કુળદીપક

'ધડામ' અવાજ સાથે બારણુ જોરથી બંધ થયુ અને સોહમ ઘરની બહાર નીકળી ગયો.દીપકરાય શૂન્યમનસ્ક થઇ ને દરવાજની તરફ જોઇ રહ્યા.બાપ-દીકરાની ચર્ચાનો અંત દરવખતે આજ રીતે આવતો દીપકરાય ઇચ્છતા કે સોહમ પેઢી દર પેઢી થી ચાલતો અનાજ નો કારોબાર સંભાળી લે પરંતુ સોહમ ને તો વિદેશ જઇ કંઇક નવીજ દુનિયામાં જીવવુ હતુ. સોહમ કોલેજના છેલ્લા વરસમાં હતો ત્યાર થી આ ઝગડો બાપ-દીકરા વચ્ચે અવાર નવાર થતો જ રહેતો પણ હવે બન્ને પક્ષ હઠ ઉપર આવી ગયા હતા. કોઇ કોઇનુ માનવા તૈયાર જ નથી. સોહમની બહેન કે જે એની ખુબ નજીક છે, એના મિત્રો કે માતા રમાબહેન - કોઇ એને સમજાવી નથી શકતા કારણકે સોહમનુ માનવુ છે કે એના ભવિષ્યનો નિર્ણય કરવાનો એને પુરો હક છે. કોઇ એના પર દબાણ ન કરી શકે. જ્યારે કરોડો નો કારોબાર અહીયા બીજા ના ભરોસે મુકી દીકરો પરદેશ ભણવા જાય એ વાત દીપકરાયને કોઇ રીતે સ્વીકાર્ય્ ન હતી. થોડા દીવસો સુધી ઘરમાં અજબ પ્રકારનુ મૌન ઘુમરાતુ રહ્યુ.

એક સાંજે જમતી વખતે સોહમે ઘટસ્ફોટ કર્યો. ઘરની ભીંતો હલી ગઇ. દીપકરાય હચમચી ઉઠ્યા. એમનુ હૈયુ ચિરાઇ ગયુ જ્યારે સોહમે કહ્યુ ...કાલે રાત્રે અમદાવાદ- ન્યુયોર્ક ની ફ્લાઇટમાં હું જાઉ છુ, તમારી હા મળશે એવી આશા હતી જ નહી એટલે મારા મિત્રો ની મદદથી બધુ મેનેજ કર્યુ છે. પાંચ વરસ નો કોંટ્રાક્ટ છે....પપ્પા...આશિર્વાદ આપો....વાતાવરણમાં એક પ્રકારની ઉદાસી છવાઇ ગઇ. કુમુદબેન તો હેબતાઇ જ ગયા એમને તો કેવી રીતે વર્તવુ એજ ખબર ન પડી... થોડી ક્ષણોની ચુપકીદી પછી દીપકરાય જરા સ્વસ્થ થયા. ....દીકરા પછી તો અહિયા આવી ને આપણી આ પેઢી સંભાળીશ ને? અને સોહમ ના જવાબે એમનુ સપનુ ચકનાચુર કરી નાખ્યુ. "જુઓ...પપ્પા..હું તમારો આદર કરુ છુ. તમને બધાને ખુબ પ્રેમ કરુ છુ. પણ મારે કઇક નવી દિશામાં આગળ વધવુ છે. હુ અહી પાછો આવીશ તો પણ હું આપણા કારોબાર માં જોડાઇશ એવુ વચન નથી આપતો." એના આ જવાબે દીપકરાયને આવનાર ખરાબ દિવસો ના એંધાણ આપી દીધા જો કે છેવટે એમણે સ્વસ્થતા કેળવી સોહમ જોડે આખી રાત વિગતવાર વાતો કરી. બીજે દિવસે તો સવારે આખુ ઘર ધમધમી ઉઠયુ. સાંજની ફ્લાઇટ- બધો સામાન પૅક કરવાનો -સગાવહાલા મિત્રો ની અવર જવર- કુમુદબેન ને દીકરા માટે નાસ્તા ભરવાનો પણ સમય ન મળ્યો. સૌ ના આશ્ચર્ય વચ્ચે દીપકરાયે ખુબજ ઉમળકાભેર અને આનંદ થી સોહમ ને વિદાય આપી. અને આખરે સોહમ ઉડી ગયો.

દીવસો વિતતા ગયા. દીપકરાયે પણ હકીકત સ્વિકારી ધંધો સંકેલવા માંડ્યો. સોહમ ના પત્રો પછી ઇ મેઇલ પછી ફોન અને હવે તો વિડિયો ચૅટ પણ ચાલતી હતી. મા-બાપ બધુ વિસારે પાડી હવે દીકરાની પ્રગતિ થી હરખાતા હતા. તેમા વળી એક દિવસ ખુબજ આનંદના સમાચાર આવ્યા. સોહમ આવવા નો હતો મા-બાપ ને લેવા. દીપકરાય અને કુમુદબહેનને ઘરડેઘડપણ અમેરિકા જવાનો આનંદ માતો નહોતો. સોહમે કહ્યુ " અમદાવાદ ની ટિકિટ મળતી નથી એટ્લે મુંબઇ આવી એક દિવસ કંપની ના કામે હૉટલ તાજ માં રોકાઇશ અને તમારા બંન્નેની પણ અમદાવાદ-મુંબઇ ની ટિકિટ કરાવી છે. આપણે એક દિવસ અહીં સાથે રહીશુ. મમ્મી ને મારે સિદ્ધિવિનાયક ના દર્શન કરાવવા છે. દીપકરાય અને કુમુદબેન તો ધન્યધન્ય થઇ ગયા. હજુ અઠવાડિયા ની વાર હતી પણ બંન્નેના હૈયે હરખ સમાતો નહોતો. અને આખરે એ દિવસ આવી પહોંચ્યો. સવાર ની છ વાગ્યાની ફ્લાઇટ હતી પણ દીપકરાયને ચેન ક્યાં? ક્યારના પડખા ઘસ્યા કરતા હતા. કુમુદબેન નુ મન પણ અજંપ હતુ. એક... બે... ત્રણ... ચાર...ઘડિયાળ માં ચાર ના ટકોરા પડ્યા અને દીપકરાય અચાનક સફાળા જાગી ગયા. ટ્રિન ..ટ્રિન..રાતના સુનકાર સન્નાટા માં ફોન ની ઘંટ્ડી વાગી. દીપકરાય ને ધ્રાસ્કો પડ્યો, એમણે કુમુદબેનને ઉઠાડ્યા અને ફોન લેવાનુ કહ્યુ. પગ ની તકલીફને કારણે એમને ચાલવામાં તકલીફ પડતી હતી. આ બાજુ કુમુદબેને ફોન ઉપાડયો તો ખરો પણ એ સામેવાળાને સાંભળી નહોતા શકતા અને ફોન કટ થઇ ગયો. થોડી વાર માં ફરી થી રીંગ વાગી. દીપકરાય જલ્દીથી ફોન પાસે ધસી ગયા. સામેથી મરાઠી-હિંદી મિશ્ર ભાષા માં કોઇ બોલતુ હતુ. સોહમ જસલોક હોસ્પિટલ માં છે એટલુ સાંભળતા તો એમના પગ નીચેથી જમીન સરી ગઇ. કુમુદબેને તરત ફોન લઇ લીધો.

"બેન, હું મુંબઇ થી ઇંસ્પેક્ટર રામી બોલું છુ. સોહમ આપનો દીકરો? "

"હા હા ભાઇ સોહમ મારો જ દીકરો, પણ થયુ છે શું? કેમ આ સમયે ફોન કરવો પડ્યો?" કુમુદબેન ની ધીરજ ખુટી ગઇ.

"બેન, શાંત થઇ ને મારી વાત સાંભળો. ગઇ કાલે રાત્રે તાજ હોટલ ઉપર થયેલા આતંક્વાદી હુમલામાં ઘણા બધા નિર્દોષ નાગરિકો ઘાયલ થયા છે એમા રૂમ નં-1016 માં મિ. સોહમ દેસાઇ પણ હતા જે ને અત્યારે ગંભીર હાલતમાં અહીં દાખલ કર્યા છે. હોટલ ના રેકોર્ડ ઉપરથી નંબર લઇ તમને ફોન કર્યો છે."

"સો..હ..મ!!!" મોટી ચીસ સાથે કુમુદબેન ફસડાઇ પડ્યા. હાથમાંથી ફોન છુટી ગયો. અવાજ સાંભળી ને નોકર રમેશ દોડી આવ્યો. કુમુદબેન તો મારો સોહમ..મારો સોહમ થી આગળ કઇ બોલીજ શકતા ન હતા.

પરિસ્થિતી ની ગંભીરતા સમજી રમેશ બાજુ વાળા જગદીશભાઇને ત્યાંથી બધાને બોલાવી લાવ્યો. બીજા પાડોશીઓ પણ દોડી આવ્યા. હવે તો સાડા પાંચ વાગવા આવ્યા હતા, ફ્લાઇટ નો સમય પણ વિતી ગયો હતો. દીપકરાય બેબાકળા થઇ ગયા હતા.

"મારી બેગ..? મારી ટિકિટ ..? ચાલ કુમુદ જલ્દી કર, સોહમ રાહ જોતો ઉભો હશે.. આજે તો સિદ્ધિવિનાયક ના દર્શન કરવા પણ જવાનુ છે."

વાતાવરણ કરુણ બની ગયુ. આખાય મહોલ્લા માં માતમ છવાઇ ગયો. ટીવી ઉપર સતત તાજ ના હુમલા ના સમાચારો આવતા હતા. કેટલા નિર્દોષો મરાયા. કોણ અંદર ફસાયુ છે. કોણ કેવી રીતે બહાર નીકળી શક્યુ. ક્યાં ક્યાં કેટલા વિસ્ફોટો થયા. આખોય દેશ જ્યારે આઘાત માં સરી પડ્યો હોય ત્યારે કોણ કોને આશ્વાસન આપે. પોલિસો, સમાજસેવકો બધા શક્ય એટલી મદદ આપી રહ્યા હતા. સોહમ તો આમાંથી કોઇ પણ ન હતો પણ એક સાચો નાગરિક જરૂર હતો.

બધાના આઘાત વચ્ચે ટીવી ઉપર સોહમ ના ફોટા સાથે સમાચાર લખાઇ ને આવ્યા."તાજ હોટલ ઉપર ગઇ કાલે થયેલા આતંકવાદી હુમલામાં ચોથા માળના ફાયર એક્ઝીટમાં થી લગભગ પચાસ માણસો ને બહાર કાઢી એમને નવી જીંદગી આપનાર અમદાવાદના યુવાન સોહમ દેસાઇ નુ જસલોક હોસ્પિટલમાં કરુણ અવસાન Soham Desai - The real hero.. a true soldier"

એક ચિત્કાર..અને પછી ખામોશી બધુજ શાંત - સ્તબ્ધ

ટ્રિન..ટ્રિન . ફરી એકવાર ફોનની ઘંટડી વાગી. ઇંસ્પેક્ટર રામી મુંબઇ થી વાત કરતા હતા. હવે ઘરની પરિસ્થિતી દીકરી-જમાઇએ સંભાળી લીધી હતી.

"હા અમે સમાચાર જાણ્યા ... ઑકે.. હા..અમે તમને જણાવીએ" ટુંકા સવાલો ના ટુંકા જવાબો આપી ફોન પુરો થયો. જમાઇ અજય પણ ખુબ કુનેહ વાળો હતો. પત્ની ઇશાની સાથે બેસી ને એણે નિર્ણય લીધો કે પપ્પા-મમ્મીને અંતિમ દર્શન માટે મુંબઇ લઇ જવા. સોહમને એક નજર જોવા માટે મા-બાપ તડપતા હતા. મુંબઇ એરપૉર્ટ ઉપર દીપકરાય-કુમુદબેન દીકરી જમાઇ સાથે ઉતર્યા. મુંબઇ પોલિસ ના વડા અધિકારીઓ અદબ ભેર તેમને લેવા માટે ઉભા હતા. રસ્તામાં ઇંસ્પેક્ટર રામી એ આખી ઘટનાની વિગતે વાત કરી. પરિવાર સ્વસ્થ થતો ગયો. દીપકરાયને પોતાના દીકરા ઉપર ગર્વ થઇ ગયો. ખુબજ હિંમત થી તેમણે દીકરાની અંતિમવિધી કરી અને બધાની વિદાય લઇ અમદાવાદ પાછા ફર્યા. ધીમે ધીમે રોજીંદી ઘટમાળમાં પોતાની જાતને પરોવવા માંડ્યા. કુમુદબેન પણ પોતાની જાતને આ આઘાતમાંથી બહાર કાઢવાની કોશિશ કરતા હતા પણ સોહમ ક્યાં? કેમ અમારી જોડેજ આવુ થયુ, હ્રદય ચિત્કારી ઉઠતુ.

થોડા દિવસો પછી મુંબઇ પોલિસે સોહમને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરી. સોહમની અમેરિકાની કંપનીએ પણ સોહમને બિરદાવતા મોટા ઇનામની ઘોષણા કરી. દીપકરાયે બધાનો આભાર માની એ રકમ જરૂરિયાતમંદો માં વહેંચી દેવાની વિનંતિ કરી. એમની દિશા હવે નવી હતી. છ મહિનામાં સોહમના નામે ચેરિટેબલ ખોલવુ, કારોબાર ભત્રીજાઓ ને સોંપી દીધો. પોતે દિવસરાત એ ટ્રસ્ટ્માટે કામ કરતા. જુન મહિના ની છઠ્ઠી તારીખે એમણે એનુ ઉદઘાટન રાખ્યુ. શુભેચ્છાઓ નો વરસાદ વરસ્યો.થાકીને સાંજે પ્રથમ દિવસે ટ્રસ્ટ્ની ઓફિસના દરવાજે તાળુ મારતા દીપકરાયને સોહમ પેઢીની ગાદી પર બેસી ને હસતો દેખાયો અને બન્ને ગાલ પર આંસુ નુ એક એક ટીપુ સરી પડ્યુ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.