મૂળ લેખક : બૃજેશ સિંહ

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : સુલાતાનસિંહ

[ સમય - વર્ષ ૨૦૧૪ ]

[ બિહારનું ભગલપુર જિલ્લામાં આવેલું એક ગામ દરૌલી. ]


૧.


"આવી ગયા તમે. જઈને જુઓ તમારી માના કરતૂત. શુ હાલત કરી નાખી છે ઘરની. સવારથી ઘરમાં તોફાન મચાવી રાખ્યું છે. જીવવું પણ હવે તો ઘરમાં દુષ્કર થઈ ગયું છે. રોજ ખાવાનું ફેંકી દે છે... આ નહીં ખાઉં... પેલું નહીં ખાઉં. જીવનું ઝંઝાળ, રોજ-રોજની ઝંઝટ છે. ભગવાન પણ નથી બોલાવતા એમને ઉપર. કોણ જાણે કેવા નસીબ લઈને આવ્યા છે. ખબર નહીં હજુ કેટલા દિવસ ભોગવવા પડશે? મનમાં તો આવે છે કે કાલે જ પિયર જતી રહુ મારાથી નથી સહન થતું હવે આ બધું. તમારી માઁ છે... તમે જ સહન કરો"


રતનના ઘરમાં આવતાની સાથે જ મીનાએ સાસુના કારસ્તાન વિશે વાતો શરૂ કરી દીધી. જાણે કે ગુસ્સો આજે સાતમા આકાશે હતો. જાણે આજે તો સાવ આરપારની લડાઈ લડી જ લેવાના મૂડમાં હતી. જો કે ફરિયાદો તો હંમેશા કર્યા કરે છે એ, પણ આજે એ માત્ર ફરિયાદોથી માનવાની ન હતી. નક્કી કરી લીધું હતું, હવે કા'તો ઘરમાં એ રહેશે કા'તો પછી એની સાસુ.


"કેમ ગાંટા પાડે છે? ઘરમાં આવ્યા નથી ને તમારા લોકોનો કકળાટ ચાલુ. જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે તમે લોકોએ ઘરમાં. હવે શું થયું? શુ કર્યું મમ્મીએ આજે? બોલ..." રાડ પાડીને રતને એની પત્નીને પૂછ્યું. એનો ચહેરો ભડકી રહ્યો હતો. એક તરફ આટલી ગરમીમાં ભરબપોરે ચાર કિલોમીટર ચાલવાનો રસ્તો. ઉપરથી ઘરનો કકળાટ. ગમે એનો પારો ચડી શકે છે. એજ સ્થિતિ રત્નની પણ હતી અત્યારે...


ત્યારે જ ઘરની મોટી વહુ પુષ્પા પણ બોલી પડી "મીનાને શુ પૂછો છો? તમને નથી ખબર કે શુ છે તમારી માની કરતૂતો? એક દિવસની તો આ વાત છે નહીં. રોજનું નાટક છે એમનું તો, આજે તો ખાવાની થાળી ઉપાડીને પછાડી દીધી. આજ હાલ રહ્યા તો ઘરમાં આપણો નિર્વાહ પણ નહીં થઈ શકે."


આમ તો, બંને દેરાણી જેઠાણી આડા દિવસે એકબીજા સાથેય ઝઘડતી. પણ, જ્યારે સાસુ સાથે ઝઘડવાનું થાય ત્યારે બંને એક થઇ જતી.


"સાચું જ કહે છે પુષ્પા. મમ્મી એ તો હવે જીવવું દુષ્કર કરી નાખ્યું છે જાણે. હવે તો એના કારણે બે વખતના રોટલા ખાવા પણ મુશ્કેલ થઈ ગયા છે. માન્યું કે આપણી મા છે, સારું નથી લાગતું બોલવું. પણ હવે કોઈને કોઈ રસ્તો તો કાઢવો જ પડશે. કંઇક વિચાર રતન" મોટાભાઇ રામજતને રૂમમાંથી નીકળતી વખતે કહ્યું.


"પણ ભાઈ, બધી જ ભૂલો મમ્મીની તો નહીં હોય. આ લોકો પણ કઈ ઓછા નથી. જ્યારે એની બધી આદતોને જાણે છે, તો પછી કેમ દૂર નથી રહેતી એનાથી. છોડી દો એકલા ખૂણામાં, ત્યાંજ એકલી બોલબોલ કરશે. એમ કરીએ, ઉપર જે રૂમ ખાલી પડ્યો છે ને... ત્યાંજ મમ્મીની ગોઠવણ કરી નાખીએ. ત્યાંજ જીવે અથવા મરે, બલા તો ટળશે." રતન સલાહ આપતો હોય એમ બોલ્યો.


"હા એ યોગ્ય રહેશે. ખાવાનું પણ આપણી વારી પ્રમાણે ત્યાંજ આપી આવીશું. પછી ભલે ખાએ કે ફેંકે આપણે શું? આપણે તો આપણી જવાબદારી નિભાવી દઈશું. કોઈ એમ તો નહીં કહે કે આપણે ડોશીનો ખ્યાલ નથી રાખતા. હવે જો નસીબમાં આ નરક વેઠવું લખ્યું છે તો, ભોગવવું તો પડશે જ ને. રતન, તું આજેજ એમનો સામાન ઉપરના રૂમમાં મૂકી દે. હવે એક મિનિટ પણ એમને નીચે સહન કરવા મુશ્કેલ છે. એક તો એમની ગંદકી આપણે સાફ કરીએ. ઉપરથી એમના ખુલા આભ જેવા નખરા." પુષ્પાએ તરત એનો નિર્ણય સંભળાવી દીધો. બધાએ એની હા માં હા પણ મિલાવી દીધી.

૨.

બિચારી સિત્તેર વર્ષની ઘરડી મા ઘરના બીજા ખૂણામાં લપાઈને ડુસકા ભરતી પોતાના દીકરા અને વહુની વાતોને સાંભળવાની કોશિશ કરી રહી હતી. પાલવથી મૉ દબાવીને પોતાના રુદન પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી હતી. પણ આંખોથી વહેતા ટપ-ટપ આંસુ અટકવાનું નામ પણ નથી લઇ રહ્યા. જે બાળકોને દુનિયાથી બચાવીને છાતી સરસા લગાડીને પાળ્યા, એજ આજે એને ઘરમાંથી કાઢી ફેંકવાની યોજના બનાવી રહ્યા હતા. વહુઓથી એને કોઈ આશા નથી, એ તો પરાયા ઘરથી આવેલી હતી. પણ દીકરાતો એનું સગું લોહી છે. આટલા ક્રૂર એ કેવી રીતે થઈ ગયા. લગ્ન પહેલા તો એ એને પલકારે બેસાડી રાખતા હતા. લગ્ન થતા જ કેવી રીતે બદલાઈ ગયા. એક વખત માને પૂછતાં પણ નથી કે સમસ્યા શુ છે. બસ પોતાની પત્નીના કહેવા પર ચાલી રહ્યા છે. એમાં પણ મારા દિકરાઓની ભૂલ નથી. આ તો એ બંને વહુઓનું ત્રેયાચરિત્ર છે. ફસાવી લીધા છે બંને જણે મારા દીકરાઓને. એટલે જ તો પોતાની મા થી પણ મોં ફેરવીને બેઠા છે મારા લાડલા. જ્યારે બંને ઘરમાં આવી હતી, ત્યારે કેવી ભોળો ચહેરો બનાવીને રહેતી હતી. પણ બે મહિના વીત્યા નથી કે પોતાનો રંગ દેખાડી દીધો બંને જણે. હે ભગવાન, આવી ક્રૂર વહુઓ કોઈને ન આપે.


રોતી વખતે પણ ઘરડી મા મનમાં ને મનમાં બંને દીકરાઓને લાખો દુઆઓ આપતી હતી. મા ના દિલમાંથી દુઆઓને સિવાય બીજું નીકળી પણ શું શકે છે. એને જ તો મા કહેવાય છે. સપનામાં પણ પોતાના સંતાનનું અહિત વિચારી નથી શકતી. ભરજવાનીમાં સુહાગ વિખેરાયા પછી પણ દુનિયાના સામે હાર ન માની એમને. કોઈ સહારા વગર એકલા જ બંને સંતાનોને પાળી પોષી મોટા કર્યા. જીવનભર ગામના ઠાકુર અને બ્રાહ્મણ દેવોના ઘરના વાસણો ધોઈ ધોઈને બંને દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા હતા. જીવનભર ઝુંપડીમાં જ રહ્યા. ક્યારેય પોતાના માટે કઈ નથી વિચાર્યું, નથી બચાવ્યું. બાળકો જ એમનું જીવન હતા. એને આશા હતી કે એક દિવસ બંને મોટા થશે અને એનું બધું દુઃખ દુર કરી દેશે. એવી આશાના સહારે એણે બધા દુઃખદર્દ પણ સહી લીધા. ગામમાં એક યુવાન અને સહારા વગરની વિધવા સ્ત્રીનું જીવન નિર્વાહ સરળ નથી હોતું. લોકોએ કોણ જાણે કેવા કેવા લાંછનો પણ લગાડ્યા એના પર, છતાં બંને દીકરાઓના ચહેરાને જોઇને પોતાનું બધું દુઃખ ભૂલી જતી હતી. એજ બાળકો આજે મોટા થયા એટલે પોતાની જ માને ઘરેથી કાઢી ફેંકવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા.

૩.

બીજા જ દિવસે રતને મા નો બધો સામાન ઉપરના રૂમમાં મૂકી દીધો. જો કે સામાનના નામમાં માત્ર જૂની સાડીઓ અને જુના સમયની લોઢાની એક પેટી જ હતા. આજ પેટી એમની જીવનભરની સંપતિ હતી. પત્નીઓના ઘરમાં આવતા જ બંને ભાઈઓના રસોડા પણ જુદા થઇ ગયા હતા. બંને વહુઓએ વારાફરથી એક એક મહિનો બે સમયના રોટલા ખવડાવવાનો નિર્ણય પણ કરી લીધો હતો. ઘરમાં બધાના ખાધા પછી જે કાઈ વધતું, એ મા સામે નાખી દેવામાં આવતું. એના બદલામાં પણ ઘરડી મા પાસેથી શક્ય એટલું બંને કામ કરાવતી. મોટા દીકરાને ત્રણ વર્ષનો એક દીકરો અને એક વર્ષની એક દીકરી છે. બધી જવાબદારી છે ઘરડી મા પર જ બંનેની સંભાળ રાખવાની. બંનેને તેલ માલીસ કરવાથી લઈને ફેરવવા અને ચુમકારવા સુધીનું બધું જ કામ ઘરડી મા સંભાળતી હતી. નાના દીકરાના લગ્નને હજી દોઢ વર્ષ જ વીત્યું હતું. હજી કોઈ સંતાન નથી એનું. પણ નાની વહુ મીના પણ ઘણુંય કામ કરાવે છે એમની પાસે. કેટલીયે વાર તો મહિનાઓ સુધી ઘરમાં કચરા-પોતા પણ ઘરડી માની જવાબદારી બની રહેતું. દીકરાઓ પણ ક્યારેય માની મુશ્કેલી અને દુઃખ દર્દની પરવા સુધ્ધા નથી કરતા. બિચારી ઘરડી મા ઘણીવાર એકલામાં સિસકી સિસ્કીને રોયા કરતી. ગામના ઘણા વડીલોએ કેટલીયે વાર કહ્યું એમને કે આ વાતને પંચાયતમાં ઉપાડે, પછી ખબર લેવામાં આવશે દીકરા અને વહુઓની. પણ બિચારી માને પોતાના જ ઘરની મર્યાદાની ભરી પંચાયતે ઉછાળવાની વાત મંજુર ન હતી. છેવટે બદનામી તો એના જ ઘરની અને દીકરાઓની થશે ને. પોતાના દુઃખોને પણ પોતાના જ નસીબ સમજીને સહી રહી છે બીચારી.

૪.

સવારનો સમય છે. રામજતન જમવા માટે બેઠો છે. પુષ્પા ગરમ ગરમ રોટલીઓ શેકી રહી હતી. રોટલી હમેશા તવા પરથી ઉતરતા જ ગરમાગરમ ખાવાની આદત છે એને...


“મા ને ખાવા આપ્યું કે નહિ...? દસ વાગવા આવ્યા છે.” રામજતને એની પત્નીને પૂછ્યું.

“આજે મીનાની વારી છે. આપી જ દીધું હશે. એણે કહ્યું હતું કે રાત્રે ડોશીએ કાઈ ખાધું નથી. રાતની થાળી પણ એમ જ પડી રહી હતી એમના ખાટલા નીચે. સવારે લઇ આવી. કદાચ, તબિયતમાં કોઈ ગડબડ છે.”


“મા બીમાર છે તો જઈને દેખોને, જઇને પૂછો શું થયું છે?” બહુ શાંત સ્વભાવે રામજતને આદેશ સંભળાવ્યો. એના માટે આ કોઈ નવી વાત ન હતી.


“તમને શું લાગે છે કે હું ગઈ જ નથી પૂછવા...? ગઈ હતી સવારે. પણ એ કાઈ બોલે તો ને. બસ મોઢું ફુલાવીને બેઠા રહ્યા હતા. મારાથી મોટો વળી કોઈ દુશ્મન છે એમનો કોઈ આ ઘરમાં. બીજા તો જાણે કે હથાળી પર બેસાડીને રાખતા હોય. મીના તો એક વાર પણ નથી ગઈ.”


“અરે ભાગ્યવાન, શા માટે ભડકી રહી છે. એક વાર ફરી જઈને જોઈ લે. કઈક ખવડાવ પણ ખરા. કમજોરીના કારણે થયું હશે. આ ઉમરે આ સામાન્ય વાત છે.” ફરીવાર ખુબ જ શાંત સૂરમાં રામજતને કહ્યું.


“ગયા હતા દિયર પૂછવા. કહેતા હતા કે તાવ છે. રાત્રે ઉલટી પણ થઇ છે. પણ તમે વધુ ચિંતા ન કરો. નહિ તો કામ વગરનું ડોક્ટરનું બીલ પાછું તમારા નામનું ફાટી જશે. એટલે જ તો નથી ગઈ હું પણ સવારથી. ગયા વખતે જ્યારે માંદા હતા, ત્યારે આપણે જ સારવાર કરાવી હતી. આ વખતે દિયર પણ કરે. બધી જવાબદારીઓ કાઈ આપણે જ નથી લીધેલી ને, આખર એમની પણ મા છે. એમની ફરજ પણ આપણા જેટલી જ છે. જ્યારે કામ કરાવવું હોય ત્યારે આંગળી આંગળી ભરની સરખામણીઓ કરે છે બંને. તો સારવાર પણ કરાવે. આમ પણ, અત્યારે જમવાનું આપવાની વારી મીનાની છે. એનાજ ખાવાથી માંદી પડી છે. તો દવાઓ પણ એ જ કરાવે.” ધીમા અવાજે પુષ્પાએ એના પતિને રાજનૈતિક સલાહ આપી.


“હા, સાચું કહે છે. ગઈ વખતે પહેલ કરી હતી ત્યારે હજાર રૂપિયાનું બીલ ગળે પડ્યું હતું. હવે હું કાઈ દાટેલા રૂપિયા તો કાઢતો છું નહી. બે બે છોકરા છે, એમનો ખર્ચો અલગ. રતન તો હજુ આ જવાબદારીઓથી મુક્ત છે. એની ફરજ વધુ હોય છે. હું હાલ જ રતનને બોલાવીને કહી દઉં છું. કે લઇ જઇને બતાવી દે બંગાળી ડોક્ટરને...” રામજતને પણ પુષ્પાની હા માં હા મિલાવીને કહ્યું.


એ સમયે રતન ક્યાંક બહાર ગયેલો હતો. લગભગ એક કલાક પછી જ્યારે એ ઘેર પાછો આવ્યો ત્યારે રામજતને એને મા ને બંગાળી ડોક્ટર પાસે બતાવી આવવા માટે કહ્યું. રતન અને એની પત્નીએ પહેલા તો સપષ્ટ નનૈયો ભર્યો. પણ જ્યારે નીતિ-નિયમો અને પાછળના ઈલાજ વખતની વાતો રામજતને સમજાવી ત્યારે જઈને ઘણી મુશ્કેલે બંને તૈયાર થયા. પણ, સાથે જ મીનાએ પોતાની દબાએલી ઈચ્છા ગુસ્સામાં ધુઆપુઆ થતા જાહેર કરી દીધી. ‘જીવનું ઝંઝાળ થઇ ગઈ છે આ ડોશી. કોણ જાણે ક્યારે બોલાવશે ઉપર એમને. ચાલી જાય તો પંડ છૂટે.”

૫.

એ જ દિવસે બપોરે રતન પોતાની ઘરડી મા ને નજીકના અભણ બંગાળી ડોક્ટર પાસે લઇ ગયો. ઘરડી મા ના બીમાર શરીરમાં ચાલવાની પણ ક્ષમતા વધી ન હતી. રતનથી ડરતા અવાજે માંડ નીકળતી વખતે કહ્યું. “દીકરા, હું ચાલીને નહી જઈ શકું. આ તાવે સાવ શક્તિહીન કરી નાખી છે. જરા કોઈ રીક્ષા મંગાવી દે...”


“આ સો ડગલા પણ નથી મા. અને તું કહે છે રીક્ષા મંગાવી લઉં. જબરી વાત કરે છે. રીક્ષા વાળો કઈ મફતમાં તો નહી લઇ જાય. ઓછામાં ઓછા આટલા જ અંતરના પુરા ચાલીશ રૂપિયા લેશે. હવે જો આ રૂપિયા પણ રીક્ષા વાળાને આપી દઈશું તો બંગાળીને શું આપીશું. ચાલો ધીરે ધીરે.” રતને કડકાઈથી જવાબ આપ્યો. સહમી જઈને મા મંદ મંદ એના પાછળ પાછળ ચાલવા લાગી. અને લગભગ અડધો કિલોમીટર સુધી મા ને બંગાળીના દવાખાના સુધી ચલાવીને લઇ ગયો. એ પણ જુન મહિનાની ભરબપોરે. ઘરડી મા પહોચીને ત્યાં પાથરેલા ગોદડામાં ફરસ પર જ બેભાન થઈને પડી ગઈ. જાણે બચેલી થોડીઘણી શક્તિ પણ ચુસાઈ ગઈ હોય. બંગાળી ડોકટરે પણ એના સ્વભાવ પ્રમાણે ફટાફટ ત્રણ ચાર ઇન્જેક્શન લગાડી દીધા. અભણ ડોકટરોનો ઈલાજ કરવા માટેનો આ બહુ લોકપ્રિય રસ્તો છે. સોય તો બીમારી વિષે પૂછતાં પહેલા જ તૈયાર રહેતી હોય છે.


પુરા ચાર દિવસ સુધી સારવારનો આ ક્રમ ચાલતો રહ્યો. બંગાળી ડોક્ટર દુઃખને સમજ્યા વગર જ ઇન્જેક્શન પર ઇન્જેક્શન આપ્યા કરતો હતો. પરિણામે, તબિયત સારી થવાના સ્થાને વધુ બગડતી રહી. ઘરડી માં હવે સાવ શક્તિહીન થઇ ગઈ. હવે દર બે કલાકે બેભાન થઇ જતી હતી. ગામના અમુક લોકોએ રામજતન અને રતનને સમજાવ્યા પણ ખરા કે બંગાળીને છોડી મા ને શહેર લઇ જાય, કોઈ સારા દવાખાને. પણ ઇલાજના ખર્ચાની બીકથી કાનમાં જાણે તેલ રેડાઈ ગયું. મીના અને પુષ્પા પણ શહેરમાં લઇ જવાની વાતના વિરોધમાં હતી. જાણે બધા મળીને હવે બીચારી ઘરડી મા ના મરવાની રાહ જોઈ રહ્યા હતા.

૬.

અને પછી બીમારીના સાતમાં દિવસે સાંજના સમયે રામજતનના ઘરેથી રોવાના અવાજો સંભળાયા. બંને વહુઓ ઘરડી મા ને વળગીને બરાડા પાડી પાડીને રડી રહી હતી. છેવટે અંતમાં ઘરડી મા એ આશીર્વાદ આપીને એમના દીકરા અને વહુઓને પોતાના દુઃખમાંથી મુક્તિ આપી જ દીધી અને કદાચ પોતે પણ મુક્ત થઇ ગઈ દુઃખના આ સંસારમાંથી...


( નોધ - પ્રતિલિપિ દ્વારા આયોજિત અનુવાદ સ્પર્ધાના સંદર્ભે. અનુવાદ માટેના હકો બૃજેશ સિંહના નામે પ્રતિલિપિ તરફથી ઇમેઇલ દ્વારા મળેલ છે. )

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.