રોજના ક્રમ મુજબ આજેય હીરુ સૂરજ ઉગે એ પહેલા કૂવે પાણી ભરવા પહોંચી ગઈ પણ આજે એ કૂવો અને સવાર રોજ જેવા ન લાગ્યા એને ...ક્યાંથી લાગે? આજની સવાર તો, એના માટે ઉત્સાહ અને ઉમંગની હેલી લઈને આવી હતી. અને આ આજની સવારની રાહ પણ કેટકેટલી જોઈ હતી! પુરા પાંચ વર્ષોથી, આજની આ ગમતી સવાર માટે તે જાણે તલસી રહી હતી- તરસી રહી હતી. માંડ આઠ-નવ વર્ષની હશે ત્યારથી એ આ કૂવે પાણી ભરવા આવતી. પહેલાં શરૂઆતમાં તેની માડી સાથે આવતી. માડીને ડર હતો કે, ક્યાંક મારી હલકી ફૂલ જેવી, રૂપકડી દીકરી એકલી જાય અને કુવામાં ઉથલી પડે તો!


એ કૂવો સમય જતાં એનો ખાસ દોસ્ત બની ગયેલો. સરખે સરખી સહેલીઓ સાથે તે વહેલી સવારે આવતી, ત્યારે જે રીતે જાતજાતની ગોષ્ટી કરતી, તેટલીજ આત્મીયતાથી તે કૂવાને પણ પોતાના મનની વાત કહેતી. એક દિવસ આજની જેમ જ વહેલી સવારે કૂવે ગઈ, તો હજી તેની કોઈ સખી આવી નહોતી. ધીમે ધીમે લહેરાતી હવાને માણવા તે કૂવાના થાળામાં બેસી ગઈ. આમ પણ સૌ સહેલીઓ આવે પછી જ અલકમલકની વાતો કરીને, શાંતિથી પાણી ભરીને ઘેર તો બધાએ સાથે જ જવાનું હતું. સૂર્યોદય પહેલાંની ઉઘડતી સવાર, મંદ મંદ લહેરાતી હવા અને રૂપકડા તનમાં ઉઘડતું યૌવન, આ બધાંનાં ઘેનમાં તે આંખો બંધ કરીને બેસી રહી.


"અરે, ખીલવાને આરે આવેલી આ ઉગતી કળી અત્યારે અહીં બેસીને શું કરે છે?"અચાનક કોઈ પુરુષનો અવાજ સાંભળીને હીરુ ચમકીને ઉભી થઇ ગઈ. " કુણ સ ? અતારમોં ચમ ઓંય આયા સો ?" "લ્યો કેવું પૂછો છો, કુવા પાસે તો તરસ્યો જ આવેને. પાણી પાશો?" "હોવ, આ કાઢીને આલું અબઘડી. શી નાતના સો?" પાણી પી રહ્યો એટલે જુવાને જવાબ આપ્યો, "તમારી જ નાતના છીએ, પણ ભણવા બા'ર રહીએ એટલે બોલી જુદી પડે છે." આ જવાબથી બંને જાણે એકદમ નજીક આવી ગયાં. આંખોથી જ એકરાર થઇ ગયો. હીરુ તો છોકરી એટલે મનની વાત મનમાં જ રાખી, પણ ઓલ્યો જુવાનિયો -બીજલ, એણે તો પાછા જઈને એની માને મોકલી, માંગુ નાખવા. સગાઇ થઇ ગઈ. અને લગ્ન એ શરતે થયાં, કે હીરુ અત્યારે માંડ પંદરની જ છે, એટલે આણું પાંચ વર્ષો પછી કરશે. બીજલ પણ આ વાતથી રાજી જ હતો, કારણ કે તેનું ભણવાનું પણ પાંચ વર્ષ તો ચાલવાનું હતું.


દોસ્ત બની ગયેલો કૂવો અને ધુંધળી સવાર આમ તો એનાં કાયમનાં સાથીદાર હતા, પણ આજે... આજે, જાણે તે બંને અતિ આત્મીય આપ્તજન બનીને હીરુને રડાવી રહ્યાં હતાં. શું કાલથી આ કૂવો, આ સુંદર સવાર, આ થાળું, આ ઊડતી ચકલીઓ, આ લહેરાતી હવા એ બધું અહીં જ છોડીને મારે જવાનું! ગભરુ હીરુને સમજાતું નહોતું. હસવું કે રડવું, ખુશ થવું કે દુઃખી! બંને લાગણીઓનો અતિરેક આ જુવાનડીને અકળાવતો હતો. દુનિયાભરની વિદાય લેતી દીકરીઓના મનની સ્થિતિ હીરુમાં પ્રતિબિંબિત થઈ રહી હતી. એનું કારણ....


આજે હીરુનું આણું હતું. પરણ્યાં છતાં ગામડાની મર્યાદાને લીધે મનનાં માણિગરને નજરે જોવાનું સૌભાગ્ય પણ નહોતું મળતું. લગ્ન પ્રસંગે બધા ભેગાં થતા ત્યારે, આંખો ઠરતી. પણ આવું મિલન તલસાટ વધારવા શિવાય કઈં કામનું નહોતું. પણ હવે આજે તેનો બીજલ--પોતાનો પ્યારો પતિ, તેને તેડવા આવવાનો હતો! જીવનભર ઝંખેલું તે પામવાની રળિયામણી ઘડી હતી. તો જે છોડવાનું હતું તેય અમૂલ્ય હતું। એક બાજુ હરખની હેલી રોકી રોકાતી નહોતી. બીજી બાજુ જુદાઈનો રંજ વિદાયને ગંભીર બનાવી રહ્યો હતો.


આજે છેક બાર વાગ્યા પછી બીજલ અને તેના ઘરનાં અહીં પહોંચવાનાં હતાં પણ વરઘેલી બનેલી હીરુ અંધારામાં જ કૂવે પહોંચી ગઈ. થોડીવારમાં એકપછી એક બધી સહેલીઓ પણ આવી પહોંચી. રોજની જેમ વાતોના તડાકા શરુ થયા.હજી સુધી કોઈને યાદ નહોતું આવ્યું કે આજે હીરુનું આણું છે. નહિ તો તેને ચીડવી મારત. પણ થોડી જ વારમાં હીરુનાં મોં ના મલકાટની નોંધ લેવાઈ ગઈ અને શરુ થઇ છેડખાની. સમયના ભાન વગર સૌ મસ્તી કરતાં રહ્યાં.


પાણી ભરીને સૌ સખીઓ તોફાની મૂડમાં જ પાછી ફરતી હતી ત્યાં રસ્તામાં હીરુનો ભાઈ મળ્યો તેને કહ્યું, "હીરુ, જમાઈભા ને એક્સિડેન્ટ થયો છે એટલે અમે બધાં ત્યાં જઈએ છીએ તું ઘેર જા." સાંભળીને તેને હૈયે ફળ પડી, મનમાં ધ્રાસ્કો પડ્યો અને તન બેકાબુ બનીને દોડવા લાગ્યું. ઘડા પછડાયા અને પાણી રેલાયું. હીરુને દોડતી જોઈને સખીઓ અને એકબે બીજા પાછળ દોડવા લાગ્યા. તેને પકડી -પકડીને ઘરે જવા સમજાવી પણ હીરુ છોડાવીને દોડતી રહી. છેવટે તે કૂવે પહોંચી. થોડીવાર ઉભી રહીને ચારે તરફ જોતી રહી, પછી શૂન્યમનશ્ક થઈને કૂવાનાં થાળા પર બેસી ગઈ. બધા બોલતા રહ્યા સમજાવતા રહ્યા, પણ હીરુ બેખબર હતી.


બે કલાક પછી બીજલ તથા સાથે આવેલા સૌને લઈને બધા પાછા આવ્યા. એક્સિડેન્ટ થયો તો હતો પણ બધા સલામત હતા. થોડો ઘણો પછડાટ અને ઘસરકા જેવી નાની મોટી ઇજા થઇ હતી તેની સારવાર કરાવીને લાવ્યા હતા.આ દરમ્યાન કેટલાય જણ હીરુને લેવા- સમજાવવા ગયા, પણ તે જાણે ભાનમાં જ નહોતી આઘાતથી તે સહેમી ગઈ હતી. ઘરમાં રસોઈ તૈયાર હતી. જમવાની વાત નીકળી ત્યારે, બીજલની આખો હીરુને શોધવા લાગી. હીરુના ભાઈએ કહ્યું કે હીરુને એક્સિડેન્ટની વાત સાંભળીને આઘાત લાગ્યો છે અને તે કૂવે જઈને બેસી ગઈ છે કશું સાંભળતી નથી.સાંભળતાં જ બીજલ ઉભો થઈને કુવા તરફ દોડ્યો. એની પાછળ બીજા બધા પણ પહોંચ્યાં. સૌ સૌની રીતે હીરુને સમજાવતા રહ્યા છેવટે મર્યાદા મૂકીને બીજલ તેની પાસે ગયો થોડી વાર પ્રેમથી જોઈ રહ્યો, પછી તેનો હાથ પકડીને કહ્યું, "અરે, ખીલવાને આરે આવેલી આ ઉગતી કળી અત્યારે અહીં બેસીને શું કરે છે? "


અવાજ સાંભળીને ફરી એકવાર હીરુ ચમકી અને પૂછ્યું," મને લેઇ જાહોને? " " તને લેવા તો આવ્યો છું. ગાંડી, લે ઉઠ હવે, તે દી તો તરસ્યો હતોને તેં પાણી પાયું તું. આજે ભૂખ્યો છું ભલી થઈને ખાવાનું આપ."


અને એકદમ ભાનમાં આવી હોય તેમ બીજલના હાથમાંથી હાથ ખેંચી લીધો અને માથું ઢાંકીને ઘર તરફ ચાલવા લાગી. બીજલ સલામત હોવાની લાગણી અને ભાવિ મિલનનું સમણું તેના પગલામાં ઉત્સાહ વહાવતાં હતાં.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.