્બાની બારીમાં મોં નાખી અધીરાઈથી ભાઈકાકાને શોધવા લાગ્યો. ઉતાવળે બધે જોઈ વળ્યો પણ ભાઈકાકા ક્યાંય દેખાયા નહીં. એ ખૂબ નિરાશ થઈ ગયો. પોતે એમને ઓળખી નહીં શક્યો હોય એવું તો નહીં બન્યું હોય ? રસ્તે ચાલ્યા જતાં અચાનક ઠોકર વાગે ને આંગળી છૂંદાઈ જાય એમ મનમાં દુ:ખનો સણકો ઊપડ્યો. અરે, હું ભાઈકાકાને ઓળખી ન શકું એટલાં વર્ષોથી નથી મળ્યો ? પૅસેન્જરો જવા માંડ્યા હતા અને અડધું પ્લૅટફોર્મ ખાલી થઈ ગયું હતું. એ જવાનું વિચારતો હતો ત્યાં કોઈ બોલ્યું, આ આપણો વિનુ તો નહીં ! એ ચમકી ગયો. એ વૃદ્ધજનને એણે બાજુમાં ઊભેલા જોયા. એણે પૂછ્યું : ‘તમે મને બોલાવ્યો ?’

‘કેમ નો ઓળખ્યો મને ? ચીમનલાલ માસ્તર ભાઈકાકાને તેડવા આવ્યો છે ને !’

‘હા ચીમનકાકા ! જુઓ આ કાગળ. તારીખ તો આજની જ છે. પણ તમે અહીં ક્યાંથી ? અને ભાઈકાકા ક્યાં ?’

‘ભાઈ ! અમે ત્રણેય, આ કુંદનરાય, ઓળખ્યા કે નહીં ! તારી ખડકીથી ચોથું મકાન. હા, તો અમે બધાએ આ યાત્રા સ્પેશ્યલમાં જવાનું નક્કી કર્યું. ગાડી તો મુંબઈથી ઊપડવાની. મેં કહ્યું આપણે બધાં મારા ભત્રીજાને ત્યાં જ રે’શું. એક દિવસનો સવાલ છે. પછી એને મોટર એટલે સામાન…’

‘પણ ભાઈકાકા ક્યાં ?’

‘છેલ્લી ઘડીએ માંદા પડ્યા. ડિલ એવું ભાંગી ગયું. ઉઠાય જ નહીં. ત્યાં બે મહિનાથી રખડપટ્ટી ક્યાંથી થાય ? અમે નીકળ્યા ત્યારે બહુ રડ્યા હો વિનુ ! તને કાંઈ સંભારે…. મને કહે, જાત્રા ન થઈ તેનું લાગ્યા કરતાં વિનુને ન મળાયું એનું દુ:ખ રહી ગયું. હું હવે કેટલા દિવસ !’

પ્લૅટફૉર્મ હવે ખાલી થઈ ગયું હતું, અને એ બાંકડા પર બેસી રહ્યો હતો. એ બહાર જવા ઊઠ્યો. અચાનક, જતાં જતાં એ અટકી ગયો. ટિકિટબારી પર લાંબી લાઈન હતી, ત્યાં ઊભો રહી ગયો. મોડેથી એ ઘરે પહોંચ્યો ત્યારે પુષ્પા રસોઈ કરીને એની રાહ જોતી હતી. અને એકલાને જોઈ પુષ્પા બોલી :

‘લ્યો, ન આવ્યા ને તમારા ભાઈકાકા ? હું તો પહેલેથી જ કહેતી’તી. નકામાં શિખંડ-પૂરી કર્યાં.’

‘ચાલ, જલદી થાળી પીરસ. મારે બૅગમાં કપડાં ભરવાનાં બાકી છે. સાંજની ગાડી પકડીને જવું છે. ભાઈકાકા બીમાર છે.’

પુષ્પા આશ્ચર્યથી એને જોઈ રહી. ‘તે તમે આટલો ખર્ચ કરી છેક ગામ એમની ખબર કાઢવા જશો ? ગમે તેમ તો ય પાડોશી. કહું છું, તમારે ને એમને તે વળી ક્યો સંબંધ ?’ વિનય કશું બોલ્યો નહીં. એણે ઝડપથી બૅગ ભરવા માંડી.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.