‘હું ગોલ્ડમેડાલીસ્ટ છું પણ અપેક્ષિત નોકરી મેળવી શકી નથી અને એથી મોટી કરુણતા એ છે કે મારાં યોગ્ય કોઈ મૂરતિયો મળતો નથી.કહેવાય છે કે જોડી તો ઉપરવાળો નક્કી કરી રાખતો હોય છે પણ ઉપરવાળો એન્ટ્રી કરવાનું ભૂલી ગયો લાગે છે,ક્યાંક અપેક્ષા ઝૂલે ઝૂલતા જીવનભર કુંવારા રહેવું ન પડે !’યવનીએ તેની વ્યથા કે હૈયાવરાળ ઠાલવતા કહ્યું હતું:‘હાલ મને તેંત્રીશમું ચાલે છે.મારું યૌવનતો એક દાયકાથી વલખતું, તલસતું ને વિલસતું એમ જ અકબંધ ઊભું છે.તન-મનમાં ટહુકતી વાસંતી કોયલ હવે ટહુકા કરી-કરીને થાકી ગઈ છે,કંટાળી ગઈ છે તેની ધીરજનું ધુમ્મસ ઓગળી ગયું છે.આશાનાં ઉપવનમાં પાનખર બેસી ગઈ છે. ઉર્મિઓના મૂળના ઊધઇ લાગી ગઈ છે.સાવ ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકું કે જોબનનાં પૂર ઓછરી ગયા પછી મહેરામણનાં મોતી મળેતો શું કામના !?ધરતી ધલવલતી રહેને વાદળા વરસ્યા વગર ચાલ્યા જાય આ કરુણતા કોને કહેવી ?કોઈના ખભે માથું મૂકી અંતરની આરઝુ અભિવ્યક્ત કરવાનું કોઈ ઠેકાણું જ નથી,વ્યથાનાં વાવેતર કોના હૈયામાં કરવાં ?લાગે છે કે જગતમાં મારાં જેવી બીજી કોઈ નિર્ધન કે નિરાધાર સ્ત્રી નહી હોય !’

યવનીએ મનમૂકીને મસ્તીભર મેઈલ કર્યો હતો.તેની ભાષા,વર્ણન,ઉપમાઓ કોઈ કવિયત્રીને છાજે તેવા હતાં.હૈયાની પાર વગરની પીડા ને ઉભરાતી ઊર્મિઓને શબ્દમાં ઠાલવવાનો પ્રયાસ કર્યો હતો.સામે બેસી ને, રૂબરૂમાં કહી ન શકાય તેવી ભીતિના ભરોસે આમ લેખિતમાં મૂંઝવણને વહેતી મૂકી હતી.અને સૌથી નોંધનીય બાબત હોયતો યવનીએ ક્યાંય કોઈ પ્રત્યેનો આક્રોશ પ્રગટ નથી કર્યો એમ આવી સ્થિતિમાં મારે શું કરવું ?એમ પણ નથી કહ્યું.જે છે તે એમ જ નદીના પ્રવાહની જેમ વહેતું કરી દીધું છે.પણ આવાં દરેક પાત્રને પજવતો એક જ પ્રશ્ન રહ્યો છે:‘મારાં યોગ્ય પાત્ર મળતું નથી.’આ યોગ્ય એટલે શું ?તેને સમજણની સરાણે ચઢાવવા જેવું છે. ખરેખરતો જીવનમાં મનમેળાપ કે હસ્તમેળાપ થયાં પછી એકબીજાને યોગ્યતા મેળવવાની, કેળવવાની હોય છે.પણ યવનીનાં મતે યોગ્યતા એટલે સાયન્સમાં ઉચ્ચ લાયકાત ધરાવતો હોય તેવો મનવાંચ્છિત મૂરતિયો !

યવની આગળ લખ્યું હતું,મેં મારી જાત સાથે મન ખોલીને મસલત કરી છે.આવી સ્થિતિના નિર્માણ માટે હું પોતે જ જવાબદાર છું કે કેમ?તેનાં માટે જાતને જતનપૂર્વક ખોતરી છે,ફંફોસી છે પણ એવું કંઈ ભૂલભરેલું હાથ આવ્યું નથી.કોલેજમાં મેં મારી અપેક્ષા મુજબ સખત કરીને મેડલ પ્રાપ્ત કર્યો.હા,કોલેજમાં મારી ઘણી ફ્રેન્ડ્સ હતી તે કોઈના સાથે ફરતી ને કોઈને ફેરવતી હતી.મને પણ એવી ઈચ્છા થતી.મારાંમાં ઉઘડતું યૌવન મને કીડીઓના જેમ ચટકા ભરતું,લટકા કરાવતું. કયારેક હું મારાંમાંથી છટકીને ચલિત થઇ જતી.પણ ઉછાળો શમી ગયા પછી અભ્યાસમાં મન લગાવી દેતી.મને સમજાઇ ગયું હતું કે ચાર દિનની ચાંદની પછી લાંબો અંધ કાર હોય છે.તેથી મારાં લક્ષ માટે હું મક્કમ હતી.મક્કમતા મને મુકામ સુધી લઇ આવી હતી.સારું મેરીટ હશે તો મનગમતી નોકરી ને મૂરતિયો મળશે..બોલો આમાં મારી કોઈ ભૂલ ખરી !?મેં પીજી પૂરું કર્યું ને તેમાં જયારે ગોલ્ડમેડલ મળ્યો,ખરેખર હું હવા ઉડવા લાગી હતી.થયું હતું કે આખું આકાશ મારી પાંખમાં,શમણાંઓ મારાં સાથમાં ને અપેક્ષાઓ મારી કાંખમાં...હવે જીવનમાં બીજું જોઈએ શું !?પણ એમ ન બન્યું.ધારણા પોકળ નીવડી.

યવનીની સમસ્યા સમજાય તેવી હતી.મોટો ને સળગતો સવાલ હોયતો તેની શૈક્ષણિક લાયકાત. સાયન્સ સ્ટ્રીમમાં પીજી કર્યું એટલું જ નહી,ગોલ્ડમેડલ મેળવી શકી તેવું ઊંચું મેરીટ છે.અભિનંદન આપવા ઘટે કારણ કે તે લક્ષસિદ્ધ કરી શકી.ધાર્યું ને સારું પરિણામ મેળવી શકી પણ આ બધી ઉપલબ્ધિ અંતેતો ઉત્તમ ને બહેતર જીવન માટે છે.લાયકાત જીવનને લાયક થવા માટે હોય છે.વ્યક્તિ સફળ થાય તેનાં સાથે તેનું જીવન સફળ થાય તે વધુ અગત્યનું છે. ધૂમકેતુ કહે છે,જીવનની સાધનાનું અંતિમ દ્રશ્ય આ છે:મેળવવું,આપવું ને છોડી દેવું.યવનીની લાયકાત મુજબ તેની બરોબરી કરી શકે તેવો મૂરતિયો શોધવા દીવો લઈને નીકળવું પડે. ધારો કે મળી ગયોતો તેની અપેક્ષા કંઈક જુદી હોય !યવનીએ લખ્યું હતું,હું મેડલ મેળવી સ્ટેજ નીચે ઉતરી ત્યારે જોબપ્લેસમેન્ટ મારી રાહ જોઈને જ ઊભું હતું.મારી છાતી ગજ ગજ ફૂલવા લાગી હતી ને અભિમાન સાથે બોલી જવાયું હતું:‘કોણ કહે છે નોકરી મળતી નથી ?’નોકરી શોધતી આવે એવું ભણો ! કઠોર પરિશ્રમ સાથે શ્રેષ્ઠને બેસ્ટનો કોઈ વિકલ્પ નથી.તેનું આમ કહેવું શિરોમાન્ય.યવનીનાં જેમ ઘણી યુવતીઓ ઈચ્છતી હોય છે કે,સાયન્સવાળો મૂરતિયો મળે.મળેતો વેલ એન્ડ ગુડ.આવાં ઘણાં આદર્શ દંપતિનાં ઉદાહરણો જોવાં મળે છે.પણ સાયન્સ સિવાયનાં પ્રવાહની વેલ્યુ ઓછી આંકવી કે તેનાં દ્વ્રારા વ્યક્તિનું અવમૂલ્યન કરવું તે એક ભૂલ છે.

યવનીનાં કહેવા પ્રમાણે પ્રાઇવેટ જોબનો અનુભવ અને પગારનુંતો પૂછવા જેવું જ નથી.સારો પગારને સ્થિરતા માટે પોતાની લાયકાતને અવગણી અન્ય જોબ સ્વીકારનારા અનેક છે.એન્જિયરિંગ કે એવી વિશેષ લાયકાત પછી કારકૂની કરવી પડી હોય તેવા કિસ્સાઓ છે.અભ્યાસ સાથે વ્યવસાયને સ્નાનસૂતક ન હોવાછતાં કામ કરવું પડે આ કડવી વાસ્તવિકતા સ્વીકારવામાં યવનીને મેડલ મળ્યાનો કેફ નડ્યા કરે તે સ્વાભાવિક છે.

યવનીને એ પણ જાણે છે કે,હાઈક્વોલિફાઇડ મૂરતિયો મળ્યાંથી અપેક્ષા સંતોષાય,એક સરખા કામ ને વિચારથી જીવન ભર્યુંભર્યું લાગે.પોતાની લાયકાતનો ઉચિત ઉપયોગ થયાંનો ગર્વ થાય પણ ક્યાંક આવી ઉચ્ચ લાયકાત ધરાવતી યુવતીઓ મેરેજ પછી માત્ર રસોડાની રાણી બની કૂકરની સિસોટીઓ વગાડતી હોય છે !

યવનીને મનગમતું મળતું નથી ને મળે છે તે ગમતું નથી.હા,તેમને ખૂલ્લા મને કબૂલી લીધું છે કે,એક યુવાન મને ચાહે છે.તેની ચાહત માટે મને કોઈ શંકા નથી.પણ તે આર્ટસ ગ્રેજ્યુએટ છે !યવનીને સાયન્સ સામે આવીને ઊભું રહે છે.તેણે બેધડક લખ્યું હતું કે,હું કંટાળીને એકવખત ગોલ્ડમેડલ વેચવા નીકળી હતી.તો વેપારી એ કહ્યું હતું:‘મેડલ છે પણ ગોલ્ડ હોવાના ગુમાનમાં કે ખ્યાલમાં ન રહેશો !’અસહ્ય આઘાત સાથે ફરી પાછો મેડલને શો પીસ તરીકે સાચવીને મૂકી દીધો હતો. પારિતોષિક પરિતોષ આપે, ક્યારેય આમ પજવે નહી.

છાતી ઠોકીને યવની કહે છે મને મારી લાયકાત મુજબ શું કરવા ન મળે !? પણ એમ કરતાં બત્રીશમું બેઠું.કોઈ કહે,ગોળ ગમે ત્યારે ખાઈ શકાય પણ ડાયાબીટીશ થયાં પહેલા,પછી નહી !પણ આ બધી વ્યથા વચ્ચે, ‘મને કોઈ ચાહે છે.’આ મૂલ્યવાન વાત છે.કોઈની સાચી ચાહત ઈશ્વરની પ્રાર્થનાથી કમ ન કહેવાય.

યવની સામે આવવા ન માગતી હોય તેમ ઇમેઈલનાં જવાબની અપેક્ષા રાખી નથી.હૈયું હળવું કરી સંતોષ માની લીધો લાગે છે.પણ યવનીને એમ કહેવું છે કે,જે તને ચાહે છે તેને જીવનસાથી તરીકે એકવાર કલ્પી જો.વિગતે વિચારી જો.લાયકાત કરતાં,લાયકપણાનું લીસ્ટ કરવાં બેસ,તેનામાં તારી અપેક્ષા મુજબનું શું છે અને શું નથી...જેની બહુમતી થાય તેનાં આધારે નિર્ણય લેવાનો.હા,તેને પણ પૂછવાનું કે,મને શું કરવાં ચાહે છે,મારાંમાં ચાહત જેવું શું છે ?જીવનમાં ઘણી બાબતો દિલથી ને ઘણી દિમાગથી વિચારવાની હોય છે.અહીં દિલ ને દિમાગથી વિચારી જો.પાત્રની કિંમત સાથે હિંમત પણ અગત્યની બને છે.જીવતરનો જુગાર ખેલી લેવાનો, ઘણું સારું ને પ્યારું મળશે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.