‘ભાઈને કંવ શેરડી એટલે વાંહડા જેવી, પાછી મીઠીય બોવ..મોંમાંથી મીઠપના કોગળા વછૂટે !’ આમ શેરડીના મોં ભરી વખાણ થાય છે ને સામે બાબી કમાલુદ્દીનને પોરસના તોરા છુટ્ટે છે.અંગરખાની કસો તૂટે છે. ત્યાં મુલાયમ માહોલ વચ્ચે કોઈ બાખડબોલું બકી ગયું:‘શેરડી મીઠી જ હોય ને,કાઠીયુ માથા વાઢીને ખેતર માં ખાતર નાખ્યું છે !’ હાંઉ...લોહીના કોગળા કરાવે એવી કાળઝાળ વાતે આખો ડાયરો ખળભળી ઉઠ્યો.

કમાલુદ્દીન બાબી ને બિલખાના દરબાર રામવાળાને દૂધ-સાકર જેવી હેતાળવી ભાઈબંધી.વખતો વખત એકબીજા રજવાડી મહેમાનગતિ માણે.આ વખતે માણાવદરની સીમમાં શેરડી સારી પાકી હતી એટલે શેરડી ખાવા રામવાળાને અદકાભાવથી નોતર્યા હતા.પણ આવું વહર્યું બોલી, દૂધ જેવા સંબંધને દુણી નાખ્યો.

શેરડીની મીઠપ સાથે મિત્રતા ઝેર જેવી થઇ ગઈ.રામવાળાનો મુખવટો ફરી ગયો.શું કરવું..એકબાજુ દિલોજાન દોસ્તીને બીજી બાજુ કાઠીઓના અણમોલને અણનમ માથા.ખાંડાના ખેલ ખેલાતા વાર ન લાગે.

‘બાપુ તમે ભૂલી ગ્યા,અગિયારસનું એકટાણું છે ઇ...!’અવળી ઉખળેલી વાતને વાળવા ગઢવીએ કહ્યું. ને સામે : ‘હા..હા...ગઢવી...!’કહી રામવાળા ઉભા થઇ ગયા. હાથમાં હતું તે કાળોતરા નાગ જેમ ફગાવી દીધું.

‘લ્યો ત્યારે ડાયરાને રામેરામ...!’ કહી કાઠી ડાયરો હડેડાટ કરતો સીમ છોડીને નીકળી ગયો.

પોણીબસ્સો પાદરના ધણી રામવાળાના કાળજામાં આ કારમા વેણની કટારી આરપાર ઉતરી ગઈ છે. આતમને નિરાંત નથી.ચારેકોર્ય નજર નાખે છે.તેમાં કુંડલા પંથકના આપો વીસો ખુમાણ અને ભાણવડના આહીર ગોલણ ભૂકણ નજરમાં વસે છે.સંદેશો મોકલાવ્યો.બેઉ ભડવીર સન્મુખ થયા.માંડીને વાત કહી.પછી માથે કહ્યું:‘હેં ભણ્યું, કાઠીના માથા ઈમ રસ્તામાં પડ્યા છે તે ખેતરનું ખાતર થાય !?’વીસો ખુમાણ તપીને તાંબાની ઉટકેલ ગોળી જેમ રાતાછોળ થઇ ગયા. કહે : ‘કે’તા હોતો ધીંગાણું કરી લેઈ, પછી જોયું જાહે... !’

‘ના,ભા ના..’રામવાળો ઉદારતાથી કહે:‘બાબી આપડા વેરવી ક્યાં છે !?પણ જરીક...’સઘળું શાનમાં સમજાય ગયું.વસમાવેણને વાળવાનો કારસો ઘડાઇ ગયો.નવલીરાતનો પેલો પ્રહર,પસાર થઇ રહ્યો હતો. કાળા ડિબાંગ આભમાં ધાણી જેમ ફૂટતા તારોડીયા ઉજળા દાંતે મલપતા હતા.ગઢ આખો ગાઢનિંદ્રામાં પોઢી ગયો ત્યારે આપા વિસાએ પોતાની‘વીજળી’અને ગોલણ ભૂંકણે ‘લખી’ ઘોડી છોડી.ગઢના ફળિયામાં પાથરેલા ઢોલિયા ઠેકાવીને ઘોડીઓ બહાર કાઢી.રામવાળાએ કહ્યું:‘ભા,સંભાળીને..હો..’ત્યાં સામે ખુમારીથી કહે:‘દાંતને જીભની ભલામણ કરવાની નો હોય...!’પછી જય માતાજી કહી અડાભીડ અસવારો અંધારામાં ઓગળી ગયા.

બીલખાથી નીકળી બેઉ માણાવદર આવ્યા. બાબીની આંખ ઉઘડવા,કરી દેખાડવા પાણીશેરડેથી જ પરાક્રમના પગલા પાડ્યા.‘બાપા,બેનું-દીકરીયું તમી મૂળમૂંઝાહોમાં.તમણા દેહમાથે અમણી નજર્ય પડેતો, રામદુવાય...પણ આ રાજની વાતું છે. ઘરેણાં ઉતારી દ્યો એટલે હાંઉ..!’

ઝાંઝરના જેમ રણઝણતો પાણીશેરડો મુંગો મંતર થઇ ગયો.વેડાતા આંબામાંથી પીળી ધરમખ કેરી ઓ જેમ ટપોટપ ઘરેણાં ઉતરી ગયા.પછીતો એક ગામ,બીજું ગામ..ને માણાવદર રાજમાં હાહાકાર મચી ગયો.

બાબી એટલે ખાનખાનાને બબ્બે આના..ભારે ધાક ને હાંક. કહેવત હતી:ન હોત કમાલુદ્દીન તો જૂનાણે

હોત નવાબ નમાલુદ્દીન ! આવા બળુકા રાજવીના રાજમાં લુંટફાટ થાય એ તો નવી નવાઈ કહેવાય !

‘સરકાર ! અમારું ગામ લુંટાણું ને કે’તા ગયા છે કે કાઠીના માથાનું ખાતર કરવું હોય ઇ વાંહે આવે !’

‘યા અલ્લા...’કહેતા બાબી માથું પકડી નીચે બેસી ગયા.સોણલામાં પણ નો’તું આવ્યું કે નાની વાતનું આવું પરિણામ આવશે ! પણ હવે ફીફા ખાંડવાનો કોઈ અરથ નહોતો. ફોજ સાથે ખુદ બાબી પાછળ પડ્યા.

‘લેખી..વીજળી...ભણ્યું આજ અમણી આબરૂ તમીનાં હાથમાં છે.જો ફોજ આંબુ જાહેતો હાંચોહાચ કાઠી ના માથાના ખાતર થાહે !’આગળ ઓકળા જેવી ઊંડીને મોટી ખાય હતી ને પાછળ ફોજ...પણ જાતવાન ઘોડીઓએ પાંખાળા સર્પો જેમ કૂદકા માર્યા..ધુબાંગ કરતી સામા કાંઠે.તેમાં લેખીનો પગ ધ્રસ્કયો એટલે વીજ ળી માથે બેલડા થઇને બેઉ અસવાર નીકળી ગયા.આ બાજુ બાબી સાથે આખી ફોજ આંખો ચોળતી રહી ગઇ!

બીલખા આવીને બાબી રામવાળાને કહે:‘મુઝે ઘોડી ઔર દોનો બહાદુર અસવાર કા દીદાર કરાવો...’

‘એમાં વળી શું જોવાનું હોય...!’કહી ઘોડારમાં ઉભેલી લેખી અને વીજળી ઘોડીઓ દેખાડી.

‘ઇતની દુબળી પતલી ઘોડીઓ કૂદ ગઈ ઔર મેરી ફોજ ખડી રહ ગઇ !’ બાબી આગળ ન બોલ્યા.તે સમજી ગયા કે,આ બાહોશ ને ખમીરવંતા કાઠીઓના માથા સસ્તા નથી કે રસ્તામાં મળેને એનું ખાતર થાય !

‘મેં તો આપ સબકી બહાદુરી, ખાનદાનીકી કદર કરતા હું...’કહી બાબી અદકા હેતથી ગોલણ ભૂકણ અને વીસા ખુમાણને છાતી લગોલગ ભેટ્યા...પછી અદકાભાવથી કહ્યું : ‘ઔર મુઝે ગર્વ હૈ, દોસ્તીકા...’

પડખે ઉભા રામવાળા મૂછમાં મરક મરક હસતા હતા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.