ભરઉનાળે કબાટનું બારણું ફૂલી જાય તો સમજવું કે લાકડું રડે છે. કબાટનો એ હિસ્સો આજે રિસાઈને ખૂણામાં પડ્યો છે જે હિસ્સામાં અમે યુનિફોર્મ રાખતા.

કોઈ નાનું બાળક પોતાને મળેલી ચોકલેટ ખોવાયાની ફરિયાદ હાથ ફેલાવીને કરતું હોય, એવી જ રીતે કબાટ પોતાને મળેલી નિશાળ ખોવાયાની ફરિયાદ બારણા ફેલાવીને કરે છે.

આમ જોઈએ તો યુનિફોર્મમાંઆખી નિશાળ સંકેલાઈને કબાટમાં સચવાઈ જતી. યુનિફોર્મના ખિસ્સામાં ક્યારેક કોઈ પેન્સિલ રહી ગઈ હશે. યુનિફોર્મમાં રહેલી આ પેન્સિલ કબાટના લાકડામાં પોતાના પૂર્વજોને શોધતી. તે સમયે કબાટમાં નકામી વસ્તુઓના ઢગલાઓની વચ્ચે ક્યાંક નિશાળ પણ રહેતી. યુનિફોર્મમાંથી આવતી નિશાળની સુગંધ કબાટમાં રહેલી કોઈ અત્તરની શીશી જેવી લાગ્યા કરતી. કબાટમાં રહેલો ઇસ્ત્રીદાર યુનિફોર્મ પહેરતી વખતે કાયમ એવું લાગતું જાણે ભારત દેશનો રાષ્ટ્ર ધ્વજ પહેર્યો હોય.

જેમ જેમ વર્ષો વિતતા ગયા એમ કબાટ મોટો થવા લાગ્યો અને યુનિફોર્મ ટૂંકો. એક દિવસ એ કબાટમાં કોઈ ડાકુઓની જેમ બ્રાન્ડેડ કપડાઓ ધસી આવ્યા અને યુનિફોર્મ અદ્ર્ય્શથઈ ગયું.

ઘડી કરીને રાખેલા યુનિફોર્મની વચ્ચે નિશાળ પણ રાખેલી. એ નિશાળ હવે ક્યાંય મળતી નથી. રોજ સવારે કબાટ ‘ગુગલ’ની જેમ બ્રાન્ડેડ કપડાઓ Search કરે છે પણ પેલી અત્તરની શીશી જેવી સુગંધ હવે જડતી નથી.

ઘડી કરેલા યુનિફોર્મની જગ્યાએ કબાટમાં હવે ઘડી કરેલો ભૂતકાળ રાખેલો છે. નિશાળનો જ કોઈ દુર્લભ અંશ માનીને કબાટ યુનિફોર્મની જેમ જ હવે ભૂતકાળને પણ સાચવે છે.

આ આખો કબાટ મારી જાતમાં રહેલો છે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.