ઝંખનાઓના જંગલમાં એક લટાર!

હાલમાં અમદાવાદથી ખાનગી બસમાં ભાવનગર આવી રહ્યો હતો. બસ ઉપડી ત્યારે ટીવી બંધ હોવાથી બસમાં શાંતિ હતી. પાછળની હરોળમાં બેઠેલા ચાર યુવાનિયાની વાતો મને સ્પષ્ટ સંભળાતી હતી. દીપિકા-કેટરિના વગેરેને અંદરોઅંદર અન્યની 'ભાભી' ગણાવીને તેઓ રાજી થતા હતા. એમની વાતો તો છેવટ સુધી ચાલી, પણ વચ્ચે ટીવી ચાલુ થવાથી તેમની વાત થોડી ઘટી અને સંભળાતી બંધ થઈ. ભાવનગર આવતાં ફરી ટીવી બંધ થયું અને તેમની વાતો ફરી સંભળાતી થઈ. ચારમાંના એક જણે બારીમાંથી કોઈ કાર ડીલરનો સ્ટોર જોયો. પછી કાર વિશે પણ એ જ રીતે વાત ચાલી જાણે ભાવિ પત્ની વિશે કહેવાઈ રહ્યું હોય. એ છોકરાઓ જગતની અતિ મોંઘી કારના માલિક બનવા ઉત્સુક હતા. એક કહે, 'આપડી તો બોસ, રોલ્સ રોય્સ જ.' બીજો વળી કહે, 'લાલ ફેરારી એટલે તમારી ભાભી, ઓકે?' ત્રીજો એક પણ ફેરારીના આશિક હતો. એ કહે, 'ચાલ જોઈએ, ફેરારી તારી ભાભી બને છે કે મારી?'

ગાડીને લાડી જેટલી લાડલી ગણતા એ જુવાનિયાઓ મધ્યમવર્ગીય હતા. તેઓ ફેરારીના માલિક બને એવી શક્યતાઓ ઓછામાં ઓછી હોવા છતાં જે ઉત્સાહથી તેઓ ફેરારીના સપનાં જોતાં હતાં એ જોવા-સાંભળવાનું ગમ્યું.

આખી વાતમાં સૌંદર્ય છે, ઝંખનાઓનું, ઉંમરનું, હોર્મોન્સનું. આ ઉંમરે ઘટમાં ઘોડા થનગને જ. ન થનગને તો પ્રોબ્લેમ. સૌથી મોંઘી કાર ખરીદવી, દુનિયા બદલી નાખવી, સુપરસ્ટાર બનવું, સૌથી મોહક યુવતીને પરણવું, સૌથી ઝડપી વાહન ચલાવવાનો વિશ્વવિક્રમ તોડવો, લાખ રૂપિયાના પગારની નોકરી મેળવવી... આવી મોટી મોટી ઇચ્છાઓ જોશીલા જુવાનિયાઓના મનમાં જાગે એમાં કશું ખોટું નથી. છોકરીઓને પણ આવું બધું થાય. છોકરીઓના મનમાં પણ રણબીરો-રણવીરો હોવાના અને પોતે થોડી પણ રૂપાળી હોય તો વધુમાં વધુ રૂપાળી દેખાય એવા સેલ્ફી પાડી પાડીને ફેસબુક પર મૂકવાની એમને ઇચ્છા થવાની. હર્મન હેસની નવલકથા 'સિદ્ધાર્થ'માં એક જગ્યાએ લખ્યું છેઃ 'એક માતા પોતાના બાળકને પાગલની જેમ ચાહે, એકના એક દીકરા પ્રત્યે કોઈ ઘેલો પિતા મૂરખની જેમ ગૌરવ અનુભવે, કોઈ કોડભરી યુવતી ઘરેણાં માટે, પુરુષોની પ્રશંસા માટે છટપટે... આ બધી આવેગપૂર્ણ વૃત્તિઓ અને ઇચ્છાઓ સીધીસાદી અને મૂર્ખામીભરી હોવા છતાં એ અત્યંત શક્તિશાળી અને જીવંત હતી, એ ક્ષુલ્લક નહોતી...'

આવેગપૂર્ણ ઇચ્છાઓમાં ધસમસતી ગંગા જેવું સૌંદર્ય હોય છે. ગંગા અને ઇચ્છા બેયનાં મૂળ સમજવાં જેવાં છે. ગંગા છે ગંગોત્રીને લીધે. ગંગોત્રી છે પર્વતોની હિમવર્ષાની લીધે. હિમ છે વાદળને લીધે. વાદળ સાગરને લીધે, સાગર પૃથ્વીને લીધે, પૃથ્વી સૂર્યને લીધે, સૂર્ય અવકાશગંગાને લીધે અને અવકાશગંગા બ્રહ્માંડને લીધે છે. એમ, ઇચ્છા મનને લીધે છે, મનના વિચારો શરીરને લીધે છે અને શરીરની ગતિવિધિ જીવને લીધે છે. પાયામાં છે જીવ. જીવ છે, તો શરીર છે, તો મન છે, તો વિચાર છે, તો ઇચ્છા છે. આ સમગ્રતા, આ અસલીયત આપણે સામાન્ય રીતે જોઈ નથી શકતા. એનું એક મહત્ત્વનું કારણ છે 'નકલી હું', જેનો મૂળ અભિગમ એવો છે કે 'બસ, જે કંઈ છે તે હું જ છું. તું બીજી બધી માથાકૂટમાં પડ નહીં.'

આ 'નકલી હું' આપણી નૈસર્ગિક-સાહજિક-સરળ ઇચ્છાઓને પણ તોડીમરોડીને આપણી વાટ લગાડે છે. બાકી, ઇચ્છા તો પ્રાણીઓને પણ જાગે. યુવાન સિંહ પણ સારી સિંહણને ઝંખે, પરંતુ સિંહમાં 'નકલી હું' શૂન્યવત્ હોય છે, જ્યારે માણસમાં 'નકલી હું' કેન્દ્રસ્થાને હોય છે. પ્રાણીની ઇચ્છા આહાર-નિદ્રા-ભય-મૈથુન જેવી પ્રાથમિક જરૂરિયાતને લગતી હોય છે, જ્યારે માનવીની ઝંખનાઓ અંહકારની પેચીદી ગતિવિધિ બની રહે છે. જેમ કે, એક પુરુષ જ્યારે સૌથી રૂપાળી પત્ની ઝંખે છે ત્યારે એ ઝંખના ફક્ત એક સાદી, સાહજિક મનો-શારીરિક ઘટના બની રહેવાને બદલે એમાં અહંકાર ભળે છેઃ 'બીજાઓથી સારી પત્ની જોઈએ, લોકો જોઈને જલી જાય એવી પત્ની જોઈએ,મારો વટ પડી જાય એવી પત્ની જોઈએ...' આખી વાતમાં પત્નીના રૂપ કરતાં પોતાનો અહંકાર કેન્દ્રમાં આવી જાય છે.

'નકલી હું'ને પોતાનો તાપ ટકાવી રાખવા માટે, તાપણું જલતું રાખવા માટે સતત નવી નવી ઇચ્છાઓનાં લાકડાંની (બળતણની) જરૂર પડે. સિંહની જાતીય જરૂરિયાત પૂરી થાય એટલે એ શાંત થશે, થોડી વાર પડયો રહેશે. પણ માણસ એવી રીતે નહીં વર્તે. હજુ તો સમાગમ પૂરો થયાને અડધી મિનિટ પણ ન થઈ હોય ત્યાં માણસને એનો 'નકલી હું' યાદ કરાવશે કે 'જો તો, ફેસબુક પર મૂકેલા પેલા ફોટાને કેટલી લાઈક્સ મળી?' ટૂંકમાં, ઇચ્છાઓની દોડધામ અટકવી ન જોઈએ. એક ઇચ્છા પૂરી થાય કે તરત બીજી જાગે. એક પ્યાસ છિપાય કે તરત નવી પ્યાસ ભડકે. માણસ જિંદગીભર પ્યાસ-ટુ-પ્યાસ-ટુ-પ્યાસ દોડતો રહેવો જોઈએ, જેથી એ ઝંપીને બેસે નહીં અને 'નકલી હું'ની અસલિયત જોવા નવરો ન પડે.

ઇચ્છાપૂર્તિની કવાયત રમણ મહર્ષિએ કંઈક આવી રીતે સમજાવેલીઃ આપણી અંદર કોઈ એક વસ્તુની તીવ્ર ઇચ્છા જાગે ત્યારે આપણું ઘણુંખરું ધ્યાન એ ઇચ્છામાં પરોવાયેલું રહે છે. આપણે બીજું કશુંક કરતાં હોઈએ તો પણ મનનો એક હિસ્સો તો પેલી ઇચ્છામાં જ પરોવાયેલો રહે છે. એક અવિરત બેચેની આપણને સતાવતી રહે છે. મને એ ચીજ ક્યારે મળશે... ક્યારે મળશે... પછી એક તબક્કે એ ઇચ્છા પૂરી થાય, પેલી ચીજ મળી જાય, ત્યારે થોડી વાર બહુ સારું લાગે છે. એ જે સારું લાગે છે એનું મૂળ વસ્તુમાં નથી. વસ્તુ આપણને કશું નથી આપતી, પણ વસ્તુ મેળવવાનો વલવલાટ શાંત થવાથી આપણને સારું લાગે છે કે હાશ, અકળામણથી છૂટયો! વાત સમજાઈ? વસ્તુ મેળવવાથી જે ખુશી આપણને મળે છે એ ખુશી વસ્તુમાંથી નથી મળતી, પરંતુ વસ્તુની ઝંખનામાંથી, મનની પ્યાસમાંથી મળતી મુક્તિની એ ખુશી હોય છે. વાત સાચી કે ખોટી? સોચો...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.